You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને જ્યારે રંજાડાયેલા ખેડૂતે બંગડી ભેટ કરી
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દીવાન એટલે રાજા પછીનું બીજું મહત્ત્વનું સ્થાન ભોગવતું પદ. તેને વજીર, પ્રધાન પણ કહેવામાં આવે છે. દીવાન તરીકે મોટા ભાગે ગુજરાતમાં નાગર બ્રાહ્મણોની જાહોજલાલી રહી છે. રાજ્ય કારભાર સંભાળવામાં અને પોતાના રાજ્યમાં સારા કામો કરી એક દીવાન રાજા જેટલું જ માન પામી શકે છે તેનો દાખલો એટલે પ્રભાશંકર પટ્ટણી.
પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગર રાજ્યનું દીવાનપદ સંભાળ્યા પછી ભાવનગરમાં બંદર વિકાસથી માંડીને તે વખતની બ્રિટિશ સરકાર સામે લડીને રેલવે લાઇન જેવી માળખાકીય સવલતોનો વિકાસ કરવામાં મોટો ફાળો આપ્યો.
દીવાનપદની ગરિમાને સાચા અર્થમાં શોભાવનાર સર પ્રભાશંકર પટ્ટણીનું નામ આવે એટલે પહેલાં જ તેમના દ્વારા લખાયેલ કાવ્ય "ઉઘાડી રાખજો બારી" અવશ્ય યાદ આવે.
તેમણે એ કાવ્યમાં દુનિયાના દુ:ખી, દરદી અને માર્ગ ભૂલેલાઓ માટે વિસામો બનવાની અને ગરીબો તથા વંચિતોનો અવાજ તમારા સુધી પહોચે તે માટે કાન ઉઘાડા રાખવાની વાત કરી હતી. આવા દયાળુ, કાબેલ અને કુશળ વહીવટકર્તા સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના દીવાન હતા.
પ્રભાશંકર પટ્ટણીનો જન્મ 1862માં મોરબી ખાતે થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. તેમણે રાજકોટમાં સગા સંબંધીઓને ત્યાં રહી પ્રાથમિક અભ્યાસ કર્યો હતો જ્યાં તેમની મૈત્રી ગાંધીજી સાથે થઈ હતી જે જીવન પર્યંત ટકી રહી. તેમણે મેટ્રિકમાં ઉત્તીર્ણ થઈ મુંબઈ મેડિકલ કૉલેજમાં ઍડમિશન લીધું પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે મેડિકલનો અભ્યાસ વચમાં જ પડતો મૂકી 1886માં માણાવદર પાછા ફર્યા અને નોકરીની શોધમાં લાગી ગયા.
આ દરમિયાનમાં તેમના લગ્ન સૌરાષ્ટ્રના વૈદ્ય ઝંડુ ભટ્ટના ભાઈ મણિભાઈની દીકરી સાથે થયાં. પરંતુ તેમનું ગૃહસ્થ જીવન લાંબુ ન ચાલ્યું. થોડા વખતમાં જ તેમનાં પત્નીનું મૃત્યુ થયું. ત્યારબાદ બીજું લગ્ન મોરબી ખાતે રહેતા ઝંડુ ભટ્ટના બીજા ભાઈ વિઠ્ઠલનાથનાં પુત્રી રમાબહેન સાથે થયું જે સુખમય રહ્યું.
તેમણે મોરબી, દેવગઢબારિયા અને ધારવાડ એમ ત્રણ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી અને ત્યાર બાદ રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષકની નોકરી સ્વીકારી. આ સમય દરમિયાન તેમને કવિ કાન્ત, બી .કે. ઠાકોર જેવા મિત્રો મળ્યા.
તેમની સાથેની મૈત્રીને પરિણામે પ્રભાશંકર પટ્ટણી સારા લેખક અને કવિ બન્યા. આ ઉપરાંત તે સમયે ભાવનગરના રાજકુંવર ભાવસિંહજીના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાવસિંહજીએ પ્રભાશંકરને રોકી લીધા
તખતસિંહજી મહારાજનું અવસાન થતાં પ્રભાશંકર તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજકુંવર ભાવસિંહજીને મળવા ગયા. જ્યારે તેઓ રાજકુંવર ભાવસિંહની રજા લઈ રહ્યા હતા તે સમયે એક તાર આવ્યો. તાર વાંચીને ભાવસિંહનો ગુસ્સો આસમાને ચઢી ગયો.
રાજકુંવરને આમ ગુસ્સે જોઈ પ્રભાશંકરે સહજતાથી પ્રશ્ન કર્યો, 'શું થયું? આપ અચાનક તાર વાંચી કેમ ગુસ્સે થઈ ગયા?' ત્યારે ભાવસિંહે એ તાર પ્રભાશંકર પટ્ટણીના હાથમાં મૂક્યો અને કહ્યું, 'આપ જ કહો, અંગ્રેજોએ મોકલાવેલા આ તારનો જવાબ શું આપવો?'
પટ્ટણીજીએ તાર વાંચ્યો. તારમાં બ્રિટિશ શાસન તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી વિધિસરની સંમતિ ન મળે ત્યાં સુધી ભાવસિંહજી મહારાજે રાજ કામકાજમાં ભાગ લેવો નહીં.
તાર વાંચી પ્રભાશંકર પટ્ટણીએ ભાવસિંહજીને કહ્યું, 'આપે રાજ્યના અનુભવી દિવાનસાહેબ અને બીજા રાજ્ય કારભારીઓને બોલાવી આ તાર સોંપવો અને તમારે પહેલાંથી ચાલી આવતી પ્રણાલી પ્રમાણે રાજ્યનો વહીવટ કરવો.'
પરંતુ થયું એવું કે તે વખતે રાજ્યના દીવાનસાહેબ વિઠ્ઠલદાસ મહેતાએ તબિયત સારી રહેતી ન હોવાથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે ભાવસિંહજીએ પ્રભાશંકર પટ્ટણીને કહ્યું, 'તમારે હવે ભાવનગર છોડવાનું નથી. તમારે અહી મારી સાથે રાજ્યનો કારભાર સંભાળવામાં મદદ કરવાની છે.'
ત્યારથી પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યમાં કારકુનથી માંડી રાજ્યના સેક્રેટરી સુધીની જવાબદારી સંભાળતા રહ્યા. 1903માં ભાવસિંહજી મહારાજે પ્રભાશંકર પટ્ટણીને દીવાનપદ સોપ્યું જે તેમણે 1938 સુધી સંભાળી ભાવનગર રાજ્યને એક સુશાસન પૂરું પાડ્યું.
ભાવનગરના દીવાન બન્યા પછી તેમણે દારૂબંધી અને ધારાસભાની રચના જેવા કાર્યો કર્યા.
ઉપરાંત બંદરના વિકાસ માટે ભાવનગરના બંધારણીય હકો વિષે મુંબઈ સરકાર સાથે કરારો કર્યા જેમાં ભાવનગર રાજ્યે આયાતવેરો લેવો અને ભાવનગરથી નિકાસ થતાં માલને બ્રિટિશ હદમાં છૂટથી દાખલ થવા દેવો જેવી બાબતો મુખ્ય છે.
ખેડૂતે જ્યારે બંગડીઓ આપી
રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે પ્રભાશંકર પટ્ટણી પોતે રાહત કાર્યોનું નિરીક્ષણ કરતાં. તેઓ રોજ 40થી 50 માઇલ માઈલ જેટલું અંતર પગે ચાલીને અથવા ઘોડા પર બેસી કાપતા. આ પ્રસંગે પ્રભાશંકર પટ્ટણીના માનવતાવાદી વ્યવહારનું એક સુંદર ઉદાહરણ અહી ટાંકું છું.
ભાવનગર રાજ્યના પાંચ પીપળા ગામનો એક ગરીબ ખેડૂત રાજા પાસે ફરિયાદ લઈને આવ્યો. એને પટ્ટણી સાહેબ સિવાય કોઈનેય મળવું ન હતું. વાત એવી હતી કે ખેડૂતે પોતાની જમીન ઉપર કરજ લીધેલું અને ત્યારપછી કમનસીબે ચોમાસાં નબળા આવતા ગયા, શાહુકારના વ્યાજને ઘોડાએ ન પહોંચી શકે.
ખેડૂત દેવાના ડુંગર નીચે દબાતો ગયો અને એ પરિસ્થિતિમાં રાજ્યના મહેસૂલ વિભાગના અધિકારી, જેને એ જમાનામાં થાણેદાર કહેતા, એ થાણેદારે ખેડૂત ઉપર જપ્તીનું વૉરંટ કાઢ્યું. ખેડૂતની પાસે બીજી તો શું મિલકત હોય? એક ખોરડું હોય, થોડી જમીન હોય, ઢોર-ઢાંખર હોય, આ બધું જપ્ત કરી લેવું તેવો થાણેદાર સાહેબનો હુકમ થયો. પેલા ખેડૂતને ઉગરવાનો કોઈ આરો નહોતો દેખાતો એટલે એ પ્રભાશંકર પટ્ટણી પાસે પહોંચ્યો.
પ્રભાશંકર પટ્ટણી પાસે પહોંચીને એણે એમને ફરિયાદ કરી કે, મારા ખેતરમાંથી એટલી ઊપજ થતી નથી કે હું આ વસૂલી ભરી શકું અને શાહુકારનું વ્યાજ ભરવામાં હું તૂટી ગયો છું. હવે મારી જમીન ખોરડું ને બધું જ જપ્ત થવાના હુકમો છુટ્યા છે એટલે જો ત્વરિત રાહત ન મળે તો હું તો બરબાદ થઈ જઈશ.
પ્રભાશંકર પટ્ટણીએ આખી વાત સાંભળી. વાત સાંભળી એમને લાગ્યું કે એની વાતમાં કાંઈક દમ છે. એમણે ખેડૂતને કહ્યું, 'સારું. તું તારી અરજી લાવ્યો છે તે મને આપ. હું તપાસ કરાવી અને આમાં તને ન્યાય મળે તેવું કરીશ.'
પેલા ખેડૂતને આમાં વિશ્વાસ નહોતો. ઘણી જગ્યાએ અરજીઓ કરી હતી. બધેથી એવું કહેવામાં આવ્યું હતું કે, તપાસ કરીને જવાબ આપીશું. તને જે યોગ્ય હશે તે ન્યાય મળે તેવું કરીશું. એવું થયું નહોતું. ખેડૂતનો આક્રોશ એના મનમાં મા'તો ન હતો.
એણે ગુસ્સામાં પ્રભાશંકર પટ્ટણીને કહ્યું, 'સાહેબ ! શું ન્યાય અપાવશો તમે? શું તપાસ કરીને ઘટતું કરવાની વાત કરો છો? વાળું ટાણે મારું કુટુંબ જમવા બેઠું હોય એવે સમયે બધાને ઘરમાંથી બહાર તગેડી મૂકીને બધી જપ્તી કરવાનો હુકમ એ કેવો કાયદો? જેમાં જરાયે માનવીય સંવેદના ન હોય, નાના-નાના છોકરા, બહેન-દીકરીઓ જમવાં બેઠાં હોય એવા સમયે તમારા રાજનો જપ્તીદાર આવે અને બધાને બહાર કાઢી મૂકે, એવો કેવો રાજ્યનો હુકમ?
ખેડૂત એમ કહીને એટલો આક્રોશમાં આવી ગયો કે તેણે ગજવામાં હાથ નાખીને એક બંગડી કાઢી અને કહ્યું, 'આ એક બંગડી લાવ્યો છું તમારા માટે. તમારાથી કશું નહીં વળે. તમે આ બંગડીઓ પહેરી લો. કોઈ રાજ્યનો વહીવટ આવી રીતે ચાલે નહીં જેમાં સંવેદના ના હોય. ઘણાં રાજ જોયા, પણ તમારા રાજમાં જે વહીવટ ચાલે છે એ અમને બરબાદ કરી નાખે એવો હોય છે એટલે નાછુટકે હું તમારા માટે આ બંગડી લાવ્યો છું.'
વિચાર કરો શું થાય? ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી જેવો કાબેલ અને દક્ષ વહીવટદાર. એની ધાક પણ એટલી. કડક સ્વભાવ. એને એક અભણ ખેડૂત, જેની પાસે રાજની વસૂલી બાકી હતી, ગજવામાંથી બંગડી કાઢીને આપે કે લ્યો આ પહેરો.
એની જગ્યાએ આપણા અત્યારના સરકારી અધિકારી હોય તો શું કરે? પેલા ખેડૂતનું તો શું થાય પછી? પણ આ તો પ્રભાશંકર પટ્ટણી હતા. એમનામાં વહીવટનો અર્થ કાંઈક જૂદો હતો. વહી એટલે ચોપડા અને વટ એટલે માથું અધ્ધર રાખીને જે જોઈ શકાય તેવા. તમે તમારા ચોપડા માથું ઊંચું રાખીને ક્યારે જોઈ શકો? જ્યારે નફો કરો, વહીવટ સારો ચાલતો હોય ત્યારે ને.
સર પ્રભાશંકર પટ્ટણી સાહેબે તેને કહ્યું, 'લાવ ભાઈ બંગડી. હું એનો અધિકારી છું. હું તારી યાતનાઓ સમજું છું. મને આપી દે.' પટ્ટણી સાહેબને તાવ આવ્યો હતો, બહાર નહોતું નીકળવાનું છતાં રાજનું વાહન કરાવ્યું. જાતે પેલા ખેડૂતને લઈને મોતીબાગ, જ્યાં રેવન્યુ અમલદારની ઑફિસ હતી, ત્યાં ગયા. અંગ્રેજ અધિકારી બર્ક કરીને જે આ સમગ્ર વિભાગનો વડો હતો તેને મળ્યા.
અધિકારી પોતાની નામરજી દર્શાવી કહ્યું કે આ યોગ્ય નથી. કોઈક માણસ જેની મહેસૂલી બાકી હોય તે આવીને દીવાન સાહેબને રજૂઆત કરે અને રાજ્ય જપ્તી ન કરે તો બધા આ દાખલો ખોટી રીતે લેશે. પટ્ટણી સાહેબે અધિકારીની દલીલ નહીં માનીને ખેડૂતની વસૂલી માફ કરાવી અને ખેડૂતને રાજી કરીને મોકલ્યો. પછી પોતે પોતાના નિવાસસ્થાને પાછા આવ્યા.
આ હતી પ્રભાશંકર પટ્ટણીની મહાનતા. આવા લોકભોગી કાર્યો તેમણે કર્યા જેથી તેઓ ભાવનગર રાજ્યના દરેક વ્યક્તિના હૃદયમાં ઊંચું સ્થાન પામ્યા.
મહારાજ કૃષ્ણકુમારસિંહજી માટે લડત
1912માં બ્રિટિશ સરકારના આગ્રહને વશ થઈ તેમણે મુંબઇ ગવર્નરની ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલનું સભ્યપદ સ્વીકાર્યુ. ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે અંગ્રેજ સરકારે તેમને 'સર'નો ખિતાબ આપ્યો અને તેમનું બહુમાન કર્યું હતું. અંગ્રેજ સરકારે પટ્ટણી સાહેબને કોઈ રાજ્યના રાજ્યપાલ તરીકેની નિમણૂક કરવાની ઓફર કરી પરંતુ તેમનું મન તો ભાવનગરની સેવા કરવા ઉત્સુક હતું. તે દરમિયાન 1919માં રાજા ભાવસિંહજીનું મૃત્યુ થતાં ભાવનગર નધણિયાતું થયું ત્યારે ભાવનગરથી અનેક તાર પટ્ટણી સાહેબ ઉપર ગયા.
જોકે, તેમના મૃત્યુ પહેલાં તેમના વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી પ્રભાશંકર પટ્ટણીને આપી હતી. ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીનો 1931માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પ્રભાશંકર પટ્ટણીએ ફરજ બજાવી હતી.
તેઓ કૃષ્ણકુમારસિંહજીને વહેલી ગાદી અપાવવા માટે સરકાર સામે લડ્યા. આ બાજુ બંદરનો વિકાસ થવાથી રાજ્યની આવક વધી હતી તેથી મુંબઈ રાજ્યની દાનત બગડી. તેથી રાજ્યના રાજા એવા બાળ કૃષ્ણકુમારસિંહજીને વિલાયત લઈ જવાનું વિચાર્યું ત્યારે પ્રભાશંકર પટ્ટણીએ મુંબઈ સરકારને કહેલું કે "ભાવનગરની પ્રજાની મરજી વિરુદ્ધ બાળ મહારાજ કૃષ્ણકુમારસિંહજીને વિલાયત લઈ જશો તો ટ્રેનના પાટા ઉપર છેક વઢવાણ સુધી આખું ભાવનગર સૂતું હશે અને તે દિ' એન્જિનના પૈડાં પાસે પહેલું માથું મારું હશે - હું આમ કરું એવો માણસ છું."
છેવટે કૃષ્ણકુમારસિંહજીને હેરો પબ્લિક સ્કુલમાં જવા જેવડા થાય ત્યારે મોકલવા અને તે પણ ત્રણ વર્ષ માટે જ એટલું અંગ્રેજ સરકારે સ્વીકારવું પડ્યું.
પ્રભાશંકર પટ્ટણીએ કૃષ્ણકુમારસિંહજીને રાજા તરીકે બેસાડી રાજ્યનો વહીવટ સંભાળ્યો. તેમના સંબધો ગાંધીજી અને કૉંગ્રેસ સાથે ગાઢ હતા છતાં તે સમયે તેઓ બાલ મહારાજ અને ભાવનગર રાજ્ય માટે મુંબઈ સરકાર સામે લડ્યા હતા.
પ્રભાશંકર પટ્ટણી લોકશાહીના સમર્થક હતા. તેથી તેમણે ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદને 12 વર્ષ સુધી અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ પંચાયતી રાજ્યના હિમાયતી હતા તેથી તેમણે 1924માં સાવરકુંડલામાં પંચાયતી રાજ્યનો પ્રયોગ કર્યો હતો જે સફળ નિવડ્યો હતો. પ્રભાશંકર પટ્ટણીએ નિવૃત્તિ લેવાનું વિચારી કૃષ્ણકુમારસિંહજીને ગાદી સોંપી પરંતુ પછીથી મુંબઈ સરકારે ભાવનગર બંદરનો વહીવટ પોતાના હાથમાં લીધો, આથી તેઓ મુંબઈ સરકાર ઉપર નારાજ થયા હતા.
1937માં તેમના પત્ની રમાબાનું મૃત્યુ થયું તેથી તેમને એકલતા લાગી હતી. 1938માં રમાબાની વરસી હતી તે વખતે પૂરી ભાગવત કથા સાંભળી બીજે દિવસે પ્રભાશંકર પટ્ટણીએ દેહ ત્યાગ કર્યો. કૃષ્ણકુમારસિંહજી મહારાજાએ સર પટ્ટણીના મોટા પુત્ર અનંતરાયને દિવાન બનાવ્યા અને તેમના સાથીદાર અને લોકપ્રિય ચીફ જસ્ટિસ નટવરલાલ સુરતીને નાયબ દિવાન બનાવ્યા હતા.
સંદર્ભ:
- સર પ્રભાશંકર પટ્ટણી - લેખક : મહેશ અનંતરાય પટ્ટણી, પ્રકાશક : ગુર્જર પ્રકાશન.
- એક વૃદ્ધની વિચારપોથીમાંથી લેખક : પ્રભાશંકર પટ્ટણી, પ્રથમ આવૃત્તિ 1939, દ્વિતીય આવ્રુતિ 2012
- સૌરાષ્ટ્રનો ઇતિહાસ - ભાગ ૧ (૧૮૦૭ - ૧૯૪૮) લેખક : એસ વી જાની (ડો), પ્રથમ આવૃત્તિ :2013 પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- સૌરાષ્ટ્રનું ઐતિહાસિક ગૌરવ લેખક : એસ વી જાની (ડો) પ્રથમ આવૃત્તિ :2013 2012, પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- સર પટ્ટણીનું જીવન : પ્રેરણાનો અખંડ સ્રોત, (http://kathiyawadikhamir.com/lifestory-sir-pattani/
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો