ગુજરાત : કોરોનામાં ધારાસભ્યોએ ખાનગી હૉસ્પિટલમાં સારવારનાં 2 કરોડનાં બિલ મૂક્યાં, હર્ષ સંઘવીનો ક્લેમ સૌથી વધારે - TOP NEWS

'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર, 43થી વધુ ધારાસભ્યોએ જૂન 2020 અને નવેમ્બર 2021ની વચ્ચે કોવિડ અને અન્ય બીમારીઓની સારવાર માટે ગુજરાત સરકાર પાસે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો ક્લેમ કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી વધુ 17 લાખ રૂપિયાના બિલનો ક્લેમ કર્યો અને તે પછીના ક્રમે કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે 16.98 લાખ રૂપિયાનો ક્લેમ કર્યો હતો.

અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત સરકારની સરકારી હૉસ્પિટલોમાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાના દાવા વચ્ચે છેલ્લા દોઢ વર્ષમાં ખાનગી હૉસ્પિટલોમાં સારવાર-ખર્ચ પેટે ધારાસભ્યોએ કુલ 2 કરોડ રૂપિયાથી વધારે રકમનો ક્લેમ કર્યો છે.

એક આરટીઆઈના જવાબમાં ભાજપ અને કૉંગ્રેસ એમ બંને પક્ષના 43થી વધુ ધારાસભ્યોએ જૂન 2020 અને નવેમ્બર 2021 વચ્ચે કોવિડ-19 અને અન્ય બીમારીઓની સારવાર માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો દાવો કર્યો છે.

સુરતની મજુરા બેઠકના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સૌથી નાની વયના છે. તેમણે સૌથી વધુ રકમ 17 લાખનો ક્લેમ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ચાર વખત તેમનાં બિલ મંજૂર કરવામાં આવ્યાં હતાં.

આરટીઆઈ કાર્યકર્તા રાજ સિસોદિયાએ આ માહિતી માગી હતી. વિધાનસભાના નાયબ સચિવે માહિતી પૂરી પાડી હતી.

આરટીઆઈના જવાબમાં ધારાસભ્યો દ્વારા કોવિડ-19 સારવાર પાછળ ખર્ચવામાં આવેલી રકમ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગુજરાતમાં દૈનિક કોરોના કેસ ગત અઠવાડિયા કરતાં બમણા

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં મંગળવારે એક દિવસમાં કોરોનાના 61 કેસ નોંધાયા છે.

જે રાજ્યમાં નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દૈનિક ધોરણે નોંધાતા 30 જેટલા કોરોના કેસ કરતાં લગભગ બમણી સંખ્યા છે.

નવા 61 કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા છે. જેમાં ગુરુકુળ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

અન્ય શહેરોમાં સુરતમાં સાત કેસ, વડોદરામાં છ કેસ, ભાવનગરમાં છ કેસ અને જામનગરમાં ત્રણ કેસ નોંધાયા છે.

શ્રીલંકનના લિંચિંગ મામલે કરાયેલી ટિપ્પણીથી પાકિસ્તાનના મંત્રી સામે રોષ

'ધ પ્રિન્ટ'ના અહેવાલ મુંજબ, શ્રીલંકન વ્યક્તિના લિંચિંગ મુદ્દે પાકિસ્તાનના મંત્રી પરવેઝ ખટ્ટકે કરેલી ટિપ્પણીને લઈને દેશમાં રોષ ફેલાયો છે.

પાકિસ્તાની અખબાર 'ડૉન' સાથેની એક મુલાકાતમાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી પરવેઝ ખટ્ટકને પૂછવામાં આવ્યું હતું કે શું સરકારે તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP) પરનો પ્રતિબંધ હઠાવ્યો એ સાથે કથિત 'ઈશનિંદા'ના નામે 100થી વધુ માણસોના ટોળાએ સિયાલકોટ લિંચિંગ કર્યુ હતું?

મંત્રીએ કહ્યું હતું: ''બચ્ચે હૈ, બડે હોતે હૈ, ઇસ્લામી દીન હૈ, જોશ જ્યાદા હૈ, જોશ જજ્બે મેં વો કામ કર લેતે હૈ."

મંત્રીના આ જવાબથી લોકો ભારે નારાજ છે અને સોશિયલ મિડિયામાં મંત્રીને "પાકિસ્તાનના મુલાયમસિંહ" ગણાવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનીઓ એવું પણ કહી રહ્યા છે કે મંત્રીના 'અપરિપક્વ જવાબ'થી દેશ શરમજનક સ્થિતિમાં મૂકાયો છે.

નોંધનીય છે કે સિયાલકોટની ફેકટરીમાં કામ કરનારા એક શ્રીલંકન નાગરિકની કથિત 'ઈશનિંદા'ના નામે ટોળાએ ક્રૂર હત્યા કરી નાખી હતી.

સ્થાનિકસ્વરાજ ચૂંટણી : 1,267 ગ્રામ પંચાયતો બિનહરીફ

ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યની 1267 ગ્રામપંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં 19 ડિસેમ્બરે 10,118 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે.

રાજ્યમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 130 ગ્રામપંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે બીજા ક્રમે સુરત જિલ્લા અને ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

જ્યારે સૌથી ઓછી સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયતો ડાંગ અને નર્મદા જિલ્લામાં જાહેર કરાઈ છે.

સંપૂર્ણ ગ્રામ બિનહરીફ થયેલી પંચાયતોને 'સમરસ ગ્રામપંચાયત' કહેવામાં આવે છે અને આવી પંચાયતોને સમરસ ગ્રામ યોજના અતંર્ગત રાજ્ય સરકાર તરફથી 1 લાખ રૂપિયાથી લઈને 12 લાખ રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો