You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કબી કસ્ટા: ગુજરાતણ જેણે વહાણવટા દ્વારા દેશવિદેશમાં ડંકો વગાડ્યો
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી. બી. સી. ગુજરાતી માટે
કેટલાક સમય પહેલાં અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં આર. જે. દેવકી લિખિત અને અભિનીત અને અદિતિ દેસાઈ દિગ્દર્શિત મ્યુઝિકલ નાઇટ નાટક ભજવાયું હતું. એનું ટાઇટલ હતું 'સમુદ્રમંથન'.
અભિનય બૅન્કર, દેવકી, ગૌરાંગ-આનંદ, વૈનત દેસાઈ, હર્ષ ઠક્કર તેમજ અન્ય કલાકારોએ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનના બેનર થકી આ નાટક રજૂ કર્યું હતું હતું.
દિલને સ્પર્શી જાય એવા સચોટ અભિનયની સાથોસાથ અમેરિકન થિયેટર બ્રોકવે મ્યુઝિકલની યાદ અપાવે એવા ખારવાગીત, નૃત્યો, દર્શકોના આંખ-કાનને જકડી રાખતા દર્શકોને નાટ્યપ્રવાહમાં સતત ડૂબેલાં રાખતાં દૃશ્યો, આ નાટ્યકૃતિની વિશેષતા હતી.
આ નાટ્યકૃતિ 'સમુદ્રમંથન'ની નાયકા અને એના ઘરના પ્રસંગો વિશે કાંઈક આમ કહેવાયું છે.
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ કઈ સપાટી પર કેટલો સમય જીવિત રહે છે?જાણવા માટે અહીં ક્લિક કરો.
- કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?જાણવા માટે અહીં ક્લિક કરો.
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
કેવી હતી કબી?
'બહાર ઘૂઘવતો દરિયો. વહાણમધ્યે અભિનયકક્ષમાં ખડતલ ખારવાઓનાં આંખે વસી જાય એવાં જોમભર્યાં દૃશ્યો.
જ્યારે પુરુષ વેશે, છૂપાઈને રહેવાની તૈયારી સાથે, મીઠુની પત્ની કબીનો પડછંદ મરદો વચ્ચે રહસ્યમય પ્રવેશ થાય, ત્યારે નાટ્યસંઘર્ષની શક્યતાઓ વરતાય.
પેઢીઓથી ચાલી આવતી માન્યતા કે 'અસ્ત્રીથી' વહાણ પર ન અવાય, અમંગળ થાય, પરંતુ આ કબી જુદી માટીની બનેલી છે. અમંગલને બદલે મંગલ લાવે એવી.
ભણેલી, શિક્ષિકા પણ રહી ચૂકેલી બિન્દાસ યુવાન ખારવા સ્ત્રી. પ્રવેશ સાથે ઝળકે છે અને અંત સુધી વિવિધ દૃશ્યોમાં તે પ્રણય અને રોમાંચ, કુતૂહલ, હિમ્મત, વિષાદ, ઠંડો આત્મવિશ્વાસ, પડકાર, વિજય અને વાત્સલ્યના ભાવો સાથે અને મીઠુની 'દરિયાબાપ'ના વિશાળ હૃદયની શીખ જીવનમાં ઉતારનારી વ્યક્તિ તરીકે કેન્દ્રમાં રહેવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કબી આ નાટકનો સૌથી ઉદાત્ત અંશ છે. ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ કે આ કબી તે આપણા માંડવી બંદરની કબી મીઠુ કસ્તા.
એની પર એક પુસ્તક લખાયેલું છે. નાટકમાં જે 'રામપાસા' વહાણ છે, તેના કપ્તાન તરીકે કબી મીઠુની પાછળ સાચે જ પાંચેક વર્ષ ખેપે ગયેલી. ભણેલી અને શિક્ષિકા હતી. હોકાયંત્ર અને દરિયાઈ હવામાન વગેરેનું જ્ઞાન. નાટકનું કથાબીજ હસમુખ અબોટીની વાતમાંથી મળ્યું.
ગુજરાતી રંગભૂમિનો આ એક ખૂબ નવતર અને પ્રમાણમાં સાહસિક કહી શકાય એવો પ્રયોગ, કબી મીઠુ કસ્ટાની આગળ વાત કરવી છે.
ધરતીના પુત્ર દરિયાછોરું બન્યાં
પ્રાચીનકાળમાં ખૂબ આઘે સુધી દેખાય તે રીતે નજર ફેંકીએ તો માનવ સંસ્કૃતિના વિકાસની સાથોસાથ માણસ એક જગ્યાએ ઠરીઠામ થઈને રહેવાને બદલે વિચરતો થયો.
શરૂઆતમાં આ વિચરણ એક તળેટીથી બીજી તળેટી તરફ કે એક ગામથી બીજા ગામ સુધી કે પહાડી પ્રદેશનાં ગાઢ જંગલોમાંથી સપાટ મેદાની પ્રદેશો સુધી સીમિત રહ્યું હશે, પણ જેમજેમ સંસ્કૃતિ વિકસતી ગઈ માણસનું વિચરણ અને પ્રવાસો લાંબા થતા ગયા.
તેણે ધીરેધીરે સીમા વટાવવા માંડી. શરૂઆતમાં ઘોડા પર, હાથી કે ઊંટ થકી એણે મુસાફરીઓ કરી હશે પણ આગળ જતાં દુનિયા ડહોળવાનો એને કસબ સાંપડ્યો અને એ કસબમાં મુખ્ય સવલત કરી આપી દરિયાદેવે.
પૃથ્વીના એક છેડેથી બીજા છેડે જવા માટે એક મોટો વિકલ્પ માણસને હાથ-વગો બન્યો. હવાઈ મુસાફરી જ્યારે નહોતી શોધાઈ, ત્યારે પૃથ્વીના એક છેડેથી બીજે છેડે જવા માટે માણસ પાસે એક જ વિકલ્પ હતો, જમીનમાર્ગનો. એ વહાણ પર સવાર થયો અને દરિયો ખૂંદવા લાગ્યો.
એને ખ્યાલ આવ્યો કે આ ધરતીના ખોળે મુસાફરી કરવામાં જેટલી સરળતા અને સવલત છે તેનાથી વિપરીત દરિયાલાલની છાતી પર વહાણની સવારી કરી સફરે નીકળવામાં મોટાં જોખમોનો સામનો કરવાનો છે.
માણસે એ પણ કર્યું. ક્યારેક મધદરિયે તોફાને ચઢતો સમંદર તો ક્યારેક એના વહાણને લૂંટી લેવા માટે તૈયાર દરિયાઈ ચાંચિયાઓ, માણસે આ બધાનો સામનો કર્યો અને એટલે જ સાગરખેડુ સાહસિક કહેવાયો.
સમંદરની સફર શા માટે?
શરૂઆતમાં ઉપયોગ એણે મુસાફરી માટે કર્યો. ક્યારેક મધદરિયે જળસમાધિ લેતા એના વહાણે બધાને ડુબાડ્યા તો ક્યારેક એ કોલંબસની માફક કોઈ ભળતા પ્રદેશમાં પહોંચી ગયો, પણ કાળા માથાનો માનવી ગભરાઈને હિમ્મત હારે એવો નહોતો.
શરૂઆતમાં એણે દરિયાઈ સફરની શરૂઆત માત્ર મુસાફરી અર્થે કરી.
પછી આ સમજ અને કળામાંથી એણે દરિયાનો ઉપયોગ માલસામાનના પરિવહન માટે પણ કરવા માંડ્યો. આ સાથે જ એના માટે એક નવી દિશા ખૂલી ગઈ.
સાત સમંદર પાર વ્યાપાર કરવાની અને આ દેશની હસ્તકલા કારીગરીનાં ઉત્પાદનો તેમજ અન્ય માલસામાન વિદેશોના બજારમાં ઠાલવી વતનમાં ધનના ઢગલા કરવાની તક.
અત્યાર સુધી જાણે કે એ કોઈ ગુફામાં કેદ હતો. તેણે આ ગુફાના દરવાજા ખોલી નાખ્યા અને એ સાથે જ વિપુલ તકોનો પટારો પણ ખોલી નાખ્યો.
જેમ-જેમ સમય વહેતો ગયો, પરિવહન માટે જળમાર્ગની અનિવાર્યતા ઊભી થતી ગઈ તેમ-તેમ તેને માટે વહાણ અને જહાજનો વધુ ને વધુ ઉપયોગ થવા માંડ્યો.
માલના પરિવહન માટે ઊંટો પર માલ લાદીને ફરતી વણઝારો કરતાં જળમાર્ગ સચોટ, સરળ, ઝડપી અને કિફાયતી બન્યો.
આજે પણ માલસામાનના પરિવહન માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ વધુ અને સસ્તો પડે છે. દરિયામાં માલસામાનના પરિવહનની સવલતોમાં પણ પરિવર્તન અને વૈવિધ્ય આવ્યું છે.
પરિણામ સ્વરૂપ આજે પ્રમાણમાં ઘણાં ઝડપી અને રાક્ષસી કદનાં કહી શકાય તેવાં જહાજો અને ટૅન્કરો સતત દરિયો ખેડતાં રહે છે.
ચાંચિયાઓનો ભય હજુ પણ ક્યાંક છે પણ એ સિવાય દરિયાઈ મુસાફરી ભૂતકાળના પ્રમાણમાં ઘણી ઝડપી અને પ્રવાસીઓ માટેના ક્રૂઝની વાત કરીએ તો વૈભવી પણ બની છે.
હવાઈમાર્ગ કરતાં જળમાર્ગ માલના પરિવહનમાં આજે પણ સસ્તો પડે છે. આમ જળમાર્ગ અને વહાણવટાનો ઇતિહાસ ખૂબ પુરાણો છે.
ગુજરાતના ગર્વિલા દરિયાસારંગ
ભારતની તે સમયની સમૃદ્ધિ એના સાત સમંદર પાર વેપાર કરતાં વેપારીઓ અને એ વેપારમાં અવિભાજ્ય અંગ બની રહેલા વહાણવટીઓને આભારી હતી.
દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત આ બધા પરિવર્તનથી અળગું કઈ રીતે રહી શકે? ગુજરાતના સાગરખેડુઓનો પણ એક ઉજ્જવળ ઇતિહાસ છે.
અનુભવના આધારે ક્યાંક આકાશમાં ઊગતા તારા, ક્યાંક જળચર પ્રાણીઓ, ક્યાંક હોકા યંત્ર તો ક્યાંક પોતાની આંતરસૂઝને આધારે લગભગ નહિવત્ ભણેલા ખલાસીઓ દરિયો ખેડતા રહ્યા.
આ રીતે દૂરસુદૂરના દેશની ધરતી પર પગ મૂકનારા ઘણા સાહસિકોને કારણે માનવ-માનવ વચ્ચેનું અંતર ઓછું થતું ગયું. સંસ્કૃતિના આદાન-પ્રદાન માટેની તકો ઉભી થઈ અને ધરતીના છેડા ટૂંકા બન્યા.
તે જ રીતે ગુજરાતના શાહ સોદાગરોમાં પણ શેઠ જગડુશાથી શરૂ કરીને ગોપી મલિક, અયાઝ મલિક, વીરજી પારેખ, ભીમજી પારેખ જેવાં અનેક નામો આપણી નજર સામે ઊપસે છે.
આ ઇતિહાસની વચ્ચે એક નામ ધ્રુવતારક બની ચમકી રહ્યું છે. વહાણવટાના ઇતિહાસમાં દરિયાખેડુઓ પુરુષો જ હતા. સાત સમંદર પાર વહાણને હંકારવા માટે હિમ્મત જોઈએ.
કોઈપણ કટોકટીને પાર કરવા માટે ધીરજ અને ઠંડું દિમાગ જોઈએ છે.
ચાંચિયાઓનો સામનો કરવા માટે વીરતા જોઈએ, તો જહાજનું સંચાલન કરનાર ખલાસીઓ ઉપર કડપ રાખી એમને એક હાકોટે કાબૂમાં રાખવાની ક્ષમતા જોઈએ.
એટલે સંજોગવશાત્ વહાણના નાખુદા તરીકે અથવા કૅપ્ટન તરીકે પુરુષોની જ સુવાંગ મૉનોપૉલી. પણ આ ઇજારાશાહી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ.
રાજરોગથી ઊભા થયા સંજોગ
ઇતિહાસ જાણકારી રાખે છે, ત્યાં સુધી ભારતની આ પ્રથમ વહાણવટી મહિલાનું નામ કબીબેન મીઠુ કસ્ટા. એનો પતિ મીઠુ કસ્ટા, એ જમાનાનો અસાધ્ય ગણાતા રાજરોગ ક્ષય (ટીબી)થી પીડાય છે.
દિવસે-દિવસે એનું શરીર ઘસાતું જાય છે. પોતે ધીમે પણ મક્કમ રીતે મોતની નજદીક જઈ રહ્યો છે એમ માનતો મીઠુ એક દિવસ કબીને પોતાના વહાણ પર જવા માટે, એનું સંચાલન કરવા લગભગ આદેશ કરે છે.
કબીને ચિંતા હતી, પાછળ મીઠુની સંભાળ કોણ રાખશે. મીઠુનું શરીર ઘસાતું જતું હતું.
એ ઓગળી રહ્યો હતો અને એટલે તેણે પોતાની પત્નીને નાખુદા એટલે કે કૅપ્ટન બનીને એના વહાણ 'રામપાસા'નું સંચાલન પોતાના હાથમાં લઈ દરિયો ખેડવા કહ્યું.
વ્હાલનો દરિયો
કબી એ જમાનામાં એના પિતા ભોલુ માલમની સમયપારખું દૃષ્ટિને કારણે ચાર ગુજરાતી ચોપડી ભણી હતી. એની યાદશક્તિ ખૂબ સારી. પાયા, અઢીયા, પોણા, સવાયા અને ઉઠાના પાઠ એની જીભને ટેરવે હતા.
કબીને ભણવામાં ખૂબ રસ હતો પણ ઈ.સ. 1943માં ભોલુ માલમે તેને મીઠુ સાથે પરણાવી દીધી.
માંડવીના હવેલીચોકમાં આવેલી ચાકબાઈવાળી શાળામાં, જે આગળ જતાં ઇબ્રાહીમ પબાણી શાળા તરીકે જાણીતી થઈ, કબી શિક્ષિકા તરીકે નોકરી લીધી.
પતિ તો દરિયો ખેડતો હતો એટલે આમેય સમય સારી રીતે પસાર કરવા માટે આ પ્રમાણમાં મોભાદાર કહેવાય એવી કામગીરી કબીને ફાવી ગઈ. પૂરા આઠ મહિને મીઠુ દરિયાઈ સફરથી પાછો ફર્યો ત્યારે એણે નોકરી છોડી દીધી.
જતે દહાડે મીઠુને ટીબીનો રોગ લાગુ પડ્યો. એક દિવસ ભોલો માલમ સફરેથી પાછો આવ્યો ત્યારે દીકરીની ખબર પૂછવા એના ઘરે પહોંચ્યો.
એની અનુભવી આંખો કળી ગઈ કે દીકરીને કંઈક મુશ્કેલી છે. બહુ કળથી એણે વાત કઢાવી તો જાણવા મળ્યું કે જમાઈને ટીબી થયો છે.
આ વાતચીત દરમિયાન કબી એ મીઠુને ટીબી થયો છે, એટલું જ નહીં પણ માંદગીને બિછાને પડેલો એનો પતિ એને પોતાના વહાણનું સંચાલન કરવા નાખુદા બનીને દરિયા સફર કરવા માટે ખૂબ દબાણ કરે છે, તેમ પણ કહ્યું.
ભોલુ માલમ એક પ્રગતિશીલ અને જમાનાથી આગળ ચાલવાવાળી વ્યક્તિ હતી. એણે દીકરીને હિમ્મત આપતાં કહ્યું કે 'દરિયો ખેડવો એ મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી' કબી એ તેની તળપદી ભાષામાં પિતાને કહ્યું કે 'નિરાંતનો અડધો રોટલો આખા રોટલા કરતાં વધુ સારો. દરિયો ખેડવો એ કોઈ બાળકના ખેલ નથી.'
દીકરીને બનાવી દરિયાછોરું
ભોલુના બદલે બીજી કોઈ વ્યક્તિ હોત તો એણે કદાચ પિતૃપ્રેમને વશ થઈ દીકરીની વાતમાં હા પુરાવી હોત, પણ આ માણસ જુદી માટીનો હતો.
એણે દીકરીને હિમ્મત આપતાં કહ્યું 'ખારવાનો દીકરો તો દરિયો ખેડે જ ઊજળો'.
પોતે દીકરા અને દીકરીમાં ભેદ નથી જોતો એમ કહેતાં એણે કબીને પ્રોત્સાહિત કરી કે જો એણે દરિયો ખેડવો હોય તો માલમી વિદ્યા પોતે શીખવી દેશે.
પોતાના બાપે હિમ્મત બંધાવી પછી દીકરી પાછી પડે ખરી?
કબીએ મનોમન નિર્ધાર કર્યો દરિયો ખૂંદવાનો. એણે પોતાના પિતાને ગુરુ બનાવ્યા. જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો.
અનુભવી ભોલુ માલમે કબીને નક્ષત્રો, ધ્રુવનો તારો, તેની દિશાઓ અને વહાણના સંચાલનને લગતી તાલીમની સાથોસાથ પૂર્વ-પશ્ચિમનાં બંદરો, આફ્રિકાનાં વિવિધ બંદરો જેની સાથે મહદંશે ભારતનો વેપાર હતો તે બધાંની માહિતી આપી.
કબીનો પહેલો પ્રવાસ
તેજદિમાગ કબીએ 15 દિવસમાં તો માલમ વિદ્યા શીખી લીધી અને 'રામપાસા'માં પહેલી ખેપ ભરીને કાલિકટ જવા માટે દરિયાની વાટ પકડી. કબીનો આ પ્રથમ પ્રવાસ હતો.
'રામપાસા'માં કબી પ્રથમ વખત નાખુદાની ભૂમિકામાં સફર કરી રહી હતી. 'રામપાસા'નો મોભી અને સંબંધમાં કબીનો પિતા ભોલુ જેનો ફુવા થતો હતો તે ભૂદા માલમની હાજરીમાત્ર જ કબીને હિમ્મત આપવા માટે પૂરતી હતી.
પોતાના ફુવાની દીકરી બહેન કબી આ સફરમાં હજુ પળોટાઈ રહી હતી એ ભૂદાને ખ્યાલ હતો.
આવી તાલીમની સાથે ભૂદા માલમે એક દિવસ એને મૅનેજમૅન્ટનો બહુ મોટો પાઠ શીખવાડી દીધો.
એ પાઠ હતો કપ્તાન અથવા નાખુદા તરીકે કડકાઈથી હુકમોનો અમલ કરાવવાનો અને પૂરતા આદેશો કરી પોતાના ખલાસીઓને શિસ્તમાં રાખવાનો.
કબી દરિયો ખેડતી થઈ ગઈ. માત્ર મુંબઈ અને કાલિકટ જ નહીં પણ વિદેશના બંદરો સુધી 'રામપાસા' ફરતું થયું.
કબીની જુબાની, મહેરામણની કહાની
કબીના અનુભવ અંગે એણે ટપકાવેલી નોંધ હસમુખભાઈ અબોટીના પુસ્તક 'સાગરનો સાદ'ના પાના નંબર 13 પર કંઈક આ પ્રમાણે છપાઈ છે.
કબીએ પોતાની ડાયરીમાં સુંદર અક્ષરે નોંધ કરતાં લખ્યું - "અમે ભરૂચથી કોચીન હંકારિયા. સંવત 2001 પોષ વદ ચોથ મંગળવાર તા: 2-1-1945 ના 151ના રોજ ભરૂચથી હંકારી પ્રમણવારું કાંઠું સઇ કરતા હતા."
"બે વેરાવરી સગર હતા અને અધબારી ઉકરી આવ્યા હતા. વાવરો ધ્રુનો ખરો હતો. સઢ ફાટી ગયું હતું. કાતરાથી વાણને ઉકારિયું હતું. એક પોર પછી નાનું શઢ બાંધી ચાલુ રાખ્યું હતું. વાણને જાફરાબાદ ઉપરથી વટાવ્યું. 153ના રોજ ગુરુવાર તારીખ 4-1-1945 પોષ વદ છઠની રાતે નવ વાગ્યે મુંબઈ ઉગમણ વતી આવો હતો."
"વાવરો ગુરમાલ થાતો હતો. રાતના 10.15 મિનિટે વાવરો ધ્રુવનો થઈ ગયો. વરસાદ એલીછામ પરતો હતો. વાણના સઢના ટુકડે ટુકડા થઈ ગયા હતા. વાણને બે દિવસ ઓઝાવ રાખ્યું હતું."
મીઠુ સાથે કબીનું મિલન
ધીરેધીરે કબી માલમ વિદ્યાની અને કંપાસની જ્ઞાતા બની. એક બાહોશ નાખુદાની હેસિયતથી કામ કરવા માંડી કબીએ 'રામપાસા'માં મીઠું, ડુંગળી, ગોળ, બાજરી અને અન્ય ધાન ગલ્ફ ઑફ પસિસ થઈ એડન અને મોમ્બાસા પહોંચાડ્યું. ત્યાંથી મોસાદિયું અને જુબા-કિસ્માવા થઈને મોમ્બાસા.
વળી પાછા તેજાના, કોડી, કાજુ જ્યારે મસ્કતથી ખજૂર ભરવાની થતી. કબી હવે સંપૂર્ણપણે નિષ્ણાત નાખુદા બની ચૂકી હતી. આ સફરના અંતે એ જ્યારે માંડવી પહોંચી, ત્યારે એના પતિ મીઠુની હાલત સાવ નાજુક હતી.
મીઠુની પાંસળીઓ ગણી શકાતી હતી, ગાલમાં ખાડા પડી ગયા હતા અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. કબીને સમજાઈ ચૂક્યું હતું કે મીઠુનો અંત હવે નજીક છે.
સંતોષ માત્ર એ વાતનો હતો કે એણે મીઠુની ઇચ્છા પૂરી કરીને સફળતાપૂર્વક 'રામપાસા'નું નાખુદા તરીકે સંચાલન કર્યું. મીઠુએ 1946માં અંતિમ શ્વાસ લીધો.
કાળનો કોળિયો બની કબી
મીઠુની નિકટ રહી સેવા કરતાં કરતાં કબીને પણ આ રાજરોગે પકડી લીધી. કબી દિવસે દિવસે માંદગીમાં ફસાવા લાગી અને 1948માં એનો જીવનદીપ બુઝાયો.
ભારતીય વહાણવટાના ઇતિહાસમાં ભાગ્યે જ ક્યાંક કબી ક્સ્ટા, કચ્છની આ કુળવાન દીકરી, ભારતીય વહાણવટાના ઇતિહાસમાં સ્ત્રી નાખુદા (કૅપ્ટન)નો ઉલ્લેખ જોવા મળશે.
મહિલા સશક્તિકરણની વાતો કરતા આજના જમાનામાં પણ કબી કસ્ટા જેવાં બળુકા પાત્રો બહુ ઝાઝી ચર્ચામાં નથી. પતિની જીદ, પિતાની તાલીમ અને પ્રેરણા.
ભૂદા માલમ જેવા વડીલ અને પોતાના માલિકને વફાદાર રહી કામ કરતા સાથી ખલાસીઓની એક આખી ટીમ એની પાસે હતી, જેણે તેનું ઘડતર કર્યું, સાથ આપ્યો અને સફળતા પણ અપાવી.
આપમા વહાણવટાના ઇતિહાસમાં ભારતની આ પ્રથમ મહિલા નાખુદાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થશે?
સંદર્ભસૂચિ
1. સાગરનો સાદ - હસમુખ અબોટી "ચંદન", પ્રકાશક : વિવેકગ્રામ પ્રકાશન, માંડવી-કચ્છ, પ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 2016
2. દરિયાલાલ, ગુણવંતરાય આચાર્ય, પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ, પુન: મુદ્રણ 2013
3. ગુજરાત અને દરિયો, મકરંદ મહેતા, પ્રકાશક : દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા, પ્રથમ આવૃત્તિ 2012
4. History of International Trade and Custom Duties in Gujarat, Makrand Mehta, Darshak Itihas Nidhi, Vadodara, First Edition, 2009
5. Merchants and Ports of Gujarat, Makrand Mehta, Darshak Itihas Nidhi, Vadodara, First Edition 2016
6. કચ્છ : 70 દાયકાનાં સીમાચિન્હ (સને 1948 થી 2017) - સંજય પી. ઠાકર, પ્રકાશક:પરાશર સંજયભાઈ ઠાકર, ભુજ, પ્રથમ આવૃત્તિ : ઑક્ટોબર 2018
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો