You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પારસીઓની અટક દારૂ પરથી કેવી રીતે પડી
- લેેખક, પેરિનાઝ મદાન અને દિન્યાર પટેલ
- પદ, બીબીસી માટે
ગુજરાત બૉમ્બે સ્ટેટમાંથી અલગ થયું ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી છે. જોકે આઝાદી પહેલાં ગુજરાતમાં દારૂ વેચાતો હતો.
ગુજરાતીઓમાં દારૂના નામ પરથી અટક પણ જોવા મળે છે. ખાસ કરીને પારસી સમાજ આ વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
તેથી પારસીઓમાં દારૂના વ્યવસાય પરથી કેટલીક અટક ઊતરી આવી છે. ઉપરાંત ખાનપાન પરથી પણ તેમાં કેટલીક અટક જોવા મળે છે.
પારસીઓની અટકમાં દારૂ
મુંબઈના ફ્લોરા ફાઉન્ટન નજીકની પીઠા સ્ટ્રીટનું નામ જૂના પારસી દારૂના પીઠાને કારણે પડ્યું હતું.
પીઠા સ્ટ્રીટ એક મહત્વના મુદ્દા ભણી દોરી જાય છે. પારસીઓ મદ્યપાનના પણ શોખીન રહ્યા છે.
મદિરાપાન કરવા સિવાય તેઓ અંગ્રેજોના શાસન હેઠળના સમગ્ર ભારતમાં દારૂના ધંધામાં છવાયેલા રહ્યા હતા.
મુલતાનથી માંડીને મદ્રાસ સુધીના તરસ્યા ભારતીયો મદિરાની દુકાનો ચલાવતા 'દારૂવાલા' તથા 'દારૂખાનાવાલા'ને શોધતા હતા અથવા 'પીઠાવાલા' અને 'ટેવર્નવાલા' પાસે જતા હતા.
કેટલાક પારસીઓએ તેઓ જે પ્રકારનો દારૂ વેચતા હોય કે ઉત્પાદિત કરતા હોય તેનો ચોક્કસ ખ્યાલ આપતી અટક બનાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં 'વાઈનમર્ચન્ટ,' 'રમવાલા' અને 'ટોડીવાલા'નો સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધીને પારસીઓ સાથે સારા સંબંધ હતા, પરંતુ 1920ના અને 1930ના દાયકા સુધીમાં પારસીઓનો મદિરાપાનનો શોખ એ સંબંધમાં તંગદિલીનું કારણ બન્યો હતો.
મહાત્માએ પારસીઓને દારૂ છોડવાની અને તેમની દારૂની દુકાનોને તાળાં મારી દેવાની વિનંતી કરી હતી, પણ બહુ ઓછા પારસીઓએ એ વિનંતીને ટેકો આપ્યો હતો.
1939માં ગાંધીજીએ બૉમ્બે સરકારને દારૂબંધીના અમલની ફરજ પાડી હતી અને પારસીઓ પાસે તેમની કલ્પના બહારનું કામ કરાવીને પારસી પેગ છોડાવ્યો હતો.
એ કારણે ઉશ્કેરાયેલા કેટલાક પારસી વડીલોએ એવી દલીલ કરી હતી કે દારૂબંધીના કાયદાને લીધે તેમના ધાર્મિક અધિકારનું ઉલ્લંઘન થાય છે. તેમણે મહાત્મા પર 'વાંશિક ભેદભાવ'નો આક્ષેપ પણ કર્યો હતો.
ચિડાયેલા કેટલાક પારસીઓએ મહાત્મા ગાંધીને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા.
એ પત્રો એવી શૈલીમાં લખાયેલા હતા કે સામાન્ય રીતે શાંત રહેતા મહાત્મા પણ શરમાઈ જતા હતા.
ગાંધીએ કહ્યું હતું, "એક પત્રલેખકે હિંસાની ભાષાનો ઉપયોગ કર્યો છે, જે તેમને કાયદા અનુસાર દંડને પાત્ર બનાવે છે."
વિધિની વક્રતા એ હતી કે સરકારની દારૂબંધીની નીતિના મુખ્ય ઘડવૈયાઓ પૈકીના એક એમડીડી ગિલ્ડર પારસી હતા અને દારૂ પીતા નહોતા.
ખાનપાન પરથી પડેલી અટકો
ભારતમાંના જરથોસ્તી એટલે કે પારસીઓ તેમના ફૂડને (ભોજન) મહત્વનું, ગંભીરતાપૂર્વક મહત્ત્વનું ગણે છે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.
સારા ભોજન અને પીણાં માટેનો પ્રેમ પારસી સંસ્કૃતિના લગભગ દરેક પાસાંમાં કેન્દ્રસ્થ તથા ક્યારેક અજબ ભૂમિકા ભજવે છે.
પારસી બાળક પહેલી વાર બેસતું થાય તેની ઉજવણી તેને લાડુ પર બેસાડીને કરવામાં આવે છે.
પારસી લગ્નમાં 'જમવા ચાલોજી' એવી હાકલની અસર સંમોહક હોય છે.
લગ્ન કેવાં હતાં તેનો નિર્ણય પુલાવ દાળની ક્વૉલિટી અને પાત્રાની મચ્છી કેટલી તાજી હતી તેના આધારે થાય છે.
બીજા કોઈ પણ પ્રસંગે કે તબક્કે અમે ઉપવાસ કરવાનું ટાળીએ છીએ. અમારા ધર્મમાં તો તેને પાપ ગણાવવામાં આવ્યું છે.
ફૂડ અમારી ઓળખ સાથે વણાઈ ગયું છે અને ઘણા કિસ્સામાં તો એ શબ્દશઃ અમારા નામમાં લખાયેલું હોય છે.
પારસીઓની અટક ખાદ્યસંયોજનોનો વૈવિધ્યસભર રસથાળ રજૂ કરે છે.
સુરત શહેરમાં રહેતો એક પારસી પરિવાર ભોજન બનાવવાની કળા ભૂલી ગયો હતો. તેથી તેને વાસીકુસી (એટલે કે ગંધાતું ભોજન) એવી અટક મળી હતી.
પારસીઓની અન્ય અટકમાં બૂમલા અને ગોટલાનો પણ સમાવેશ થાય છે.
બૂમલા બૉમ્બે ડક માછલીનું ગુજરાતી નામ છે, જેના ઘણા પારસીઓ ચાહક છે. જ્યારે કેરીના બીજને ગોટલું કહેવાય છે.
એક અસાધારણ સરનેમનો અંત 'ખાઉ' શબ્દ સાથે થાય છે, જે ખાવાની ઇચ્છા અથવા ખાઉંધરાપણાને સૂચવે છે.
તેથી 'પાપડખાઉં' સરનેમ ધરાવતા પારસી તળેલા, પાપડના દીવાના હોઈ શકે છે.
'ભાજીખાઉં' અટકનું અસ્તિત્વ દર્શાવે છે કે તમામ પારસીઓ પાક્કા માંસાહારી નહીં હોય.
રસપ્રદ વાત એ પણ છે કે 'કાકડીખાઉં'થી માંડીને 'કાકડીચોર' સુધીની સંખ્યાબંધ સરનેમ કાકડી સાથે જોડાયેલી છે.
ઘણી પારસી સરનેમમાં 'વાલા' ઉપસર્ગ જોડાયેલો હોય છે, જે કોઈ ચોક્કસ ફૂડ કે આઇટમ સાથેનો સંબંધ કે વ્યવસાય દર્શાવે છે.
'સોડાવૉટરબૉટલઓપનરવાલા' કદાચ પારસીઓની સૌથી વધુ વિખ્યાત અટક છે.
બ્રિટિશ શાસન હેઠળના મુંબઈમાં 'મસાલાવાલા,' 'નારિયલવાલા' અને શહેરમાં પોર્ટુગીઝ પ્રભાવવાળી બ્રેડ બનાવતા પારસીઓ 'પાવવાલા' અટક ધરાવતા હતા.
લગભગ એ જ સમયે એટલે કે વર્ષ 1800ની મધ્યમાં પારસી દાનવીર અને અફીણના વેપારી જમસેતજી જીજીભોય બૉમ્બેમાં આઇસક્રીમ લાવ્યા હતા. તેથી 'આઇસવાલા' સરનેમ સંભળાવી શરૂ થઈ હતી.
તેના ઘણા સમય બાદ 1930ના દાયકામાં જીનાદારૂ કેકવાલાએ શહેરની ફૉર્ટ ડિસ્ટ્રિક્ટમાં 'ઉત્તમ ગુણવત્તા તથા શુદ્ધતા' ધરાવતી ખાતરીબંધ કેક આપી હતી.
તેમની સાથે 'કૅન્ટીનવાલા,' 'કન્ફેશનર્સ,' 'મેસ્સામેન્સ,' 'બેકરીવાલા,' 'હોટેલવાલા' અને 'કૉમિસેરિયટ્સ' પણ હતા.
જોકે આ અટકો સંબંધે થોડો ગૂંચવાડો છે. 'વાલા' શબ્દ ચોક્કસ ફૂડ પ્રત્યેનો પ્રેમ દર્શાવતો હોય એવું પણ બની શકે.
મૅસર્સ 'અખરોટવાલા,' 'બદામવાલા' અને 'કાજુવાલા'એ અખરોટ, બદામ અને કાજુની માર્કેટમાં સ્થાન જમાવ્યું હોઈ શકે અથવા આ અટક ધરાવતા પારસીઓ અખરોટ, કાજુ અને બદામ ખાવાના શોખીન હોઈ શકે.
એવું જ 'પીપરમિન્ટવાલા,' 'લીંબુવાલા,' 'પપેતાવાલા (બટાટા),' 'મરઘીવાલા,' 'બિસ્કૂટવાલા' અથવા 'પનીરવાલા'નું હોઈ શકે.
ફૂડસંબંધી અટકોએ મુંબઈની ભૂગોળ પર પણ વિશિષ્ટ છાપ છોડી છે.
ધોબી તળાવની પાસે આવેલી એક પારસી અગિયારી 'ઈંડાવાલા' નામે છે અને બીજીનું નામ 'સોડાવૉટરવાલા' છે.
અટકનું વૈવિધ્ય ધરાવતા સમાજની મુશ્કેલી
આજે પારસી કોમ એક વધુ મોટા પડકારનો સામનો કરી રહી છે.
પાછલા કેટલાય દાયકાઓથી ભારતની વસતિગણતરીમાં પારસીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
લગ્ન અને બાળકોના જન્મના પ્રમાણમાં ઘટાડાનું આ પરિણામ છે. પારસી એક વૃદ્ધ થઈ રહેલી કોમ છે, જેમાં જન્મદર કરતાં મૃત્યુદરનું પ્રમાણ વધી રહ્યું છે.
પારસીઓનો ફૂડ પ્રત્યેનો પ્રેમ મૃત્યુને પણ અતિક્રમી જાય છે. પારસીઓની કેટલીક અંતિમવિધિમાં મૃતાત્માને ગમતી વાનગીઓ અગિયારીમાં મૂકી દઈને તેમનું સન્માન કરવામાં આવે છે.
કોમની ઘટી રહેલી વસતિને વધારવા માટે પારસીઓએ યુવક-યુવતીઓ માટે લગ્નમેળાવડા યોજવાનું પ્રમાણ બમણું કર્યું છે.
બે હૈયાંના મિલનમાં ફૂડ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે એ ધ્યાનમાં રાખીને આવા લગ્નમેળાવડાના આયોજકો યુવાવર્ગને મેળાવડામાં ભાગ લેવા સ્વાદિષ્ટ વાનગીઓ મારફત આકર્ષે છે.
આ વ્યૂહરચનાનો મિશ્ર પ્રતિભાવ મળ્યો છે.
ડેટિંગવેળાના શરમજનક અનુભવોની નોંધ માટે યુવા પારસીઓના એક સંગઠને તાજેતરમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
તેમાં એક યુવતીએ એક કવિતા લખીને ફરિયાદ કરી હતી કે તે જેની સાથે ડેટ કરતી હતી કે 'એ યુવાનને માત્ર ભોજનમાં જ રસ હતો.'
એ યુવતીએ ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તેને ઇનામમાં દક્ષિણ મુંબઈની એક મોંઘી રેસ્ટોરાંમાં બે વ્યક્તિના ડીનરની ટિકિટ આપવામાં આવી હતી.
આ પ્રકારનાં ઈનામો અને જેમાં કેન્દ્રસ્થાને ભોજન જ હોય તેવા લગ્નમેળાવડા આખરે સાર્થક સાબિત થશે?
અમને તો ધાર્યું પરિણામ મળવાની આશા છે. અમને એવી આશા પણ છે કે વધુ પારસી યુવક-યુવતીઓ ભોજનપ્રેમ નિમિત્તે એકઠાં થાય, જેથી સ્વાદપ્રિય પારસી કોમ સદા જીવંત રહે.
(આ લેખના લેખક પેરિનાઝ મદાન વકીલ છે અને દિન્યાર પટેલ ઇતિહાસકાર છે. આ લેખ બીબીસી માટે વર્ષ 2016માં લખવામાં આવ્યો હતો.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો