એ રાજા જેમની ઘોડીને મેળવવામાં હજારો લોકો માર્યા ગયા

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક, લાહોર

19મી સદીનો ત્રીજો દાયકો. શહેરના રસ્તાઓને જે રીતે ચમકવવામાં આવી રહ્યા હતા, તેનાથી સમજાતું હતું કે આના પર કોણ ચાલવાનું છે.

લાહોર શહેર ત્યારે પંજાબના મહારાજા રણજિતસિંહની રાજધાની હતી.

1799ના જુલાઈ મહિનામાં 19 વર્ષની વયે લાહોર પર કબજો કર્યા પછી ગુજરાંવાલાના આ શીખ જાટ યોદ્ધાનું સામ્રાજ્ય અમૃતસર, મુલ્તાન, દિલ્હી, લદ્દાખ અને પેશાવર સુધી ફેલાઈ ગયું હતું.

40 વર્ષ સુધી પંજાબ પર શાસન કરવાવાળા રણજિતસિંહ જમીન પર પગ મૂકવા કરતાં ઘોડેસવારી કરવાનું પસંદ કરતા હતા.

તેમના શાહી તબેલામાં 12 હજાર ઘોડા હતા અને કહેવામાં આવે છે કે તેમાંથી કોઈ પણ 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં નહોતો ખરીદ્યા.

તેઓ કલાકો સુધી થાક્યા વગર ઘોડેસવારી કરતા હતા. જો ક્યારેક ગુસ્સે થઈ જાય કે કોઈ મુશ્કેલીમાં મુકાયા હોય તો પોતાને શાંત કરવા માટે ઘોડેસવારી કરતા હતા.

તેઓ સવારી પર ક્યારેય નીકળી શકે એટલે બે ઘોડા હંમેશાં તૈયાર રાખવામાં આવતાં અને ઘોડાની પીઠ પર તેમનું મગજ ખૂબ દોડતું હતું.

મહેમાનો સાથે પણ તેઓ ખૂબ રસ લઈને પોતાના ઘોડા વિશે વાત કરતા હતા. તેમના મિત્રોને ખબર હતી કે સારી નસલના ઘોડા રણજિતસિંહની નબળાઈ છે.

આ કારણે જ અંગ્રેજ બાદશાહે રણજિતસિંહને સ્કૉટિશ ઘોડા બક્ષિશમાં આપ્યા અને હૈદરાબાદના નિઝામે અરબી નસલના સંખ્યાબંધ ઘોડા મોકલાવ્યા હતા.

રણજિતસિંહે પોતાના ઘોડા નસીમ, રૂહી અને ગૌહર બાર જેવાં શાયરાના નામો આપ્યાં હતાં.

સુંદર ઘોડાના તો એટલી હદે દીવાના હતા કે તેમને મેળવવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકતા હતા.

આવો જ એક કિસ્સો ત્યારે બન્યો જ્યારે રણજિતસિંહે ઝંગના નવાબ પાસેથી ઘોડા માગ્યા અને નવાબે ઇનકાર કર્યો.

મહારાજાને ક્યાંકથી જાણ થઈ કે ઝંગના નવાબ પાસે ઘણા ઘોડા છે. રણજિતસિંહે સંદેશ મોકલાવ્યો કે નવાબ થોડા ઘોડા મહારાજાને ભેટમાં આપે.

નવાબે રણજિતસિંહની મજાક ઉડાવી અને ઘોડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. રણજિતસિંહ નારાજ થઈ ગયા અને તેમણે નવાબના વિસ્તાર પર કબજો કરવા માટે હુમલો કરી દીધો.

નવાબ ત્યારે તો ઘોડા લઈને ભાગી ગયા, પરંતુ થોડા દિવસો પછી પાછા આવ્યા તો તેમને મહારાજા રણજિતસિંહની સામે રજૂ કરવામાં આવ્યા.

સુંદરતાની ચર્ચા ફારસ-અફઘાનિસ્તાન સુધી

આવું જ કંઈક શીરી નામના ઘોડા માટે થયું હતું.

જ્યારે શાહજાદા ખડકસિંહના નેતૃત્વમાં સેનાએ હુમલો કર્યો, ત્યારે શીરી ઘોડાના માલિક શેર ખાન વર્ષે દસ હજાર રૂપિયાની જાગીરના બદલામાં આ ઘોડો રણજિતસિંહને આપવા માટે તૈયાર થયા.

મુનકિરાના નવાબની ઘોડી ‘સફેદ પરી’ પોતાની ચુસ્તી માટે પ્રખ્યાત હતી, રણજિતસિંહનું મન તેના પર આવી ગયું તો જનરલ મિશ્ર ચાંદ દીવાનને પત્ર લખીને કહ્યું કે તેઓ નવાબ પાસે ઘોડી માગે અને જો એ ન માને તો તેમની સંપત્તિ છીનવી લેવામાં આવે.

મેં લાહોરના જે રસ્તાઓની સફાઈનો ઉલ્લેખ શરૂઆતમાં કર્યો છે તે પણ એક ઘોડી માટે શણગારવામાં આવી રહ્યા હતા.

જેથી ક્યાંક ઘોડાઓની લૈલા અસ્પ-એ-લૈલાના નામથી જણાતી આ ઘોડી મહારાજાની મનપસંદ હતી. લૈલાની સુંદરતા એવી બેમિસાલ હતી.

તેને મેળવવાની મહારાજાની ઘેલછા તેની સુંદરતાની સરખામણીમાં ઓછી નહોતી. આ ઘોડીના રૂપની ચર્ચા ફારસ અને અફઘાનિસ્તાન સુધી હતી.

અસ્પ-એ-લૈલાના માલિક પેશાવરના શાસક યાર મોહમ્મદ હતા, જેઓ રણજિતસિંહ માટે કરવેરો ઉઘરાવતા હતા.

આ ઘોડી માટે ઈરાનના શાહ ફતેહઅલી ખાન કાચારીની પચાસ હજાર રોકડ અને પચાસ હજાર રૂપિયા વાર્ષિક જાગીર તથા રોમના સુલતાનનની દરખાસ્ત ઠુકરાવી ચૂક્યા હતા.

ઘોડી માટે યુદ્ધ

કન્હૈયાલાલ પ્રમાણે જ્યારે પેશાવર રણજિતસિંહના આધીન થયું ત્યારે તેમને લૈલા વિશે ખબર નહોતી, પરંતુ 1823માં જ્યારે તેમણે આ ઘોડી વિશે ખબર પડી ત્યારે તેઓ તેના 'મજનૂ' થઈ ગયા.

રણજિતસિંહે ઘોડી વિશે તપાસ કરવા માટે એક ટીમ બનાવી જેમાંથી કોઈએ કહ્યું કે ઘોડી પેશાવરમાં છે, જ્યારે અન્ય કોઈએ કહ્યું કે મહારાજા રણજિતસિંહની રુચિ જે ઘોડીમાં છે તેને કાબુલ મોકલી દેવાઈ છે.

આ માહિતી મળતાં જ મહારાજાએ પોતાના ખાસ દૂત ફકીર અઝીઝુદ્દીનને પેશાવર મોકલ્યા હતા.

તેઓ પાછા આવ્યા ત્યારે કેટલાક સારા ઘોડા ભેટમાં લાવ્યા પણ તેમાં લૈલા નહોતી, કારણ કે યાર મોહમ્મદે રણજિતસિંહના દૂતને કહ્યું કે તેમની પાસે એ ઘોડી છે જ નહીં.

રણજિતસિંહને ભરોસો હતો કે યાર મોહમ્મદ ખોટું બોલી રહ્યા છે. યાર મોહમ્મદનો 12 વર્ષનો પુત્ર મહારાજાના દરબારમાં હતો.

એક વખત તેણે લૈલા પર સવાર થઈને મહારાજાના એક ઘોડાનો પીછો કર્યો હતો. મહારાજાએ તેને પૂછ્યું કે ‘લૈલા જીવિત છે?’ તેણે જવાબ આપ્યો, ‘હા, બિલ્કુલ.’

યાર મોહમ્મદે પોતાની ઘોડી રણજિતસિંહને આપવાનો ઇનકાર કર્યો અને સૈયદ અહમદ બરેલવી સાથે હાથ મેળવી લીધો. એ સમયે સૈયદ અહમદ બરેલવી મહારાજા સામે યુદ્ધ લડી રહ્યા હતા.

1826માં બુદ્ધસિંહ સિંધરી વાલિયાના નેતૃત્વમાં શીખ સેના સૈયદશાહ અહમદ સામે લડવા અને ઘોડી લેવા પેશાવર પહોંચી ગઈ.

રણજિતસિંહનો આદેશ હતો કે કંઈ પણ થાય, ઘોડી કોઈ પણ કિંમતે લાહોર દરબારમાં પહોંચી જવી જોઈએ. ત્યાર પછી એક ખૂની જંગમાં હજારો લોકોનો ભોગ લેવાયો.

યાર મોહમ્મદે બુદ્ધસિંહને પણ ઘોડા ઉપહારમાં આપ્યા પરંતુ લૈલા વિશે જણાવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ રણજિતસિંહના જાસૂસોને ખબર હતી કે ઘોડી જીવિત છે.

મહારાજાએ ગુસ્સામાં શાહજાદા ખડકસિંહના નેતૃત્વમાં એક અન્ય અભિયાન શરૂ કર્યું.

ફ્રાંસના જનરલ વૅન્ટોરા પહેલાં નેપોલિયનની સેનામાં હતા અને હવે તેઓ મહારાજાના ખાસ વિશ્વસનીય બની ગયા હતા.

મહારાજાએ તેમને આ અભિયાનનો ખાસ ભાગ બનાવ્યા હતા, પરંતુ એવી પણ વાતો થતી હતી કે તેમના પેશાવર પહોંચતાં પહેલાં જ યાર મોહમ્મદને તેમના પોતાના કબીલાના લોકોએ મારી નાખ્ય હતા, કારણે તેઓ ઘોડી માટે થયેલા યુદ્ધથી તેઓ નારાજ હતા.

કેટલાક કિસ્સાઓમાં કહેવાયું છે કે યાર મોહમ્મહ પહાડોમાં ગુમ થઈ ગયો હતો. તેમની જગ્યા તેમના ભાઈ સુલતાન મોહમ્મદે લીધી હતી.

જોકે પછી આ સંઘર્ષમાં લાહોર દરબારનો વિજય થયો. જ્યારે જનરલ વૅન્ટોરા સુલતાન મોહમ્મદ પાસે લૈલાને માગવા પહોંચ્યા તો તેમને જણાવવામાં આવ્યું કે લૈલાનું મૃત્યુ થઈ ગયું છે.

પરંતુ વૅન્ટોરાએ નવા શાસકને તેમના જ મહેલમાં કેદ કરી લીધા અને 24 કલાકમાં તેમનું મસ્તક કલમ કરી દેવાની ચેતવણી આપવામાં આવી.

સુલતાન મોહમ્મદ ઘોડી તેમને સોંપવા માટે તૈયાર થયા પરંતુ ઇતિહાસકારો પ્રમાણે ‘અસ્પ-એ-લૈલાને જનરલને સોંપતી વખતે તે નાના બાળકની જેમ રડી રહ્યા હતા.’

લૈલાને લાહોર પહોંચાડવામાં આવી

પેશાવરથી ઘોડીને એક ખાસ ગાડીમાં 500 સૈનિકોની સુરક્ષામાં લાહોર માટે રવાના કરવામાં આવી.

અસ્પ-એ-લૈલા બદામી બાગ અને કિલ્લાની આસપાસ ધોવાયેલા રસ્તાઓ પરથી ચાલીને લાહોરના અકબરી દરવાજા પર પહોંચી.

આ 1830ની ઘટના છે. એટલે કે પ્રથમ વખત તેની જાણ થઈ અને તેના દીદાર થયા, એની વચ્ચે સાત વર્ષનો સમય વીતી ગયો હતો.

લૈલાના આવવાથી શીખ રાજ્યની રાજધાનીમાં ઉજવણીનો માહોલ હતો, કારણ કે મહારાજાનું સપનું લાંબા સમય પછી પૂરું થયું હતું.

સર લેપલ હૅનરી ગ્રિફિન પ્રમાણે રણજિતસિંહે જર્મન પર્યટક બૅરન ચાર્લ્સ હેગલને પોતે કહ્યું હતું કે આ ઘોડીને મેળવવામાં 60 લાખ રૂપિયા અને 12 હજાર સૈનિકો કામે લાગ્યા હતા.

નવલકથાકાર ઍંડો સૅન્ડરસન લખે છે કે રણજિતસિંહ કોઈ પણ ઘોડા પર બેસતા તો તેમનું વ્યક્તિત્વ બદલાઈ જતું. એવું લાગતું કે તેઓ અને જાનવર બંને એક થઈ ગયા હોય.

જ્યારે લૈલાને મહારાજાના તબેલામાં લઈ જવામાં આવી તો તે થોડી અકડાયેલી હતી અને પોતાના સફેદ, મજબૂત દાંત કાઢીને નોકરો સામે દોડી આવતી.

રણજિતસિંહે પ્રેમથી તેના પર હાથ ફેરવ્યો અને કાનમાં કંઈક કહ્યું અને પછી તે આજ્ઞાકારી બની ગઈ.

તે દિવસ પછી લૈલાએ મહારાજા સિવાય ભાગ્યે જ કોઈને પોતાના પર સવાર થવા દીધા હશે.

લૈલાને હાંસલ કરીને રણજિતસિંહ એટલા ખુશ હતા કે તેમણે 105 કૅરેટનો કોહ-એ-નૂરનો હીરો (જેને તેઓ પોતાની બાંય પર પહેરતા હતા) અને લાખો રૂપિયાનાં બીજા ઘરેણાં સાથે અસ્પ-એ-લૈલાને પહેરાવ્યો હતો.

ખાસ અવસરો પર ઘોડીને આવી જ રીતે શણગારવામાં આવતી હતી. તેના ગળામાં એવી માળા પહેરાવવામાં આવતી જેમાં મૂલ્યવાન પથ્થરો જડેલા હોય.

તેની કાઠી અને લગામ પણ ઘરેણાંથી ઝગમગતી રહેતી.

એ સમયના મોટા શાયર કાદિર યારે લૈલાના વખાણ કરતાં એક રચના લખી અને મહારાજા પાસેથી મોટું ઇનામ મેળવ્યું.

જનરલ વૅન્ટોરાને લૈલાને લાહોર લઈ આવવા બદલ બે હજાર રૂપિયાનાં કિંમતી કપડાં આપવામાં આવ્યાં અને યાર મોહમ્મદના પુત્રને પણ મુક્ત કરી દેવામાં આવ્યો.

ઘોડીને લઈને ઇતિહાસકારોમાં મતભેદ

મહારાજા રણજિતસિંહ પરના પુસ્તકના લેખક કરતાર સિંહ દુગ્ગલ પ્રમાણે ઇતિહાસકારોમાં મતભેદ છે કે લૈલા ઘોડી હતી કે આ ઘોડાનું નામ હતું.

તેમનું કહેવું છે કે નામથી તો ઘોડી જ લાગે છે પણ સાથે જ ડબ્લ્યૂ જી ઓસ્બોર્નના હવાલાથી રણજિતસિંહની વાત લખે છે કે, "મેં આના કરતાં પૂર્ણ જાનવર નથી જોયું. હું એટલું જાણું છું કે જેટલું વધારે હું લૈલાને જોવું છું મને એટલું વધારે શાનદાર લાગે છે."

સર ગ્રિફિન સહિતના મોટા ભાગના સંદર્ભોમાં લૈલાનો ઉલ્લેખ ઘોડી તરીકે કરવામાં આવ્યો છે, કારણકે અહીં સ્ત્રીલિંગ તરીકે ઓળખાવવામાં આવી છે.

સર ગ્રિફિનનું કહેવું છે કે શીખ રેકર્ડ પ્રમાણે લૈલા ઘોડી હતી અને નામથી પણ એવું જ લાગે છે.

એક ઘોડી માટે સંખ્યાબંધ જીવ જોખમમાં મુકાયા

લૈલા વિશે તેમણે લખ્યું કે આ ઘોડા પછી કોઈ અન્ય ઘોડો આટલા વીરોનાં મૃત્યુ અને મુસીબતનું કારણ નથી બન્યો.

ઑસ્બોર્ન કહે છે કે મહારાજાને એ વાતનું બિલકુલ દુખ નહોતું કે તેમણે એક ઘોડીને મેળવવા માટે આટલા લોકોના જીવ ગુમાવવા પડ્યા અને આટલી રકમ ચૂકવવી પડી.

આ સીધી લૂંટને કારણે તેમના ચરિત્ર પર લાગેલા કલંકની પણ તેમને પરવા નહોતી.

લૈલા મજબૂત ડીલ અને લાંબા કદની ચુસ્ત ઘોડી હતી. હૅગલે આ ઘોડી તબેલામાં જોઈ હતી.

તેઓ કહે છે, ‘આ મહારાજાની શ્રેષ્ઠ ઘોડી છે. ગોઠણ પર ગોળ-ગોળ સોનાની બંગડી છે, કાળા પગ અને સોળ હાથ લાંબો તેનો કદ.’

ઍમી એડનનું કહેવું છે કે મહારાજાને લૈલા એટલી પસંદ હતી કે ક્યારેક ભરબપોરે ધમધમતા તડકામાં પણ તેના પર હાથ ફેરવવા અને તેના પગ દબાવવા જતા રહેતા હતા.

લૈલાને કોઈ યુદ્ધમાં લઈ જવામાં આવી હોય એવો કોઈ ઉલ્લેખ નથી મળતો, પરંતુ મહારાજાએ આ ઘોડી અને પોતાની ઘોડેસવારીની કમાલ 1831માં રોપડમાં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બૅન્ટિકને દેખાડી હતી, તેનો ઉલ્લેખ મળે છે.

તેમણે લૈલાને ખૂબ ઝડપથી ભગાડતા પાંચ વખત પોતાના ભાલાની અણીથી પીતળનું એક વાસણ ઉપાડ્યું હતું. દર્શકો વખાણ કરતાં ન થાક્યા તો તેમણે લૈલાનું મુખ ચૂમી લીધું હતું.

લૈલા માટે પુત્રને સજા

લેખક કરતારસિંહ દુગ્ગલ પ્રમાણે રણજિતસિંહ લૈલાને એટલી પસંદ કરતા કે તેમણે પોતાના પુત્ર શેરસિંહને લૈલા પર વગર પરવાનગી સવારી કરવાને કારણે લગભગ બેદખલ કરી દીધા હતા.

રણજિતસિંહે પોતાના ખાસ વફાદાર ફકીર અઝીઝુદ્દીનને કહ્યું કે તે શેરસિંહને સંપત્તિમાંથી બેદખલ કરવા જઈ રહ્યા છે.

ફકીરે પંજાબીમાં જવાબ આપ્યો, “જી અહોઈ સજા બનદી એ. શેર સિંહ ને કી સમઝિયા ઇ લૈલા ઓહદે પિયોં દાય માલ અ? (બિલકુલ આ સજા બને છે. શેરસિંહે શું સમજ્યું છે કે લૈલા તેના બાપનો માલ છે.)”

મહારાજા આ જવાબ સાંભળીને હસી પડ્યા અને શેરસિંહને માફ કરી દીધા.

સર વિલિયમ લી વૉનર એક ઘટના વિશે કહે છે કે કેવી રીતે એક મુલાકાતમાં મહારાજાએ ગવર્નર જનરલને બીજા ઘોડા સિવાય લૈલા પણ દેખાઈ.

મહારાજાએ લૈલાને થોડા ચાલવા-ફરવા પછી તરંગમાં આવીને મહેમાનોને ભેટ સ્વરૂપ આપવાની ઑફર કરી હતી.

ગવર્નર જનરલને લૈલા પ્રત્યે મહારાજાના પ્રેમ વિશે ખબર હતી એટલે તેમણે પહેલાં આ ઉપહારનો સ્વીકાર કર્યો અને પછી એક અન્ય લગામ મગાવીને ઘોડી પર નાખી અને રણજિતસિંહને કહ્યું કે તે આ ઘોડીને તેમની મિત્રતા અને સન્માનનું પ્રતીક માનીને પાછી સ્વીકાર કરી લે.

વિલિયમ લી વૉર્નર પ્રમાણે પાછી લૈલા શાહી તબેલા તરફ જઈ રહી હતી, ત્યારે મહારાજાની ખુશી છલકાઈ રહી હતી.

કહેવાય છે કે રણજિતસિંહની તબિયત બગડી ત્યારે તેમને લૈલા પર બેસાડવામાં આવતા ત્યારે તેમની હાલત સારી થઈ જતી અને એવું લાગતું કે તેઓ બીમાર છે જ નહીં.

લૈલા છેલ્લી ઘોડી હતી જેના પર મહારાજા સવાર થયા હતા.

આખરી સમયમાં લૈલા કેવી હતી?

વિલિયમ બારે લૈલાને તેના છેલ્લા સમયમાં જોઈ હતી.

તેમણે કહ્યું, "અમે જોવા માગતા હતા કે જે ઘોડી પર મહારાજાએ આટલા પૈસા અને લોકોના જીવન કુરબાન કર્યા, તે કેવી છે."

"તેને જોઈને અમને નિરાશા થઈ. કસરત ન કરવા અને સારો ખોરાક લેવાને કારણે તેના પર ચરબી ચડી ગઈ હતી. "

લૈલા એવી નહોતી જેવી તે પોતાની યુવાનીમાં હતી પરંતુ રણજિતસિંહ તેને એટલો જ પ્રેમ કરતા હતા અને લૈલાના મર્યા પછી મહારાજા એટલું રડ્યા કે તેમને શાંત કરાવવા મુશ્કેલ થઈ ગયા હતા.

લૈલાને રાજકીય સન્માન અને એકવીસ તોપોની સલામી સાથે દખન કરવામાં આવી હતી.

મહારાજાના પુત્ર દિલીપસિંહનાં બે પુત્રીઓમાંથી એકનું નામ બિમ્બા હતું, જેણે સદરલૅન્ડથી લગ્ન કર્યાં હતાં. જીવનના આખરી દિવસોમાં તેઓ બ્રિટનથી લાહોર શિફ્ટ થઈ ગયા હતા.

તેઓ પોતાને મહારાજા રણજિતસિંહના એકલા વારસદાર માનતાં હતાં અને વિરાસતમાં તેમને રણજિતસિંહની ભૂસું ભરેલી ઘોડી અને તેનો હીરા જડેલો સામાન મળ્યો હતો.

બિમ્બાએ વર્ષ 1957માં મૃત્યુ પહેલાં પોતાની મોટા ભાગની વિરાસત પાકિસ્તાન સરકારને સોંપી દીધી, જેથી તેની સારસંભાળ લઈ શકાય.

લેખક મુસ્તનસીર હુસૈન તરાડ પ્રમાણે આ દરમિયાન રહસ્યમય રીતે લૈલાનો હીરા જડેલો સામાન ચોરાઈ ગયો.

પરંતુ લૈલાનું ભૂસ ભરેલું શરીર અને રણજિતસિંહ સાથેથી ઐતિહાસિક ઘોડીની તસવીર લાહોરના સંગ્રહાલયની શીખ ગૅલેરીમાં હજીય મોજૂદ છે અને તેને જોવાવાળા લોકો આજે પણ જાનવરના પ્રેમની કાહણી સાંભળે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો