જ્યારે એક મુસ્લિમ પરિવારે 40 વર્ષ સુધી હિંદુ મહિલાને આશરો આપ્યો

    • લેેખક, અનુપ દત્તા
    • પદ, બી. બી. સી. ગુજરાતી માટે, મધ્ય પ્રદેશથી

17મી જૂને કોટાતલા ગામના ત્રણ રૂમના મકાનની બહાર લોકોની ભીડ એકઠી થઈ હતી,

જાંબુના ઝાડની નીચે ગ્રામજનો એક કારના આગમનની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

લગભગ એક કિલોમીટર દૂર હાઈવે ઉપરથી કાર ગામમાં ઉતરી, એટલે પહેલી વખત આવતાં હોવાં છતાં તેમને ઘર શોધવામાં તકલીફ ન પડી. ગ્રામજનોએ કારને ઘર સુધી પહોંચાડી દીધી.

મધ્ય પ્રેદશના દામોહ જિલ્લાના આ ગામમાં એક મુસ્લિમ પરિવારે લગભગ 40 વર્ષ સુધી માનસિક રીતે નબળાં અજાણ્યાં હિન્દુ મહિલાને આશરો આપ્યો હતો અને હવે તેનો પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો હતો.

માણસાઈના 'નૂર'

આ ઘર નૂર ખાનનું છે. જેઓ ટ્રક ચલાવતા અને પથ્થરોની હેરફેર કરતા. નૂર ખાન ગામડામાં જ બે રૂમના ઘરમાં ભાડે રહેતા. ત્યાર બાદ તેમણે નવું ઘર બનાવ્યું. જ્યાં તેમના પુત્ર ઇસરાર તેમનાં માતા તથા અન્ય પરિવારજનો સાથે રહે છે.

કારમાંથી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના વર્ધમાનનગરના પૃથ્વી ભૈયાલાલ શિંગણે, તેમનાં પત્ની તથા પરિવારના મિત્ર રવિ ઘરમાં પહોંચ્યાં.

ઘરના લોકો કલાકોથી આતૂરતાપૂર્વક પૃથ્વી તથા તેમના પરિવારના સભ્યોના આગમનની રાહ જોઈ રહ્યા હતા.

રૂમમાં 90 વર્ષનાં મહિલા પણ બેઠાં હતાં. તેમને જન્મદિવસ કે પરિવાર વિશે કંઈ યાદ ન હતું.

ગામમાં 'અચ્છન માસી' તરીકે ઓળખાતાં આ વૃદ્ધ મહિલા ચાર દાયકા બાદ પોતાના પરિવારજનોને મળવાનાં હતાં. ચાર દાયકા પહેલાં નાગપુરમાં તેઓ 'પંચૂબાઈ' તરીકે ઓળખાતાં.

ફ્લૅશબૅક, જાન્યુઆરી 1979

ઇસરાર કહે છે, "મારા જન્મના અમુક દિવસ બાદ એક દિવસ મારા અબ્બા ટ્રક ચલાવતાં દામોહ બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર જમીન ઉપર બેભાન પડેલાં એક મહિલા ઉપર પડી."

"નજીક જતાં માલૂમ પડ્યું કે મહિલા ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. ટ્રકમાં પાછળ બેઠેલા મજૂરોની મદદથી અબ્બા તેમને ઘરે લાવ્યાં. ત્યારથી અચ્છન માસી અમારી સાથે રહેવાં લાગ્યાં."

ગત 40 વર્ષ દરમિયાન નૂર ખાને અનેક વખત પંચૂબાઈના પરિવારને શોધવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ મહિલા માનસિક રીતે બીમાર હતાં અને માત્ર મરાઠી બોલી શકતા હતા, જેના કારણે તેઓ બરાબર રીતે પોતાનું સરનામું જણાવી શકતાં ન હતાં.

ડ્રાઇવર તરીકેના કામકાજ દરમિયાન નૂર ખાનને મહારાષ્ટ્ર જવાનું થતું, ત્યારે તેઓ અચ્છન માસીનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવી શકાય તે માટે પ્રયાસ કરતા હતા.

ઇસરારના કહેવા પ્રમાણે, "અબ્બાના મૃત્યુ બાદ ફેસબુક તથા સોશિયલ મીડિયા ઉપર વીડિયો અને ફોટો અપલૉડ કરીને અનેક વખત અચ્છન માસીને તેમના સંબંધીઓ સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમાં સફળતા ન મળી."

પરસાપુરનો ઉલ્લેખ

મે મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન આશાનું કિરણ ઊગ્યું. સ્વયંસેવી સંસ્થામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા ઇસરારે બીબીસીને જણાવ્યું :

"પાંચમી મેના સવારે લગભગ સાડા આઠ વાગ્યાનો સમય થયો હશે. રોજની જેમ અમે ચા લઈને અચ્છન માસીના રૂમમાં ગયા. માસી તેમના રૂમમાં ઝાડૂ મારી રહ્યાં હતાં. માસીની સાથે નિયમિતની જેમ વાતચીત ચાલી રહી હતી."

"વાતવાતમાં માસીએ અચાનક જ પરસાપુરનો ઉલ્લેખ કર્યો. આ પહેલાં પણ મેં તેમના મોઢે પરસાપુરનો ઉલ્લેખ સાંભળ્યો હતો, તરત જ મેં ગૂગલ ઉપર ચેક કર્યું તો માલૂમ પડ્યું કે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પરસાપુર નામનું ગામ આવેલું છે."

ફોન દ્વારા ઇસરારે પરસાપુરની 'કનિષ્કા ઑનલાઇન સંસ્થા'ના અભિષેકનો સંપર્ક કર્યો અને તેમને અચ્છન માસી વિશે જણાવ્યું.

બંને વચ્ચે નક્કી થયું કે ઇસરાર અચ્છન માસીનો વીડિયો બનાવશે અને અભિષેકને મોકલશે, જ્યારે અભિષેક સોશિયલ મીડિયાના માધ્યમથી પરસાપુરના મોબાઇલયૂઝર્સ સુધી તેને પહોંચાડવાનો પ્રયાસ કરશે.

ઇસરારે જણાવ્યું, "એક દિવસ પછી સાતમી તારીખે મેં માસીનો વીડિયો બનાવ્યો તથા અભિષેકને મોકલી દીધો."

પરસાપુરથી અભિષેકે બીબીસીને જણાવ્યું, "વીડિયો અને તસવીરો મળ્યાં કે તરત જ મેં તેને આજુબાજુના ગામડાં, સમાજ અને સાંસ્કૃતિક મંડળના મોબાઇલ યૂઝર ગ્રૂપમાં તેને ફૉરવર્ડ કરી દીધાં. બે કલાકમાં મને અને અડધા પરસાપુરને ખબર પડી ગઈ હતી કે મહિલાનું પિયર અંજામનગરમાં છે."

અમુક દિવોસમાં જ નાગપુરથી પૃથ્વી ભૈયાલાલ શિંગણેનો ઇસરાર ઉપર ફોન આવ્યો અને કહ્યું કે તસવીરો અને વીડિયો જે મહિલાનાં છે, તે તેમનાં દાદી છે.

કઈ રીતે પહોંચ્યાં દામોહ?

નાગપુરમાં રહેતા પંચૂબાઈના પૌત્ર પૃથ્વી શિંગણેએ બીબીસીને જણાવ્યું, "મારાં દાદી દામોહ કેવી રીતે પહોંચ્યાં, તે તો નથી ખબર, પરંતુ મને એટલી ખબર છે કે મારા પપ્પા ભૈયાલાલ શિંગણેએ વર્ષ 1979માં લકડગંજ પોલીસ સ્ટેશનમાં તેઓ ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવી હતી."

પૃથ્વીએ તેમનાં માતા પાસેથી દાદીનાં ગુમ થવા અંગેની વાત સાંભળી હતી, જે મુજબ :

"આઈ (માતા) કહેતી હતી કે 22થી 30 જાન્યુઆરી દરમિયાન પપ્પા (ભૈય્યાલાલ) દાદીની સારવાર કરાવવા માટે તેમને નાગપુર લઈ ગયાં હતાં. ત્યાં એક મકાનમાં રહીને દાદીનો ઈલાજ કરાવતા હતા."

"એક દિવસ તેઓ ઘરે પરત ફર્યા તો દાદી ત્યાં ન હોવાનું માલૂમ પડ્યું. તેમણે દાદીની શોધખોળ હાથ ધરી, પરંતુ સફળતા મળી. મારા પિતાએ 1979માં લકડગંજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અમારાં દાદી ન મળ્યાં."

તેમનું કહેવું છે કે માનસિક રીતે અસ્થિર હોવા છતાં દાદી એક પરિવાર સાથે 40 વર્ષ સુધી રહ્યાં, તે બાબત આશ્ચર્યજનક છે.

ઇસરારના કહેવા પ્રમાણે, "માનસિક રીતે અસ્વસ્થ અચ્છન માસી મારા અબ્બાને 'ભૈય્યા' તથા અમ્મીને 'કમલાભાભી' તરીકે સંબોધિત કરતાં."

તેઓ ઉમેરે છે, "પૃથ્વીજી સાથે વાતો કરતા માલૂમ પડ્યું કે માસીના ભાઈનું નામ ચતુર્ભુજ છે અને તેમના પત્નીનું નામ 'કમલા ભાભી' છે. જેઓ અંજના નગર પરસાપુરના નિવાસી છે."

અચ્છન માસીને તેમનો પરિવાર મળી ગયો છે, તે વાત જાણીને ઇસરાર ખૂબ જ ખુશ છે, પરંતુ તેમને એક વાતનો અફસોસ છે.

30મી જૂને ઇસરાર તેમનો 40મો જન્મદિવસ ઉજવશે ત્યારે અચ્છન માસી તેમની સાથે નહીં હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો