You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Panchayat Election ગુજરાત : સમરસ ચૂંટણી વિવાદાસ્પદ મુદ્દો કેમ છે?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના વર્તમાન સરપંચ ભગાભાઈ સાંકળભાઈને ફરી સરપંચના ઉમેદવાર તરીકે ફૉર્મ નહીં ભરવા માટે અને ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે ગામના આગેવાનો તરફથી દબાણ કરવામાં આવ્યું હતું.
ગામના આગેવાન અને ગામના લેબર કૉન્ટ્રૅક્ટર અર્જુનસિંહ ગગાભાઈ બારૈયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, ''અમે ગામના 20-25 આગેવાનો ભગાભાઈને સમરસ કરવા સમજાવવા ગયા હતા. અમારી રજૂઆત હતી કે આ વખતે તમે સરપંચ તરીકે ઉમેદવારી ન નોંધાવતા, આપણે શામળભાઈ ભવાનભાઈ બારૈયાને બિનહરીફ જિતાડીને ગ્રામ પંચાયત સમરસ કરીશું.
''અમે એવો પણ પ્રસ્તાવ મુક્યો કે હવે પછીની ચૂંટણીમાં શામળભાઈ પણ નહીં લડે અને આપણે ફળિયા પ્રમાણે ઉમેદવારની ચિઠ્ઠી બનાવીને ઉછાળીશું. જેમનું નામ આવે તેને સરપંચ બનાવીશું.''
અર્જુનસિંહ ઉમેરે છે, ''પરંતુ ભગાભાઈ ન માન્યા અને તેમણે કહ્યું કે હું તો સરપંચની ચૂંટણી લડીશ જ. ચૂંટણી લડવા બધા સ્વતંત્ર છે. તમારામાં તાકાત હોય તો જીતી જજો. આમ કહીને ભગાભાઈએ ગામના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો છે.''
સરપંચ પદના ઉમેદવાર શામળભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, ''ગામના 80 ટકા લોકો મારી સાથે છે. ગામના આગેવાનોએ વર્તમાન સરપંચ ભગાભાઈને કહ્યું કે હવે સરપંચમાં બીજાનો વારો આવવા દો, તમે ફૉર્મ ન ભરતા. સમરસ ગામ થવા દો.''
''પણ ભગાભાઈએ કહ્યું કે મારે તો લડવાનું જ છે. હજુ અમુક આગેવાનો તેમને ફૉર્મ પાછું ખેંચવા સમજાવવામાં લાગેલા છે.''
ગામના વર્તમાન સરપંચ અને ફરી સરપંચની ઉમેદવારી નોંધાવનાર ભગાભાઈ કહે છે, ''ગામલોકો મારી સાથે છે. મેં કાલે બીજી તારીખે ફૉર્મ ભરી દીધું છે. સમજાવટનો કોઈ પ્રશ્ન નથી, હું ચૂંટણી લડીશ.''
ચૂંટણીઓ એ લોકતાંત્રિક માળખાનો પાયો છે, એવામાં ચિઠ્ઠી ઉછાળીને સરપંચ નક્કી કરવાની વાત કેમ નીકળે છે? આ સમજવા માટે સમરસ ગ્રામ પંચાયતની યોજનાને સમજવી જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમરસ ગ્રામ યોજના શું છે?
ગુજરાત સરકારની વેબસાઇટ પ્રમાણે, ગામડાંમાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઊભાં ન થાય તેની ભાવના સાથે આ યોજના લાગુ કરવામાં આવી હતી.
જેમાં ગ્રામવાસીઓ એકઠા મળી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે. આમ વાદવિવાદને બદલે સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવે છે.
2001 ની સાલથી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ અનુદાનને વધારીને એક લાખ અને બે લાખ રૂપિયા કરી દીધું હતું. સાથે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસવિભાગ હેઠળ આ યોજનાને સમરસ ગ્રામ યોજના નામ આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, સળંગ પાંચ વખત મહિલા સમરસ થાય તો ગામમા વિવિધ કામો માટે 13 લાખ રૂપિયા જેટલું અનુદાન આપવામાં આવે છે.
પ્રોત્સાહક અનુદાન કે લાલચ?
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આ પ્રોત્સાહક અનુદાનને ચૂંટણી ટાળવા માટેની લાલચ ગણાવતાં નિવૃત પ્રોફેસર અને રાજકીય સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતીને કહે છે, ''મારી દૃષ્ટિએ આ અનુદાન નહીં પણ લાલચ કહેવાય. ગામમાં શાળાનો ઓરડો બંધાવવો કે સી.સી. રોડ બાંધવો તે રાજ્ય સરકારની પાયાની ફરજ છે. પરંતુ આ કામને સમરસમાં ખપાવવાથી એવો સૂર પ્રગટાવવામાં આવે છે કે આપણે બધા સંપથી રહીએ, વર્ચસ્વ ધરાવતા લોકો કહે એમ માનીએ તો ગામને આર્થિક ફાયદો થાય. આમ સમરસ કરીને મૂળપણે ગામમાં સ્પર્ધાને ટાળવામાં આવે છે.''
''લોકશાહીનો મતલબ જ એ છે કે અલગ-અલગ વિચારો વ્યક્ત થાય. સમરસમાં વૈચારિક ભિન્નતા ઉપર પડદો પડી જાય છે.''
સમરસથી થતા મુખ્ય નુકસાન વિશે વાત કરતાં ઘનશ્યામભાઈ કહે છે, ''સંખ્યાની દૃષ્ટિએ બહુ મોટા એવા સમાજના નીચલા વર્ગની અવગણના થાય છે અને પોતાનું ધાર્યું કરાવતા લોકો સત્તામાં ચાલુ રહે છે. લોકશાહીની પ્રક્રિયા આગળ વધવી જોઈએ અને સ્વસ્થ ચર્ચાઓ થવી જોઈએ તેનો રકાસ થાય છે. જે લોકતાંત્રિક પ્રણાલીની વિરુદ્ધ છે.''
વાદ-વિવાદથી મુક્ત સમરસ સમાજને પૈસા સાથે કેમ જોડવામાં આવે છે?
ગુજરાતમાં પંચાયતમાં મહિલા અનામત આવી તે પછી મહિલા સ્વરાજ અભિયાન નામે નેટવર્ક ઊભું થયુ હતું. આ અભિયાનના પૂર્વ પ્રમુખ પર્સીસ જીનવાલાએ સમરસ ગ્રામ પંચાયતો ઉપર અભ્યાસ કર્યો હતો.
જીનવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, ''સમરસ કરવા માટે વાદવિવાદ ન થાય એવું બહાનું આગળ ધરવામાં આવે છે. પણ વાદવિવાદથી મુક્ત સમાજ મેં ક્યાંય જોયો નથી કે એવો સમાજ મારા વાંચવામાં પણ ક્યાંય નથી આવ્યો. એવા સમાજની કલ્પના અવ્યવહારુ ગણાય.''
જીનવાલા આગળ કહે છે, ''અથવા તો એ વ્યવહારુ હોવાનું માની લઈએ તો ગ્રામપંચાયતો પૂરતી જ સમરસને મર્યાદિત રાખવી. શા માટે તેને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ અમલી નથી બનાવવામાં આવતી તો ફક્ત ગ્રામપંચાયતમાં શા માટે?''
''બીજું કે આમ કરવા માટે પૈસાની કેમ જરૂર પડે છે? વાદવિવાદથી મુક્ત સમાજ રાખવો તે મૂલ્યના સંવર્ધનની વાત છે તમે તેને પૈસા સાથે શા માટે જોડો છો. એટલે આમાં માત્ર રાજનીતિ સમાયેલી છે અને શાસક પક્ષને એમની પોતાની વ્યક્તિઓ સરપંચ તરીકે મૂકવામાં ફાવતું જડે છે.''
સમરસ ક્યારથી શરૂ થઈ?
પર્સીસ જીનવાલાએ કહ્યુ, ''મૂળપણે ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતોની પ્રથા કૉંગ્રેસના કાર્યકાળમાં 1992માં શરૂ થઈ હતી. જોકે તેને બિનહરીફ ચૂંટણી કહેતા હતા. મારી માહિતી પ્રમાણે, 27 ટકા જેટલી ગ્રામ પંચાયતો સમરસ કરવામાં શાસક પક્ષ સફળ થયો છે.''
શાસક પક્ષ કેવી રીતે સમરસ ગ્રામ પંચાયતોનો લાભ ઉઠાવે છે તે પ્રશ્નના જવાબમાં જીનવાલાએ કહ્યું, ''આનો ફાયદો શાસક પક્ષો કેવી રીતે અને કેટલે અંશે ઉઠાવે છે તેનો અમે ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો નથી. પણ મને લાગે છે કે દલિત અને મહિલા અનામતની નીતિને જે હેતુસર લાગુ કરવામાં આવી હતી, તે હેતુ આમાં પાર પડતા નથી. પૈતૃક સત્તાનું માળખું નબળું પાડવાની કસરતને પણ આમાં ઠેસ વાગે છે.''
''સરકાર ભલે ખૂલીને આ વાત ન કરે પણ હું ચોક્કસપણે માનું છું કે દલિત અને મહિલા સશક્તિકરણને બ્રેક લાગે છે. કારણ કે તમે પ્રૉક્સી ઉમેદવારને ઊભા રાખીને તેના થકી વહીવટ કરો છો.''
અધિકારીઓ ગામ સમરસ કરાવવા કેવી રીતે મહેનત કરે છે?
કહેવાય છે કે કલેક્ટરોને ગ્રામ પંચાયતો સમરસ કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવે છે તો તે કેવી રીતે કાર્ય કરે છે? પ્રશ્નના જવાબમાં ઘનશ્યામભાઈ કહે છે, ''ગામડાંમાં ગ્રામસભાઓની તારીખ પણ મામલતદાર નક્કી કરે છે અને ગ્રામસભાઓ પણ તેઓ જ બોલાવે છે. પંચાયતી રાજના મૂળભૂત અહેવાલમાં અધિકારીઓની કોઈ ભૂમિકા નથી. પણ મોટેભાગે તાલુકા, જિલ્લા કે રાજ્ય સ્તરેથી ઉપરથી આવતાં નાણાં અધિકારીઓ મારફતે આવે છે.''
''એટલે એમનું માન જાળવવા માટે લોકો ઘણી બધી વસ્તુ સ્વીકારી લેતા હોય છે. પરિણામે અધિકારીઓની સત્તામાં વધારો થાય છે.''
''અધિકારીઓનો ઘરોબો મોટે ભાગે વર્ચસ્વ ધરાવતા લોકો સાથે હોય છે. આમ કલેક્ટર સાહેબે કહ્યું કે મામલતદાર સાહેબે કહ્યું કે પ્રાંત અધિકારીએ કહ્યું એટલે તેને તો સ્વીકારવું જ પડે એમ માની લેવામાં આવે છે.''
પર્સીસ જીનવાલાના કહેવા પ્રમાણે, '' 2006ની ચૂંટણીના અભ્યાસમાં એવાં તારણો આવ્યાં હતાં કે ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે અધિકારીઓ દ્વારા મૌખિક અથવા કાગળ આપીને આદેશ આપવામાં આવતા હતા કે મુખ્ય મંત્રીએ કહ્યું છે અને આપણે આપણા તાલુકામાં આટલા ટકા ગામોને સમરસ કરવાનાં છે.''
''એ માટે ધારાસભ્ય અને સંસદસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવતા હતા અને સમરસ થાય તો ગ્રાન્ટ ફાળવવાની લાલચ આપતા હતા.''
''વહીવટી તંત્ર ગામની મિટિંગ કે જ્ઞાતિના વડીલો કે પ્રભાવી લોકો સાથે મિટિંગો કરીને ગામને સમરસ કરાવવાની મથામણ સાથે વહીવટી તંત્ર ખૂબ જ સક્રિય ભૂમિકામાં જોવા મળતું હતું. આ માટે વહીવટી તંત્ર રાત્રે મિટિંગો કરતું હતું, ગામના ચોરે મિટિંગો કરતું હતું.''
''ઉમેદવારીપત્ર ભરેલાને તે પાછું ખેંચી લેવા સમજાવવામાં આવે છે, ઘણી વખત એ ધાકધમકીનો પ્રયોગ પણ કરવામાં આવે છે. એક કિસ્સામાં એક બહેનને તેના પતિ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે તું ફૉર્મ પાછું નહી ખેંચે તો હું આત્મહત્યા કરી લઈશ. કોઈક કિસ્સામાં મહિલા ઉમેદવારના પતિ દ્વારા ફૉર્મ પર સહી કરાવીને મહિલા ઉમેદવારની જાણ બહાર ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી.''
સરપંચની ચૂંટણી પક્ષના પ્રતીક ઉપર નથી લડાતી. પરંતુ રાજયમાં સરકાર બનાવવાનો રસ્તો વાયા ગ્રામ પંચાયતોની ચૂંટણી છે.
અનુદાન કે સરકારની ફરજ?
પર્સીસ જીનવાલાના કહેવા પ્રમાણે, ''બીજી મહત્ત્વની બાબત એ છે કે સરકાર એવું પ્રલોભન આપે છે કે તમે ગ્રામ પંચાયતને સમરસ કરીને અનુદાનની રકમ થકી વિકાસ કરી શકશો. એ અનુદાનમાંથી શાળાનાં ઓરડા કે સીસી રોડ બાંધી શકશો. આ પ્રાથમિક સુવિધાની ચર્ચાને રાજ્ય સરકારના અનુદાન ઉપર શા માટે લઈ જવી પડે?''
''આ સુવિધાઓ મેળવવી એ લોકોનો અધિકાર છે અને રાજ્ય સરકાર એ સુવિધાઓ પૂરી પાડવા માટે બંધાયેલી છે. એ માટે જ તેને ચૂંટવામાં આવી છે. રાજ્ય સરકાર આવી સુવિધાઓ ઊભી કરવા અનુદાન આપવાનું કહે અથવા તેમાં એવો રણકો આવે છે તે ખૂબ જ શરમજનક બાબત ગણાય.''
''ગ્રામ પંચાયતોમાં પણ એવી ભાવના પ્રસરે છે કે રાજ્ય સરકારે અમને આટલું આપ્યું, અમે તેમના ઋણી છીએ. મને લાગે છે કે આગળ જતા શાસક પક્ષ એમ કહી શકે છે કે તમે આ જમીન રાજ્ય સરકારને કે ઉદ્યોગને આપી દો. ''
''અમે એ પણ નોંધ્યું છે કે જ્યાં સમરસ થાય છે ત્યાં સમરસ સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યો પાસે લોકો ગામની જરૂરીયાતને લઈને કોઈ માંગણી લઈને જાય છે ત્યારે તેમને જવાબ એવો મળે છે કે તમે અમને નથી ચૂંટ્યા. અમે તમારી જરૂરિયાતોની પૂરી કરવા માટે બંધાયેલા નથી.''
''સમરસની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની દલિત અને મહિલાઓને મોટેભાગે ખબર હોતી નથી. બારોબાર મિટિંગો થાય છે અને નિર્ણય લેવાઈ જાય છે. છેલ્લે તેમને માત્ર જાણ કરવામાં આવે છે.''
સમરસ : એક અભ્યાસ
પર્સીસ જીનવાલાના અભ્યાસમાં 2001 અને 2006 ની ગ્રામ પંચાયતોમાં સમરસની સરખામણી કરવામાં આવી હતી. આ સરખામણી વિશે વાત કરતાં પર્સીસ કહે છે, 2001ની સરખામણીમાં અમરેલીમાં 2001ની ચૂંટણીમાં 36 ટકા ગ્રામ પંચાયતો સમરસ હતી તે 2006 માં વધીને 37 ટકા થઈ હતી, ભાવનગરમાં 41 ટકામાંથી 49 ટકા, જામનગરમાં 35 માંથી 43 ટકા અને પાટણમાં 35 ટકામાંથી 42 ટકા પંચાયતો સમરસ થઈ હતી.
કેટલાક જિલ્લાઓમાં સમરસ પંચાયતોમાં ઘટાડાનું વલણ પણ જોવા મળ્યું હતું. જેમકે રાજકોટમાં 2001ની ચૂંટણીમાં 44 ટકા ગ્રામ પંચાયતો સમરસ હતી તે 2006માં ઘટીને 43 ટકા થઈ હતી, મહેસાણામાં 50 ટકામાંથી ઘટીને 45 ટકા અને કચ્છમાં 46 ટકામાંથી ઘટીને 36 ટકા પંચાયતો સમરસ થઈ હતી.
સમરસને લોકોનું સમર્થન કેમ મળ્યું?
પર્સીસ કહે છે, ''સમરસ ગ્રામ પંચાયતોને આઠ લાખ રૂપિયાની સહાયની લાલચ આપવામાં આવે છે તે રકમ ભલે નજીવી લાગતી હોય પણ ગ્રામ પંચાયતોને નાણાંના સ્રોતથી એટલા વંચિત કરી દેવાઈ છે કે એમની પાસે સ્વતંત્ર નાણાના સ્રોત નથી એટલે ગામડાં માટે આ રકમ નાનીસૂની નથી.''
''ગામડાંનાં નાણાંના બધા સ્રોત રાજ્ય સરકારના અંકુશમાં છે અને તેમણે તેને અનુદાનમાં તબદીલ કરી દીધા છે. એટલે ગ્રામ પંચાયતો કાયમ નાણા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની મહેરબાની હેઠળ રહેવું પડે છે.''
સમરસ મહિલા પ્રતિનિધિત્વનો એકડો કાઢી નાખે છે?
નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સમરસ ગ્રામ પંચાયતનાં અભ્યાસુ વર્ષા ગાંગુલી સમરસ ગ્રામ પંચાયતોને મહિલાના પરિપ્રેક્ષ્યથી જુએ છે.
તેઓ કહે છે, ''ગુજરાત પંચાયતી અધિનિયમ પ્રમાણે, 33 ટકા મહિલા અનામત હોવી જોઈએ તેને સમરસ ગ્રામ પંચાયતોમાં ધ્યાનમાં નથી લેવાતું. આમ સમરસને કારણે અનામત બેઠકો થકી મહિલાને પંચાયતી રાજમાં પ્રતિનિધિત્વ મળતુ હતું તે રદ થઈ જાય છે.''
''મહિલા સરપંચ સાથેની પંચાયત સમરસ થાય તો તેમાં મહિલા સરપંચનું ક્ષમતા નિર્માણનું કાર્ય અટકી જાય છે. કારણ કે સમરસ પંચાયતોમાં મોટેભાગે કયાં કાર્યો કરવા તે ઊપલા સ્તરથી જ નક્કી કરવામાં આવે છે અને કૉન્ટ્રેક્ટર રાજ ચાલે છે. આ કારણે સમરસમાં સ્ત્રીઓ નિર્ણાયક ભૂમિકા ભજવી નથી શકતી.
''ઊપલા સ્તરે લેવાતા નિર્ણયો પણ મોટેભાગે મહિલા તરફી નથી હોતા કે મહિલા દ્વારા નથી લેવાતા એટલે એક ફટકો અહીં પણ પડે છે. આમ સમરસ અલોકતાંત્રિક હોવાની સાથે જેન્ડર સેન્સિટિવ પણ નથી.''
કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં લતાબહેન સચદેએ પણ સમરસ પંચાયત ઉપર અભ્યાસ કર્યો છે.
લતાબહેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, 'અભ્યાસ કહે છે કે સામાન્ય સીટ ઉપર જવલ્લે જ સમરસ થાય છે, મોટેભાગે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલાઓની અનામત સીટ ઉપર સમરસ વધુ થાય છે.''
''ઘણાં વર્ષથી એવો અનુભવ રહ્યો છે સમરસમાં મહિલાઓની ભાગીદારી છૂટી જાય છે. કેમ કે સમરસમાં ગામના મોટા આગેવાનો, જ્ઞાતિ આગેવાનો મળીને નિર્ણય લે છે.''
''એ રીતે જોવા જઈએ તો મહિલાઓને પોતે નિર્ણય લેવાની, મતદાન દ્વારા ચૂંટાવાની તક નથી મળતી,'' એમ લતાબહેન ઉમેરે છે.
ભાજપ અને કોંગ્રેસનું સમરસ
કૉંગ્રેસ અને ભાજપના સમરસ ગ્રામ પંચાયત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં ઘનશ્યામ શાહે કહ્યું, ''સમરસનો કૉંગ્રેસનો ગાંધીવાદી વિચાર સર્વસંમતિથી સરપંચ ચૂંટવાનો હતો. ભાજપ માટે સમરસ એટલે નીચલા વર્ગના લોકો પોતાની ઓળખ ઉપલા વર્ગ સાથે ભેળવી દે અને સંવાદિતા સ્થાપે. આમ કરવાથી ગામડાંમાં વિવાદ ન થાય અને પોતાના માણસોનું વર્ચસ્વ જળવાઈ રહે.''
''સમરસના જે કંઈ અભ્યાસો થયા છે તે બતાવે છે કે ગામડાંમાં વર્ચસ્વ ધરાવતા લોકો સમજાવટના માર્ગે લોકો પાસે જાય છે અને પરિણામ સ્વરૂપે તેમનું વર્ચસ્વ લોકોમાં જળવાઈ રહે છે. આ યોજના ભાજપના લાભાર્થે ખૂબ સારી રીતે કામ કરી ગઈ છે.''
''આ માટે સમરસ ગ્રામ પંચાયતોની સાથે ભાજપે તેમનાં બહુમાન કરવાં, તેમને પ્રોત્સાહક અનુદાન અર્પણ વિધિઓ રાખવી વગેરે કાર્યક્રમો ઘડવા માંડ્યા.''
''સંસદને પણ સમરસ કરી દો''
ડેવલપમેન્ટ એજ્યુકેશન ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઉન્નતિના બિનૉય આચાર્ય બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, ''સૈદ્ધાંતિક દૃષ્ટિકોણથી જોતાં સમરસ લોકશાહી માટે સારી બાબત ન ગણી શકાય.''
''આ મુદ્દો હાઇકોર્ટ સુધી પણ ગયો હતો. લોકો પોતે સમરસ બનાવી શકે પણ સમરસને પ્રમોટ કરવા માટે સરકાર ઇનામ સ્વરૂપે રકમ આપે છે તે યોગ્ય નથી.''
''કારણ કે ગામમાં સહમતિ સધાય છે તે સારી બાબત છે પણ ઘણાં ગામોમાં દબાણમાં લાવીને સહમતિ સાધવામાં આવે છે. આપણા સમાજમાં અનેક મોરચે અસમાનતા પ્રવર્તે છે. કચડાયેલા વર્ગનો ચૂંટણી સિવાયનો કોઈ સ્વતંત્ર અવાજ નથી. સમાજને સમરસ કરવાની એટલી બધી હોંશ હોય તો પાર્લામેન્ટ પણ સમરસ કરી દો.''
''ત્યાં તો ઉપલા સ્તરે ચૂંટણી જીતવા જીવ સટોસટની બાજી ખેલવામાં આવે છે. ગામડું સમરસ થાય તો જિલ્લા પંચાયત કેમ સમરસ ન થાય? તર્ક આપો.
બિનૉય આચાર્ય કહે છે, ''બધા લોકો એક જ જાતિના હોય અને ગામને સમરસ કરી દેવામાં આવે તો તે સમજાય પરંતુ ગામમાં વિભિન્ન જાતિઓ રહેતી હોય તેવામાં નીચલી જાતિના લોકોનો અવાજ આમાં દબાઈ જાય છે. તેમનું પ્રતિનિધિત્વ નથી રહેતું.''
''સમરસમાં આવા લોકોના અવાજને દબાવવામાં આવે છે અને અપ્રાકૃતિક રીતે સંમતિ મેળવી લેવામાં આવે છે.''
અન્ય કયાં રાજ્યોમાં સમરસ મૉડલ છે?
અન્ય રાજ્યોમાં સમરસ મૉડલ અંગે વાત કરતાં વર્ષાબહેન કહે છે, ''હરિયાણામાં સમરસ નામ નથી પણ આના જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ સમરસ મૉડલની શરૂઆત કરવામાં આવી છે. ભાજપશાસિત રાજ્યોમાં એક યા બીજા સ્વરૂપે સમરસની વાતો શરૂ કરી દીધી છે.''
અન્ય રાજ્યોમાં સમરસ મૉડલ વિશે વાત કરતાં લતાબહેન કહે છે, ''મહારાષ્ટ્રમાં ફડણવીસના કાર્યકાળમાં એક વૉટ્સઍપ ગ્રૂપમાં એમણે સમરસ યોજના લાગુ કરવાની અને ગુજરાતનું મૉડલ અપનાવવાની વાત કરી હતી. હું અવારનવાર મહારાષ્ટ્ર જતી ત્યારે પણ એવી ચર્ચા સંભળાતી પરંતુ ત્યાં આ મૉડલ લાગુ પડી શક્યું નથી.''
કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ અને કચ્છના કુનરિયા ગામને આદર્શ ગામ બનાવનાર સરપંચ સુરેશ છાંગા કહે છે, ''સમરસને મારું સમર્થન છે. કેમ કે ચૂંટણી વખતે ગામમાં ખટરાગ, વૈમનસ્ય અને વ્યક્તિગત દુશ્મનાવટો પેદા થાય છે તે સમરસથી ટાળી શકાય છે. પણ હા, વંચિત વર્ગના પ્રતિનિધિઓને સાધીને, તેમનો અવાજ દાબીને સમરસ કરાવવામાં આવતી હોય તો તે બિલકુલ ખોટી પ્રથા છે. પોતાના પદનો ઉપયોગ કરીને, લાલચ આપીને અધિકારીઓ ગામને સમરસ કરાવવા પ્રયત્નશીલ થતા હોય તો તે એકદમ નિંદનીય કૃત્ય છે.''
સમરસ ગ્રામ પંચાયતોને કોર્ટમાં પડકારવામાં આવી હોય તેવા પ્રસંગો વિશે વાત કરતાં પર્સીસ કહે છે, ''સમરસ ગ્રામ પંચાયતો સામે 2006માં કોર્ટ પિટિશન મહિલા સ્વરાજ દ્વારા ગીરીશભાઈ પટેલે કરી હતી. પરંતુ તે પણ બાબત તાર્કિક નિર્ણય સુધી આવી ન હતી. અગાઉ પીયુસીએલ દ્વારા એક પિટિશન કરવામાં આવી હતી. તેમાં પણ આવું જ થયું હતું.''
સમરસમાં ચૂંટણી નીકળી જાય છે એટલે લોકશાહી પરંપરાનું હનન થાય છે એવા આક્ષેપના જવાબમાં ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, ''બિલકુલ નહીં. ગામડાંમાં વૈમનસ્ય થતું અટકે, ગામડાંમાં સંપ અને સુલેહ વધે, ઉત્તમ વાતાવરણમાં સાથે બેસીને વિના વિરોધે સરપંચની ચૂંટણી કરવામાં આવે એમાં લોકતંત્રને ક્યા નુકસાન જવાનું?''
ગ્રામ પંચાયતને સમરસ કરાવવા માટે અપાતું અનુદાન લાલચ કેમ ન ગણાય? પ્રશ્નના જવાબમાં મેરજાએ કહ્યું, ''આ આક્ષેપ પણ બેબુનિયાદ છે. સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયતના સૂત્રધારો વિના વિરોધે ચૂંટાયા હોય તો તેવી પંચાયતોને ઉત્તેજન આપવું એ સરકારની પ્રાથમિક ફરજ બને છે.''
ગ્રામ પંચાયતોને સમરસ કરાવવા માટે અધિકારીઓને ટાર્ગેટ આપવાના અને દબાણપૂર્વક સમરસ કરાવવાના આક્ષેપ મુદ્દે મંત્રી મેરજાએ કહ્યું, ''ક્યાંય કોઈ અધિકારી સમરસ કરાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરતા નથી. ગામના સમજુ લોકો સાથે મળીને સમરસ કરે છે.''
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો