એ 'લાલ કિતાબ', જેમાં છુપાયેલું છે ચીનના નેતાઓની તાકાતનું રહસ્ય

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લાલ કિતાબ. ભારતના સંદર્ભમાં આ વાત કરવામાં આવે તો જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની સમસ્યા અને તેના ઉપાયને રજૂ કરે છે, પરંતુ ચીનના સંદર્ભમાં 'લિટલ રેડ બુક'એ ચીનમાં માઓની સામ્યવાદી વિચારધારા અને વિસ્તારવાદનો ઉદ્ઘોષ છે.

જેમાં માઓ કહે છે 'રાજકીય શક્તિ બંદૂકના નાળચાથી વધે છે.' પુસ્તકમાં ચીનના ક્રાંતિકારીઓએ 'શું કરવું અને શું ન કરવું' તેના વિશે જણાવવામાં આવ્યું છે.

1977માં માઓના મૃત્યુ પછી તેનું મહત્ત્વ ઘટ્યું છે, છતાં આજે પણ ચીની સમાજ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના અને તેના નેતાની વાતોનો 'મૂળભૂત વિચાર' ક્યાંકને ક્યાંક લિટલ રેડ કિતાબમાં રહેલો છે.

2017માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ચીન વિશેના વિચારો ઉપર સી.પી.સી.એ મંજૂરીની મહોર મારી છે અને નવીન રીતે તેને પ્રસારિત કરવા પ્રયાસરત છે.

આ કિતાબમાં શું છે ખાસ વાતો જાણો સંક્ષિપ્તમાં

  • માઓની સરખામણી ક્યુબાની ક્રાંતિના જનક ફિડલ કાસ્ટ્રો કે ચે ગ્વેરા સાથે થતી. તેમની સામે રશિયાના સામ્યવાદીઓ વૃદ્ધ અને સાધારણ જણાતા.
  • કિતાબ કહે છે કે, "રાજકારણએ રક્તપાત વગરનું યુદ્ધ છે, જ્યારે યુદ્ધએ લોહિયાળ રાજકારણ છે."
  • જિનપિંગે આ કિતાબની લાઇન પર જ ઍપ બનાવેલી છે જેને 'લિટલ રેડ ઍપ' તરીકે ઓળખવામાં આવે છે.
  • 1964માં પીપલ્સ લિબ્રૅશન આર્મી (ચીનની સેના) દ્વારા પ્રથમ વખત લાલ કિતાબનું પ્રકાશન કરવામાં આવ્યું, ત્યારે તેમાં 200 જેટલાં અવતરણ હતાં.
  • એક આંકડા મુજબ વિશ્વની વસતિ ત્રણ અબજ હતી, ત્યારે પણ સાડા ચાર અબજ જેટલી આ કિતાબની નકલ છપાઈ હતી.

શું છે લિટલ રેડ બુક?

લગભગ છ ઇંચ X ચાર ઇંચની આ પુસ્તિકાના મુખપૃષ્ઠ ઉપર ચૅરમૅન માઓની સૈન્ય ટોપીવાળી તસવીર હોય છે. ડિઝાઇન, ચમકતાં લાલ રંગના વિનાઇલ કવર અને કદને કારણે તે અનેક પુસ્તકોની વચ્ચે અલગ તરી આવે છે.

1964માં પીપલ્સ લિબ્રૅશન આર્મી (ચીનની સેના) દ્વારા પ્રથમ વખત તેનું પ્રકાશન કરવામાં આવ્યું, ત્યારે તેમાં 200 જેટલાં અવતરણ હતાં.

1960ના દાયકાના અંત ભાગમાં માઓનાં 400થી વધુ અવતરણોને 33 અલગ-અલગ પ્રકરણના નેજા હેઠળ સંકલિત કરવામાં આવ્યાં છે.

ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીએ તેના પ્રકાશન અને વિદેશમાં નિકાસ ઉપર મંજૂરીની મહોર મારી એટલે અલગ-અલગ ભાષામાં તરજૂમા પણ કરવામાં આવ્યા. આ પુસ્તિકા વિચારોના પ્રસાર માટે 'સૉફ્ટ પાવર' બની રહી.

પશ્ચિમી દેશો ઉપરાંત ભારતમાં પણ યુવાનોના માનસ ઉપર પુસ્તક અને તેના વિચારોએ મોટી અસર ઊભી કરી.

સામંતવાદી શોષણખોરોને હઠાવીને શ્રમિક અને ખેડૂતોનું શાસન સ્થાપવા માગનારાઓમાં અને ફૅશન ખાતર ખુદને ક્રાંતિકારી કહેવડાવવા માગતાં યુવાનોમાં આ પુસ્તકે આકર્ષણ ઊભું કર્યું.

ભારતના પશ્ચિમ બંગાળમાં નક્સલબાડી ખાતે 'નક્સલ આંદોલન' ઊભું થયું, ભારતમાં 'માઓવાદી' કે 'નક્સલવાદી' તરીકે ઓળખવામાં આવે છે.

માઓની સરખામણી ક્યુબાની ક્રાંતિના જનક ફિડલ કાસ્ટ્રો કે ચે ગ્વેરા સાથે થતી. તેમની સામે રશિયાના સામ્યવાદીઓ વૃદ્ધ અને સાધારણ જણાતા.

'જીવવા માટે જરૂરી પુસ્તિકા'

માઓના સમયગાળા દરિયાન યુદ્ધ અને દુષ્કાળને કારણે ચીની પ્રજાને ભારે હાડમારી ભોગવવી પડી હતી, જ્યારે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. આથી સાથી નેતાઓથી માઓના નેતૃત્વ સામે પડકાર ઊભો થયો હતો.

માઓના સન્માનને પુનઃસ્થાપિત કરવામાં તથા 'કલ્ચરલ રિવૉલ્યુશન'ને આગળ વધારવાનું હથિયાર બન્યું.

યુનિવર્સિટી ઑફ ફ્રેબર્ગમાં મૉડર્ન ચાઇનીઝ હિસ્ટ્રી અને પૉલિટિક્સના પ્રાધ્યાપક ડેનિયલ લિસેના કહેવા પ્રમાણે:

'તત્કાલીન ચીનના સમાજમાં 'જીવિત રહેવા માટેના સાધન' જેવું બની ગયું હતું. સ્થાનિક અધિકારી કે નેતાએ આ પુસ્તિકા રાખવી અનિવાર્ય બની રહી. જો કોઈ પાસે 'લિટલ રેડ બુક' ન હોય કે તેમાંથી માઓના અવતરણો વિશે કહી ન શકે તો 'રેડ ગાર્ડ્સ' દ્વારા તેમની હત્યા પણ કરી દેવામાં આવતી.'

માઓએ ચીનની સામ્યવાદી પાર્ટીમાં શુદ્ધિકરણ માટે વિશેષ રીતે આ અભિયાન હાથ ધર્યું હતું અને 'રેડ ગાર્ડ્સ'ને કામે લગાડ્યા હતા.

આ સંગઠન મોટાભાગે યુવા વિદ્યાર્થી કે યુવા શ્રમિકોનું બનેલું હતું.

પુસ્તિકાનાં કેટલાંક અવતરણો

  • "દરેક સામ્યવાદી એક સત્ય સમજી લે - બંદૂકના નાળચાથી રાજકીય શક્તિ વધે છે."
  • "જે રિઍક્શન આપે છે, તે કાગળના શેર છે. રિઍક્શન આપનારા ડરામણાં જણાય છે, પરંતુ તેઓ એટલા શક્તિશાળી નથી હોતા."
  • "ક્રાંતિ એ કોઈ મિજબાની કે નિબંધ લખવા જેવું કે ચિત્ર દોરવા જેવું કે ઍમ્બ્રૉઇડરી કરવા જેવું કામ નથી. ક્રાંતિમાં હિંસા દ્વારા એક વર્ગ બીજા વર્ગને ઉખાડી ફેંકે છે."
  • "રાજકારણએ રક્તપાત વગરનું યુદ્ધ છે, જ્યારે યુદ્ધએ લોહિયાળ રાજકારણ છે."
  • "યુદ્ધ દ્વારા જ યુદ્ધ નાબૂદ થઈ શકે. બંદૂકથી છૂટકારો મેળવવા માટે બંદૂક ઉપાડવી જરૂરી છે."

કુલ કેટલી પુસ્તિકા છપાઈ?

ચીનના દરેક નાગરિકના ઘર સુધી આ પુસ્તિકા પહોંચે તે માટે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સેંકડો નવાં પ્રેસ ઊભા કરવામાં આવ્યાં. વિદેશી ભાષામાં અનુવાદ થયેલી પુસ્તિકા પણ મોકલવામાં આવી.

એક આંકડા મુજબ વિશ્વની વસ્તી ત્રણ અબજ હતી, ત્યારે પણ સાડા ચાર અબજ જેટલી નકલ છપાઈ હતી.

'લિટલ' સિવાયના ફૉર્મેટમાં પણ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ચીન દ્વારા ઔપચારિક રીતે કેટલી પુસ્તિકા છપાઈ અને કેટલાનું વિતરણ થયું છે, તેનો સત્તાવાર આંકડો આપવામાં નથી આવતો.

આથી કેટલી પુસ્તિકા છપાઈ તેનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે, છતાં એક અબજ નકલ છપાઈ હશે તેવું સર્વસામાન્ય અનુમાન છે.

પ્રો. ડેનિયલના કહેવા પ્રમાણે, માઓના અનુગામી ડેંગ શિયાઓ પિંગને આ પુસ્તિકા પસંદ ન હતી, એટલે તેને દબાવવાનો પ્રયાસ કર્યો, જેણે અમુક અંશે 'વાઇરલ માર્કેટિંગ'નું કામ કર્યું.

જિનપિંગની 'લિટલ રેડ ઍપ'

વર્ષ 2019માં ચાઇનીઝ નવ વર્ષના પહેલા દિવસે સેન્ટ્રલ પ્રૉપેગૅન્ડા ડિપાર્ટમેન્ટ દ્વારા 'સ્ટડી', 'સ્ટડી શી' કે 'સ્ટડી (શી) સ્ટ્રૉંગ કંટ્રી' મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી.

મોબાઇલ ઍનાલિટિક્સ કંપની 'ઍપ એન્ની'ના કહેવા પ્રમાણે, ચીનના ઍપસ્ટોર ઉપર આ ઍપ ફ્રીમાં લૉન્ચ થઈ હતી અને જોતજોતામાં તેની પૉપ્યુલારિટી વીચેટ તથા ટિકટૉકને પસાર કરી ગઈ.

માઓના કાર્યકાળથી અત્યારસુધીમાં ચીનની સામ્યવાદી પાર્ટીના સભ્યોની સંખ્યા બેવડી થઈ છે. ભાજપનો દાવો છે કે તે વિશ્વનો સૌથી મોટો પક્ષ બની ગયો છે, જોકે આ દાવા ઉપર સંદેહ પણ વ્યક્ત કરવામાં આવ્યા હતા.

જાણકારોના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિચારો દ્વારા જનતાની માનસિકતાને ઢાળવા માટે આ ઍપ લૉન્ચ કરવામાં આવી છે.

કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોએ આ ઍપને ડાઉનલૉડ કરવી તથા દરરોજ તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

આ સિવાય સરકારી કર્મચારીઓ, સરકારી સ્કૂલના શિક્ષકો અને સરકારી કંપનીના કર્મચારીઓ માટે તેનું ડાઉનલૉડિંગ અનિવાર્ય કરી દેવાયું.

2017માં સામ્યવાદી પાર્ટીએ "નવયુગમાં ચાઇનીઝ લક્ષણો સાથે સમાજવાદ ઉપર શી જિનપિંગના વિચારો"ને ચીનના બંધારણમાં સ્થાન આપ્યું. જે શી જિનપિંગના કદ અને પ્રભાવમાં વૃદ્ધિ છતી કરે છે.

આ ઍપને જિનપિંગની 'લિટલ રેડ ઍપ' તરીકે ઓળખવામાં આવે છે. ઍપ્લિકેશનના વપરાશ દ્વારા યૂઝર પૉઇન્ટ્સ એકઠાં કરી શકે છે અને તે નોકરીદાતા કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં તેનો ઉપયોગ કરી શકે છે.

શીના કાર્યકાળ દરમિયાન ચીનના પ્રૉપેગૅન્ડા ડિપાર્ટમેન્ટે વિચારધારાના ફેલાવા તથા સભ્યસંખ્યામાં વધારો કરવા માટે અવનવી ટેકનિકો અજમાવી રહ્યા છે.

ઑનલાઇન માધ્યમો અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સિવાય સરકારી ચેનલ CCTV તથા પ્રાંતીય ચેનલો ઉપર શીના વિચાર સંદર્ભિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે.

આ સિવાય વીચેટ ઉપર કૉમ્યુનિસ્ટ પાર્ટીના વિચારોના સ્ટિકર,ઍનિમેટેડ નારા રજૂ કરવામાં આવ્યા છે.

જો કે 'વિબો' (ચાઇનિઝ ટ્વિટર) ઉપર નાગરિકોએ ફરિયાદ કરી હતી કે બહુ કલાકો સુધી મહેનત કર્યા બાદ થોડા પૉઇન્ટ્સ મળે છે. કાર્લ માર્ક્સના જીવન ઉપરના કાર્ટૂન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર લૉન્ચ કરવામાં આવ્યાં છે.

1976માં માઓના મૃત્યુ બાદ લિટલ રેડ બુકની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને તાકત જતાં રહ્યાં. હવે તેનું સ્થાન 'લિટર રેડ ઍપ'એ લીધું છે, છતાં તે ચીન, સામ્યવાદ તથા પ્રૉપેગૅન્ડા શું કરી શકે તેનું ઉદાહરણ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો