MI-17V5 : એ હેલિકૉપ્ટર જે બિપિન રાવત સમેત અનેક લોકો માટે મૃત્યુનું કારણ બન્યું

ભારતીય વાયુ સેનાનું હેલિકૉપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને આ દુર્ઘટનામાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સમેત સેનાના વરિષ્ઠ અધિકારીઓનું નિધન થયું છે.

આ હેલિકૉપ્ટરમાં ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા અને તે પૈકી 13 લોકો મૃત્યુ પામ્યાં છે. દુર્ઘટનામાં બિપિન રાવતનાં પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે.

ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પ્રમાણે આ એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર હતું જે ક્રેશ થઈ ગયું.

આ હેલિકૉપ્ટર ભારતે રશિયા પાસેથી ખરીદ્યું હતું અને સુરક્ષિત ગણાતું આ હેલિકૉપ્ટર ઘણી રીતે ખાસ છે અને દેશના મહત્ત્વના લોકોની અવરજવર માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ અગાઉ પણ આ હેલિકૉપ્ટર ક્રૅશ થઈ જવાની ઘટનાઓ બની છે.

એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થવાના અન્ય કિસ્સા

વર્ષ 2013માં કેદારનાથમાં સર્જાયેલી હોનારત બાદ રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. જેમાં 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, આ દુર્ઘટનાના મૃતકોમાં એનડીઆરએફના નવ અને આઇટીબીપીના છ જવાનો પણ સામેલ હતા.

ઑક્ટોબર 2017માં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઍરફૉર્સનું એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. જેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સવારે 6 વાગ્યાના સુમારે ઍર મેન્ટનન્સ મિશન દરમિયાન ચીન બૉર્ડર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

મૃતકોમાં ઍરફૉર્સના પાંચ અને આર્મીના બે જવાનોનો સમાવેશ થતો હતો. ફેબ્રુઆરી 2019માં શ્રીનગર ખાતે એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ધડાકાભેર ક્રૅશ થયું હતું.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ દુર્ઘટનામાં ભારતીય વાયુ સેનાના છ જવાનો અને સામાન્ય નાગરિકનાં મોત નીપજ્યાં હતાં.

ભારત અને રશિયન હેલિકૉપ્ટર

રક્ષા મંત્રાલય દ્વારા વર્ષ 2008માં પ્રથમ વખત રશિયન હેલિકૉપ્ટરનો ઑર્ડર આપવામાં આવ્યો હતો.

જેની ડિલિવરી 2011માં શરૂ થઈ હતી અને 2013 સુધીમાં કુલ 36 હેલિકૉપ્ટર ભારતને પહોંચાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ફેબ્રુઆરી 2013માં ઍરો શૉ દરમિયાન પણ ભારત દ્વારા 12 એમઆઈ-17વી5 હેલિકૉપ્ટરોનો ઑર્ડર આપ્યો હતો.

ઈકૉનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, વર્ષ 2008માં થયેલી ડીલના ભાગરૂપે સંરક્ષણમંત્રાલય અને રોઝોબોરોનએક્સપોર્ટ વચ્ચે વર્ષ 2012-13માં 71 એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર માટે કરાર કર્યો હતો.

આ કરાર અંતર્ગત ઑર્ડરની છેલ્લી બૅચ ભારતને જુલાઈ 2018માં મોકલવામાં આવી હતી.

એમઆઈ-17વી5 અને તેની ખાસિયતો

એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર્સની ઉત્પાદક કંપની રશિયન હેલિકૉપ્ટર્સની વૅબસાઇટ પ્રમાણે, આ હેલિકૉપ્ટરો એ એમઆઈ-8/17 હેલિકૉપ્ટર્સ શ્રેણીનું મિલિટરી ટ્રાન્સપોર્ટ વૅરિયન્ટ છે.

આ હેલિકૉપ્ટર્સ રશિયન હેલિકૉપ્ટરોની ગૌણ કંપની કઝાન હેલિકૉપ્ટર્સ દ્વારા બનાવવામાં આવે છે.

આ હેલિકૉપ્ટર ટ્રાન્સપોર્ટ કાર્ગો તરીકે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં.

જોકે, તેમાં મૉડિફિકેશન કરીને તેનો ઉપયોગ સૈનિકોની અવરજવર માટે પણ કરી શકાય તેમ છે. આ હેલિકૉપ્ટર વિશ્વભરમાં સૌથી અદ્યતન ટ્રાન્સપોર્ટ હેલિકૉપ્ટર હોવાનો કંપનીનો દાવો છે.

કંપની પ્રમાણે, હેલિકૉપ્ટરનો ઉપયોગ સૈનિકો અને શસ્ત્રોની હેરફેર માટે, વીવીઆઈપીઓની અવરજવર માટે, નજર રાખવા માટે તેમજ રેસ્ક્યૂ ઑપરેશન માટે પણ કરી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો