પુતિન-મોદી મુલાકાત : રશિયાએ ભારતને આપેલી S-400 મિસાઇલ મામલે વિવાદ કેમ?

પુતિન 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ભારત આવી રહ્યા છે. ભારતે રશિયા સાથે S-400 જેવી મિસાઇલ સિસ્ટમને લઈને કરાર કર્યો છે અને રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતા દેશો પર અમેરિકા દબાણ બનાવી રહ્યું છે.

આ સ્થિતિમાં પુતિનની મુલાકાત વિશેષ મહત્ત્વની બની જાય છે.

S-400 મિસાઇલ સિસ્ટમના કારણે તુર્કીને પણ અમેરિકાનો રોષ વહોરવો પડ્યો હતો, પરંતુ ભારતે હવે ઇશારાની ભાષામાં સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે કોઈ પણ દબાણને વશ થશે નહીં.

પુતિનની મુલાકાત પહેલાં, સંરક્ષણમંત્રાલયે લોકસભામાં પણ એક લેખિત જવાબમાં કોઈ પણ દબાણમાં નહીં આવવાની વાત કરી હતી.

વાસ્તવમાં, એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંરક્ષણકરાર અને તેને સંબંધિત કામગીરી પર એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે સ્પષ્ટતા કરી હતી.

સંરક્ષણ મંત્રાલયે શું કહ્યું?

સંરક્ષણ રાજ્યમંત્રીએ આપેલું નિવેદન પીઆઈબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રશિયા પાસેથી S-400 સિસ્ટમ ખરીદવા માટેનો કરાર ઑક્ટોબર, 2018 ના રોજ થયો હતો."

"સરકાર સંરક્ષણ સાધનો મેળવવામાં આડે આવતા બધા જ ઘટનાક્રમોથી વાકેફ છે. સરકાર સશસ્ત્ર દળોના તમામ સુરક્ષા પડકારોનો સામનો કરવાની તૈયારી માટે સંભવિત જોખમો, ઑપરેશનલ અને તકનીકી પાસાંના આધારે સાર્વભૌમત્વ સાથે નિર્ણયો લે છે. કરારની સમયમર્યાદા પ્રમાણે આ ડિલિવરી આવી રહી છે."

"S-400 મિસાઇલ લાંબી રેન્જમાં સતત અને અસરકારક હવાઈ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરવાની ક્ષમતા સાથેની એક પાવરફૂલ સિસ્ટમ છે. આ સિસ્ટમને સામેલ કરવાથી દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે."

સંસદમાં સંરક્ષણમંત્રાલય દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે અમેરિકાના કારણે ભારતે S-400 મિસાઇલ સિસ્ટમ પર મૌન હતું.

એવા અહેવાલો છે કે, રશિયા તરફથી ભારતને S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી શરૂ થઈ ગઈ છે પરંતુ ભારતે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

જોકે, ગયા મહિને પત્રકારો સાથે વાત કરતા ઍર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ કહ્યું હતું કે કૉન્ટ્રેક્ટ મુજબ ભારતને આ વર્ષના અંત સુધીમાં S-400 મિસાઇલ સિસ્ટમની પ્રથમ બૅચ મળી જશે.

અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી

પુતિનની આગામી મુલાકાતમાં પાંચ અબજ ડૉલરથી વધુના આ મિસાઇલ સંરક્ષણસોદા અંગે કંઈક માહિતી મળી શકે છે, પરંતુ તે પહેલાં અમેરિકાના નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે.

રશિયા સાથેના સંરક્ષણસોદાને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચેનો વિવાદ જાણીતો છે.

અમેરિકાએ તુર્કી નાટોનું સાથી રાષ્ટ્ર હોવા છતાં તેની વિરુદ્ધ 'કાઉન્ટરિંગ અમેરિકાઝ ઍડવર્સરીઝ થ્રુ સેક્શન્સ ઍક્ટ' (CAATSA) હેઠળ કાર્યવાહી કરી છે.

આ કાયદા હેઠળ અમેરિકા રશિયા સાથે સંરક્ષણસોદા કરનારા દેશો પર પ્રતિબંધ લાદે છે.

એવી આશંકા હતી કે અમેરિકા આ કાયદા હેઠળ ભારત પર પણ પ્રતિબંધ લાદી શકે છે, પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થયુ નથી.

અલબત્ત, ગત 15 નવેમ્બરે અમેરિકાએ આ કરાર પર 'ચિંતા' વ્યક્ત કરી હતી.

અમેરિકી સરક્ષણમંત્રાલય પૅન્ટાગોનના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું હતું કે, "સંરક્ષણ પ્રણાલી ખરીદવાને લઈને ભારત અંગે તેમના વિચારો ખૂબ જ સ્પષ્ટ છે. જો કે આ મંતવ્યો શું સુચવે છે તે હજુ સ્પષ્ટ નથી થયું."

ત્યારે યુએસ ડેપ્યુટી ડિફેન્સ સેક્રેટરી વૅન્ડી શેરમૅને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ દેશ S-400 મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવાનું વિચારતો હોય તો તે 'ખતરનાક' છે.

જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત અને યુએસ આ ખરીદીને લઈને તેમના મતભેદોનું સમાધાન કરી લેશે.

અમેરિકાએ હજુ સુધી ભારત પર જાહેરમાં કોઈ દબાણ નથી કર્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે અંદરખાને આ મુદ્દે ચર્ચા થઈ હશે.

સંરક્ષણ વિશ્લેષક અજય શુક્લાએ ટ્વીટ કરીને આ મામલે દબાણ અંગે શંકા વ્યક્ત કરી છે.

તેમણે લોકસભામાં સંરક્ષણ મંત્રાલયના નિવેદનને ટ્વીટ કરીને લખ્યું હતું, "દિલ્હીની એક આક્રોશભરી પ્રેસ રિલીઝ કહી રહી છે કે ભારત વિદેશી સત્તાઓના દબાણ સામે ઝૂકશે નહીં અને એમાં પણ 'સશસ્ત્ર દળોના તમામ સુરક્ષા પડકારોનો સામનો કરવાની તૈયારી મામલે સંભવિત જોખમો, ઑપરેશનલ અને ટેકનિકલ પાસાંના આધારે સાર્વભૌમત્વના નિર્ણય મામલે તો બિલકુલ નહી. તો શું અમેરિકાનું દબાણ છે?"

અમેરિકા ભારત પર પ્રતિબંધો કેમ નથી લાદી રહ્યું?

ન્યૂઝ વેબસાઈટ ટીઆરટી વર્લ્ડ અનુસાર, સુરક્ષા વિશ્લેષક મોહમ્મદ વલીદ બિન સિરાજનું કહેવું છે કે વૉશિંગ્ટન કદાચ નવી દિલ્હીને લઈને ખૂબ 'દયાળુ' રહેવાનું છે કારણ કે યુએસ સંસદમાં લૉબી પણ એની પાછળનું એક મોટું કારણ છે.

સિરાજ કહે છે કે, "યુએસ સેનેટ અને કૉંગ્રેસમાં લૉબીએ પ્રતિબંધો સામે તેમનાં હિતોને લઈને સંમતિ મેળવી લીધી છે અને તેઓ આ મુદ્દાને વ્હાઇટ હાઉસમાં લઈ જશે."

26 ઑક્ટોબરના રોજ, બે આગેવાન અમેરિકન સેનેટર ડેમૉક્રેટિક પાર્ટીના માર્ક વૉર્નર અને રિપબ્લિકન પાર્ટીના જ્હૉન કૉર્નિને રાષ્ટ્રપતિ જો બાઇડનને પત્ર લખીને ભારતને CAATSA કાયદામાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી.

તેમની દલીલ હતી કે આમ કરવાથી અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષાહિતોને ફાયદો થશે.

આ જ મુદ્દા પર ટીઆરટી વર્લ્ડના આર્મી ઍર ડિફેન્સ કૉરના ભારતના ભૂતપૂર્વ મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વિજયકુમાર સક્સેના કહે છે કે, "કોઈ પ્રતિબંધો લાદવામાં આવે તો તે બંને દેશોના ત્રણ દાયકાના દ્વિપક્ષીય સંરક્ષણનિકાસ સંબંધો ઉપર અસર કરે છે."

લેફ્ટનન્ટ જનરલ સક્સેના કહે છે, "સંરક્ષણનિકાસ સંબંધો બનાવવા માટે યુએસએ અઘરો માર્ગ અપનાવ્યો છે અને આ વર્ષે જ બાઇડન વહીવટી તંત્રે ભારતને સંભવિત 2.5 અબજ ડૉલરના શસ્ત્રો વેચવાની મંજૂરી સંસદને આપી દીધી છે."

"મને નથી લાગતું કે યુએસ S-400 પર પ્રતિબંધો લાદીને પોતાના થનગનાટભર્યા નિકાસ સંબંધોને બગાડશે."

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગ

સોવિયટ સંઘના સમયથી ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ-સહયોગ ચાલ્યો આવે છે. સૈન્ય સાધનોના સંદર્ભમાં, ભારત હજુ પણ 80 ટકાથી વધુ સામાન રશિયા પાસેથી ખરીદે છે.

ભારતીય વાયુસેના રશિયામાં ઉત્પાદિત મિગ-29 અને સુખોઈ-30 ઉડાવે છે.

ભારતીય નૌકાદળ પાસે રશિયન જેટ અને જહાજો છે. ભારતે રશિયા પાસેથી પરમાણુ સંચાલિત સબમરીન પણ મંગાવી છે.

જોકે તાજેતરના વર્ષોમાં ઇઝરાયલ અને યુએસ પણ ભારતના સંરક્ષણ ભાગીદારો તરીકે ઊભર્યા છે. આને લઈને રશિયા અસ્વસ્થ થઈ શકે છે.

2018માં ભારતે રશિયા પાસેથી પાંચ S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

S-400 એ રશિયાની સૌથી અદ્યતન મિસાઇલ સિસ્ટમ છે. તેની સરખામણી અમેરિકાની શ્રેષ્ઠ ઍર ડિફેન્સ સિસ્ટમ પેટ્રિઑટ મિસાઇલ સાથે કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો