You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૃત્યુ પહેલાંની અંતિમ પળોમાં ખરેખર શું થાય છે?
- લેેખક, મૅક્સ ટોબિન
- પદ, બીબીસી રીલ
- ખરેખર મૃત્યુ પહેલાંની અંતિમ પળોમાં શું થાય છે?
- શું મૃત્યુએ પીડાદાયક અને નિરાશાવાદી હોય છે?
- વિશ્વભરમાં થયેલા સંશોધનો આ વિશે શું કહે છે?
જીવન એક એવી વસ્તુ છે જેમાં આપ જન્મો છો, થોડા મોટા થાઓ છો, કોઈકના પ્રેમમાં પડો છો, બની શકે છે નવા જીવનને જન્મ આપો અને જીવન વિશે બરાબર સમજો તે પહેલાં જ તેના અંતિમ ચરણ સુધી પહોંચી જાઓ છો. જે છે: મૃત્યુ. અચાનક જ આપણા અસ્તિત્વનું મટી જવું.
મૃત્યુ પામવાના હજારો સેંકડો રસ્તા છે. મૃત્યુના સામાન્ય કારણોમાં હૃદયરોગ અને કૅન્સર મોખરે છે પરંતુ તેનાંથી કોઈ ફરક પડતો નથી કે મૃત્યુનું કારણ શું છે કારણ કે દરેકે તેનો સામનો કરવાનો જ છે.
અન્ય શબ્દોમાં મૃત્યુ એ જીવન બાદની યાત્રાની શરૂઆત છે. મોટાભાગના લોકો મૃત્યુ વિશે વધારે કંઈ જાણતા નથી.
તો આધુનિક વિજ્ઞાન આપણને જીવનની અંતિમ ક્ષણો વિશે શું જણાવી શકે છે?
મૃત્યુ સમયે શું થાય છે?
જીવનના અંતિમ તબક્કામાં જ્યારે મૃત્યુ નજીક આવે છે, તો લોકો સ્તબ્ધ થઈ જતા હોય છે. જેથી સામાન્ય રીતે તેના અનુભવની કલ્પના કરે છે કે મૃત્યુનો અનુભવ જીવનમાંથી બેહોશ થઈને એક લાંબી ઊંઘ તરફ જવા જેવો હોય છે.
જોકે, કેટલાક પ્રયોગ મૃત્યુના અનુભવ વિશે કંઈક અલગ કહાણી રજૂ કરે છે.
2013માં મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં ઉંદરોના મૃત્યુ સમયે મસ્તિષ્કમાં થતી ગતિવિધિઓને માપી અને તેમાં ઘણાં રસપ્રદ તારણો સામે આવ્યાં.
ઉંદરોને કાર્ડિયક ઍરેસ્ટનો અનુભવ થયા બાદ તેમના હૃદય કે શ્વાસમાં નહીં પરંતુ દિમાગની ગતિવિધિમાં વધારો જોવા મળ્યો. તેમના મસ્તિષ્કમાં ગામા કિરણોનું સ્તર વધારે લયબદ્ધ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને અવિશ્વસનીય રીતે એ વિશિષ્ટ પ્રકારની મસ્તિષ્કની ગતિવિધિઓને પાછલા અધ્યયનોમાં લોકોની સચેત ધારણા સાથે જોડવામાં આવ્યું છે.
અન્ય શબ્દોમાં જ્યારે તેઓ નિદાન થયેલા મૃત્યુ અને સંપૂર્ણ મસ્તિષ્ક મૃત્યુ વચ્ચેની અવસ્થામાં હતા, ત્યારે ઉંદરોને અન્ય કોઈ અનુભવ થયા હોઈ શકે છે.
પ્રયોગે એ ધારણાને પડકારી કે મૃત્યુ દરમિયાન મસ્તિષ્ક નિષ્ક્રિય થઈ જાય છે.
જોકે, એમ લાગતું હતું કે કાયમ માટે બેહોશ થતા પહેલાં ઉચ્ચ જાગૃતતાની અવસ્થા હોઈ શકે છે અને તેનાથી પ્રશ્ન ઉદ્ભવે છે કે મૃત્યુ બાદ કેવા અનુભવો થઈ રહ્યા હતા અને શું લોકોમાં પણ ઉંદરો જેવા જ ફેરફાર જોવા મળે છે?
માણસોમાં ઉંદરો કરતાં મોટા અને જટિલ મગજ હોય છે પરંતુ ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડન દ્વારા 2018માં હાથ ધરાયેલા એક સંશોધને 'માણસોમાં મૃત્યુના અનુભવ' મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે.
વૈજ્ઞાનિકો બે અલગ-અલગ ઘટનાઓ વચ્ચેની સમાનતા તપાસવા માગતા હતા.
એક તરફ મૃત જાહેર કર્યા બાદ તબીબો દ્વારા પુનઃજીવિત કરાયા હોય તેવા 20 ટકા લોકો દ્વારા અનુભવાયેલા 'મૃત્યુ નજીકના અનુભવો' માત્ર મતિભ્રમ હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ ડીએમટી નામના ડ્રગ દ્વારા જે આભાસ થાય છે, તે માનવ મગજની સમજવાની તેમજ વિચારવાની રીત પર વિવિધ રીતે અસર કરતું હોવાનું સામે આવ્યું છે.
જેથી સંશોધકોએ સંશોધનમાં સામેલ લોકોને ડીએમટી ડ્રગ આપવાનું શરૂ કર્યું અને જ્યારે તેઓ ડ્રગના નશામાંથી બહાર નીકળ્યા તો તેમના અનુભવો શૅર કરવા કહ્યું. આ માટે તેમણે પહેલેથી બનાવેલી એક ચૅકલિસ્ટમાં જવાબો આપવાના હતા.
આ પ્રયોગનાં તારણથી ખુદ વૈજ્ઞાનિકો ચોંકી ઊઠ્યા હતા.
મૃત્યુ નજીકના અનુભવો ધરાવનારા તેમજ ડીએમટીનો ઉપયોગ કર્યો હોય, આ બંને પ્રકારના લોકોને લગભગ એકસરખા અનુભવો થયા હતા.
શું એક સાઇકૅડેલિક અંત છે?
જ્યારે મૃત્યુની વાત આવે તો તે એક ગંભીર, દયનીય અને મોટાભાગના કિસ્સામાં ડરામણી બાબત લાગે છે, પણ વિજ્ઞાન પૂછે છે, જો એ સાઇકૅડેલિક અંત હોય તો?
મૃત્યુ વિશે જાણવા માટે અમે ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડન દ્વારા કરાયેલા સંશોધનનું નેતૃત્વ કરનારા ડૉ. ક્રિસ ટિમરમૅન સાથે વાત કરી.
તેમણે કહ્યું, "મને લાગે છે કે આ સંશોધનનો મુખ્ય હેતુ હતો કે અમે જીવનના અનુભવોમાં મૃત્યુ શોધી શકીએ. હાલમાં અમને જાણવા મળ્યું છે કે શરીરમાં ઇલૅક્ટ્રિકલ ઍક્ટિવિટીમાં વધારો થાય છે. ગામા કિરણો જ મૃત્યુ નજીકના સમયમાં થતા આભાસ માટે જવાબદાર હોઈ શકે છે."
"મસ્તિષ્કનાં કેટલાક ચોક્કસ ભાગ કે જે યાદશક્તિ, ઊંઘ અને શીખવા સાથે સંકળાયેલા હોય તેઓ આ અનુભવો સાથે સંકળાયેલા હોય છે. એક રીતે તે સમયે આપણું મગજ એક નવી જ રિયાલિટીનું સર્જન કરતું હોય છે."
એક વખત મૃત્યુ પામ્યા બાદ ફરી વખત જીવિત રહ્યા હોય તેવા 20 ટકા લોકો પોતાને મૃત્યુ નજીકના અનુભવો થયા હોવાનું જણાવે છે.
શું આ અનુભવો દરેકને થતા હોય છે અને તેમાંથી કેટલાક લોકો જ યાદ રાખી શકે છે કે પછી એ જવલ્લે જ બનતી ઘટના છે?
ડૉ. ટિમરમૅન કહે છે, "એક પ્રબળ સંભાવના છે કે જુદા-જુદા કારણોસર લોકો આ અનુભવોને યાદ રાખી શકતા નથી. સાઇકૅડેલિક ડીએમટી સાથેના અમારા અનુભવમાં અમે જોયું કે જો ઉચ્ચ ડોઝ આપવામાં આવે તો લોકો અનુભવ સરખી રીતે યાદ રાખી શકતા નથી. મને એમ લાગે છે કે તે અનુભવો એટલા નવા અને વિચિત્ર હશે કે તેને શબ્દોમાં વર્ણવી શકતા નથી."
તેઓ આગળ કહે છે, "જ્યારે કોઈ અનુભવો ભાષાથી તેના વર્ણનની ક્ષમતાને પાર કરી દે તો તેને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે પરંતુ એવું પણ બની શકે છે કે કેટલાક લોકો કંઈ પણ અનુભવતા નથી."
શું આગળના સંશોધનોથી આપણી મૃત્યુની સમજણમાં વધારો થશે?
આ પ્રશ્નનો જવાબ આપતા ડૉ. ટિમરમૅન કહે છે, "હાલમાં બ્રેઇન સ્કૅન દ્વારા મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે અને તેના દ્વારા જે કાંઈ પણ થઈ રહ્યું છે તે ઘણું રસપ્રદ છે. એવા બ્રેઇન સ્કૅન આવી રહ્યા છે જેમને ફિલ્મની જેમ આગળ તેમજ પાછળ ફેરવીને ચોક્કસ સમયે મગજમાં શું ચાલતું હશે, તે જાણી શકાય."
"તેથી શક્ય છે કે કોઈક સમયે બ્રેઇન ઇમેજિંગ તકનીકો એટલી આધુનિક થઈ જાય કે તેનાંથી આપણે લોકોના મગજ વાંચીને તેમને થતા અનુભવો વિશે જાણી શકીએ."
આશાવાદી
મૃત્યુનું વિજ્ઞાન ઘણું અસ્પષ્ટ છે, પરંતુ આપણે જે જાણીએ છીએ તે આશ્ચર્યજનક રીતે આશાવાદી ચિત્ર ઊભું કરે છે.
દાખલા તરીખે આપણને ખ્યાલ છે કે જે લોકો 'મૃત્યુ નજીકના અનુભવો' ધરાવે છે તેઓ શાંત અને મૃત્યુની ઓછી ચિંતા ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
આપણને એ પણ ખ્યાલ છે કે 'મૃત્યુ નજીકના અનુભવો' દુખમુક્ત હોય છે અર્થાત તેનાંથી એક માન્યતા બંધાય છે કે મૃત્યુનો અનુભવ પણ દુખમુક્ત હશે અને કદાચ હાસ્યાસ્પદ પણ હોઈ શકે છે.
સંશોધન એમ પણ દર્શાવે છે કે લોકો તબક્કાવાર પોતાની ઇન્દ્રિઓ ગુમાવે છે.
પહેલા ભૂખ અને તરસ અને ત્યાર બાદ બોલવાનું અને જોવાનું બંધ થાય છે. જોકે, સાંભળવાની શક્તિ અને સ્પર્શ અન્ય ઇન્દ્રિઓ કરતાં વધારે ચાલે છે.
તમામ પ્રાણીઓ મૃત્યુથી ડરતા હોય છે પણ મૃત્યુ વિશે જાણીને થોડી શાંતિ મળતી હોય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો