નાગાલૅન્ડમાં ભારત સામે 70 વર્ષથી સશસ્ત્ર વિદ્રોહ કેમ થઈ રહ્યો છે?

    • લેેખક, સુબીર ભૌમિક
    • પદ, કોલકાતા

ભારતીય સૈનિકોની ગોળીઓથી 14 નાગરિકોનાં મૃત્યુ થયાં એ પછી દેશના અશાંત ગણાતા ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલૅન્ડમાં ભારેલો અગ્નિ છે. પ્રશાસને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે અને વ્યાપક વિરોધપ્રદર્શનને અટકાવવા માટે કર્ફ્યૂ લાદી દેવાયો છે.

હિંસક બનાવો શનિવારે થયા હતા. રાજ્યના મોન જિલ્લામાં સૈન્યના એક પેટ્રોલિંગ દળે મજૂરોના એક સમૂહને ચરમપંથી સમજીને એમના પર ગોળીઓ વરસાવી હતી. આ ગોળીબારમાં છ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.

સૈન્યે આ ઘટનાને "ખોટી ઓળખનો મામલો" ગણાવી, પરંતુ સ્થાનિક નાગરિકોએ સૈન્યના આ દાવાને નકારી કાઢ્યો છે.

એટલું જ નહીં, એ ઘટના પછી સ્થાનિક નાગરિકોએ ગુસ્સે ભરાઈને એ વિસ્તારમાં ફરજ પરના સૈનિકો સાથે ઝપાઝપી કરી હતી. આ અથડામણમાં ભારતીય સૈન્યના એક જવાન ઉપરાંત સાત અન્ય લોકોનાં મૃત્યુ થયાં. રવિવારે બપોરે પ્રદર્શન કરનારા લોકોએ સૈન્યની એક છાવણી પર હુમલો કર્યો, એમાં પણ એક નાગરિકનું મૃત્યુ થયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે 'ઘેરા દુઃખની લાગણી' વ્યક્ત કરી છે. બીજી તરફ નાગાલૅન્ડની સરકારે આ ઘટના માટે વિશેષ તપાસપંચ (એસઆઇટી) દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ કરવાની બાહેંધરી આપી છે.

તાજેતરની સૌથી મોટી હિંસક ઘટના

નાગાલૅન્ડમાં ઘટેલી આ ઘટના તાજેતરનાં વરસોમાં થયેલી સૌથી હિંસક ઘટનાઓમાંની એક છે. નોંધ લઈએ કે ઘણા લાંબા અરસાથી નાગાલૅન્ડ ઉગ્રવાદ અને જાતીય હિંસાનો ભોગ બનેલું છે. સુરક્ષાદળો પર, ત્યાંના નિર્દોષ નાગરિકોને ખોટી રીતે નિશાન બનાવાયાનો આરોપ મુકાયો હોય એવો આ પહેલો બનાવ નથી.

શનિવારની આ ઘટના મ્યાંમારની સરહદ નજીક ત્યારે બની જ્યારે ભારતીય સૈન્યના સહયોગી અર્ધલશ્કરી દળ આસમ રાઇફલ્સના સૈનિકો ચરમપંથીઓ વિરુદ્ધના એક અભિયાનમાં હતા.

ભારતીય સૈન્ય અનુસાર, એ વિસ્તારમાં અલગાવવાદી (ઉગ્રવાદી) હુમલાખોરો હોવાની "વિશ્વસનીય ગુપ્ત માહિતી" મળ્યા પછી સૈનિક કાર્યવાહી કરતા હતા. એમના મતાનુસાર, સુરક્ષાદળો પર હુમલો કર્યા બાદ ઘણી વાર હુમલાખોરો મ્યાંમારમાં ઘૂસી જાય છે.

આ અઠવાડિયે રજાઓ ભોગવવા પોતાના ઘરે જતા કોલસાની ખાણના મજૂરોને લઈ જતી એક ટ્રક પર સૈનિકોએ ગોળીઓ છોડી હતી.

સ્થાનિક લોકોનો આરોપ છે કે કોઈ પણ જાતની ઉશ્કેરણી ન કરી હોવા છતાં એ ગોળીબાર કરવામાં આવ્યા હતા. જોકે સૈનિકોએ દાવો કર્યો છે કે મજૂરોએ જ્યારે "સહયોગ આપવાનો ઇન્કાર કરી દીધો" ત્યારે એમને તેઓ વિદ્રોહીઓ હોવાની શંકા થઈ હતી. ત્યાર બાદ તેમણે ગોળીબાર કર્યા હતા.

'ખોટી ઓળખનો મામલો'

સૈન્ય એમ કહે છે કે આ જે ગરબડ થઈ એ "ખોટી ઓળખનો મામલો" છે.

આ વિશે સુરક્ષા વિશ્લેષક જયદીપ સેકિયાએ જણાવ્યું કે, "આ ખરેખર ખોટી ઓળખનો મામલો છે. એટલા માટે જ રવિવારે જ્યારે ગુસ્સે થયેલી સ્થાનિક લોકોની ભીડે સૈનિકોની છાવણીને આગ લગાડી ત્યારે સૈનિકો ઘણા સંયમથી વર્ત્યા અને એક પણ ગોળી ન છોડી."

જોકે વિશેષજ્ઞો એમ કહે છે કે, "ખોટી ઓળખ"ની વાત "વિશ્વસનીય ગુપ્ત માહિતી"માંની ખામી દર્શાવે છે. સાથે જ ચરમપંથવિરોધી અભિયાનો અંગે પણ સવાલો ઊભા કરે છે. નાગાલૅન્ડ પોલીસે સુરક્ષાદળોની વિરુદ્ધ થયેલી ફરિયાદમાં કહ્યું છે કે "સ્પષ્ટ" છે કે એમનો "ઇરાદો" "નાગરિકોની હત્યા અને એમને ઘાયલ કરવાનો" હતો.

પૂર્વોત્તર ભારત વિશે લખનારા અને ટિપ્પણી કરનારા સંજય હજારિકાએ જણાવ્યું કે, "આ ભયાનક અને અપમાનજનક છે." તેઓ માને છે કે, આફ્સ્પા (AFPSA) કાયદા અનુસાર "સુરક્ષાદળોને મળેલી સર્વવ્યાપી સુરક્ષા" આ અશાંત પ્રદેશ માટે "ન્યાયના માર્ગની સૌથી મોટી અડચણ" છે.

વાસ્તવમાં, આફ્સ્પા, એટલે કે સશસ્ત્ર દળ વિશેષાધિકાર કાયદો, એક વિવાદાસ્પદ કાયદો છે જે વિદ્રોહીઓ સામે કામ કરવા માટે સુરક્ષાદળોને તલાશી લેવાનો અને ધરપકડનો અધિકાર આપે છે. આ કાયદો, કોઈ કાર્યવાહી દરમિયાન ભૂલથી કે જરૂરિયાતની સ્થિતિમાં, કોઈ નાગરિકને મારી નાખનાર સૈનિકોને પણ બચાવે છે.

આલોચકો આ કાયદાને "ખોટી હત્યાઓ" માટે દોષિત ઠરાવે છે અને કહે છે કે આનો અવારનવાર દુરુપયોગ થાય છે.

આઝાદીની સાથે જ શરૂ થઈ છે આ લડાઈ

1950ના દાયકાથી નાગાલૅન્ડમાં સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. આ આંદોલનની માગ છે કે નાગા લોકોનો પોતાનો સાર્વભૌમ પ્રદેશ હોય. એમાં નાગાલૅન્ડ ઉપરાંત એનાં પડોશી રાજ્યો આસામ, મણિપુર, અરુણાચલપ્રદેશની સાથે જ મ્યાંમારના નાગા લોકોના વસ્તી ધરાવતા બધા વિસ્તારોનો સમાવેશ કરાય.

1975માં થયેલી એક સમજૂતી પછી સૌથી મોટા નાગા વિદ્રોહી જૂથ 'નાગા નેશનલ કાઉન્સિલ'એ આત્મસમર્પણ કરી દીધું હતું. પરંતુ બીજા એક જૂથ 'નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડ' (NSCN)એ એ સમજૂતીનો વિરોધ કરીને લડતા રહેવાનો નિર્ણય કર્યો હતો. એનએસસીએનમાં ચીનમાં પ્રશિક્ષણ મેળવેલા અને ત્યાંથી હથિયાર મેળવનાર વિદ્રોહીઓ સામેલ છે.

જોકે 1997માં ટી. મુઇવાના નેતૃત્વવાળા એનએસસીએનના મુખ્ય જૂથે યુદ્ધવિરામ માટે સહમત થઈને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ શરૂ કરી હતી.

2015માં સહી કર્યા પછી બંને પક્ષો સમજૂતી કરારના માળખા અંગે સહમત થયા, એ માળખું અંતિમ સમજૂતીનો આધાર બન્યું. જોકે અલગ ઝંડા અને અલગ બંધારણની માગ ઊભી હોવાના કારણે આ વાટાઘાટ હાલ સ્થગિત છે, કેમ કે ભારત સરકાર આ માગણીઓ માન્ય કરવા રાજી નથી.

શનિવારે જે ઘટના બની એ ખરેખર તો ભારતીય સૈનિકો એનએસસીએનના બીજા જૂથના વિદ્રોહીઓને શોધતા હતા એ દરમિયાન બની. એ જૂથ કેન્દ્ર સરકાર સાથેની મુઇવા જૂથની વાટાઘાટનો વિરોધ કરે છે અને મ્યાંમારના સાગિંગમાં બનાવેલા પોતાના થાણા (કૅમ્પ) પરથી હુમલા કરે છે.

મ્યાંમારની સરહદે ઘણાં વિદ્રોહી જૂથ સક્રિય

ભારત અને મ્યાંમાર વચ્ચે 1,643 કિ.મી.ની સરહદ છે. એમાંનો મોટા ભાગનો વિસ્તાર પહાડી છે, જેની બંને તરફ કેટલાંય અલગતાવાદી વિદ્રોહી સંગઠનોનાં થાણાં (કૅમ્પ) છે.

પીપલ્સ લિબરેશન આર્મી એ સંગઠનોમાંનું એક છે, જે પડોશી રાજ્ય મણિપુરમાં સક્રિય છે. પીએલએએ ગયા મહિને અસમ રાઇફલ્સની ટુકડી પર હુમલો કર્યો હતો. એ હુમલામાં સૈન્યના એક કર્નલ, એમનાં પત્ની અને નાના દીકરા સહિત ચાર સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

કેટલાક લોકો એમ કહે છે કે પોતાના કમાન્ડરની થયેલી હત્યાનો બદલો લેવા માટે સૈન્યના જવાનો વ્યાકુળ હતા.

બીજી તરફ, ઘણા એમ પણ માને છે કે વિદ્રોહીઓને માર્ગમાંથી હઠાવવાની સેનાની રણનીતિ હવે જૂની થઈ ગઈ છે. શક્તિના જોરે "પ્રદેશ પર વર્ચસ્વ" જમાવવાના પ્રયાસ કરવા ઘણા અંશે ખોટું છે. એવા લોકો માને છે કે સેનાને "વિશ્વસનીય ગુપ્ત માહિતી" મેળવવા માટે ત્યાંના લોકોનાં "દિલ અને દિમાગ" બંને જીતવાની જરૂર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો