You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેશ પટેલ : ગુજરાતના પાટીદાર અગ્રણીનું નિવેદન રાજકીય ચેતવણી કે મહત્ત્વાકાંક્ષા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લેઉઆ પટેલ સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામના નરેશ પટેલનના નિવેદનથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
તેમણે બેઠક પૂર્વે કહ્યું હતું કે જો સમાજ 'આદેશ' કરશે તો રાજકારણમાં આવવું પડશે.
આ પહેલાં શનિવારે તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે આ મુલાકાત રાજકીય ન હતી અને કૉંગ્રેસમાં જોડાવું કે નહીં, તે સમય આવ્યે નક્કી થશે.
આ પહેલાં જૂન મહિનામાં તેમણે નિવેદન આપ્યું હતું કે 'ગુજરાતનો આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમાજનો હોવો જોઈએ, એમ અમે ઇચ્છીએ છીએ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે તક છે.'
એ પછી ગુજરાતમાંથી વિજય રૂપાણી સરકારનું પતન થયું હતું અને આનંદીબહેન પટેલના વિશ્વાસુ મનાતા ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા હતા.
નરેશ પટેલના નિવેદનનો મતલબ?
બેઠક પૂર્વે પત્રકારો સાથે વાત કરતાં નરેશ પટેલે કહ્યું હતું, "ભરતસિંહ સોલંકી સાથેની મુલાકાત રાજકીય ન હતી. કૉગ્રેસમાં જોડાઇશ કે નહીં તે સમય નક્કી કરશે."
સાથે જ ઉમેર્યું હતું, "ભાજપ અને કૉંગ્રેસ બંને બોલાવી રહ્યાં છે, પરંતુ હાલમાં રાજકારણમાં જવાનો મારો કોઈ વિચાર નથી, પરંતુ જો સમાજ આદેશ કરશે તો રાજકારણમાં આવવું પડશે."
શું તેમનુ નિવેદન રાજકીય મહત્ત્વકાંક્ષાનું દ્યોતક છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેવા સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય વિશ્લેષક અલ્કેશ પટેલે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંતને જણાવ્યું, "મને લાગે છે કે તેઓ રાજકારણમાં આવવાની ઇચ્છા ધરાવે છે. આ પ્રકારનાં નિવેદનો દ્વારા ફિલર આપીને તેઓ બંને પક્ષોને તપાસી રહ્યા છે. જે પક્ષ તરફથી ઇચ્છિત પ્રતિસાદ મળે, તેની તરફ ઢળવાની ગણતરી હોય તેમ જણાય છે."
આ પહેલાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પ્રશંસા કરનારા પટેલ શું આપમાં જોડાઈ શકે છે, તેના જવાબમાં અલ્કેશ પટેલ કહે છે, "આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે, પરંતુ તેઓ આપમાં જાય તેમ લાગતું નથી."
નરેશ પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સાથે પણ બંધબારણે મુલાકાત કરી હતી, જેમાં કથિત રીતે તેમને મનાવવાના પ્રયાસ થયા હતા.
ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી સાથેની બેઠક દરમિયાન ખોડલધામ ઉપરાંત કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા ઉમિયાધામના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ સિવાય પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયા તથા દીનેશ બાંભણિયા વગેરે પણ હાજર રહ્યા હોવાના અહેવાલ છે.
આ બેઠકમાં પાટીદારો સામે ચાલી રહેલા કેસને પડતા મૂકવા તથા 2015માં પોલીસ કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામેલાઓના પરિવારજનોને વળતર આપવા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી.
નરેશ પટેલનાં નિવેદનો
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણી પહેલાં સમાજના એક કાર્યક્રમ દરમિયાન જસદણમાં તેમણે કહ્યું હતું, "સરપંચથી લઈને સંસદસભ્ય તથા કલેક્ટરથી લઈને કલાર્ક સુધી પાટીદારો હોવા જોઈએ."
એ પહેલાં જ જૂન મહિનામાં રાજકીય પરિસ્થિતિ ઉપર ટિપ્પણી કરતાં કહ્યું હતું, "અમે ઇચ્છીએ કે ગુજરાતનો આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમાજનો હોય. ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવતો નથી, પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ જોતાં લાગે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેને ફાયદો થઈ શકે છે."
એ પછી ગુજરાતમાં વિજય રૂપાણી તથા તેમની કૅબિનેટનું પતન થયું હતું અને કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા હતા.
રાજકારણ સંદર્ભે તેમણે કરેલું આ નિવેદન નવું નથી. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે કહ્યું હતું, "વ્યક્તિગત રીતે હું ગુજરાતમાં પરિવર્તન (મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીના બદલે અન્ય કોઈને) જોવા ઇચ્છીશ."
એ વખતે કાગવડ ખાતે સમાજના કુળદેવી ખોડિયાર માતાના મંદિરના ભૂમિપૂજન વખતે 21 લાખ લેઉઆ પાટીદારોને એકઠા કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.
એ ચૂંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું અને બે બેઠક જીતી હતી. કથિત રીતે તેમણે જ પોતાના પૂર્વ પાડોશી કેશુભાઈ પટેલને અલગ પાર્ટી ઊભી કરવા તથા મોદીને પડકારવા માટે તૈયાર કર્યા હતા.
ચાલુ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નરેશ પટેલે ઊંઝા ખાતે ઉમિયાધામની મુલાકાત લેતી વખતે કહ્યું હતું, "મહદ્અંશે આપણે સંગઠિત થયા છીએ, પરંતુ હજુ કોઈક ઊણપ છે. ઘણા સમાજના લોકો ટાંટિયા ખેંચે છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી, તે બાબતે આપણે ચિંતા કરવાની જરૂર છે."
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે ખોડલધામના બે ટ્રસ્ટીને ટિકિટ આપી હતી. દિનેશ ચોવટિયા (રાજકોટ દક્ષિણ) તથા રવિ આંબલિયાને (જેતપુર) ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે મંદિરના ટ્રસ્ટી ગોપાલ વસ્તારપરાને લાઠીની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા હતા. ખોડલધામ સાથે નજીકથી સંકળાયેલા મિત્તુલ દોંગાને કૉંગ્રેસે રાજકોટ પૂર્વની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા હતા.
પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે ખોડલધામનું 'ભગવાકરણ' થઈ ગયું હોવાના આરોપ મૂક્યા હતા, જેના પગલે નરેશ પટેલે ટ્રસ્ટના ચૅરમૅનપદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સમાજના આગેવાનોની સમજાવટ બાદ રાજીનામું પાછું ખેંચ્યું હતું.
જોકે, નરેશ પટેલનાં દીકરાએ કૉંગ્રેસના ઉમેદવારને માટે પ્રચાર કર્યો હતો. એ પછી હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે.
2014ની લોકસભા ચૂંટણી પહેલાં ખોડલધામે તત્કાલીન મુખ્ય મંત્રી તથા ભાજપના વડા પ્રધાનપદના ઉમદેવાર નરેન્દ્ર મોદીને સમાજના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું અને વડા પ્રધાન મોદીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેશ પટેલના પુત્ર શિવરાજને કૉંગ્રેસની ટિકિટ મળશે, તેવી ચર્ચા વહેતી થઈ હતી. પરંતુ પટેલે એવું ચોક્કસ કહ્યું હતું કે 'પાટીદાર સમાજ સંગઠિત હશે તો કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે. આપણે સરકારી નોકરીઓ અને રાજકારણમાં આગળ આવવાની જરૂર છે.'
તેના એક મહિના બાદ કેશુભાઈએ તેમની પાર્ટીનું ભાજપમાં વિલનીકરણ કરી દીધું હતું અને ગોરધન ઝડફિયા જેવા મોદીવિરોધી નેતાઓ ફરી એક વખત ભાજપના વિજય માટે જોડાઈ ગયા હતા.
ખોડલધામ વિશે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ આ પહેલાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "રાજકારણમાં ધર્મને લાવીને તેનો ઉપયોગ કરવો કે જ્ઞાતિનાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો યોગ્ય નથી, પરંતુ ભારતીય રાજકારણમાં એ જ ચાલતું આવે છે."
"ખોડલધામ તથા તેનું નેતૃત્વ ગુજરાતમાં જેની સરકાર હોય, તેની સાથે રહે છે કારણ કે તેઓ મોટા ભાગે ઉદ્યોગપતિઓ છે અને તેમને ગુજરાતમાં સરકારની વિરુદ્ધ જવું પોષાય તેમ નથી. તેઓ સતત બેઠકો અને કાર્યક્રમો આપીને હાજરી આપતા રહે છે."
તેમણે ઉમેર્યું હતું, "સત્તા જેની હોય ત્યાં પટેલોની વગ ચાલે જ છે અને જે સત્તા ઉપર હોય તેની સાથે રહેવાનું પસંદ કરે છે અને તેની સામે નથી જતા. એટલે ત્રણેય પક્ષમાંથી (ભાજપ, કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી) જેની સરકાર આવશે, પટેલો તેમની સાથે રહેશે. ખોડલધામ હોય, ઉમિયાધામ હોય કે અર્બુદાધામ, આ બધી સંસ્થાઓ પોતાનું રાજકારણ ચાલે તે માટે રાજકીય પક્ષોનો સહારો લે છે અને રાજકીય પક્ષો તેમનો."
કોણ છે નરેશ પટેલ?
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં.
નરેશ પટેલનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે. તેમણે પૂર્વ રાજવીઓના વારસો માટે અંગ્રેજો દ્વારા સ્થાપિત આરકેસીમાં (રાજકુમાર કૉલેજ) અભ્યાસ કર્યો છે. તેઓ પિતા દ્વારા સ્થાપિત બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેની વિદેશમાં પણ નિકાસ થાય છે.
ખોડલધામ એ લેઉઆ પાટીદાર સમાજની આસ્થા જ નહીં, પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર છે તથા નરેશ પટેલ તેના ટ્રસ્ટી છે. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યારથી તેઓ તેમની નજીક હતા.
2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું તથા જ્ઞાતિ-જાતિના સમીકરણનું સ્થાન 'ધર્મ'એ લીધું. 2008- '09 લેઉઆ પાટીદારોના કુળદેવીનું કાગવડ ખાતે મંદિર બનાવવાના માધ્યમથી નરેશ પટેલ ચર્ચામાં આવ્યા. તેઓ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી છે. આ સિવાય પણ તેઓ કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો