શાંતિદાસ ઝવેરી : અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પુરાવનારા નગરશેઠ

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા અને ગણધર બ્રાહ્મણો હતા. ઈતિહાસકારો લખે છે કે ક્ષત્રિયોએ જૈન ધર્મ અંગીકાર કર્યા પછી તેઓ વ્યાપાર કરવા લાગ્યા તેથી તેઓ વણિક કે વાણિયા તરીકે ઓળખાયા.

ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર રાજા કુમારપાળ (ઈસ 1143-ઈસ 1172)ના સમયમાં થયો હતો, જેઓ અણહિલવાડ પાટણના સોલંકી વંશના પ્રખ્યાત રાજા હતા અને જૈન ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા.

'કલિકાલસર્વજ્ઞ'હેમચંદ્રાચાર્યની આજ્ઞાથી કુમારપાળે તેના રાજ્યમાં બધાં જ પ્રકારની જીવહત્યા પર પ્રતિબંધ મૂક્યો તેમજ તેમની આજ્ઞાથી સોમનાથ મંદિર, તારંગા અને ગિરનાર તેમજ રાજસ્થાનમાં પાલી ખાતે જૈન મંદિરો બંધાવાયાં હતાં.

શેઠ શાંતિદાસ ઝવેરી આમ તો ઓસવાળ જૈન હતા પરંતુ તેમના પૂર્વજોનો જે ઇતિહાસ સાંપડે છે તે મુજબ તેઓ સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ સિસોદિયા વંશના ક્ષત્રિયો હતા.

રાજસ્થાનના મેવાડમાં કેટલાક સિસોદીયા વંશના રાજપુતોએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો જેનો ઉલ્લેખ "મેવાડની જાહોજલાલી" નામના પુસ્તકમાંથી મળે છે.

મેવાડમાં મુસ્લિમોના આક્રમણને પગલે ઘણી ઉથલપાથલ મચી હતી. આ ગાળામાં શાંતિદાસના પિતા સહસ્ત્રકિરણ ઘર અને સાધનસંપત્તિ છોડી પરિવાર સાથે અમદાવાદ આવ્યા. સહસ્ત્રકિરણે એક ઝવેરીની દુકાનમાં નોકરી લીધી અને પાંચ-છ વરસના ગાળામાં તો એમને હીરા અને મોતી તેમજ માણેકની પરખ કરતાં આવડી ગયું. સહસ્ત્રકિરણનું હીર પારખી લઈ શેઠે પોતાની એકની એક દીકરી 'કુમારી'ને સહસ્ત્રકિરણ સાથે પરણાવી.

આ કુમારીથી વર્ધમાન નામના પુત્રનો જન્મ થયો. સહસ્ત્રકિરણના પ્રથમ પત્નીથી વિરમદેવી, શાંતિદાસ, રૂપમ, પંજિકા અને દેવકી આમ પાંચ બાળકો હતાં, જેમાં શાંતિદાસ ખુબ જ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.

તેઓ અમદાવાદના નગરશેઠ, વેપારી મહાજનના વડા, એક શ્રેષ્ઠ ઝવેરી તથા ભારતીય વહાણવટાઉદ્યોગના સમર્થક રહ્યા હતા.

શેઠ શાંતિદાસ ઝવેરી અમદાવાદના ઝવેરીવાડમાં રહેતા હતા. તેમની ત્રણ દુકાનો હતી, જેમાં તેઓ ઝવેરાત અને કાપડનો વેપાર કરતા. તે વખતે અમદાવાદ વેપારી પ્રવૃત્તિથી ધમધમતું હતું.

તેઓ ફારસી ભાષા જાણતા હતા તેમજ મુઘલ દરબારમાં કેવી રીતે વાત કરવી તે વિષે સારી રીતે માહિતગાર હતા. મુધલ બાદશાહો અને તેમની બેગમો તેમજ અમીર-ઉમરાવો તેમની પાસેથી હીરા, મોતી, માણેક અને ઝવેરાત ખરીદતાં.

જહાંગીર તો તેમને 'શાંતિદાસ મામા' કહીને બોલાવતા. મુઘલ દરબારમાં તેમની ખાસ્સી લોકપ્રિયતા હતી.

શાંતિદાસ ઝવેરી પાદશાહી ઝવેરી બન્યા

શાંતિદાસની ઓળખ માત્ર અમદાવાદ પૂરતી જ મર્યાદિત નહોતી પરંતુ તેમણે પોતાની કાબેલિયતથી દિલ્હીની મુઘલ સલ્તનતમાં અકબરથી માંડી જહાંગીર, શાહજહા સાથે શાહી ઝવેરી તરીકે ખુબજ નિકટતા કેળવી હતી.

શેઠ શાંતિદાસ ઝવેરી કેવી રીતે શાહી ઝવેરી બન્યા તેનો એક પ્રસંગ માલતી શાહે લખેલ પુસ્તક 'નગરશેઠ શાંતિદાસ'માં નોંધાયો છે.

એકવાર અકબરનો દરબાર આગ્રાના 'દીવાન-એ-ખાસ'માં ભરાયો ત્યારે બાદશાહે હિંદના ઝવેરીઓની કસોટી કરવા એક અમૂલ્ય હીરો રાજસભા સમક્ષ મૂક્યો અને એ હીરાની કિંમત પારખવા ઝવેરીઓને કહ્યું.

આવો હીરો ઝવેરીઓએ કોઈ દિવસ જોયો ન હતો તેથી રાજાને આ વિશે શું જવાબ આપવો તેના વિશે ઝવેરીઓ મૂંઝવણમાં મૂકાયા અને વિચાર કરવા લાગ્યા.

તે સમયે માત્ર 15 વરસની ઉંમર હશે તેવો કિશોર ઊભો થયો અને તેણે જુદીજુદી રીતે હીરાની પરખ શરૂ કરી. આ લવરમૂછિયા યુવાને હીરાની કિમત અકબર બાદશાહ સમક્ષ કહી બતાવી.

ત્યારે બાદશાહે તેને પૂછ્યું કે શાનો આધાર લઈ તે આ હીરાની કિમત કહી બતાવી? ત્યારે યુવાને પોતાની પાસે રહેલો 'રત્નપરીક્ષા મીમાંસા'નામનો ગ્રંથ રાજા સમક્ષ મૂક્યો.

આમ રાજા અકબરે આ યુવાનની હોશિયારી જોઈ તેનું કાશ્મીરી શાલથી સન્માન કર્યું અને અમદાવાદના વતની એવા શાંતિદાસ ઝવેરીને "પાદશાહી ઝવેરી"તરીકેનું બિરુદ આપ્યું.

શાંતિલાલ શેઠ નગરશેઠ પદ બન્યા

પોતાના પુત્ર સલીમ (જહાંગીર)નું વર્તન સુધારવા બાદશાહ અકબરે સલીમ સામે સખત પગલાં લીધાં.

બાદશાહ અને બેગમ વચ્ચે આ બાબતે ઝઘડો અને મનદુ:ખ થતાં બેગમ રિસાયાં અને બાદશાહને ખબર કર્યા વગર દિલ્હી છોડીને અમદાવાદ આવતાં રહ્યાં.

શાંતિદાસ ઝવેરીને આ વાતની ખબર પડતાં તેમણે બેગમની આગતાસ્વાગતા કરી અને તેમનાં રહેવા માટે પોતાની હવેલી ખાલી કરી આપી.

બેગમની ખાતરદારી કરવા માટે તેમણે માણસો રોક્યા. આથી ખુશ થઈ બેગમે શાંતિદાસ ઝવેરીને પોતાના ભાઈ બનાવ્યા અને તેના બદલામાં શાંતિદાસે બેગમને વીર પસલીની ભેટ તરીકે રત્નજડિત કંકણો આપ્યા.

એક-બે માસ પછી દિલ્હીથી અકબર બાદશાહે બેગમ સાહેબાને તેડવા પોતાના પુત્ર સલીમ (જહાંગીર)ને મોકલ્યા ત્યારે બેગમે સલીમ (જહાંગીર)ને શાંતિલાલ શેઠની ઓળખ 'ઝવેરીમામા' તરીકે આપી.

બેગમ દિલ્હી પહોંચ્યા. શાંતિદાસે બેગમનું ભવ્ય આતિથ્યસત્કાર કર્યું હતું તેની જાણ થતાં બાદશાહ અકબરે શાંતિદાસને પોતાના દરબારમાં પ્રથમ હરોળના અમીર તરીકે અને અમદાવાદના નગરશેઠ તરીકે નીમવાની અમદાવાદના સૂબા આઝમ ખાનને આજ્ઞા કરી.

આમ શાંતિદાસ અમદાવાદના નગરશેઠ બન્યા.

શાંતિદાસ એક સારા ઑન્ટ્રપ્રનર કે પ્રયોજક રહ્યા

વ્યાપારી તરીકેની શાંતિદાસની નામના ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં ઈરાન, આરબ દેશો, ઍન્ટવર્પ અને પેરીસ સુધી હતી. તેઓ સુરતના બંદર થકી પોતાનો માલ વિદેશમાં મોકલતા અને સારું એવું વિદેશી હૂંડિયામણ રળતા.

તેમના એક મિત્ર ટૅવર્નિયરે તેમના વિષે કઈંક આવું લખ્યું છે "મારા મિત્ર શાંતિદાસ યુરોપના બજારોમાં હીરા અને ઝવેરાતની નિકાસ કરીને અઢળક દ્રવ્ય કમાય છે."

ઇંગ્લૅન્ડના રાજદૂત સર ટૉમસ રૉ જ્યારે 1618માં અમદાવાદ આવ્યા ત્યારે તેમણે શાંતિદાસ પાસેથી રંગબેરંગી અને કિંમતી હીરા ખરીદ્યા હતા.

નવાઈ એ વાતની છે કે જ્યારે વાહનવ્યવહારની સુવિધા ન હતી અને મોટા ભાગે બળદગાડાં, ઘોડા કે ઊંટોનો ઉપયોગ થતો તે જમાનામાં શાંતિદાસ છેક ગોલકોંડા, રાવલકોંડા, મૈસૂર, કુલુરમાં જઈ હીરાની ખાણની મુલાકાત લેતા અને વ્યાપાર કરતા.

તેમણે આ વિસ્તારોમાં ખાણ ખોદવાનો ઈજારો પણ લીધો હતો.

શાંતિદાસે ડચ વ્યાપારીઓ જોડે પણ કરાર કર્યો હતો અને તેથી તેઓ ગોલકોંડાંની ખાણમાંથી પ્રાપ્ત થતા કિંમતી પથ્થરો ડચ વેપારીઓને આપતા અને બાકીના હીરામાંથી વિવિધ ચીજોનું ઉત્પાદન કરવા કાચો માલ અમદાવાદ લાવતા. શાંતિલાલ એક વેપારી જ નહીં પણ એક સારા ઑન્ટ્રપ્રનર કે પ્રયોજક પણ હતા.

શાંતિદાસના વૈભવ અને ઠાઠમાઠ વિશે ડુંગરશીભાઈ સંપટ નોંધે છે કે :

"નગરશેઠની મોટી હવેલી હતી. એને ત્રણ ડેલીઓ હતી, પહેલી ડેલી પર હથિયારધારી આરબોની બેરખ બેસતી, બીજી ડેલી પર ભૈયાઓની ચોકી હતી ત્રીજી ડેલી પર રાજપૂતોની ચોકી હતી.

શેઠને મસાલ તેમજ છડી રાખવાની શાહી પરવાનગી હતી. ભારે દબદબા અને ઠાઠમાઠથી શેઠનું કુટુંબ રહેતું. પાંચસો ઘોડા, તેટલી જ ગાયો અને ભેંસો શેઠને ત્યાં હતાં. ઉપરાંત પાર વગરનાં માફા, સિગ્રામો, રથો, પાલખીઓ રાખતા હતા.

જૈનોનો વરઘોડો નીકળતો ત્યારે સોનાચાંદીના સાજવાળાં વાહનો શેઠને ત્યાંથી આવતાં. હિંદના ઘણા ભાગોમાં શેઠની આડતો અને દુકાનો હતી. ઝવેરાતનો વેપાર અને શરાફીની બૅન્કો શેઠ નિભાવતા હતા"

શાંતિદાસનાં ધાર્મિક અને સામાજિક કાર્યો

શાંતિદાસ ઓસાવળ જૈન અને સાગરગચ્છના આચાર્ય રાજસાગરસુરીના શિષ્ય હતા.

તેમણે 1625માં અમદાવાદ ખાતે ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું. તેને જોવા જર્મન મુસાફર આલ્બર્ટ મૅન્ડેલ્સ્લો ખાસ અમદાવાદની મુલાકાતે આવેલા.

તેમણે ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કર્યો અને નોધ્યું હતું કે "આરસનું આ મંદિર ભવ્ય છે. તે વિશાળ પટાંગણમાં પથરાયેલું છે. પાસે ઉદ્યાન અને ફૂવારો છે. આ મંદિર અને પટાંગણ તમામ લોકોને માટે ખુલ્લું હોવાથી કેટલાય સ્ત્રી-પુરુષો દર્શન કરવા અને વાતચીતનો આનંદ મેળવવા એકત્ર થાય છે."

શાંતિદાસ શેઠ ઉદાર હાથે દાન કરતા. શાહજહાંના વખતમાં સત્યાસિયા (સંવત 1689-ઈસ 1631-32) દુકાળ પડ્યો તે સમયે શાંતિદાસે ગરીબોને અનાજ પૂરું પાડ્યું તેમજ અમદાવાદની આજુબાજુનાં ગામડાંમાં સદાવ્રતો અને રાહત પણ શરૂ કરાવ્યાં.

શાંતિદાસ અમદાવાદના નગરશેઠ હતા. નગરશેઠની સંસ્થા કઈ રાતોરાત સ્થપાઈ નહોતી. અમદાવાદના વેપારી સંસ્કારને અનુરૂપ પરંપરા પ્રમાણે આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી.

શેઠ શાંતિદાસ મહાજન સંસ્થા અને સમાજના મોભી તરીકે

શેઠ શાંતિદાસની નામના સારી હતી. જેથી પ્રજાજનો પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે રાજ્યનો આશ્રય લેવાને બદલે શાંતિદાસ પાસે જતા.

જ્યારે જ્યારે પ્રજા અને અમલદારો વચ્ચે કંઈક એવો પ્રસંગ બને ત્યારે લોકો નગરશેઠની સંસ્થાનો ઉપયોગ કરતા. આમ શેઠ શાંતિદાસ નગરશેઠ તરીકે રાજા અને પ્રજા વચ્ચેની કડીરૂપ હતા.

એક વાર નગરશેઠ શાંતિદાસ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા તે સમયે ઔરંગઝેબે એક ફરમાન આપ્યું.

તેમાં તેમણે લખ્યું હતું "શાંતિદાસ ઝવેરી અમીરોના અમીર હોવાથી હું તેમને આ ફરમાન આપું છું. અમદાવાદ પાછા ફર્યા બાદ તેઓ નગરમાં શાંતિ અને સલામતી ફેલાવવામાં મદદરૂપ થાય. તેમની રાહબરી હેઠળ વેપારીઓ, મહાજનો કારીગરોના પંચો અને પ્રજાજનો કોઈ પણ જાતના ભય વગર ધંધો-રોજગાર ચલાવે".

ઔરંગઝેબે પાલીતાણા, ગિરનાર અને આબુના દેરાસરોની બાબતમાં દખલગીરી નહીં કરવાનું પણ વચન આપ્યું હતું.

શાંતિદાસ શેઠ વેપારી મહાજનોના વડા હતા અને તેમના વેપારી મંડળમાં સુતરાઉ, રેશમી કાપડ, સૂતર, અનાજ, ચા, ખાંડ, મીઠાઈ અને કાગળનો વ્યાપાર કરતા મહાજનો તેમાં જોડાયા હતા.

શાંતિદાસ ઝવેરી મહાજન સંસ્થાના પણ વડીલ હતા. તેઓ વાર તહેવારો, રજાઓ, તોલમાપના સંચાલનથી માંડી પાંજરાપોરની દેખરેખ સુધીની ફરજ બજાવતા.

એક સંયુક્ત સંઘબળ તરીકે તે વખતે મહાજનસંસ્થાનો પ્રભાવ સારો હતો.

એક વખત 1618માં અમદાવાદના વેપારીઓ અને શાંતિદાસ શેઠનું માલ ભરીને મસ્કત જઈ રહેલું વહાણ બ્રિટિશ ચાંચિયાની ટોળીએ લૂંટયું હતું.

ત્યારે શાંતિદાસે વેપારી મહાજનો અને બ્રિટિશ કોઠીના વ્યાપારીઓની સભા બોલાવવા સૂબાને કહ્યું.

તે વખતે નુરજહાંના પિતા ઈતિમાદ-ઉદ-દૌલા અમદાવાદના સૂબા હતા. પરંતુ ઈતિમાદે કઈ ગણકાર્યું નહીં. પરંતુ શાંતિદાસે આ બાબતે જહાંગીર બાદશાહ સમક્ષ ફરિયાદ કરવાની ધમકી આપી તેથી તેઓ ગભરાયા.

બ્રિટિશ રાજદૂત સર ટૉમસ રૉ તે વખતે અમદાવાદ આવ્યા હતા. મહાજનો અને બ્રિટિશરો વચ્ચે ભદ્રના કિલ્લામાં બેઠક યોજાઈ. સર ટૉમસ રૉએ યુક્તિપૂર્વક એક પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવ હતો :

"દરિયાઈ સલામતી માટે ગુજરાતી વેપારીઓ અમારી પાસેથી પરવાનાપત્રો પ્રાપ્ત કરે અથવા તો અમારા બ્રિટિશ જહાજમાં માલ ભરે. અમે ગુજરાતીઓના માલનું રક્ષણ કરવા બંધાયેલા છીએ."

આ વાત સાંભળીને ઈતિમાદ-ઉદ-દૌલા અને બીજા મુઘલ સત્તાધારીઓ તો ખુશ થઈ ગયા પણ પરંતુ વેપારી મહાજનોનું પ્રતિનિધિત્વ કરતા શાંતિદાસ ઝવેરીએ ઈતિમાદને પરખાવ્યું :

"તમારા જેવા સત્તાધારીઓને સૈકાઓ જુના અમારાં વહાણવટાંની કશી કિંમત નથી? બ્રિટિશ જહાજોમાં માલ મોકલીને અમે તળપદા વહાણવટાંની પરંપરા કોઈ પણ સંજોગોમાં તોડીશું નહીં. આ તો પોતાના પગ ઉપર કુહાડો મારવાની વાત તમે કરો છો."

આ વાત સાંભળી મુઘલ સૂબા શાંતિદાસનો મિજાજ પારખી ચૂપ થઈ ગયા. શાંતિદાસે જહાંગીરને ફરિયાદ કરી અને અમદાવાદની કોઠીમાં રહેતા બ્રિટિશરોને કેદમાં પુરાવ્યા અને લૂંટાયેલા માલનું પુરુ વળતર ચૂકવ્યા બાદ જ તેઓને જેલમાંથી મુક્ત કર્યા.

આવો જ એક પ્રસંગ 1636માં બન્યો જેમાં શાંતિદાસે અમદાવાદની કોઠીના વડા બૅન્જામિન રૉબિન્સન અને તેના સાથીઓને જેલ ભેગા કર્યા હતા અને તેમને વળતર ચુકવ્યા પછી તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા.

આ અંગે રૉબિન્સને 'લંડન કોર્ટ ઑફ ડાયરેકટર્સ'ને લખ્યું હતું "મહાજન તો શું અમદાવાદની સમગ્ર પ્રજા કોપાયમાન થઈ હતી અને ટોપીવાળાઓ ઉપર તૂટી પડી હતી. શાંતિદાસ અને મહાજનોનો રાજ્યસત્તા ઉપર પ્રભાવ જબરો છે."

સંદર્ભ :

1.નગરશેઠ શાંતિદાસ ઝવેરી, લેખક : માલતી શાહ, પ્રકાશક ગુર્જર ગ્રંથ કાર્યાલય દ્વિતીય આવૃત્તિ 20132."History of Gujarat" Vol 1 & 2 by M S Commissariat, Publisher: Orient Longmans, 19383."પોળોનો ઇતિહાસ" લેખક : મકરંદ મહેતા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો