ભારતનું વિભાજન : જ્યારે એક શીખ પરિવારનો જીવ બચાવવા એક મુસ્લિમે કુરાનના સોગંદ ખાધા

    • લેેખક, મોહમ્મદ ઝુબેર ખાન
    • પદ, પત્રકાર

ભારતનું વિભાજન થયું એ પહેલાંના દિવસોમાં લાહોરની એક મસ્જિદના ઇમામે એક મુસ્લિમ બિરાદરને પૂછ્યું કે ઘણા દિવસોથી આપણા વિસ્તારમાં એવી વાતો થઈ રહી છે કે તમે તમારા ઘરમાં કોઈને આશરો આપ્યો છે. એ કોણ છે?

તો જવાબ મળ્યો કે તે મારા ભાઈ અને તેમનો પરિવાર છે.

મસ્જિદના ઇમામને એમના આ જવાબમાં શંકા પડી અને એમણે કુરાન મગાવીને તેમને કહ્યું કે આની કસમ ખાઈને કહો કે તમારા ઘરમાં તમારા ભાઈ અને એમનો પરિવાર રહે છે. એમ કહેતાં જ તેમણે કુરાનના સોગંદ ખાધા કે મેં જેમને મારા ઘરમાં આશ્રય આપ્યો છે તેઓ મારા ભાઈ છે.

ભારતના વિભાજન વખતે હિન્દુ, શીખ અને મુસલમાન, વર્તમાન ભારત અને પાકિસ્તાનમાં, જ્યાં જ્યાં તેઓ લઘુમતીમાં હતા ત્યાં ત્યાં બહુમતીના પ્રકોપનો શિકાર થયા હતા. બળવાનોનાં જૂથો પોતપોતાના વિસ્તારોમાં પ્રવાસીઓ પર હુમલો કરતાં હતાં. કેટલાક ભાગ્યશાળી પ્રવાસીઓ પોતાનો વિસ્તાર ત્યજીને સહીસલામત વિસ્થાપન કરવામાં સફળ રહ્યા હતા અને ઘણા લોકોએ પોતાનાં જાન-માલ ગુમાવવાં પડ્યાં હતાં.

એક તરફ મોટા ભાગના લોકો લઘુમતીઓ પર હુમલો કરતા હતા, તો બીજી તરફ એવી ઘટનાઓ પણ બની જેમાં હિન્દુઓ અને શીખોએ મુસલમાનોનાં જાન-માલનું રક્ષણ કર્યું અને મુસલમાનોએ પોતાના જીવ જોખમમાં મૂકીને હિન્દુઓ અને શીખોની મદદ કરી.

જ્યારે વાસ્તવિક ઘટનાઓ વાર્તાઓમાં બદલાઈ ગઈ

ઘણાં વરસોથી ભારતમાં તેમ અમેરિકામાં પણ એક પેઢીથી બીજી પેઢીને લાહોરની ઘટના વિશે જણાવાતું રહ્યું છે, જેમાં એક મુસ્લિમ કુરાનના સોગંદ ખાય છે કે એમના ઘરમાં એમના ભાઈ પોતાના પરિવાર સાથે રહે છે.

અમેરિકામાં રહેતા ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાને એમનાં દાદીએ આ ઘટના વિશે જણાવેલું.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ બચપણમાં આ ઘટના એટલી બધી વાર સાંભળી હતી કે એમને ઘટનાનાં બધાં પાત્રો, વિસ્તાર અને દૃશ્ય મૌખિક યાદ રહી ગયાં હતાં. આ ઘટનાની પાર્શ્વ બાજુઓ અને અન્ય ઘટનાઓની જાણકારી મેળવવા માટે તેઓ ઘણાં વરસો પછી ઘણી બધી વાર પાકિસ્તાનના પંજાબ, લાહોર અને ગુજરાંનવાલાની મુલાકાત લઈ ચૂક્યા છે.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયા જણાવે છે કે જેમણે સોગંદ ખાધા હતા, એણે ખોટા સોગંદ નહોતા ખાધા, બલકે, એમણે કીમતી જિંદગીઓ બચાવીને માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને જે વ્યક્તિને માટે તેમણે સોગંદ ખાધા હતા એ હકીકતમાં એમના ભાઈ હતા. તેઓ પરસ્પર ભાઈ બનેલા. સોગંદ ખાનારે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ જેમને ભાઈ બનાવેલા એમનું રક્ષણ કર્યું હતું.

આપણે ભારતના ભાગલા વખતની આ ઘટના વિશે વધારે જાણીએ એ પહેલાં એ જાણી લઈએ કે ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયા અને એમનો પરિવાર કોણ છે.

બોતાલાનો જમીનદાર પરિવાર

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાનો પરિવાર વિભાજન સમયે ગુજરાંનવાલાથી ભારત આવ્યો હતો. ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયા ઘણાં વરસોથી અમેરિકામાં રહે છે.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાના પૂર્વજો પંજાબના શાસક મહારાજા રણજિતસિંહના દરબાર સાથે સંકળાયેલા હતા. ભાગલા પહેલાં એમને એ ક્ષેત્રના ખૂબ મોટા જમીનદાર ગણવામાં આવતા હતા. એમની જમીનો ગુજરાંનવાલાના બોતાલા ગામમાં હતી. એ કારણે ડૉક્ટર તરુણજિતસિંહ આજે પણ પોતાના નામની સાથે બોતાલિયા જોડે છે.

ભારતના ભાગલા પડ્યા પછી પણ પાકિસ્તાનમાં ઘણા સૈન્ય અને નાગરિક અધિકારીઓના પરિવારો સાથે એમના વ્યક્તિગત સંબંધો હતા.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાના દાદા કૅપ્ટન અજિતસિંહ લાહોરની એચિસન કૉલેજના વિદ્યાર્થી હતા. બહાવલપુરના પૂર્વ નવાબ સાદિક ખાન, જનરલ મૂસા ખાન અને અન્ય મહત્ત્વપૂર્ણ વ્યક્તિના મિત્ર અને સહાધ્યાયી હતા. તો એમનાં દાદી નરેન્દ્રકોર એ વિસ્તારનાં સુપ્રસિદ્ધ રાજકારણી અને સામાજિક વ્યક્તિ હતાં.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે મારાં દાદી મને હંમેશાં ભારતના વિભાજન સમયની વાર્તાઓ કહેતાં હતાં. તેઓ કહેતાં કે જ્યારે ભાગલાનો સમય આવ્યો અને રમખાણો થવા માંડ્યાં ત્યારે લાહોરમાં રહેતા એક મુસ્લિમ સરકારી અધિકારી અને એમની પત્નીએ એમને બે મહિના સુધી આશરો આપ્યો હતો.

એ દરમિયાન આશરો આપનાર પરિવારે માત્ર મુશ્કેલીઓનો જ સામનો નહોતો કર્યો પણ એ પરિવારે માનવતાની મિસાલ કાયમ કરી હતી. એ વિશે મેં માત્ર એક પુસ્તક જ ન લખ્યું, બલકે એ પરિવારને શોધવાનો હું ઘણાં વરસો સુધી પ્રયત્ન કરતો રહ્યો.

અહેસાન કરાનારના સંપર્કનું માધ્યમ બન્યું પુસ્તક

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે મેં મારા પૂર્વજો પાસેથી જે કંઈ સાંભળ્યું હતું, અને મેં જે કંઈ શોધ કરી હતી એના આધારે મેં એક પુસ્તક લખ્યું. એ પુસ્તક લખવા મેં લાહોર, ગુજરાંનવાલા અને બોતાલામાં શોધ કરી અને અમારા પૂર્વજોની હવેલીની પણ મુલાકાત લીધી. મને એ જોઈને ઘણો આનંદ થયો કે એમાં હવે છોકરીઓ માટેની શાળા ચાલે છે.

તેમણે જણાવ્યું કે, "મેં મારા પુસ્તકમાં મારા પૂર્વજો પાસેથી સાંભળેલી વાર્તાઓ લખી હતી. એ પુસ્તક લાહોરના એક પ્રોફેસર કૈલાશે વાંચ્યું. પ્રોફેસર કૈલાશ પોતે ઇતિહાસકાર અને સંશોધક છે."

તેમણે જણાવ્યું કે "જ્યારે હું તેમને મળ્યો ત્યારે પુસ્તકમાં લખેલી ઘટનાઓના આધારે એમણે મને જણાવ્યું કે એ પરિવાર મુસ્લિમ લીગના સાંસદ મહમૂદ બશીર વર્કનો પરિવાર છે."

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે ત્યાર પછી મેં મહમૂદ બશીર વર્કનો સંપર્ક કર્યો. એમના પૂર્વજોએ ભારતના ભાગલા વખતે ઘણા હિન્દુ અને શીખ લોકોની મદદ કરી હતી અને એમના જીવ બચાવ્યા હતા, એથી વધારે એમને આ ઘટનાની માહિતી નહોતી.

અશ્રુઓ સાથે થનારી મુલાકાત

મહમૂદ બશીર વર્ક સાથેની મુલાકાતનું વર્ણન કરતાં ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે જ્યારે હું એમની પાસે ગયો ત્યારે એક સાંસદની વિનમ્રતાએ મને સૌથી પહેલાં પ્રભાવિત કર્યો.

"મેં એમને પૂછ્યું કે શું તમારા પરિવારમાં કોઈ સરકારી અધિકારી હતા? તો એમણે જણાવ્યું કે હા, એમના દાદા સૂબે ખાન ભારતના વિભાજન પછી લાહોરમાં મામલતદાર હતા."

"મને પણ મારાં દાદીએ જણાવેલું કે એમના પરિવારને આશ્રય આપનારા પરિવારના મોભી ટૅક્સ વિભાગમાં સરકારી કર્મચારી હતા. પછી મેં એમને પૂછ્યું કે આમના બેગમ કોણ હતાં? આ સાંભળતાં જ મહમૂદ બશીર વર્કની આંખોમાં આંસુ ઊભરાયાં."

એમણે ઉમેર્યું, "જ્યારે હું મારાં દાદા-દાદીની મદદ કરનાર અને એમને બચાવનાર અને એમના પર ઉપકાર કરનારનાં બાળકોને મળ્યો ત્યારે મારી આંખોમાં આપોઆપ આંસુ સરી પડ્યાં. મહમૂદ બશીર વર્કની પણ એ જ હાલત હતી. તેઓ મહાન લોકો હતા, જેમણે બીજાને બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા."

"જો મારાં દાદા-દાદી જીવતાં રહ્યાં ન હોત, તો દેખીતું છે કે હું અને મારો પરિવાર પણ આ દુનિયામાં ન હોત."

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે મારાં દાદીએ મને કહેલું કે સૂબે ખાન આપણા પારિવારિક મિત્ર હતા. જ્યારે રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે સૂબે ખાન અને એમનાં પત્નીએ અમારી ખૂબ હતાશ સ્થિતિમાં અમને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.

એમણે જણાવ્યું કે વાતાવરણ એવું હતું કે આજના ભારત અને પાકિસ્તાનમાં રહેલા બહુસંખ્યકો લઘુસંખ્યકોને શોધી શોધીને મારતા હતા. સ્થિતિ એવી હતી કે બંને તરફના બહુસંખ્યક માટે કોઈ પણ અલ્પસંખ્યકને આશ્રય આપવો અઘરું કામ હતું.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે મારાં દાદા-દાદી બે મહિના સુધી લાહોરમાં સૂબે ખાનના સરકારી આવાસમાં છુપાઈને રહ્યાં. એ દરમિયાન, આડોશપાડોશમાં એ વાત ફેલાઈ ગઈ કે સૂબે ખાનના ઘરે શીખો કે હિન્દુઓએ શરણ લીધું છે. વાત ફેલાતાં સ્થાનિક મસ્જિદના ઇમામે સૂબે ખાનની પૂછપરછ કરી હતી.

સૂબે ખાને ખોટા સોગંદ નહોતા ખાધા, એમણે મારા દાદાને ભાઈ બનાવ્યા હતા. બે મહિના સુધી એમણે પોતાના ભાઈઓ કરતાં વધારે રક્ષણ કર્યું હતું. એટલે સુધી કે એમણે શીખોની ધાર્મિક પરંપરાઓનું પણ ધ્યાન રાખ્યું હતું.

ઘરમાં બે પ્રકારનાં ભોજન બનતાં હતાં

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે મારાં દાદીએ કહેલું કે જ્યારે અમે અમારી હવેલી છોડી દીધી ત્યારે મારા એક કાકા અઢી જ મહિનાના હતા અને બીજા કાકા અઢી વરસના હતા. આકરી ગરમીમાં જેમતેમ કરીને તેઓ લાહોર પહોંચ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે, એમનાં દાદીએ કહેલું કે તેઓ જ્યારે લાહોર પહોંચ્યાં તો એમને એમ લાગ્યું કે જાણે તેઓ સુરક્ષિત હાથમાં પહોંચી ગયાં છે. સૂબે ખાનનાં પત્ની અને મહમૂદ બશીર અહમદ વર્કનાં દાદી મારા બંને કાકાની પોતાના બાળકની જેમ સારસંભાળ રાખતાં હતાં.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યા અનુસાર, બંને બાળકોને દાદી પોતાની પાસે સુવડાવતાં હતાં. તેઓ તેમની દરેક પ્રકારે સંભાળ રાખતાં હતાં. એટલે સુધી કે તેઓ મારાં દાદા-દાદીનાં કપડાં પણ ધોઈ નાખતાં હતાં. તેઓ જે કંઈ પણ કરી શકે એમ હતાં એનાથી વધારે કરતાં હતાં.

ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાએ જણાવ્યું કે સહિષ્ણુતા એટલી બધી હતી કે મુસલમાનોના ઘરમાં એમનાં ધર્મ અને રીતભાત અનુસાર હલાલ ભોજન બનાવાતું હતું અને અમારાં દાદા-દાદી માટે અમારી ધાર્મિક પરંપરાઓ અનુસારનું ભોજન બનાવાતું હતું.

એટલે જ્યારે હું અમારા ઉપકારકર્તાઓના ગામમાં એ પૂર્વજોની કબર પર ગયો ત્યારે મેં ત્યાં માત્ર મારું માથું જ ન નમાવ્યું, બલકે પ્રેમભક્તિથી એમની કબરોને ચૂમીને એ મહાન લોકોને શ્રદ્ધાંજલિ અર્પી.

એ ગામ જ્યાં શીખ અને હિન્દુ સુરક્ષિત રહ્યા

મુસ્લિમ લીગ (નવાજ)ના નૅશનલ ઍસૅમ્બ્લીના સદસ્ય મહમૂદ બશીર વર્કે જણાવ્યું કે ડૉક્ટર તરુણજિતસિંહ બોતાલિયાને મળ્યા પહેલાં એમને એમના પરિવાર સાથે ઘટેલી ઘટના વિશે કશી માહિતી નહોતી. પરંતુ એટલી જરૂર ખબર હતી કે ભારતના ભાગલા વખતે અમારા પૂર્વજોએ પોતાના કર્તવ્યનું પાલન કરતાં હિન્દુઓ અને શીખોના જીવ બચાવવામાં ભૂમિકા ભજવી હતી.

"જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે હું નાનો હતો પણ એ સમયની યાદો આજે પણ તાજા છે. અમારા ગામ ઇબ્નેવાલા અને આસપાસનાં ગામો, કસબાઓમાં મોટી સંખ્યામાં શીખ અને હિન્દુ રહેતા હતા. શીખોની પાસે જમીનદારી હતી. શીખોમાં મોટા મોટા જમીનદારો હતા, તો હિન્દુઓ વેપાર કરતા હતા. મોટા ભાગના શાહુકારી એટલે કે વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતા હતા."

એમણે જણાવ્યું કે અમારી આસપાસનાં ગામોમાં મુસલમાનો ઘણા હતા, પણ બધા હળીમળીને રહેતા હતા. એકબીજા માટે ભાઈચારાની ભાવના હતી. અમારો પરિવાર પણ એ વિસ્તારમાં જમીનદારી કરતો હતો. મારા પિતા બશીર અહમદ વર્ક એની દેખરેખ રાખતા હતા, જ્યારે મારા દાદા ચૌધરી સૂબે ખાન મામલતદાર હતા.

મહમૂદ બશીર વર્કે જણાવ્યું કે, "જેમજેમ વિભાજનના દિવસ નજીક આવતા હતા, તણાવ વધતો જતો હતો. હું જોતો હતો કે મારા પિતા થોડા ચિંતાગ્રસ્ત રહેતા હતા. ગામલોકો સાથે વધારે ને વધારે વાતો કરતા હતા. હવે તેઓ હંમેશાં પોતાની સાથે હથિયાર રાખતા હતા. એ એક બાર બોરની બંદૂક અને એક રિવૉલ્વર હતાં. એ દિવસોમાં રિવૉલ્વર એવી હતી જાણે આજકાલનો એટમ બૉમ્બ."

મહમૂદ બશીર વર્કે જણાવ્યું કે, "જ્યારે ભાગલાનો દિવસ બિલકુલ નજીક આવી ગયો અને વિભાજનની જાહેરાત થઈ ગઈ તો એ વખતે એવા સમાચારો સાંભળવા મળતા હતા કે લૂંટનું બજાર ગરમાયું છે; હિન્દુ, મુસ્લિમ અને શીખ લડી રહ્યા છે. આવા વાતાવરણમાં મારા પિતાએ ગામમાં એલાન કર્યું કે આપણા ગામમાં રહેતા હિન્દુઓ અને શીખોને કોઈ પણ નુકસાન ન કરે. એમનાં જાન-માલ અને ઇજ્જતની રક્ષા કરવી એ આપણી જવાબદારી રહેશે."

"પિતાજીએ કાયદેસર પહેરેદારોની વ્યવસ્થા કરી હતી, જેમાં મુસલમાન તો રહેતા જ હતા, જો શીખો હુમલો કરવાનો પ્રયાસ કરે તો ગામના શીખ લોકો પણ લડવા માટે તૈયાર થયા હતા."

મુકાબલો કરવા શીખો બહાર નીકળી પડ્યા

મહમૂદ બશીર વર્કે જણાવ્યું કે એક વાર એવી અફવા ફેલાઈ કે આસપાસનાં ગામોના શીખ અમારા ગામ પર હુમલો કરી શકે છે. એમનો સામનો કરવા માટે ગામલોકો ભેગા થઈ ગયા. બધાએ બંદૂકો, કુહાડી અને લાઠી એકઠાં કરવા માંડ્યાં.

એમણે જણાવ્યું કે એ વખતે અમારા ગામના શીખ પણ પૂરી તૈયારી સાથે સ્થળ પર હાજર થઈ ગયા હતા. એમણે કડાં પહેર્યાં હતાં. એમનાં કિરપાણ અને બીજાં હથિયારો પણ એમની પાસે હતાં. શીખોએ કહેલું કે જો શીખો આ ગામ પર હુમલો કરશે તો એમણે પહેલાં અમારો સામનો કરવો પડશે.

"ત્યાર પછી શું થયું એ મને યાદ નથી, પણ પછી એવું થયું કે આસપાસનાં ગામોના હિન્દુઓ અને શીખોએ પણ અમારા ગામમાં શરણ લેવાનું શરૂ કર્યું."

મહમૂદ બશીર વર્કે જણાવ્યા અનુસાર, "મને યાદ છે અને મેં જોયું હતું કે કેટલાંક મહિલાઓ અને બાળકોએ અમારા ઘરમાં આશ્રય લીધો હતો. એમની સુરક્ષાની જવાબદારી મારાં માતા આમના બેગમની હતી. તેઓ પોતાની પાસે ખંજર રાખીને આખી રાત દરવાજે પહેરો ભરતાં હતાં."

એમણે જણાવ્યું કે એમાં બે અનાથ બાળકો પણ હતાં. મને ખબર નથી કે તેઓ હિન્દુ હતા કે શીખ પણ મારાં માતા એમને પોતાની પાસે જ રાખતાં હતાં. તેઓ તેમની દેખરેખ બિલકુલ એક માતાની જેમ કરતાં હતાં.

અમારા ગામમાં એવો પણ પ્રતિબંધ હતો કે અમારા ગામનો કોઈ પણ વ્યક્તિ લૂંટફાટમાં સામેલ નહીં થાય.

લૂંટાયેલો માલ જપ્ત કરીને કોષાગારમાં જમા કરાવાયો

મહમૂદ બશીર વર્કે જણાવ્યું કે સ્થિતિ એ હતી કે અમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હતી પણ અમારા ગામની આસપાસનાં ગામોમાંથી રમખાણ અને લૂંટફાટની ખબરો રોજ આવતી હતી. એક દિવસ ખબર પડી કે અમારા ગામની એક વ્યક્તિ બીજા ગામ ગયેલી અને લૂંટમાં ભાગ લીધો હતો.

એ મુદ્દે મારા પિતાજીએ ગામલોકો સાથે મળીને તત્કાળ કાર્યવાહી કરીને એમના ઘરેથી લૂંટનો માલસામાન જપ્ત કરીને કોષાગારમાં જમા કરાવી દીધો હતો.

એમણે જણાવ્યું કે પાકિસ્તાન અને ભારત અસ્તિત્વમાં આવ્યા પછી ઘણા દિવસો સુધી હિન્દુઓ અને શીખોનું રક્ષણ કરવામાં આવ્યું. હિન્દુ અને શીખ ભારત જવા ઇચ્છતા હતા. પિતાજીએ અમને સુરક્ષિત રીતે શરણાર્થીઓની છાવણીમાં પહોંચાડ્યા, એમાંના ઘણાને ટ્રેનમાં બેસાડ્યા અને એમનાં ઘરો અને પશુઓનું રક્ષણ કરતા રહ્યા.

મને બરાબર યાદ છે કે પિતાજી દરેકને ભેટીને એમને વિદાય આપતા હતા. એમને આશ્વાસન આપતા હતા કે એમની સંપત્તિનું રક્ષણ કરવામાં આવશે અને સ્થિતિ સારી થાય ત્યારે તેઓ પાછા આવશે તો એમની થાપણ એમને પાછી સોંપી દેવાશે.

મહમૂદ બશીર વર્કે જણાવ્યું કે કેટલાક પરિવારો ભાગલા વખતે જતા રહ્યા અને કેટલાક પરિવારોએ ભાગલાના ઘણા મહિનાઓ પછી ક્ષેત્ર છોડ્યું, પણ જનારાઓ પાછા ન આવ્યા. એ જ રીતે, જ્યારે ભારતમાંથી શરણાર્થીઓ આવ્યા, તો અહીંથી જતા રહેલા હિન્દુઓ અને શીખોની જમીન-જાયદાદ એમના ભાગે આવી, જેનાથી એ લોકોના રોજગાર ચાલ્યા.

"મારા પિતા જીવનના અંતિમ દિવસોમાં ઘણી વાર મને કહેતા હતા કે માનવજીવનની રક્ષાને કારણે મને મોક્ષ મળશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો