You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈશ્વરના અસ્તિત્વને વિજ્ઞાન સાબિત કરી શકે?
- લેેખક, મોનિકા ગ્રેડી,
- પદ, ધ ઓપન યુનિવર્સિટી
સૌપ્રથમ આઇન્સ્ટાઇન દ્વારા પૂછવામાં આવેલો નિમ્નલિખિત સવાલ મેં એક પરિસંવાદમાં સાંભળ્યો ત્યાં સુધી હું ઈશ્વરમાં માનતી હતી. (હવે હું નાસ્તિક છું)
એ સવાલની સુંદરતા અને ઊંડાણથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સવાલ એ હતો કે જેણે સમગ્ર બ્રહ્માંડનું, ભૌતિકવિજ્ઞાનના બધા જ નિયમોનું સર્જન કર્યું છે એ ભગવાનનું અસ્તિત્વ હોય તો એ પોતે તેના પોતાના નિયમોનું પાલન કરે છે?
કે પછી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે પ્રવાસ કરવાની અને એ કારણે એક જ સમયે બે અલગ-અલગ સ્થળે હાજર રહેવાની ક્ષમતાને લીધે આ નિયમોથી પર છે?
આ સવાલોના જવાબ આપણને ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં તે પુરવાર કરવામાં મદદ કરી શકે કે પછી આ એ બિંદુ છે, જ્યાં વૈજ્ઞાનિક અનુભવવાદ અને ધાર્મિક શ્રદ્ધા કોઈ નક્કર જવાબ વિના એકમેકને છેદે છે?
– ડેવિડ ફ્રોસ્ટ (67), લોસ એન્જલસ.
આ સવાલ મારી પાસે આવ્યો ત્યારે લૉકડાઉન ચાલુ હતું. મને એ સવાલમાં તરત જ રસ પડ્યો હતો. રોગચાળા જેવી દુઃખદ ઘટનાઓ આપણને આવા સવાલ કરવા પ્રેરે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.
આપણને સવાલ થાય છે કે ભગવાનનું અસ્તિત્વ હોય, તે દયાળુ હોય તો આવી આપત્તિ શા માટે આવે છે?
ભગવાન પ્રકાશ કરતાં વધુ ઝડપે પ્રવાસ કરી શકે?
રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનને નિયંત્રિત કરતા અને તેથી તબીબી વિજ્ઞાનને પણ અંકુશિત રાખતા ભગવાન ભૌતિકવિજ્ઞાનના નિયમોથી "બંધાયેલા" હોઈ શકે એ વિચાર સંશોધન માટે રસપ્રદ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૌતિકશાસ્ત્રના નિયમોને ભગવાન તોડી ન શકતા હોય તો આપણે જેને સર્વોચ્ચ શક્તિ ગણીએ છીએ તેટલા શક્તિશાળી ખરેખર નહીં હોય, એવી દલીલ કરી શકાય, પરંતુ ઈશ્વર ખરેખર સર્વશક્તિમાન હોય તો બ્રહ્માંડમાં ભૌતિકશાસ્ત્રના એકેય નિયમનો ભંગ થયાનું આપણને ક્યારેય કેમ જોવા મળ્યું નથી?
આ સવાલનો જવાબ મેળવવા આપણે તબક્કાવાર આગળ વધીએ. ભગવાન પ્રકાશ કરતાં પણ વધુ ઝડપે પ્રવાસ કરી શકે? એ સ્વીકારી લઈએ. પ્રકાશ 186,000 માઇલ પ્રતિ સેકન્ડ(299,500km/s)ની ઝડપે પ્રવાસ કરે છે. આપણે શાળામાં શીખ્યા છીએ કે પ્રકાશ જેટલી ગતિ કોઈની નથી.
આ વાત ખરેખર સાચી છે? ભૌતિકશાસ્ત્રીઓને એક જૂથે થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે ટેચીઓન્સ નામના કણો (પાર્ટિકલ્સ) પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે પ્રવાસ કરે છે. સદનસીબે, રિઅલ પાર્ટિકલ્સ તરીકે તેમનું અસ્તિત્વ અસંભવિત માનવામાં આવે છે. તેનું અસ્તિત્વ હોય તો પણ તે કાલ્પનિક સમૂહ હશે. અવકાશ અને સમયનું પોત વિકૃત થઈ જશે, જેના પરિણામે કાર્યકારણનું ઉલ્લંઘન થશે (અને એ બાબત ભગવાન માટે સંભવતઃ માથાનો દુખાવો બનશે)
પ્રકાશની ગતિ કરતાં વધુ ઝડપે પ્રવાસ કરતો કોઈ પદાર્થ અત્યાર સુધી જોવા મળ્યો નથી. આ હકીકત ભગવાન વિશે કશું જ કહેતી નથી. તે એ સત્યને દૃઢ કરે છે કે પ્રકાશ ખરેખર બહુ જ ઝડપથી પ્રવાસ કરે છે.
પ્રકાશે પ્રારંભથી અત્યાર સુધીમાં કેટલો પ્રવાસ કર્યો છે એ ધ્યાનમાં લઈએ ત્યારે કથા વધુ રસપ્રદ બને છે. પ્રચંડ મહા-વિસ્ફોટ (બિગ બૅંગ) સાથે પૃથ્વીની રચનાની પરંપરાગત થિયરી અને પ્રકાશની ગતિ પ્રતિ સેકન્ડ 3,00,000 કિલોમીટરની હોય છે એ ધારીને આગળ વધીએ તો આપણે ગણતરી કરી શકીએ કે બ્રહ્માંડના અથવા અવલોકનક્ષમ બ્રહ્માંડના અસ્તિત્વના 13.8 અબજ વર્ષમાં પ્રકાશે આશરે 1.3 x 10 x 23 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
બ્રહ્માંડ લગભગ 70 કિલોમીટર પ્રતિ એમપીસી (એક એમપીસી એટલે એક મેગાપાર્સેક અથવા અંદાજે 30 અબજ કિલોમીટર)ના દરે વિસ્તરી રહ્યું છે. તેથી વર્તમાન અંદાજ સૂચવે છે કે બ્રહ્માંડના ખૂણા સુધીનું અંતર 46 અબજ પ્રકાશ વર્ષ છે. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ અવકાશનું પ્રમાણ વધે છે અને પ્રકાશે આપણા સુધી પહોંચવા માટે વધુ લાંબો પ્રવાસ કરવો પડે છે.
બ્રહ્માંડ આપણે જોઈ શકીએ છીએ તેના કરતાં ઘણું વિશાળ છે, પરંતુ સૌથી દૂરની જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તે GN-z11 આકાશગંગા છે. તેનું અવલોકન હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવ્યું છે. તે આકાશગંગા લગભગ 1.2 x 10 x 23 કિમી અથવા 13.4 અબજ પ્રકાશવર્ષ દૂર છે. તેનો અર્થ એ થાય કે એ આકાશગંગાથી આપણા સુધી પ્રકાશ પહોંચવામાં 13.4 અબજ વર્ષ લાગ્યાં છે, પરંતુ પ્રકાશની યાત્રાનો પ્રારંભ થયો ત્યારે તે આકાશગંગા આપણી ગૅલેક્સીથી માત્ર ત્રણ અબજ પ્રકાશવર્ષ દૂર હતી.
આપણે બિગ બૅંંગ પછી વિસ્તરેલા સમગ્ર બ્રહ્માંડને જોઈ શકતા નથી કે તેનું અવલોકન કરી શકતા નથી, કારણ કે પ્રકાશના પહેલા તણખાનો અંશ આપણા સુધી પહોંચવામાં અપર્યાપ્ત સમય પસાર થઈ ચૂક્યો હોય છે. કેટલાક એવી દલીલ કરે છે કે આ કારણસર, ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો અન્ય વૈશ્વિક પ્રદેશોમાં તોડી શકાય કે કેમ તેની ખાતરી આપણે કરી શકતા નથી. કદાચ તે સ્થાનિક, આકસ્મિક સિદ્ધાંતો છે અને એ બાબત આપણને બ્રહ્માંડ કરતાં પણ કોઈ મોટી વસ્તુ તરફ દોરી જાય છે.
મલ્ટિવર્સ
ઘણા બ્રહ્માંડશાસ્ત્રી માને છે કે આ બ્રહ્માંડ વધારે વિસ્તૃત બ્રહ્માંડનો, એક મલ્ટીવર્સનો એક હિસ્સો હોઈ શકે છે. મલ્ટીવર્સમાં વિવિધ બ્રહ્માંડોનું અસ્તિત્વ છે, પરંતુ તેમની વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા થતી નથી. મલ્ટીવર્સનો વિચાર ઇન્ફ્લેશનના સિદ્ધાંત, બ્રહ્માંડ 10^-32 સેકન્ડ જૂનું હતું તે પહેલાં બહુ વિસ્તરી ગયું હતું એ વિચાર દ્વારા સમર્થિત છે. ઇન્ફ્લેશનનો સિદ્ધાંત મહત્ત્વનો છે, કારણ કે આપણી આસપાસ દેખાતા બ્રહ્માંડનો આકાર અને માળખું આવું શા માટે છે એ તે સમજાવે છે.
સવાલ એ છે કે ઇન્ફ્લેશન એકવાર થઈ શકે તો અનેક વખત કેમ નહીં? પ્રયોગો પરથી આપણે જાણી શક્યા છીએ કે ક્વોન્ટમ એટલે કે પુંજવિકિરણના આવર્તનના પ્રમાણ અનુસાર ઊર્જાના જથ્થાના એકમમાંની વધઘટથી અચાનક અસ્તિત્વમાં આવતા કણોની સંખ્યા વધી શકે છે, જે પછી ક્ષણવારમાં અદૃશ્ય થઈ જાય છે. આવી વધઘટ કણો ઉત્પન્ન કરી શકતી હોય તો આખેઆખા અણુઓ અથવા બ્રહ્માંડ કેમ નહીં? ઇન્ફ્લેશનની અવ્યવસ્થાના સમગાળામાં બધુ સમાન દરે થતું ન હતું. વિસ્તરણમાં ક્વૉન્ટમ વધઘટથી પરપોટા સર્જાયા હશે, જે સમય જતાં વિસ્તરીને બ્રહ્માંડ બન્યા હશે, એવું સૂચવવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય કે આ મલ્ટીવર્સમાં ભગવાનનું સ્થાન ક્યાં છે? આપણું બ્રહ્માંડ જીવનના અસ્તિત્વ માટે અનુરૂપ હોવાની હકીકત બ્રહ્માંડશાસ્ત્રીઓ માટે માથાનો દુખાવો છે. બિગ બૅંગને કારણે સર્જાયેલા મૂળભૂત કણોમાં હાઇડ્રોજન તથા ડ્યુટેરિયમની રચના માટે યોગ્ય ગુણધર્મો હતા. આ બન્ને પદાર્થોએ સૌપ્રથમ તારાઓનું નિર્માણ કર્યું હતું.
આ તારાઓમાં પરમાણુ પ્રતિક્રિયાઓ માટે કારણભૂત ભૌતિક સિદ્ધાંતોએ પછી, જીવન જેનું બનેલું છે તે સામગ્રી એટલે કે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કર્યા હતા. બ્રહ્માંડના તમામ ભૌતિક સિદ્ધાંતો તથા પારમિતિમાં એવાં મૂલ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે કે જેના થકી તારાઓ, ગ્રહો અને આખરે જીવનનો વિકાસ શક્ય બને છે?
કેટલાક એવી દલીલ કરે છે કે તે સુભગ સંયોગ છે. અન્ય લોકો એવું કહે છે કે આપણે બાયોફ્રેન્ડલી ભૌતિક સિદ્ધાંતોથી આશ્ચર્યચકિત થવું ન જોઈએ. આખરે તો તેમણે જ આપણને ઉત્પન્ન કર્યા છે. તેનાથી વિશેષ આપણે શું જોઈએ? અલબત્ત, કેટલાક આસ્થાવાદીઓ એવી દલીલ કરે છે કે આ અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરતા ઈશ્વરના અસ્તિત્વ ભણી આંગળી ચીંધે છે.
જોકે, ઈશ્વર માન્ય વૈજ્ઞાનિક સમજૂતી નથી. મલ્ટીવર્સનો સિદ્ધાંત રહસ્યને ઉકેલે છે, કારણ કે તેમાં વિવિધ બ્રહ્માંડો માટે વિવિધ ભૌતિક નિયમ છે. તેથી આપણે જીવનને ટેકો આપી શકે તેવા બ્રહ્માંડો પૈકીના એકમાં છીએ એ આશ્ચર્યજનક નથી. અલબત્ત, મલ્ટીવર્સની રચના પણ ભગવાને કરી હશે એ વિચારને પણ ખોટો સાબિત કરી શકાય તેમ નથી.
આ બધું બહુ કાલ્પનિક છે અને મલ્ટીવર્સની થિયરીઓની સૌથી મોટી ટીકા એ છે કે આપણા બ્રહ્માંડ અને અન્ય બ્રહ્માંડો વચ્ચે કોઈ ક્રિયા-પ્રતિક્રિયા થતી હોય એવું લાગતું નથી ત્યારે મલ્ટીવર્સની કલ્પનાને સ્પષ્ટ રીતે ચકાસી શકાય તેમ નથી.
ક્વૉન્ટમ વિચિત્રતા
હવે એ વિચારીએ કે ભગવાન એક જ સમયે એક કરતાં વધુ જગ્યાએ હોઈ શકે કે કેમ. અવકાશ વિજ્ઞાનમાં આપણે જે વિજ્ઞાન અને ટેકનૉલૉજીનો ઉપયોગ કરીએ છીએ તે ક્વૉન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખાતા અણુઓ તથા કણોના નાનકડા વિશ્વની કાઉન્ટર-ઇન્ટ્યૂઇટીવ સિદ્ધાંત પર આધારિત છે.
આ થિયરી ક્વૉન્ટમ એન્ટેંગલમેન્ટ(એકમેકની સાથે જોડાયેલા કણો)ને શક્ય બનાવે છે. એકમેકની સાથે જોડાયેલા બે કણ પૈકીના એક સાથે છેડછાડ કરવામાં આવે ત્યારે, બીજો કણ તેનાથી ભલે ગમે તેટલો દૂર હોય અને એ બન્ને વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા ન થતી હોય તો પણ બીજો કણ તે છેડછાડથી આપોઆપ પ્રભાવિત થાય છે. આ બાબતનું અહીં મેં જે કર્યું તેના કરતાં સારું વર્ણન પણ છે, પરંતુ આ એટલું સરળ છે કે હું તેને અનુસરી શકું છું.
એ અને બી એમ બે પેટા-કણમાં ક્ષીણ થતા એક કણની કલ્પના કરો. મૂળ કણના ગુણધર્મો પેટા-કણોમાં ઉમેરાવા જોઈએ. આ સંરક્ષણનો સિદ્ધાંત છે. દાખલા તરીકે, બધા કણોમાં સ્પિન નામની એક ક્વૉન્ટમ પ્રૉપર્ટી હોય છે. તે હોકાયંત્રની ઝીણી સોયની જેમ ફરે છે. જો મૂળ કણમાંનું સ્પિન શૂન્ય હોય તો બે ઉપ-કણ પૈકીના એકમાં પૉઝિટિવ સ્પિન અને બીજામાં નૅગેટિવ સ્પિન હોવું જરૂરી છે. તેનો અર્થ એ થાય કે દરેક એ અથવા બીમાં પૉઝિટિવ અને નૅગેટિવ સ્પિન હોવાની 50 ટકા શક્યતા છે. (ક્વૉન્ટમ મિકેનિક્સ અનુસાર, કણો, તેને માપવામાં ન આવે ત્યાં સુધી વિવિધ અવસ્થાનું મિશ્રણ હોય છે)
એ અને બી પેટા-કણ અલગ-અલગ ગ્રહો પર, અલગ-અલગ પ્રયોગશાળાઓમાં હોય તો પણ તેમના ગુણધર્મો એકમેકથી સ્વતંત્ર હોતા નથી. તેઓ એકમેકની સાથે જોડાયેલા હોય છે. એના સ્પિનને માપવામાં આવશે તો તે પૉઝિટિવ લાગશે. હવે કલ્પના કરો કે તમે જે સમયે એના સ્પિનને માપ્યો એ જ સમયે તમારા મિત્રએ બીના સ્પિનને માપ્યો છે. સંરક્ષણના સિદ્ધાંત અનુસાર, તમારા દોસ્તને બી પેટા-કણનો સ્પિન નૅગેટિવ જણાય તે જરૂરી છે.
જોકે, આ તબક્કે બધું અસ્પષ્ટ બની જાય છે. જેમ કે એ અને બી સબ-પાર્ટિકલમાં પૉઝિટિવ હોવાની શક્યતા 50:50 છે. તેથી જે સમયે એનો સ્પિન સ્ટેટ પૉઝિટિવ માપવામાં આવ્યો ત્યારે બીનો સ્પિન સ્ટેટ નૅગેટિવ બની ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો સ્પિન ટેસ્ટ વિશેની માહિતી બન્ને સબ-પાર્ટિકલ્સ વચ્ચે તત્કાળ ટ્રાન્સફર થઈ ગઈ હતી. ક્વૉન્ટમ ઇન્ફર્મેશનની આવી ટ્રાન્સફર પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે થાય છે. આઇન્સ્ટાઇને પોતે પણ આ ક્વૉન્ટમ એન્ટેગલમેન્ટને ‘દૂરના અંતરે થતી ભેદી હિલચાલ’ તરીકે વર્ણવ્યું હતું તેને ધ્યાનમાં લેતાં મને લાગે છે કે આ વિચિત્ર અસરને શોધી કાઢવા માટે આપણે બધાને માફી મળવી જોઈએ.
આમ પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપી કશુંક છે. તે ક્વૉન્ટમ ઇન્ફર્મેશન છે. તે ભગવાનના અસ્તિત્વને સાબિત કરતું કે નકારતું નથી. તે આપણને ભગવાન બાબતે ભૌતિક દૃષ્ટિએ વિચારવામાં મદદ કરી શકે છેઃ એન્ટેન્ગલ્ડ પાર્ટિકલ્સની વર્ષા સ્વરૂપે, ક્વૉન્ટમ ઇન્ફર્મેશનના અત્યંત ગતિશીલ આદાનપ્રદાન સ્વરૂપે અને તેથી એક જ સમયે અનેક સ્થળોએ કે પછી અનેક બ્રહ્માંડમાં તેની ઉપસ્થિતિ સ્વરૂપે.
ગ્રહના કદના દડાઓ સાથે હાથચાલાકીનો ખેલ કરવાની સાથે આકાશગંગા જેવડા કદની પ્લેટ્સને ઘૂમાવતા, દરેક ચીજને ગતિમય રાખવા માટે, એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં માહિતી પહોંચાડતા ભગવાનની છબિ મારા મનમાં છે. અવકાશ અને સમયના પોતને કાર્યરત્ રાખીને એક સાથે આટલાં બધાં કામ, સદભાગ્યે માત્ર ભગવાન જ કરી શકે છે. એ માટે બસ થોડી શ્રદ્ધા જરૂરી છે.
આ બધું લખ્યા પછી હું, મને પૂછવામાં આવેલા સવાલના જવાબની નજીક પહોંચી શક્યો છું? મને લાગે છે કે એવું થયું નથી. હું માનું છું તેમ તમે પણ ભગવાનમાં માનતા હો તો ઈશ્વર પણ ભૌતિકશાસ્ત્રના નિયમોથી બંધાયેલા હોવાનો વિચાર વાહિયાત છે, કારણ કે ભગવાન બધું જ કરી શકે છે. તે પ્રકાશ કરતાં પણ વધુ ઝડપે ગતિ કરી શકે છે. તમે ભગવાનમાં ન માનતા હો તો આ પ્રશ્ન પણ એટલો જ વાહિયાત છે, કારણ કે ભગવાન જેવું કશું નથી અને પ્રકાશ કરતાં વધુ ઝડપે કોઈ ગતિ કરી શકતું નથી. આ સવાલ કદાચ અજ્ઞેયવાદીઓ માટે છે, જેઓ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં એ જાણતા નથી.
ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ખરેખર અહીં મતભેદ છે. વિજ્ઞાન પુરાવા માગે છે, જ્યારે ધાર્મિક માન્યતા માટે શ્રદ્ધા જરૂરી હોય છે. વિજ્ઞાનીઓ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાના કે નકારવાના પ્રયાસ કરતા નથી, કારણ કે ઈશ્વરને શોધી શકાય એવો કોઈ પ્રયોગ નથી એ વાત તેઓ જાણે છે. તમને ભગવાનમાં ભરોસો હોય તો વિજ્ઞાનીઓ બ્રહ્માંડમાં શું શોધી રહ્યા છે તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક બ્રહ્માંડ ઈશ્વર સાથે સુસંગત હોવાનું માની શકાય.
ભગવાન, ભૌતિકશાસ્ત્ર અથવા બીજા કશા પણ વિશેના આપણા વિચાર આખરે તો પરિપ્રેક્ષ્ય પર આધારિત હોય છે. ચાલો ખરેખર અધિકૃત સ્રોતના અવતરણ સાથે આ લેખ સમાપ્ત કરીએ. ના. તે અવતરણ બાઇબલનું નથી. કૉસ્મોલોજીના પાઠ્યપુસ્તકનું પણ નથી. તે ટેરી પ્રાચેટના રીપર મેનનું છેઃ
“પ્રકાશ એવું માને છે કે તે તમામ વસ્તુઓ કરતાં વધુ ઝડપે પ્રવાસ કરે છે, પણ તે ખોટું છે. પ્રકાશ ભલે ગમે તેટલી ઝડપે ગતિ કરતો હોય, પરંતુ અંધકાર તેની પહેલાં ત્યાં પહોંચ્યો હોય છે અને તેની રાહ જોતો હોય છે.”
(મોનિકા ગ્રેડી ઓપન યુનિવર્સિટી ખાતે ગ્રહ અને અવકાશ વિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા છે)