ચિનુભાઈ બૅરોનેટ: ઉદાર હૃદયી ઉદ્યોગપતિ

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બી. બી. સી. ગુજરાતી માટે

અમદાવાદમાં લટાર મારવા નીકળો તો કેટલાંક વરસોથી બંધ પડેલા પ્રેમાભાઈ હોલની બરાબર સામે અને મા ભદ્રકાળીની સમીપે મ્યુનિસિપલ બાગમાં એક આરસની પ્રતિમા જોવા મળે.

આ પ્રતિમા જેમના નામને ચિરંજીવ રાખી રહી છે તે સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટ અમદાવાદનું એક અણમોલ રતન હતા. 'બાપ કરતાં બેટા સવાયા' એ કહેવત મુજબ ચિનુભાઈના કિસ્સામાં સાચી પડે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રથમ ભારતીય પ્રમુખ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિઝને અમદાવાદની ઓળખ બનાવનાર અને તેનું પહેલું એકમ અમદાવાદમાં સ્થાપનાર રણછોડભાઈ છોટાલાલ અમદાવાદ ટેક્સ્ટાઇલ ઑનર્સ ઍસોસિયેશન જેવી અનેક સંસ્થાઓના સ્થાપક.

અમદાવાદને નળ અને ગટર આપી એ પ્રયોગને ફ્લોરેન્સ નાઇટેંગલે પણ વખાણ્યો એવા સ્વનામધન્ય રણછોડલાલના પૌત્ર અને માધુભાઈમિલના સંચાલક માધવલાલ છોટાલાલના પુત્ર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટનો જન્મ ઈ.સ. 1864ના મે માસની 27મી તારીખે થયો હતો.

અમદાવાદ, અભ્યાસ અને અવરોધ

ઈ.સ. 1882માં અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઈ મુંબઈ યુનિવર્સિટી સાથે માટે સંલગ્ન ગુજરાત કૉલેજમાં પ્રીમિયરનો અભ્યાસ કરીને 1885માં પરીક્ષા પાસ કરી.

આગળના અભ્યાસ માટે મુંબઈ જવું પડે. પિતામહ રણછોડલાલની હયાતીનો આ સમય સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની રેલમછેલ.

રણછોડલાલના પૌત્રને મુંબઈ ભણવા મુકવો હોય તો નાણાંવ્યવસ્થાનો કોઈ સવાલ હાલ ઉપસ્થિત થાય જ નહીં. 'પાણી માંગો, તો દૂધ મળે એવી' કૌટુંબિક પરિસ્થિતિમાં ગર્ભશ્રીમંત તરીકે ઉછરેલા ચિનુભાઈને એક જ મુદ્દે મુંબઈ આગળ અભ્યાસ કરવા જતા અટકાવ્યા.

ચિનુભાઈ એકના એક કુળવારસ હતા. મુંબઈ ભણવા મોકલે તો ત્રણ-ચાર વરસ નજરથી અળગા અને એ જમાનામાં તો ખાસ્સા દૂર રહેવું પડે.

આ માટે રણછોડલાલ સહિત વડીલોનો જીવ ચાલ્યો નહીં.

મિલ, મૅનેજમૅન્ટ અને મહેનત

એ જમાનાના સંદર્ભમાં ચિનુભાઈએ લીધેલ પ્રીમિયર સુધીનું શિક્ષણ પર્યાપ્ત ગણાતું.

પોતાના ધીકતા મિલ સંચાલનના વ્યવસાયમાં પળોટાઈને પિતામહ તેમજ પિતાની સીધી દેખરેખ નીચે ધંધાની આ સ્વયં શિક્ષણની પાઠશાળામાં તેમણે પરોટવાનું વડિલોએ નક્કી કર્યું.

વડીલોને કદાચ એવું લાગ્યું હશે કે ધંધાની સાથોસાથ આગળ જતાં ચિનુભાઈને પોતાને યોગ્ય લાગશે તો કૉલેજ ડિગ્રીની ખોટ સ્વયં શિક્ષણ અને અનુભવથી પુરી કરી લેશે.

'મોરના ઈંડાને ચીતરવા ન પડે' એ ન્યાયે સર રણછોડલાલના આ વંશજે નમૂનારૂપ ઉદ્ધ્મ શીલતા, વહીવટ કાબેલિયત અને કુશાગ્ર બુદ્ધિના જોરે પોતાના મિલ વ્યવસાયમાં ઝંપલાવીને એમની કાબેલિયત સિદ્ધિ કરી આપી.

રણછોડલાલની એક મિલ જે સારંગપુર મિલ એમની કુશળ વહીવટી શક્તિને કારણે માધુભાઈ મિલ તરીકે જાણીતી થઈ.

પુત્ર માધવલાલની કામગીરી રણછોડલાલને પૂરતો સંતોષ હતો. હવે ચિનુભાઈએ ધંધામાં જોડાઇને પોતાની કાબેલિયત સિદ્ધ કરતાં રાવબહાદુર રણછોડલાલ ધીમે-ધીમે ધંધાની રોજબરોજની કામગીરીથી ફારગ થઈને માત્ર માર્ગદર્શક જ બની રહ્યા.

આમ છતાં પોતાના ધંધાની ઉપર એમની બાજ નજર હંમેશા રહેતી.

પિતામહ તેમજ પોતાના પિતાની તાલીમ અને હૂંફને સથવારે ચિનુભાઈએ ખૂબ યુવાન ઉંમરે એક દક્ષ વહીવટદાર તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી.

ઘડિયાળના કાંટે ચાલતી એમની જીવનચર્યા અને રોજ સવારે આઠ વાગ્યાથી એક મિલમાં ત્યારબાદ બીજી મિલ, ત્યાર બાદ ત્રીજી અને છેલ્લે ચોથી એમ ચારેય મિલની નિયમિત મુલાકાત લઈ બધા ખાતાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવાનું ચીમનભાઈનો નિત્યક્રમ લગભગ સાડા ત્રણથી ચાર કલાક ચાલતો.

પોતે અમદાવાદમાં હોય ત્યારે રૂબરૂ મુલાકાત અને વ્યવસ્થાનો આ નિયમ એમને હંમેશાં જાળવ્યો.

ઇજિપ્તનું રૂ, અમદાવાદમાં રૂપિયા

અમદાવાદ બહાર હોય ત્યારે પણ ત્યાંથી પોતાની દરેક મિલના કામ ઉપર એમની બાજ નજર હંમેશાં રહેતી અને મિલની કામગીરી બાબતે જરૂરી ખબર અને વિગતો મેળવતા અને જરૂરી સૂચનાઓ પણ આપતા.

આ સંદર્ભમાં તેમની માધુપુર મિલના વિવિંગ વિભાગમાં નોકરી કરતા છગનલાલ ભાવસાર પર અપાયેલી સુચનાઓ બાબત તેમના ઉપરના એક પુસ્તક 'નગર ભૂષણ દાનવીર સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટ ' ના પાના નંબર 25 પર શ્રીઅનંતરાય રાવળ કાંઈક આ પ્રમાણે લખે છે :

"તેમની માધુભાઈ મિલમાં વિવિંગ ખાતામાં નોકરી કરતા છગનલાલ ભાવસાર પર સિમલાની 'હોર્સ હીથ કૉટેજ' થી 1915ના તેમણે લખેલા ત્રણ પત્રો જે યશોધરભાઈ મહેતાને સ્વ. ભાવસારના પુત્ર પાસેથી જોવા મળ્યા અને તેની ઝેરોક્ષ નકલો કરાવી લીધી છે, તેમાં મિલના સાળખાતામાં નવા આવેલા ઇજનેર સાહેબ 'વુડ્ઝ સાહેબ' કેવું કામ કરે છે તે વિશે, સાઇઝિંગના મિક્સિંગમાં તેણે કરાયેલા ફેરફાર વિશે, તેણે કોઈ કામદારને મારવાથી પડેલી હડતાલ વિશે, એન્જિનમાં વૅક્યૂમ ડ્રૉપ થવાથી તે ઘણીવાર બંધ પડી જતું હતું તેવું વધુ વખત ન થાય તેની તાકીદ ઇજનેરને કરવા વિશે અને શ્રીભાવસારનું કામ 25,022 રતલ જેટલું આવ્યાનો સંતોષ વ્યક્ત કરી તે દિવસે-દિવસે વધારે આવવાની પોતે રાખેલી આશા વિશે ચિનુભાઈ એ પોતાના હસ્તાક્ષરમાં લખેલું છે.

આ એક જ દાખલો મિલના બધા સંચાના ઇતિહાસ અને કામની તેમજ કાપડના વેચાણ અંગેની પણ બધી રીતરસમો અને કામગીરીની પૂરી જાણકારી તેમણે હતી.

મિલોની મશીનરી બદલી તેને અદ્યતન બનાવતા રહેવાની સૂચનાથી ઉત્પાદન તેમણે વધાર્યું હતું.

ઇજિપ્તના રૂનો ઉપયોગ કરી 100 કાઉન્ટનું સૂતર કંતાવવાની અને તેનું કાપડ બનાવવાની પહેલ કરનાર તેવો જ હતા.

પરિણામે પિતૃદત્ત ઉદ્યોગ વ્યવસ્થા સફળતાથી ચલાવી કમાણીમાં માતબર તેમને હાથે થતી રહી."

કલ, આજ ઔર કલ

ચિનુભાઈ એક કુશળ સંચાલક અને ઉદ્યોગપતિ હતા. પોતાના વારસામાં મળેલ ઉદ્યોગ- વ્યવસાય માત્ર સફળતાથી ચલાવ્યો એટલું જ નહીં પણ એની કમાણીમાં સતત વૃદ્ધિ કરતા રહ્યા.

પોતાના પૌત્રની આ ક્ષમતા જોઈને દાદા રણછોડલાલને ખૂબ જ સંતોષ થતો.

આમ ચિનુભાઈએ પોતાની આગવી સૂઝ અને વહીવટ કુશળતાનો ઉપયોગ કરી રણછોડલાલએ શરૂ કરેલો અને માધવલાલ દ્વારા સંવર્ધિત ઉદ્યોગને કુશળતા પૂર્વક આગળ ધપાવવાનું કામ કર્યું.

ચિનુભાઈને માત્ર પૈસા કમાવવામાં જ ફાવટ હતી એવું નહીં એમણે શ્રીમંતાઇને ગરિમા બક્ષી અને પોતાની એક આગવી પ્રતિભા તેમજ શ્રીમંતાઈની છાપ ઊભી કરી.

જાહોજલાલીના જલવા

પોતાનું પોળનું મકાન ત્યારબાદ શાહપુર બંગલો અને પછી શાહીબાગનો રાજમહેલ જેવો 'શાંતિકુંજ' તેમનું નિવાસસ્થાન બન્યાં તેમણે સિમલામાં પણ ભવ્ય મહાલય જેવો 'ક્રેગ્ઝ' નામનો વિશાળ બંગલો 1915માં ખરીદ્યો.

મહાબળેશ્વરમાં રણછોડલાલ એ ખરીદેલા બે બંગલા તો હતાં જ. ચિનુભાઈએ મસુરીમાં 'ડેઈલવ્યૂ', 'આઇલી કૉટેજ' અને 'હેથર બ્રે' નામના વધુ ચાર બંગલા પણ ખરીદ્યાં

ચિનુભાઈને ઘોડાનો પણ સારો એવો શોખ હતો અને કુટુંબમાં સૌને ઘોડેસવારી શીખવવામાં આવતી.

"ઘોડાથી ચાલતા વિશિષ્ટ વાહનો જેવા કે છ ઘોડાથી ચાલતું છકડું, ચારથી ચાલતાં સિગરામ, ત્રણ ઘોડાની ટંડેલ, ત્રણ લેન્ડોનેટ, પાંચ બ્રૂમ, બે ડોગકાર્ટ, એક વેગનેટ, ચાર સિગરામ અને એ બધાને ચલાવવા ચાર કોચમૅન હતા.

એમને ત્યાં પહેલી મોટર 1908-09 માં આવી, જે અમદાવાદના કલેક્ટર પાસેથી એમને ખરીદેલી. ત્યાર પછી બે વરસ પછી બીજી મોટર આવી.

પછી બે રોલ્સ, અને 1911-12 માં ટૉર્પીડો અને પુલમૅન તથા બાર સીટવાળી ડેમ્લર પણ આવી. ડેમ્લર ગાડી દિલ્હીના કૉરોનેશન વેળાના દરબારમાં તથા પાર્ટીઓમાં જવા ખાસ ઓર્ડરથી તૈયાર કરાવી મંગાવેલી.

દિલ્હી દરબાર પ્રસંગે કુટુંબના સભ્યો, અન્ય મિત્ર-સંબંધીઓ અને નોકર-ચાકર મળીને કુલ ત્રિસેક જણાનો કાફલો ચિનુભાઈ સાથે લઈ ગયેલા અને ત્યાં રહેવાનું થયું એટલા દિવસો માટે કાચું લાકડાનું મોટું ઘર તેમણે દિલ્હીમાં ઊભું કરાવેલું.

કૉરોનેશન દરબાર અને પાર્ટીઓમાં ચિનુભાઈ પત્ની સુલોચનાબહેન સાથે જતા. દિલ્હી કૉરોનેશન પછી આખો કાફલો કાશી તથા પ્રયાગ જઈ આવેલો."

ચિનુભાઈના નામે એટલાં બધાં દાન લખાયેલાં છે કે એની આખી યાદી બનાવવાનું પણ કદાચ મુશ્કેલ બને.

આમાંનાં કેટલાંક મુખ્ય ગણીએ તો તેમના પિતામહે બંધાવેલી જ્યુબિલી હૉસ્પિટલમાં દોઢ લાખનું દાન આપીને તેમનાં માતા રેવાબાઈના સ્મરણાર્થે મહિલાઓ માટે પ્રસૂતિ વોર્ડ બનાવડાવ્યો.

એમના પિતાના નામથી ચાલતી હાઈસ્કૂલ અને બોર્ડિંગમાં દાન કર્યું, સારંગપુર દરવાજા બહાર પિતાને નામે માધવબાગ બનાવી આપ્યો, તેમના પિતાની યાદમાં એક ટેકનિકલ સંસ્થા પણ સ્થાપી આ ઉપરાંત એક સંસ્કૃત પાઠશાળાને પણ દાન આપ્યું.

તેમની સૌથી મોટી સખાવત અમદાવાદ સ્થિત ગુજરાત કૉલેજ ને તેમણે સરકાર હસ્તક મૂકી અને તેના નિભાવ ખર્ચ માટે બે લાખ રૂપિયા દાન આપ્યું. આ ઉપરાંત માધવલાલ રણછોડલાલ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ સ્થાપી અને તેમાં જોડાવા માટે છ લાખ રૂપિયા આપ્યા, ગુજરાત કૉલેજના કમ્પાઉન્ડમાં કિંગ જ્યોર્જ ફિફ્થ હૉલ માટે એક લાખ રૂપિયા તથા સિડનહામ લાઇબ્રેરીના મકાન માટે અડધો લાખ દાનમાં આપ્યા. આ ઉપરાંત ધરમપુરમાં સેનેટોરિયમ માટે પચાસ હજાર, મુંબઈની સરકારી રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ માટે દોઢ લાખ રૂપિયા આપ્યા.

શાહપુર મિલ બંધ પડી ત્યારે ચિનુભાઈએ મિલના એક મકાનમાં દલિત છાત્રાલય શરૂ કર્યું.

આ ઉપરાંત શ્રીસ્થળ અને સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા એવા મહર્ષિ કપિલમુનિ‌ની તપોભૂમિ એવા સિદ્ધપુરમાં નગરજનોની જ્ઞાનબુદ્ધિ માટે 110 વર્ષ જૂની લાઇબ્રેરી મંડીબજાર વિસ્તારમાં કાર્યરત છે. આજે તો એને અદ્યતન સુવિધાયુક્ત બનાવવામાં આવી છે.

પ્રાચીનકાળથી જ સિદ્ધપુર એ સરસ્વતીનું એટલે કે જ્ઞાન અને વિદ્યાનું ધામ રહ્યું છે. શહેરમાં જ્ઞાનના પ્રસાર અને પ્રચાર માટે પુસ્તકાલયની જરૂર રહેતી. તેથી કેટલાક આદર્શવાદી યુવાનોએ સને 1907માં 'મિત્ર મંડળ પુસ્તકાલય' નામની સંસ્થાની સ્થાપના કરી.

1910માં અમદાવાદના સર ચિનુભાઈએ આ સંસ્થાને રૂ. 300નું દાન આપ્યું હતું. તા. 1-1-1918થી આ પુસ્તકાલયનું નામ 'લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનિક પુસ્તકાલય' રાખવામાં આવ્યું.

સાદરા ગામની શોભા સમું જક્ષિણી માતાનું સ્થાનક આવેલું છે.

એવું કહેવાય છે કે સર ચિનુભાઈ બૅરોનેટના પિતા માધવલાલ ઉપર જક્ષિણી માતાની કૃપા પ્રાપ્ત થઈ હતી અને એથી એમને ઈ.સ. 1894માં (સંવત 1950) આ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી વિશાળ મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવી હતી.

આમ અમદાવાદ અને બહાર પણ તેમણે અનેક સખાવતો કરી. આ ઉપરાંત ધાર્મિક તીર્થસ્થાનોમાં મંદિરો અને ધર્મશાળાઓ, યજ્ઞો કરી દાનનો પ્રવાહ અવિરત વહાવ્યો હતો.

કરકસર, કોટ અને કાલક્રમ

ચિનુભાઈ બૅરોનેટ બે પેઢીથી ચાલતો કોટ પહેરતા! આવું જ કાંઈક કસ્તુરભાઈ લાલભાઈ માટે પણ હતું.

તે વખતે એમના કોટનો કોલર સહેજ ફાટેલો હતો એ તરફ એમના સાથી અને સહાયક શ્રીમજૂમદારે ધ્યાન દોર્યું, ત્યારે કસ્તુરભાઈનો જવાબ હતો આ કોટને હજુ બે ધો બાકી છે.

સર ચિનુભાઈની જેમજ કસ્તુરભાઈ લાલભાઈ પણ એક મોટા દાનવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત મિલ માલિક હતા.

આજે આવી સાદગી જાણે કે ભૂતકાળ બની ગઈ હોય તેમ લાગે છે. નવા ધનપતિઓ હજારોની કિંમતના બ્રાન્ડેડ કપડાં કે પગરખાં પહેરે છે.

બૅરોનેટ, બેરન અને લૉર્ડ

ચિનુભાઈની સામાજિક તેમજ દાનવીર તરીકેની પ્રવૃતિઓની નોંધ લઈ બ્રિટિશ સરકારે તેમણે 'બૅરોનેટ'નો ઇલ્કાબ આપ્યો.

ઉમરાવ એટલે અમીર, શ્રીમંત માણસ, મોટો માણસ, બ્રિટનમાં ઉમરાવની પ્રથા હતી જે બ્રિટિશ રાજ્યોમાં વિશિષ્ટ સન્માન પ્રાપ્ત હતા એમને 'લૉર્ડ'ના ખિતાબથી નવાજવામાં આવતા.

આ પ્રણાલીમાં સૌથી નીચેની કક્ષાનો બ્રિટિશ સત્તાધારી કે વગદાર માણસ 'બેરન' (Baron) તરીકે ઓળખતો અને બેરનથી ઊતરતી પદવી ધરાવનાર ઉમરાવ 'બૅરોનેટ' (Baronet) તરીકે ઓળખાતો.

બૅરોનેટની આ પદવી વંશપરંપરાગત હતી અને આ પદવી ધરાવવી એ બ્રિટિશરાજના જમાનામાં ગૌરવ ગણાતું.

બૅરોનેટ : ઇકલાબ અને અટક

ઇંગ્લૅન્ડની મહારાણીનું કૌટુંબિક 'બૅરોનેટ' પદ મેળવનાર પહેલા ભારતીય મહાનુભાવ પારસી હતા. એમનું નામ સર જમશેદજી જીજીભોય બૅરોનેટ.

અત્યંત સાહસિક વેપારી અને ઉદ્યોગપતિ જમશેદજી ખૂબ જ પ્રેમાળ હૃદય ધરાવતા હતા.

મુંબઈ જ્યારે વિકાસને માર્ગે ઘૂંટણીયે ચાલી રહ્યું, ત્યારે એના વિકાસમાં જમશેદજીનો ફાળો ખૂબ મોટો હતો.

જમશેદજીને ઇંગ્લૅન્ડની મહારાણીએ પહેલાં 'નાઇટહૂડ'નો અને પછી બૅરોનેટનો ખિતાબ આપ્યો. ત્યારે ભારતમાં પહેલી વખત પારંપરિક 'બૅરોનેટ' સન્માનનો આરંભ થયો હતો.

ભારતના પ્રથમ બૅરોનેટ સર જમશેદજીની પુણ્ય શતાબ્દીની ઉજવણી નિમિત્તે 1959માં ભારતીય ટપાલ ખાતાએ 15 પૈસાની એક વિશિષ્ટ ટિકિટ બહાર પાડી હતી.

'બૅરોનેટ'ના વારસદાર હોય તેમણે 'બૅરોનેટ'નું પુરું નામ પોતાના નામ તરીકે સ્વીકારવું પડે છે.

એવું કહેવાય છે કે આખા ભારતમાં માત્ર છ જ વ્યક્તિ વિશેષને 'બૅરોનેટ'નો ઇલકાબ મળ્યો હતો.

'બૅરોનેટ' સર જમશેદજીનું ટાઇટલ અત્યારે આઠમા બૅરોનેટ તરીકે સર જમશેદજી જીજીભોય પાસે છે.

ત્યારપછી દિનશા માણેકજી પીટીટી જે એક ઉદ્યોગપતિ અને કાપડના વેપારી હતા તેમણે 1890 માં આપવામાં આવ્યું જે હાલમાં સર દિનશા માણેકજી પીટીટી પાંચમા બૅરોનેટ તરીકે ધારણ કરે છે.

1908માં આ ટાઇટલ સર જહાંગીર કાવસજી રેડિમની જે એક ખ્યાતનામ પારસી ઉદ્યોગપતિ હતા તેમણે આપવામાં આવ્યું.

જે આજે સર કાવસજી જહાંગીર ચોથા બૅરોનેટ તરીકે ધારણ કરે છે.

1910 માં સર કરીમભાઈ ઇબ્રાહિમ એક ખ્યાતનામ ગુજરાતી ઇસ્માઇલી મુસ્લિમ વ્યાપારી સદગૃહસ્થને આ ટાઇટલ આપવામાં આવ્યું, જે આ પ્રકારનું ટાઇટલ મેળવનાર પ્રથમ મુસ્લિમ હતા.

આજે આ ટાઇટલ સર કરીમભાઈ ઇબ્રાહિમ ચોથા બૅરોનેટ તરીકે ધારણ કરી રહ્યા છે.

1913માં સર ચિનુભાઈ માધવલાલ રણછોડલાલને આ ટાઇટલ આપવામાં આવ્યું. આજે આ ટાઇટલ સર (પ્રશાંત) ચિનુભાઈ માધવલાલ રણછોડલાલ ચોથા બૅરોનેટ તરીકે ધારણ કરી રહ્યા છે.

1909માં સર જેકોબ ઇલિયાસ સાસુનને આ ટાઇટલ આપવામાં આવ્યું. તેમના દીકરા ઇલિયાસ ડેવિડ સાસુનને કોઈ સંતાન ન હોવાથી તેમના નાના ભાઈ એડવર્ડને આ ટાઇટલ આપવામાં આવ્યું. તેના બાદ આ ટાઇટલ સર ઈ.વી. સાસુનને ફાળે ગયું, જેનું બગદાદમાં 1961માં અવસાન થતાં ટાઇટલ નાબૂદ થવા પામ્યું છે.

આજ રીતે સર આલ્બર્ટ અબ્દુલ્લા ડેવિડ સાસુન એક યહૂદી બૅન્કર, વેપારી, દાનવીર અને જાણીતા સાસુન પરિવારના સભ્ય જે પરિવાર સાથે બગદાદથી 1832માં ભારત આવ્યા હતા. તેઓના પૌત્ર અને ત્રીજા બૅરોનેટનું 1939માં અવસાન થવાથી આ ટાઇટલ નષ્ટ થયું.

ન મળ્યું નાઇટહૂડ

ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ અને અમદાવાદમાં પહેલી ટેક્સ્ટાઇલ મિલના સ્થાપક સર રણછોડલાલ છોટાલાલના પૌત્ર સર ચિનુભાઈને રાજા જ્યોર્જ છઠ્ઠા ને હાથે દિલ્હી ખાતે 'બૅરોનેટ' નો ઇલ્કાબ આપવામાં આવ્યો હતો.

તેમના લોકહિતના કાર્યોને લક્ષમાં લઈ બ્રિટિશ સરકારે તેમની 1907 માં સી.આઈ.ઈ. બનાવેલા અને 1913 માં 'બૅરોનેટ'નો ઇલકાબ જે વંશ પરંપરાગત છે તે આપવામાં આવ્યો હતો.

'નગરભૂષણ દાનવીર સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટ' પુસ્તકમાં અનંતરાય રાવલ લખે છે તે મુજબ સરકાર તેમના પિતામહ રણછોડલાલને તેમના અવસાનના અરસામાં 'નાઇટ' બનાવવા વિચારતી હતી, જે રણછોડલાલના અવસાનને કારણે શક્ય ન બન્યું.

ત્યારબાદ આ માન તેમના પુત્રને આપવાનું સરકારે વિચાર્યું, પણ માધવલાલના અવસાનને કારણે એ શક્ય બની શક્યું નહીં.

ચિનુભાઈના કિસ્સામાં આ શક્ય બન્યું. આ બૅરોનેટ પદ વંશ પરંપરાનું હતું.

દેશમાં અગાઉ જણાવ્યું તેમ સર જમશેદજી, દિનશા માણેકજી પીટીટી, સર જહાંગીર કાવસજી રેડિમની જેવા ત્રણ પારસી અને એક મુસલમાન તેમજ એક યહૂદી એમ માત્ર આંગળીને વેઢે ગણાય એટલા લોકોને જ એ પદ મળ્યું, પણ હિન્દુઓમાં સર ચિનુભાઈ પહેલા અને એક માત્ર બૅરોનેટ હતા.

સંદર્ભસૂચિ

1. A Memoir of Rao Bahadur Ranchhodlal Chhotalal, C.I.E. written by S. M. Edwardes

2. Rao Bahadur Ranchhodlal Chhotalal, C.I.E. written by Bhagwantlal R. Badshah

3. પુરુષ પ્રયત્ન અને ઇશ્વરકૃપા - લેખક : મોહનલાલ દલપતરામ કવિ

4. શેઠ માધવલાલ રંચોદલાલનો સ્વર્ગવાસ તથા મોક્ષપદબોધિની - લેખક : ભગવાનલાલ ર. બાદશાહ

5. રાજનગરના રત્નો - લેખક : વલ્લભજી સુંદરજી પુંજાભાઈ

6. સ્મરણમુકુર - લેખક : નરસિંહરાવ ભો. દિવેટિયા

7. ગુજરાતનું પાટનગર : અમદાવાદ - લેખક : રત્નમણિરાવ ભીમરાવ

8. શિવસદનનું સ્નેહકારણ - લેખક : શ્રીયશોધર ન. મહેતા

9. યશોધર મહેતા એ સાર ચિનુભાઈની 1891ની ડાયરીમાંથી ટપકાવી લીધેલી નોંધ - મુદ્દાઓ

10. યશોધર મહેતાએ ઇન્દુમતિ બહેન ચૈ. દિવાંજીની લીધેલી ત્રણ મૂલકતોની નોંધો.

11. નગર ભૂષણ દાનવીર સાર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટ - અનંતરાય રાવળ,પ્રકાશક ચિત્રાંજન રસિકલાલ મહેતા, મનાદ સેક્રેટરી, અમદાવાદ સટોદરા નગર વહીવટ કમિટી, અમદાવાદ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો