You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન પર કોરોનાની રસી કારગત છે કે નહીં? WHOએ શું કહ્યું?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક અધિકારીનું કહેવું છે કે હાલમાં વિશ્વમાં જે કોરોના રસીઓ આપવામાં આવી રહી છે તે કોવિડના નવા વૅરિયન્ટ ઓમિક્રૉન સામે લડવામાં સક્ષમ છે.
WHOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકાની એક લૅબમાં પરીક્ષણો બાદ જાણવા મળ્યું છે કે ફાઇઝરની રસી ઓમિક્રૉન પર માત્ર આંશિક અસર કરે છે.
WHOના ડૉ. માઇક રયાને કહ્યું કે એવા કોઈ સંકેત નથી કે ઓમિક્રૉન વૅરિયન્ટ પર રસીની અસર બાકીના વૅરિયન્ટની સરખામણીમાં ઓછી હશે.
ડૉ. રયાને સમાચાર સંસ્થા AFPને જણાવ્યું, "આપણી પાસે ખૂબ જ અસરકારક રસીઓ છે. એવું વિચારવાનું કોઈ કારણ નથી કે તે ઓમિક્રૉન પર રસીની ઓછી અસર થશે."
તેમણે એમ પણ કહ્યું કે પ્રારંભિક ડેટા દર્શાવે છે કે ઑમિક્રોન ડેલ્ટા અને અન્ય વૅરિયન્ટ કરતાં ઓછો ગંભીર છે.
દક્ષિણ આફ્રિકાના સંશોધનમાં સહભાગી રહેલા વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર ઍલેક્સ સિગલે પણ કહ્યું કે "ઓમિક્રૉનના જોખમ અંગે 12 લોકોનાં રક્તપરીક્ષણનાં પરિણામો અપેક્ષા કરતાં સારાં હતાં. રસી હજુ પણ અસરકારક સાબિત થઈ શકે છે."
તેમના મતે, અભ્યાસ સૂચવે છે કે બૂસ્ટર ડોઝ કોરોનાના નવા વૅરિયન્ટ સામે કારગત નિવડી શકે છે.
ઓમિક્રૉનથી ભારતમાં ત્રીજી લહેરની આશંકા?
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ઓમિક્રૉન વાઇરસને હાલ ચિંતાજનક વૅરિયન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચિંતાજનક વૅરિયન્ટમાં કેમ મૂકવામાં આવ્યો છે તેની વાત કરતાં સ્વાસ્થ્યમંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની વ્યાખ્યાને ટાંકીને કહ્યું કે રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો હોય અથવા તેમાં હાનિકારક ફેરફાર જોવા મળ્યા હોય ત્યારે તેને ચિંતાજનક વૅરિયન્ટમાં મૂકવામાં આવે છે.
આ ઉપરાંત રોગનાં લક્ષણોમાં ફેરફાર જોવા મળે, રસીની અસરકારકતાને રોગ ઘટાડતો હોય તો તેને પણ ચિંતાજનક રોગની યાદીમાં મૂકવામાં આવે છે.
સરકાર કહે છે કે પ્રાથમિક રીતે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કોરોના વાઇરસમાં ભારે ફેરફાર આવ્યા છે, જેવા કે ફરીથી ચેપ ઝડપથી લાગી રહ્યો છે. ઓમિક્રૉન વૅરિયન્ટ રોગપ્રતિકારક શક્તિ કેટલી ઘટાડે છે? તેના ચોક્કસ પુરાવાની રાહ જોવાઈ રહી છે.
દક્ષિણ આફ્રિકાની બહારના દેશોમાં જે પ્રકારે ઓમિક્રૉનના કેસ વધુને વધુ નોંધાઈ રહ્યા છે અને તેની વિશેષતાઓને જોતાં, તે ભારત સહિત બીજા દેશોમાં ફેલાય તેવી શક્યતા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને પણ તમામ દેશોને ચેતવણી પણ આપી છે.
જોકે, કેસોમાં વધારો કેટલી ઝડપે અને કેટલો થશે તે હજી સુધી જાણી શકાયું નથી કારણ કે હાલ સુધી રોગની તીવ્રતા સ્પષ્ટ થઈ શકી નથી.
ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઝડપથી થઈ રહેલાં રસીકરણ અને ડેલ્ટા વૅરિયન્ટના ફેલાવા દરમિયાન સિરોપૉઝિટિવીટી સરવેમાં જે પરિણામ જોવા મળ્યું હતું તેને જોતાં લાગે છે કે આ વૅરિયન્ટની એટલી ગંભીર અસર નહીં થાય.
જોકે, વૈજ્ઞાનિક પુરાવા હજુ પણ વિકસિત થઈ રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો