જનરલ બિપિન રાવત : હેલિકૉપ્ટર દુર્ઘટનાને નજરે જોનાર સાક્ષીએ કહ્યું, 'મેં એક વ્યક્તિને સળગતી જોઈ હતી'

"મેં મારી નજરે માત્ર એક જ વ્યક્તિને જોઈ. એ સળગી રહી હતી અને અને પછી નીચે પડી ગઈ. હું ખળભળી ગયો."

આ જાણકારી કૃષ્ણાસ્વામીએ આપી. તેઓ બુધવારે થયેલા હેલિકૉપ્ટર અકસ્માતને નજરે જોનારા સાક્ષી છે. એ દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હતું.

જનરલ રાવત ઉપરાંત આ અકસ્માતમાં તેમનાં પત્ની અને હેલિકૉપ્ટરમાં સવાર અન્ય 11 લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાંથી એક માત્ર જીવિત બચેલા શખ્સ છે કૅપ્ટન વરુણસિંહ. તેમની સારવાર ચાલી રહી છે.

વાયુ સેનાએ જણાવ્યું છે કે દુર્ઘટનાનાં કારણોની તપાસ ચાલી રહી છે.

દુર્ઘટનાના સાક્ષી કૃષ્ણાસ્વામી 68 વર્ષના છે. જે જગ્યાએ હેલિકૉપ્ટર ક્રૅશ થયું એ ઘટનાસ્થળની તેઓ નજીક જ રહે છે. તેમણે આ અંગેની આખી વાત જણાવી હતી.

સાક્ષીએ શું જોયું?

તેમણે જણાવ્યું, "હું નાનજપ્પા સૈથિરામનો રહેવાસી છું. અમારા ઘરમાં પાણી ભરાયું હતું કેમ કે પાઇપ તૂટી ગયો હતો. તેથી હું અને ચંદ્રકુમાર એનું સમારકામ કરતા હતા. હું ઘર માટે લાકડાં લેવા ગયો હતો. ત્યાં એક જોરદાર અવાજ સંભળાયો."

"વિસ્ફોટથી વીજળીના થાંભલા પણ હલી ગયા હતા. ઝાડ ઊખડી ગયાં હતાં. અમે જોયું તો ધુમાડો ઊઠી રહ્યો હતો અને એનાથી આખો વિસ્તાર ઢંકાઈ ગયો હતો."

"ઝાડની ઉપરથી આગની જ્વાળા ઊઠતી દેખાતી હતી. મેં મારી નજરે માત્ર એક જ વ્યક્તિને જોઈ. એ સળગી રહી હતી અને અને પછી નીચે પડી ગઈ. હું ખળભળી ગયો.".

"હું દોડીને પાછો આવ્યો અને લોકોને કહ્યું કે તેઓ ફાયર બ્રિગેડ અને પોલીસને બોલાવે. થોડા સમય બાદ અધિકારીઓ પણ આવી ગયા. એ બાદ મેં મૃતદેહોને લઈ જવાતા નથી જોયા. હું આઘાતમાં હતો. ઘરે આવ્યો અને આડો પડ્યો."

અંતિમ સફર

જનરલ રાવત અને તેમનાં પત્ની સહિત 14 લોકો ભારતીય વાયુ સેનાના Mi-17V5 હેલિકૉપ્ટરમાં સવાર હતાં. આ હેલિકૉપ્ટર તામિલનાડુના કુન્નૂરમાં ક્રૅશ થઈ ગયું.

હેલિકૉપ્ટર સુલૂરના આર્મી બૅઝથી નીકળ્યું હતું અને જનરલ રાવતને લઈને વૅલિંગ્ટન આર્મી બૅઝ તરફ જઈ રહ્યું હતું.

પ્રથમ સીડીએસ

જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2019ના રોજ ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે પદભાર સંભાળ્યો હતો.

CDS તરીકે જનરલ રાવતની જવાબદારીઓમાં ભારતીય સેનાનાં વિવિધ અંગોમાં તાલમેલ અને સૈન્ય આધુનિકીકરણ જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સામેલ હતી.

જનરલ રાવત આ પહેલાં ભારતીય સેનાના પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી 1 જાન્યુઆરી 2017 સુધી ભારતના 26મા સૈન્યપ્રમુખ રહ્યા.

પિતા હતા લેફ્ટન્ટ જનરલ

જનરલ રાવતનો જન્મ 16 માર્ચ, 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક સૈન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈન્યમાં લેફ્ટન્ટ જનરલ હતા.

ભારતીય સૈન્યની વેબસાઇટ પર અપાયેલી જાણકારી અનુસાર જનરલ રાવત 1978માં સેનામાં સામેલ થયા હતા.

શિમલાની સેન્ટ ઍડવર્ડ્સ સ્કૂલમાંથી ભણ્યા બાદ તેમણે ખડકવાસલાની નેશનલ ડિફેન્સ અકાદમીમાં સૈન્યપ્રશિક્ષણ હાંસલ કર્યું.

દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીથી ટ્રેનિંગ મેળવ્યા બાદ તેઓ 11મી ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. ગોરખા બ્રિગેડમાંથી સેનાના સર્વોચ્ચ પદ પર પહોંચનારા તેઓ ચોથા ઑફિસર હતા.

ચાર દાયકા લાંબા સૈન્ય જીવનમાં જનરલ રાવતને સૈન્યમાં બહાદુરી અને યોગદાન માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ સિવાય અન્ય ઘણાં સન્માન મળ્યાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો