જનરલ બિપિન રાવત : દેશના પ્રથમ CDS જેઓ પોતાનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ભૂતપૂર્વ સેનાપ્રમુખ બિપિન રાવતનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

બુધવારે તામિલનાડુના કુન્નુરમાં જનરલ રાવત અને તેમનાં પત્ની સહિત કુલ 13 લોકોનાં મૃત્યુ થઈ ગયાં. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે આ હેલિકૉપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જે પૈકી 13નાં મૃત્યુ થઈ ગયાં છે.

જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2019ના રોજ ભારતના પ્રથમ CDS તરીકે પદભાર સંભાળ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લા પરથી અપાયેલા પોતાના ભાષણમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) પદ રચવાની જાહેરાત કરી હતી.

CDS તરીકે જનરલ રાવતની જવાબદારીઓમાં ભારતીય સેનાના વિવિધ અંગોમાં તાલમેલ અને સૈન્ય આધુનિકીકરણ જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સામેલ હતી.

જનરલ રાવત આ પહેલાં ભારતીય સેનાના પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી 1 જાન્યુઆરી 2017 સુધી ભારતના 26મા આર્મી પ્રમુખ રહ્યા.

સૈનિક પરિવારમાં જન્મ

જનરલ રાવતનો જન્મ 16 માર્ચ, 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક સૈન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈન્યમાં લેફ્ટન્ટ જનરલ હતા.

ભારતીય સૈન્યની વેબસાઇટ પર અપાયેલી જાણકારી અનુસાર જનરલ રાવત 1978માં સેનામાં સામેલ થયા હતા.

શિમલાની સેન્ટ ઍડવર્ડ્સ સ્કૂલમાંથી ભણ્યા બાદ તેમણે ખડકવાસલાની નેશનલ ડિફેન્સ અકાદમીમાં સૈન્ય પ્રશિક્ષણ હાંસલ કર્યું.

દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી અકાદમીથી ટ્રેનિંગ મેળવ્યા બાદ તેઓ 11મી ગોરખા રાઇફલ્સ ટૂકડીની પાંચમી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. ગોરખા બ્રિગેડમાંથી સેનાના સર્વોચ્ચ પદ પર પહોંચનારા તેઓ ચોથા ઑફિસર હતા.

ચાર દાયકા લાંબા સૈન્ય જીવનમાં જનરલ રાવતને સૈન્યમાં બહાદુરી અને યોગદાન માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ સિવાય અન્ય ઘણાં સન્માન મળ્યાં હતાં.

સૈન્યમાં મહત્ત્વપૂર્ણ યોગદાન

પોતાના ચાર દાયકા કરતાં પણ લાંબા સૈન્ય જીવનમાં જનરલ રાવતે બ્રિગેડ કમાન્ડર, જનરલ ઑફિસર કમાન્ડિંગ ચીફ, દક્ષિણી કમાન્ડ, મિલિટ્રી ઑપરેશન્સ ડાયરેક્ટોરેટમાં જનરલ સ્ટાફ ઑફિસર ગ્રેડ જેવાં મહત્ત્વપૂર્ણ પદો પર કામ કર્યું.

ઉત્તર-પૂર્વમાં ઉગ્રવાદમાં ઘટાડા માટે તેમના યોગદાનની સરાહના કરાઈ. રિપોર્ટો અનુસાર વર્ષ 2015માં મ્યાંમારમાં જઈને એનએસસીએનના ચરમપંથીઓ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી માટે પણ તેમની સરાહના કરાઈ હતી. 2018માં બાલાકોટ હુમલામાં પણ તેમની ભૂમિકા હોવાનું જણાવાયું હતું.

તેમણે ભારતના પૂર્વમાં ચીન સાથે લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ કે LAC પર તહેનાત એક ઇન્ફેન્ટ્રી બટાલિયન સિવાય કાશ્મીર ઘાટીમાં એક રાષ્ટ્રીય રાઇફલ્સ સેક્ટરનું નેતૃત્વ સંભાળ્યું.

આ સિવાય રિપબ્લિક ઑફ કૉંગોમાં તેમણે વિભિન્ન દેશોના સૈનિકોની એક બ્રિગેડનું પણ નેતૃત્વ કર્યું હતું.

જનરલ રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કૉલેજ (વેલિંગ્ટન, તામિલનાડુ) અને કમાન્ડ ઍન્ડ જનરલ સ્ટાફ કોર્સ ફોર્ટ લીવનવર્થ (અમેરિકા)ના સ્નાતક હતા.

તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને મિલિટરી લીડરશિપ પર ઘણા લેખ લખ્યા. તેમની પાસે મૅનેજમેન્ટ અને કૉમ્પ્યુટર સ્ટડીઝના ડિપ્લોમા હતા.

મેરઠના ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલે તેમને મિલિટ્રી મીડિયા સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં તેમના સંશોધન માટે તેમને ડૉક્ટર ઑફ ફિલૉસોફીથી પણ સન્માનિત કર્યા હતા.

નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહ્યા જનરલ રાવત

ફેબ્રુઆરી 2018માં તેમણે આસામમાં ગેરકાયદેસર પ્રવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો અને બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDF માટે કહ્યું, "AIUDF નામની એક પાર્ટી છે. જોવામાં આવે તો ભાજપની સરખામણીએ આ પાર્ટીએ ખૂબ ઝડપથી પ્રગતિ સાધી છે. જો આપણે જનસંઘની વાત કરીએ તો જ્યારે તેના માત્ર બે સાંસદ હતા અને હવે તેઓ જ્યાં છે, આસામમાં AIUDFની પ્રગતિ તેના કરતાં વધુ છે."

તેમના આ નિવેદનની ઘણી જગ્યાએ ટીકા થઈ.

આ પહેલાં જનરલ બિપિન રાવતે સેનાધિકારી લિતુલ ગોગોઈનો બચાવ કર્યો હતો. જેમના પર પોતાની તહેનાતી દરમિયાન એક વ્યક્તિને જીપથી બાંધીને ફેરવવાનો આરોપ હતો. આ તસવીરો સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર તેની ઘણી ટીકા થઈ હતી.

BSFના એક જવાન તેજ બહાદુર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ નાખીને સૈનિકોને ખરાબ ભોજન આપવાની ફરિયાદ કરી હતી. તે બાદ જનરલ રાવતે કહ્યું હતું કે જવાનોએ સોશિયલ મીડિયાના ઉપયોગથી બચવું જોઈએ અને સીધો મારો સંપર્ક કરવો જોઈએ.

વાયુસેનાને લઈને નિવેદન

આ વર્ષે જુલાઈ માસમાં જનરલ રાવતે વાયુસેનાને લઈને નિવેદન આપ્યું હતું અને તેની પણ ઘણી ટીકા થઈ હતી.

જનરલ રાવતે ત્યારે એક સંમેલનમાં વાયુસેનાને સશસ્ત્ર દળોની 'સહાયક શાખા' ગણાવી અને તેની સરખામણી તોપખાના અને ઇજનેરો સાથે કરી. તેમણે કહ્યું હતું કે વાયુસેનાના હવાઈ રક્ષા ચાર્ટર અનુસાર સંચાલન સમયે તેઓ થલ સેનાના સહાયક તરીકેની ભૂમિકામાં હોય છે.

તેમના આ નિવેદન પર તત્કાલીન વાયુસેના પ્રમુખ ઍર ચીફ માર્શલ આર. કે. ભદોરિયાએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વાયુસેનાની ભૂમિકા માત્ર સહાયક નથી હોતી, એકીકૃત યુદ્ધભૂમિમાં વાયુશક્તિની 'મોટી ભૂમિકા' હોય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો