MI-17V5 : એ હેલિકૉપ્ટર જે બિપિન રાવત સમેત અનેક લોકો માટે મૃત્યુનું કારણ બન્યું

ભારતીય વાયુ સેનાનું હેલિકૉપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને આ દુર્ઘટનામાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સમેત સેનાના વરિષ્ઠ અધિકારીઓનું નિધન થયું છે.

આ હેલિકૉપ્ટરમાં ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા અને તે પૈકી 13 લોકો મૃત્યુ પામ્યાં છે. દુર્ઘટનામાં બિપિન રાવતનાં પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે.

ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પ્રમાણે આ એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર હતું જે ક્રેશ થઈ ગયું.

આ હેલિકૉપ્ટર ભારતે રશિયા પાસેથી ખરીદ્યું હતું અને સુરક્ષિત ગણાતું આ હેલિકૉપ્ટર ઘણી રીતે ખાસ છે અને દેશના મહત્ત્વના લોકોની અવરજવર માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ અગાઉ પણ આ હેલિકૉપ્ટર ક્રૅશ થઈ જવાની ઘટનાઓ બની છે.

એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થવાના અન્ય કિસ્સા

એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર

વર્ષ 2013માં કેદારનાથમાં સર્જાયેલી હોનારત બાદ રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. જેમાં 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, આ દુર્ઘટનાના મૃતકોમાં એનડીઆરએફના નવ અને આઇટીબીપીના છ જવાનો પણ સામેલ હતા.

ઑક્ટોબર 2017માં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઍરફૉર્સનું એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. જેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સવારે 6 વાગ્યાના સુમારે ઍર મેન્ટનન્સ મિશન દરમિયાન ચીન બૉર્ડર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

મૃતકોમાં ઍરફૉર્સના પાંચ અને આર્મીના બે જવાનોનો સમાવેશ થતો હતો. ફેબ્રુઆરી 2019માં શ્રીનગર ખાતે એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ધડાકાભેર ક્રૅશ થયું હતું.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ દુર્ઘટનામાં ભારતીય વાયુ સેનાના છ જવાનો અને સામાન્ય નાગરિકનાં મોત નીપજ્યાં હતાં.

line

ભારત અને રશિયન હેલિકૉપ્ટર

જનરલ બિપિન રાવત

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty

ઇમેજ કૅપ્શન, જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની સમેત 13 લોકો દુર્ઘટનામાં માર્યાં ગયા છે.

રક્ષા મંત્રાલય દ્વારા વર્ષ 2008માં પ્રથમ વખત રશિયન હેલિકૉપ્ટરનો ઑર્ડર આપવામાં આવ્યો હતો.

જેની ડિલિવરી 2011માં શરૂ થઈ હતી અને 2013 સુધીમાં કુલ 36 હેલિકૉપ્ટર ભારતને પહોંચાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ફેબ્રુઆરી 2013માં ઍરો શૉ દરમિયાન પણ ભારત દ્વારા 12 એમઆઈ-17વી5 હેલિકૉપ્ટરોનો ઑર્ડર આપ્યો હતો.

ઈકૉનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, વર્ષ 2008માં થયેલી ડીલના ભાગરૂપે સંરક્ષણમંત્રાલય અને રોઝોબોરોનએક્સપોર્ટ વચ્ચે વર્ષ 2012-13માં 71 એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર માટે કરાર કર્યો હતો.

આ કરાર અંતર્ગત ઑર્ડરની છેલ્લી બૅચ ભારતને જુલાઈ 2018માં મોકલવામાં આવી હતી.

line

એમઆઈ-17વી5 અને તેની ખાસિયતો

સેનાનું હેલિકૉપ્ટર તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે, હેલિકૉપ્ટરમાં જનરલ બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હતા.
ઇમેજ કૅપ્શન, સેનાનું હેલિકૉપ્ટર તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે, હેલિકૉપ્ટરમાં જનરલ બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હતા.

એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર્સની ઉત્પાદક કંપની રશિયન હેલિકૉપ્ટર્સની વૅબસાઇટ પ્રમાણે, આ હેલિકૉપ્ટરો એ એમઆઈ-8/17 હેલિકૉપ્ટર્સ શ્રેણીનું મિલિટરી ટ્રાન્સપોર્ટ વૅરિયન્ટ છે.

આ હેલિકૉપ્ટર્સ રશિયન હેલિકૉપ્ટરોની ગૌણ કંપની કઝાન હેલિકૉપ્ટર્સ દ્વારા બનાવવામાં આવે છે.

આ હેલિકૉપ્ટર ટ્રાન્સપોર્ટ કાર્ગો તરીકે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં.

જોકે, તેમાં મૉડિફિકેશન કરીને તેનો ઉપયોગ સૈનિકોની અવરજવર માટે પણ કરી શકાય તેમ છે. આ હેલિકૉપ્ટર વિશ્વભરમાં સૌથી અદ્યતન ટ્રાન્સપોર્ટ હેલિકૉપ્ટર હોવાનો કંપનીનો દાવો છે.

કંપની પ્રમાણે, હેલિકૉપ્ટરનો ઉપયોગ સૈનિકો અને શસ્ત્રોની હેરફેર માટે, વીવીઆઈપીઓની અવરજવર માટે, નજર રાખવા માટે તેમજ રેસ્ક્યૂ ઑપરેશન માટે પણ કરી શકાય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો