You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
H-1B વિઝા નિયંત્રણ : 'અમેરિકાનો હું ભાગ હોઉં એવું નથી લાગતું'
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટન
અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ડલાસ શહેરમાં રહેતા વિનોદ કુમાર આજકાલ ભયભીત છે, તેમને લાગે છે કે એક દિવસ તેમણે દેશ છોડીને જવું પડશે.
ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન નિયંત્રણ, સરહદ ઉપર દીવાલ, વિઝામાં ઢીલ જેવા મુદ્દે જે રીતે નિવેદનબાજી થઈ રહી છે, તેના કારણે વિનોદ કુમારની મુશ્કેલી વધી ગઈ છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં એક સરકારી આદેશ બહાર પાડ્યો છે, જેમાં અમુક ગ્રીનકાર્ડ તથા વિદેશમાંથી કામ કરવા માટે વિદેશથી આવનારાઓને ડિસેમ્બર 2020 સુધી વિઝા આપવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે.
આ બધાં કારણોસર વિનોદ કુમાર આજકાલ વ્યાકુળ રહે છે. તેઓ કહે છે, "કાશ, હું આ દેશમાં મારું ઘર બનાવી શક્યો હોત, પરંતુ આજકાલ હું ભયના ઓથાર હેઠળ જીવું છું."
અપ્રવાસન બાબતોના નિષ્ણાતોને આ પ્રકારનાં પગલાંની અગાઉથી જ આશંકા હતી. એક વિશેષજ્ઞે તો એટલે સુધી કહ્યું કે ઉદ્યોગજગતે કરેલી એક પણ પેરવી કામે ન લાગી.
સિલિકન વૅલીની પ્રતિક્રિયા
ગૂગલના સુંદર પિચાઈ તથા ઍપલના ટિમ કૂક જેવા સિલિકન વૅલીના માંધાતાઓ આ સરકારી આદેશ ઉપર અફસોસ વ્યક્ત કર્યો છે.
આ નિર્ણયને કારણે અનેક કંપનીઓ તથા યુનિવર્સિટીના કામકાજમાં અવરોધ ઊભો થશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલાં ટ્રમ્પે અમુક પ્રકારના ગ્રીનકાર્ડ ઉપર હંગામી ધોરણે નિયંત્રણ લાદી દીધાં હતાં.
વિનોદ દોઢ વર્ષ પૂર્વે અમેરિકા આવ્યા હતા, આ પહેલાં તેઓ યુરોપિયન દેશોમાં નોકરી કરતા હતા. તેમના પુત્રનો જન્મ અમેરિકામાં જ થયો છે. વિનોદ ટેકનૉલૉજી સૅક્ટરમાં કામ કરે છે અને તેમની પાસે H-1B વિઝા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિનોદ કહે છે, "હું બહેતર જિંદગી તથા સારા જીવનધોરણની આશાએ આવ્યો હતો." નવા સરકારી આદેશે અનેક ભારતીયોને નિરાશ કરી દીધા છે.
'ભારતમાં ઘરે પરત ફરવું કે નહીં?', 'જો ભારત જતાં અટકાવી દેવામાં આવશે તો?' વગેરે જેવા અનેક સવાલ તેમની સામે છે.
સાન ફ્રાન્સિસ્કોમાં ટેકનૉલૉજી સૅક્ટરમાં કામ કરતા શિવાના કહેવા પ્રમાણે, "ઑફિસના વકીલ અમને અમેરિકાની બહારની યાત્રા ન ખેડવા સલાહ આપી રહ્યા છે." શિવા પોતાની અટક જાહેર નથી કરવા માગતા.
વિઝાના સવાલ
ટ્રમ્પતંત્રના આદેશ બાદ ગભરાટનો માહોલ છે. ગ્રૅગ સિસ્કિંડ જેવા વકીલો પાસે અસીલ અનેક પ્રકારના સવાલ લઈને જઈ રહ્યા છે.
ગ્રૅગ કહે છે, "જો સ્પાઉસ (પતિ કે પત્ની) કે બાળકો અમેરિકાથી બહાર હોય અને તેઓ મુખ્ય અરજદાર ન હોય તો, શું થાય? શું સ્પાઉસ તથા બાળકોએ અમેરિકા પરત ફરવા માટે વર્ષના અંતભાગ સુધી રાહ જોવી પડશે, આવા અનેક પ્રકારના સવાલ પૂછાઈ રહ્યા છે."
રૂપાંશી નામના એક મહિલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે પોતાની પુત્રી સાથે તેઓ H4 વિઝા ઉપર સિક્કો મરાવવા માટે ભારત આવ્યાં હતાં, પરંતુ ફસાઈ ગયાં, જ્યારે તેમના પતિ અમેરિકામાં છે.
અમેરિકામાં ઇમિગ્રેશન કાયદા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, જેના કારણે વિનોદ કુમારના કેટલાક ભારતીય મિત્ર વતન પરત ફરી ગયા છે.
વિનોદ કહે છે, "મારા કેટલાક મિત્ર કૅનેડાથી અમેરિકા આવ્યા હતા, તેમને લાગતું હતું કે તેમને અમેરિકા પસંદ આવશે, અહીં આવવું એ તેમનું લાંબા સમયનું સપનું હતું, પરંતુ તેઓ પરત જતા રહ્યા."
વિનોદ કુમાર કહે છે, "મારા કેટલાક મિત્ર કહે છે કે અમે કૅનેડામાં વધુ ટૅક્સ ભરતા હતા, પરંતુ ખરાબ નહોતું લાગતું. ત્યાંના લોકો કમસે કમ અમને આવકારતા હતા."
"અમારા આગમનથી લોકોને ખુશી થઈ હોય એવું અમને અમેરિકામાં ન લાગ્યું. અમને લાગે છે કે અમે બહારનાં લોકો છીએ અને એ જ સત્ય છે. મને પણ લાગે છે કે હું અહીંનો નથી. હું અહીંનો ભાગ હોઉં એવું નથી લાગતું."
અન્ય એક શખ્સે મને મૅસેજ કર્યો, "ગૂગલમાં વરિષ્ઠ પ્રોડક્ટ મૅનેજર તરીકે કામ કરનારે હમણાં જ મને મેલ કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ ભારત પરત ફરવા માગે છે."
અમેરિકાનું અર્થતંત્ર
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે નવો આદેશ અમેરિકાના હિતમાં છે. ઑર્ડરમાં દાવો કરવામાં આવ્યો છે :
"ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનાની વચ્ચે અમેરિકામાં એક કરોડ 70 લાખ જેટલી નોકરીઓ ઘટી હતી. કંપનીઓ H2B વિઝા ઉપર આવેલી વ્યક્તિઓ દ્વારા આ જગ્યાઓ ભરવા ચાહે છે. આ ગાળા દરમિયાન લગભગ બે કરોડથી વધારે અમેરિકનોની નોકરી ગઈ. કંપનીઓ ખાલી પડેલી જગ્યાઓને H-1B તથા L વિઝા દ્વારા ભરવા માગે છે."
અમેરિકામાં કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેનાં કારણે અનેક અઠવાડિયાં સુધી વેપારધંધા ઠપ રહ્યાં, જેમાં લાખો અમેરિકનોની નોકરીઓ ગઈ.
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે તેમના તાજેતરના આદેશે કારણે અમેરિકાની નોકરીઓ માત્ર અમેરિકનોને જ મળશે અને વિદેશથી આવનારા આ નોકરીઓ ખૂંચવી નહીં શકે.
ઇમિગ્રેશન બાબતોના વકીલ ગ્રૅગ સિસ્કિકંડ કહે છે, "આ વાતની ખરાઈ થઈ શકે તેવા કોઈ પુરાવા નથી. આર્થિક વિકાસમાં અવરોધ ઊભા થઈ રહ્યાં છે, જેના કારણે અમેરિકનો માટે નોકરીની તકોમાં ઘટાડો થઈ રહ્યો છે."
ગ્રૅગ માને છે કે કંપનીઓ અમેરિકામાંથી નીકળીને કૅનેડા કે મૅક્સિકો જવા વિશે વિચારવા પ્રેરાશે તથા આ આદેશની આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ટીકા થવાની સંભાવના છે.
ઇમિગ્રેશન બાબતોના જાણકાર ડેવિડ બાયર કહે છે, "જો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અર્થતંત્રમાં જબરજસ્ત સુધાર ઇચ્છતા હોય તો વિદેશી રોકાણની રીત બદલવી જોઈએ. પ્રતિભાવાન તથા કુશળ કર્મચારીઓને બહાર મોકલવા એ માઠા સમયમાં પોતાનો ધંધો બચાવવા માટે મથી રહેલા ઉદ્યોગપતિઓને સજા આપવા જેવું છે. આમ કરવું યોગ્ય નથી."
ટ્રમ્પ સરકારના આદેશમાં નૉન-ઇમિગ્રન્ટ વિઝા શ્રેણીઓ H-1B, H-2B, J-1s અને L શ્રેણી સામેલ છે.
H-1B શ્રેણીના મોટાભાગના વિઝા ટેકનૉલૉજી કંપનીઓને ફાળે જાય છે. હંગામી કર્મચારીઓને H-2B વિઝા ફાળવવામાં આવે છે.
J-1 શૉર્ટ-ટર્મ વિઝા છે, જે સંશોધકો તથા વિદ્વાનોને આપવામાં આવે છે. L શ્રેણીના વિઝામાં કંપનીઓ પોતાના અધિકારીઓ તથા મૅનેજરોને અમેરિકા મોકલે છે.
ભારતીયોને નુકસાન
ટ્રમ્પ સરકારનો આ આદેશ ગુજરાતીઓ તથા ભારતીયોને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકામાં વર્ષ 2019માં 3,88,403 વિઝાધારક રહેતા હતા, જેમાંથી 2,78,491 ભારતના હતા.
વર્ષ 2019માં H-1B વિઝા માટે જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી, તેમાંથી 71.1 ટકા ભારતના હતા.
2019માં લગભગ 77 હજાર L-1 વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી 18,350 ભારતીયોને આપવામાં આવ્યા હોવાનું માલૂમ પડે છે.
સિસ્ટમમાં સુધાર અને ટીકા
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો આ વાતથી ખુશ છે. તેઓ લાંબા સમયથી આ પ્રકારના નિયંત્રણોની માગ કરી રહ્યા હતા.
ટ્રમ્પના એક સમર્થકે ટ્વીટ કર્યું, "અમેરિકનોને નોકરીએ રાખો. H-1B વિઝાધારક ગેરકાયદેસર રીતે રોજગાર મેળવવા માટે પોતાના પરિવારજનોને અમરિકા લાવે છે અને અહીંથી અબજો ડૉલર ભારત અને ચીન મોકલીને પ્રૉપર્ટીઓ બનાવે છે, જ્યારે અમે અહીં ટૅક્સ ભરીએ છીએ."
એવું કહેવાય છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સિસ્ટમમાં સુધારા કરવા માટે નિર્દેશ આપ્યા છે. જે હેઠળ વધુ પગાર મેળવનારા વધુ સક્ષમ કર્મચારીઓને પ્રાથમિક્તા આપવાની વાત કહી છે.
ભૂતકાળમાં ભારતની ટેકનૉલૉજી કંપનીઓ ઉપર H-1B વિઝાની લૉટરી સિસ્ટમમાં રહેલી ઉણપોનો ગેરલાભ ઉઠાવવાના આરોપ લાગ્યા હતા.
ટ્રમ્પના ટીકાકારોનું કહેવું છે કે નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પૂર્વે ટ્રમ્પ પોતાનો જનાધાર મજબૂત કરવા ઇચ્છે છે એટલે જ તેઓ બેબાકળા બન્યા છે.
કેટલાક ચૂંટણી સર્વેક્ષણના તારણ પ્રમાણે, ડેમૉક્રેટિક પાર્ટીમાં તેમના હરીફ જો બિડેન આગળ નીકળી ગયા છે. તાજેતરમાં ઓકલાહોમાની તુલસા ઇલેક્શન રેલી દરમિયાન ખુરશીઓ ખાલી હતી.
ટ્રમ્પ ઉપર આરોપ છે કે ઇમિગ્રેશન અંગે પોતાના ઍજન્ડાને આગળ ધપાવવા માટે તેમણે કોરોનાની મહામારીનો અવસર તરીકે ઉપયોગ કર્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજીક મનાતા સેનેટર લિંડસે ગ્રાહમે પણ તેમની ઇમિગ્રેશન નીતિની ટીકા કરી છે. તેઓ દક્ષિણ કૅરોલિના ઉપરથી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
તેમણે ટ્વીટ કર્યું, 'જે લોકો માને છે કે વર્કવિઝા અમેરિકનો માટે નુકસાનકારક છે તેઓ અમેરિકાના અર્થતંત્રને નથી સમજતા.'
દક્ષિણકૅરોલિના એ વિદેશી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ છે અને લિંડસે ગ્રાહમનું નિવેદન વિદેશી કંપનીઓની ચિંતાને રજૂ કરે છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ સરકારના ચુકાદાને અદાલતમાં પડકારવામાં આવશે.
અમેરિકન ઇમિગ્રેશન લૉયર્સ ઍસોસિયેશનનાં જેસી બ્લેસ કહે છે, "અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અદાલતો આપણી સરકારને આ ખતરનાક રસ્તે આગળ વધવા નહીં દે. તંત્રને લાગે છે કે તેઓ કાયદાને પોતાની રીતે લખી શકે છે."
દરમિયાન વિનોદ કુમારનું કહેવું છે કે તેમણે ભારતમાં નોકરી શોધવાની શરૂઆત કરી દીધી છે.
"કંપનીઓ ગ્રીનકાર્ડધારક નાગરિકોને નોકરીઓ રાખવા માટે તલપાપડ છે. લગભગ 10 કંપનીઓએ મારો સંપર્ક પણ કર્યો, પરંતુ તે બધાંએ મને નકારી દીધો, કારણ કે હું H-1B વિઝા ઉપર હતો."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો