You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હામિદ અંસારી સાથેની મુલાકાત અંગે નુસરત મિર્ઝાએ બીબીસીને શું કહ્યું?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
- બીબીસીએ નુસરત મિર્ઝા સાથે વાત કરી અને તેના ઇન્ટરવ્યૂના વિવાદ વિશે પૂછ્યું
- નુસરત મિર્ઝાએ આરોપ મૂક્યો છે તેમના ઇન્ટરવ્યૂ સાથે તકનીકી છેડછાડ કરવામાં આવી છે.
- નુસરત મિર્ઝાએ કહ્યું, "તે એક સેમિનાર હતો અને તેમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે આવીને જતા રહ્યા. આમણે એ બિચારાને પકડી લીધા."
- તેમણે કહ્યું કે જે દસ્તાવેજો શેર કર્યા છે તેને "ભારત સાથે કોઈ લેવાદેવા નથી". તે દસ્તાવેજો રશિયા વિશેના હતા' જેમાં રશિયાએ પાકિસ્તાન પર તેને તોડવાનો આરોપ લગાવ્યો હતો.
- તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ દસ્તાવેજો 2005ના સેમિનાર સાથે જોડાયેલા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં સતત ચર્ચામાં રહેલા પાકિસ્તાનના કટારલેખક નુસરત મિર્ઝાએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથેની મુલાકાત અંગે કહ્યું છે કે તેમની ક્યારેય અંસારી સાથે સીધી મુલાકાત થઈ નથી.
નુસરત મિર્ઝાએ બીબીસીને કહ્યું, "હું પણ ઇનકાર કરું છું કે (મુલાકાત) થઈ નથી."
નુસરતે દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાનના વિદેશમંત્રી ખુર્શીદ કસુરી સાથે જે દસ્તાવેજો શેર કર્યા છે તેને "ભારત સાથે કોઈ લેવાદેવા નથી". તે દસ્તાવેજો રશિયા વિશેના હતા' જેમાં રશિયાએ પાકિસ્તાન પર તેને તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ દસ્તાવેજો 2005ના સેમિનાર સાથે જોડાયેલા છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ નુસરત મિર્ઝા સાથે ઓળખાણ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે શુક્રવારે ઑફિસ તરફથી આ મામલે ખુલાસો પણ આપ્યો હતો.
આ પહેલા નુસરત મિર્ઝાએ પાકિસ્તાની પત્રકાર શકીલ ચૌધરીને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે 'જ્યારે હામિદ અંસારી ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમને એક સેમિનાર માટે ભારત બોલાવવામાં આવ્યા હતા અને તેમણે તેમની ભારતની મુલાકાત દરમિયાન એકઠી કરેલી માહિતી આઈએસઆઈ સાથે શેર કરી હતી.'
નુસરત મિર્ઝાએ તે ઇન્ટરવ્યૂમાં એવો પણ દાવો કર્યો હતો કે તેણે પાંચ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો અને બેંગ્લોર, ચેન્નાઈ, ચંદીગઢ, કોલકાતા, પટના, લખનૌ જેવા અનેક શહેરોની મુલાકાત લીધી હતી.
કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી નુસરત મિર્ઝાના નિવેદનને લઈને હામિદ અંસારી અને કૉંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. બીબીસીએ નુસરત મિર્ઝા સાથે વાત કરી અને તેના ઇન્ટરવ્યૂના વિવાદ વિશે પૂછ્યું.
ઇન્ટરવ્યૂના વિવાદ અંગે
હામિદ અંસારીને મળવા અંગે નુસરત મિર્ઝાએ કહ્યું, "તે એક સેમિનાર હતો અને તેમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે આવીને જતા રહ્યા. આમણે એ બિચારાને પકડી લીધા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "બિચારાના બે ગુના છે. તેઓ મુસ્લિમ છે અને કૉંગ્રેસના છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની રાજકીય લડત ચાલી રહી છે તેમાં એમને પકડી લીધા."
નુસરત મિર્ઝાએ જણાવ્યું કે તે સેમિનારમાં ઘણા દેશોના રાજદૂતો હાજર હતા. તેમણે કહ્યું, "તમે જોઈ શકો છો કે તેમાં કેટલા રાજદૂત હતા, હાઈ કમિશનર હતા, અમારા હાઈ કમિશનર પણ હતા."
"તેમણે (હામિદ અંસારીએ) પોતે જ જવાબ આપી દીધો છે કે ભાઈ હું ક્યારેય મળ્યો નથી, તેમને યાદ પણ નહીં હોય, માત્ર હાથ મેળવ્યા હતા. આવી જ રીતે હું 2005માં ચંદીગઢમાં મનમોહનસિંહને પણ મળ્યો હતો."
નુસરત મિર્ઝાએ કહ્યું, "જો કોઈ વ્યક્તિ સેમિનારમાં હાથ મેળવે તેને મુલાકાત કહેવાતી હોય તો મળી લીધા એમને. એ અર્થમાં તો હું ચંદીગઢમાં 2005ના સેમિનારમાં (ભૂતપૂર્વ વડા પ્રધાન) મનમોહન (સિંહ)ને પણ મળ્યો હતો. કેમ છો મજામાં કર્યું."
ક્યાં-ક્યાં દસ્તાવેજોનો દાવો કર્યો હતો
ભારતમાં જાસૂસી કરીને પાકિસ્તાનને માહિતી આપવાના દાવાને લઈને નુસરત મિર્ઝાએ આરોપ મૂક્યો છે તેમના ઇન્ટરવ્યૂ સાથે તકનીકી છેડછાડ કરવામાં આવી છે.
એમણે કહ્યું, "(ઇન્ટરવ્યૂમાં) આ જે ટુકડો છે તે જોડવામાં આવ્યો છે. ઇન્ટરવ્યૂની વાત અલગ છે અને આ વાત અલગ છે. જે વ્યક્તિએ ઇન્ટરવ્યૂ કર્યો તેણે અંતિમ જુમલાને જોડ્યો છે. તે કોઈ અલગ વાતનો છે જેને ત્યાંથી લઈને અહીં જોડી દેવામાં આવ્યો છે."
એમણે કહ્યું કે, "અસલમાં થયું એ હતું કે એ જે સેમિનાર હતો (એમાં) દુનિયાભરમાંથી ઇન્ટેલિજન્સ બિરાદરી (ખૂફિયા વિભાગનાં લોકો) હતી, એને બોલાવવામાં આવી હતી. હું 2005ની કૉન્ફરન્સની વાત કરી રહ્યો છું."
મિર્ઝાએ કહ્યું, "આ કૉન્ફરન્સમાં કેજીબી (રશિયાની ગુપ્તચર સંસ્થા)નો 40 લોકોનો જથ્થો હતો, ઇઝરાયલની મોસાદના લોકો પણ હતા. જ્યારે અમારી વાત પૂરી થઈ તે પછી ઇઝરાયેલીઓએ વાત કરી હતી, એ પછી રશિયાનો નંબર આવ્યો હતો."
નુસરત મિર્ઝાએ દાવો કર્યો "એમાં એક રશિયન મહિલાએ કહ્યું હતું કે યુએસએસઆરને પાકિસ્તાને તોડ્યું છે. (એમણે) પેપર રજૂ કર્યું હતું. આ પેપર મારી પાસે લેખિતમાં છે."
મિર્ઝાએ કહ્યું, "હું પ્રતિનિધિમંડળનો વડો હતો. મે કહ્યું મિસ્ટર પ્રેસિડેન્ટ આ ખોટું છે, અમારી કોઈ એવી યોજના નથી. તેમણે કહ્યું, મિસ્ટર મિર્ઝા ભરોસો કરો કે આ જ સત્ય છે, સાચું છે."
નુસરત મિર્ઝાએ સેમિનારને લઈને કહ્યું, "હું એ ડૉક્યુમેન્ટ લઈ આવ્યો. મેં એ ખુરશીદ કસૂરી (પાકિસ્તાનના વિદેશમંત્રી)ને આપી દીધું. આ 2005ની વાત છે. એમણે કહ્યું કે કયાની (આઈએસઆઈના એ વખતના અધિકારીને) આપી દો, મેં કહ્યું કે ના હું તેમને નથી જાણતો."
એમણે કહ્યું, "આ ચર્ચાનો હિસ્સો હતો જેમાં સાહેબ અમારા પર (પાકિસ્તાન પર) આરોપ લગાવી રહ્યા હતા કે એમનો દેશ (રશિયા) અમે તોડ્યો છે."
એમણે કહ્યું, "આ દસ્તાવેજોમાં રશિયાના લોકોની ચર્ચા હતી, અમુક રિસર્ચ પેપર હતા. કોઈ રેડ બુક હતી જે એ લોકો લઈને આવ્યાં હતા, મેં તો વાંચી નથી, મેં એમ જ આપી દીધી હતી."
ભારતમાંથી માહિતી એકત્ર કરી પાકિસ્તાનના આઈએસઆઈને આપવાના ઇન્ટરવ્યૂના દાવા મામલે નુસરત મિર્ઝાએ કહ્યું, "આ ખોટી વાત છે, આવી કોઈ વાત મેં કરી નથી."
પાકિસ્તાન પર લાગેલા આરોપોને લઈને દસ્તાવેજ આપ્યાં
નુસરત મિર્ઝાએ પાકિસ્તાની પત્રકાર શકીલ ચૌધરીને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું એમને કોઈ વ્યક્તિએ ફોન કર્યો અને કહ્યું કે આવી જાણકારી મળે તો સારું છે. બીબીસીએ નુસરત મિર્ઝાને પૂછ્યું કે શું આ વાત એમણે ભારતથી આવ્યા બાદ નહોતી કહી?
આ સવાલ પર નુસરત મિર્ઝાએ કહ્યું કે, વાત 2005ની છે જ્યારે એમણે દસ્તાવેજો પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ કસૂરીને આપ્યા, એ પણ એટલા માટે કે એનો સંબંધ પાકિસ્તાન પર લગાવવામાં આવી રહેલા આરોપો સાથે હતો, પણ એ પછી એમણે અન્ય કોઈને દસ્તાવેજ નહોતા આપ્યા.
બીબીસીએ સવાલ કર્યો કે મામલો 2005નો હોય કે એ પછીનો શું ફરક પડે છે? આ સવાલના જવાબમાં એમણે કહ્યું કે "ફરક એ પડે છે કે એ પછી એમણે તો કોઈ દસ્તાવેજ કોઈને નથી આપ્યા."
કસૂરી સાથે નજીકના સંબંધો પર નુસરત મિર્ઝાએ કહ્યું, "કસૂરી સાહબના પિતાને પણ ઓળખું છું. જ્યારે હું સ્ટુડન્ટ લીડર હતો ત્યારે તે કાયદામંત્રી હતા (ઝુલ્ફીકાર અલી) ભુટ્ટો સાહેબના, ત્યારે હું એમને મળતો હતો."
નુસરત મિર્ઝાનો ઇન્ટરવ્યૂ લેનારા પાકિસ્તાની પત્રકાર શકીલ ચૌધરી અનુસાર નુસરત પોતાની કોલમમાં દાવો કરી ચૂક્યા છે કે પાકિસ્તાનમાં ભૂકંપ અને સુનામી પાછળ અમેરિકાનો હાથ છે.
'કૉન્સ્પીરસી થિયરીઝ' ફેલાવવાના આરોપ મામલે નુસરત મિર્ઝાએ કહ્યું કે "તમે વાંચી લો. મારી (18) ચોપડીઓ છે, તમે વાંચી લો."
શું તેઓ આઈએસઆઈ કે અન્ય કોઈ જાસૂસી સંસ્થાને ઇનપુટ આપતા હતા, આ સવાલ પર નુસરત મિર્ઝાએ કહ્યું, "બિલકુલ નહીં. સરાસર ખોટી વાત છે. હું એક ફરનારો માણસ છું, આખી દુનિયા ફર્યો છું, ભારત મારી માતૃભૂમિ છે, જ્યાં હું પેદા થયો છું એને હું જોવા માગતો હતો, બસ થઈ ગયું એ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો