ખેડૂત આંદોલન સમેટાઈ જશે કે ચાલુ રહેશે? ગુરુવારે લેવાશે નિર્ણય

સંયુક્ત કિસાન મોર્ચાની બુધવારે થયેલી બેઠક પછી ખેડૂત નેતાઓએ જણાવ્યું કે આંદોલન પર ગુરુવારે નિર્ણય લેવામાં આવશે.

બેઠક પછી એસકેએમના નેતાઓએ જણાવ્યું કે, " સરકાર તરફથી જે ડ્રાફ્ટ આવ્યો હતો તેના પર અમારી તરફથી સહમતી બની ગઈ છે. અમે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી તેની પર સહમતી દર્શાવી છે. સરકાર તરફથી આધિકારિક પત્ર આવી જાય તો અમે કાલે તેના પર નિર્ણય કરશું."

ખેડૂત નેતાઓએ ભાર મૂકતાં કહ્યું, "આજે જે ડ્રાફ્ટ આવ્યો છે તેની પર અમારા તરફથી સહમતી થઈ ગઈ છે. "

આની પહેલાં બુધવારની સવારે સંયુક્ત કિસાન મોર્ચાની પાંચ સભ્યોની કમિટીના સભ્ય અશોક ધાવલેએ કહ્યું કે ખેડૂતોને જે પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મોકલ્યો છે, તેમાં કેટલીક કમી છે, જે અંગે સૂચનો સાથે સરકારને પ્રસ્તાવ પાછો મોકલવામાં આવ્યો છે.

તેમણે માગ કરી છે કે કેન્દ્ર સરકાર પંજાબ સરકાર તરફથી આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે.

એમએસપીનો પ્રશ્ન

કેટલાક ખેડૂતોએ કહ્યું કે ગૃહમંત્રાલયના પ્રસ્તાવની ભાષાને ઠીક કરવામાં આવે તો તેઓ આંદોલન સમાપ્ત કરવા માટે તૈયાર છે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે ખેડૂત નેતાઓ સામે વાર્તા માટે બેસવું જોઈએ

એમએસપી ગૅરન્ટીને કાયદાકીય કવચ આપવું એ ટિકૈતના સમર્થકો માટે હજી પણ સૌથી મોટો મુદ્દો છે.

દેશના બીજા ભાગોમાં હરિયાણા અને પંજાબમાં જે હાલની એમએસપી સિસ્ટમ છે એ પ્રભાવી નથી.

બીજી તરફ ગૃહમંત્રાલયે પોતાના પ્રસ્તાવમાં એમએસપી ગૅરન્ટીને લઈને માત્ર કમિટી બનાવવાની વાત કહી છે અને આ કમિટીમાં સંયુક્ત કિસાન મોર્ચાના લોકોને પણ સામેલ કરી શકાય છે.

આ કમિટીમાં એમએસપીની સાથે અન્ય મુદ્દાઓ પર પણ વાત થશે.

ખેડૂતોની માગ છે તે આંદોલન ખતમ થાય તે પહેલાં ખેડૂતો પર દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવામાં આવે. આ કેસ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી પોલીસના છે.

પંજાબમાં ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું, "આંદોલન ત્યારે ખતમ થશે જ્યારે કેસ પાછા ખેંચાશે અને આમાં કોઈ શરત ન હોવી જોઈએ."

બીકેયુના બીજા પક્ષનું નેતૃત્વ કરનાર હરિયાણાના ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ કહ્યું કે સમયસીમાની અંદર ખેડૂતો પર થયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ અને જ્યારે આંદલનકારી ખેડૂતોનું મૃત્યુ થયું છે, તેમના પરિજનોને આર્થિક સહાયતા આપવામાં આવે.

ગુરનામસિંહે કહ્યું કે બધા રાજ્યો પંજાબની જેમ વળતર આપે. પંજાબ સરકારે મૃતક ખેડૂતોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું.

સરકારના પ્રસ્તાવ અંગે આંશકાઓ

આ પહેલાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને લઈને કેટલીક આશંકાઓ છે.

તેમણે કહ્યું, "સરકારે પ્રસ્તાવ મોકલ્યો હતો કે તેઓ અમારી માગ પર સહમત છે અને અમારે અમારું આંદોલન પાછું લઈ લેવું જોઈએ. પરંતુ સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી."

તેમણે જણાવ્યું હતું કે બધી બાબતોનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ ઘરે નહીં જાય.

રાકેશ ટિકૈતે કહ્યું કે "અમારું આંદોલન ક્યાંય નહીં જાય. અમે અહીં જ રહીશું. બીજી તરફ બેઠક પછી સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે તેમણે સરકારના પ્રસ્તાવ પર સ્પષ્ટીકરણ માગ્યું છે અને બુધવારે ફરી આ મુદ્દા પર બેઠક થશે."

સંયુક્ત કિસાન મોર્ચાના નેતા યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું, "પાંચ સભ્યોની કમિટીની એક અગત્યની બેઠક થઈ. તેમાં સરકાર તરફથી આવેલા પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો. તે પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોરચાના સાથીઓ સાથે બેઠક થઈ, ચર્ચા થઈ. કેટલાક સભ્યોને સ્પષ્ટીકરણ જોઈએ છે."

કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમની માગને લઈને લેખિત આશ્વાસન આપ્યું છે.

આ આશ્વાસનમાં એમએસપી (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) માટે કાયદાકીય ગૅરન્ટી પણ સામેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો