You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટિશ સરકાર : કાલાપાનીમાં અંગ્રેજ વાઇસરૉય લૉર્ડ મેયોની હત્યા કરનાર પઠાણ કોણ હતો?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
લૉર્ડ મેયોને ભારતના સૌથી વધારે પ્રવાસ કરનાર વાઇસરૉયમાં ગણવામાં આવે છે. ભારતના ચોથા વાઇસરૉય લૉર્ડ મેયોએ ભારતમાં પોતાના ત્રણ વર્ષના કાર્યકાળમાં લગભગ વીસ હજાર માઈલનો પ્રવાસ કર્યો હતો. આમાંથી મોટા ભાગનો પ્રવાસ સફેદ ઘોડાની પીઠ પર બેસીને કર્યો હતો.
તેમના વિશે એ જાણીતી વાત હતી કે તે એક દિવસમાં ઘોડાની પીઠ પર બેસીને 80 માઈલના અંતર સુધીની મુસાફરી કરી શકતા હતા.
એ સિવાય તેમણે ભારતમાં પોતાની નિમણૂક દરમિયાન મુસાફરીનાં એ તમામ સાધનોનો ઉપયોગ કર્યો હતો જે તે સમયે અંગ્રેજોને ઉપલબ્ધ હતાં - સ્ટીમર, રેલ, હાથી, યાક અને ત્યાં સુધી કે ઊંટ પણ.
જે. એચ. રિવેટ કાર્નાક પોતાના પુસ્તક 'મૅની મૅમરિઝ'માં લખે છે, "એક વખત મધ્ય ભારતમાં જ્યારે મેયોને ખબર પડી કે એક સ્થળ પર જવા માટે માત્ર બળદગાડાનો જ ઉપયોગ કરી શકાય છે, તો તેમણે પોતાના પાયજામા ઉપર એક કોટ પહેર્યો અને બળદગાડામાં પાથરેલા ઘાસ પર સૂઈ ગયા."
"તેમણે પોતાની સિગાર સળગાવીને જાહેરાત કરી કે આનાથી વધારે આરામની જગ્યા કોઈ નહીં હોય. સવારે તેમને જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચીને તેમણે કહ્યું કે મને સારી ઊંઘ આવી. નીચે ઊતરીને તેમણે પોતાનો યુનિફોર્મ પહેર્યો અને પોતાના કોટ પર લાગેલા તણખાઓને તેમણે ઝાટકીને નીચે પાડ્યા."
છેલ્લા સમયે માઉન્ટ હેરિયટ જવાની યોજના બનાવી
વર્ષ 1872માં લૉર્ડ મેયોએ નક્કી કર્યું હતુ કે તેઓ બર્મા અને આંદામાન ટાપુઓ પર મુસાફરી કરશે. આંદામાનમાં તે સમયે ખતરનાક કેદીઓને રાખવામાં આવતા હતા અને આ પહેલા કોઈ વાઇસરૉય અથવા ગવર્નર જનરલ આંદામાનના પ્રવાસે ગયા ન હતા.
પહેલી વખત 1789માં લેફ્ટનન્ટ બ્લેયરને મનમાં આંદામાનમાં વસતિ વિકસાવવાનો વિચાર આવ્યો હતો. પરંતુ 1796માં અંગ્રેજોએ મલેરિયા ફેલાઈ જતા અને સ્થાનિક જનજાતિઓના વિરોધના કારણે તેમણે આ ટાપુઓને છોડી દીધા.
વર્ષ 1858માં અંગ્રેજોએ અહીં ખતરનાક કેદીઓને મોકલવાનું શરૂ કર્યું. પહેલી વખત જાન્યુઆરી 1858માં 200 કેદીઓના એક જૂથને ત્યાં મોકલવામાં આવ્યા. જ્યારે લૉર્ડ મેયો આંદામાન ગયા તો ત્યાં કુલ લોકોની સંખ્યા 8 હજાર હતી, જેમાં 7 હજાર કેદી, 900 મહિલા અને 200 પોલીસ કર્મચારી હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેયોનો આંદામાનનો પ્રવાસ 8 ફેબ્રુઆરી, 1872એ શરૂ થયો હતો. સવારે નવ વાગે. તેમનાં વહાણ ગ્લાસ્ગોને પોર્ટબ્લેયરની જેટી પર લંગારવામાં આવ્યું.
ઊતરતાની સાથે જ તેમને 21 તોપની સલામતી આપવામાં આવી. તે દિવસે તેમણે રૉસ આઇલૅન્ડ પર યુરોપીય બેરૅક અને કેદીઓના કૅમ્પનું નિરીક્ષણ કર્યું. તેમણે પોતાના દળની સાથે ચોથમ ટાપુનો પ્રવાસ કર્યો.
જ્યારે ચોથમ ટાપુ પર તેમનો તમામ કાર્યક્રમ સમય પહેલા પૂર્ણ થઈ ગયો તો તેમણે કહ્યું કે હાલ સૂરજ ડૂબવામાં એક કલાક બાકી છે. કેમ સમયનો સદુપયોગ કરીને માઉન્ટ હેરિયેટનો પ્રવાસ કરવામાં આવે.
શેર અલીએ કરી લૉર્ડ મેયોની હત્યા
સર વિલિયમ વિલ્સન હંટર જે આ પ્રવાસમાં મેયોની સાથે હતા, મેયોની આત્મકથા 'લાઇફ ઑફ અર્લ ઑફ મેયો'માં લખે છે, 'માઉન્ટ હેરિયેટ અંદાજે 1162 ફૂટની ઊચાઈ પર હતો. તેનું ચઢાણ ખૂબ સીધું અને ઘણું આકરું હતું. આકરા તાપમાં ચડતા તેમના દળના મોટા ભાગના સભ્ય થાકીને બેહાલ થઈ ગયા હતા. પરંતુ મેયો એટલા તરોતાજ હતા કે તેમણે તેમની સાથે ચાલી રહેલી ઘોડી પર ચડવાથી એ વાત કહીને ના પાડી કે આનો ઉપયોગ બીજું કોઈ કરી લે. ટોચ પર પહોંચીને તેમણે દસ મિનિટ સુધી સૂર્યાસ્તનો આનંદ લીધો અને પોતાની જાતને કહ્યું કે કેટલું સુંદર છે આ બધું!'
જ્યારે મેયોનું દળ પરત ફરવા નીચે ઊતરી રહ્યું હતું ત્યારે અંધારું થઈ ગયું હતું. હોપટાઉન જેટી પર એક નાવ વાઇસરૉયને તેમના જહાજ પર લઈ જવા માટે રાહ જોઈ રહી હતી.
મશાલ લઈને કેટલાક લોકો મેયોની આગળ ચાલી રહ્યા હતા. મેયોની ડાબી બાજુએ તેમના અંગત સચિવ મેજર ઓવેન બર્ન અને જમણી તરફ આંદામાનના ચીફ કમિશનર ડોનાલ્ડ સ્ટીવર્ટ હતા. મેયો નાવ પર ચડવાના જ હતા કે સ્ટીવર્ટ ગાર્ડ્સને આદેશ આપવા આગળ વધ્યા. ત્યારે ઝાડીઓમાં છુપાયેલા એક લાંબા પઠાણે મેયોની પીઠ પર છુરાથી હુમલો કર્યો.
હંટર લખે છે કે 'મશાલના પ્રકાશમાં લોકોએ એક માણસનો હાથ અને છુરો ઉઠાવતા જોયો. તેણે મેયોના બે ખભાની વચ્ચે બે વખત છુરાથી હુમલો કર્યો. મેયોના સચિવ મેજર બર્ને જોયું કે એક વ્યક્તિ ચિત્તાની જેમ મેયોના ખભા પર ચડી ગયો હતો. બે સેકન્ડની અંદર જ હત્યારાને પકડી લેવામાં આવ્યો. ઘૂંટણ સુધી ભરેલા પાણીમાં પડી ગયેલા મેયોએ કોઈ રીતે પોતાની જાતને ઉપર ઉઠાવ્યા અને પોતાના સચિવને કહ્યું 'બર્ન, ધે હેવ ડન ઇટ.'
'પછી તેમણે મોટા અવાજમાં ચીસ પાડીને કહ્યું, મને નથી લાગતું કે મને વધારે વાગ્યું છે. તે કહે છે કે મેયો ફરીથી પડી ગયા. તેમનો સિલેટિયા રંગના કોટની પીઠ તેમના લોહીથી લાલ થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તેમના કોટને ફાડી નાખ્યો અને રૂમાલ અને પોતાના હાથની મદદથી લોહી રોકવા પ્રયત્ન કર્યો. કેટલાક સૈનિકોએ તેમના હાથ અને પગ મસળવાના શરૂ કરી દીધા.'
લોર્ડ મેયોએ લીધા છેલ્લા શ્વાસ
આ ઘટનાનો આંખો દેખ્યો અહેવાલ આપતા મેયોના સચિવ મેજર બર્ને કૅમ્બ્રિજ યુનિવર્સિટીના પુસ્તકાલયમાં રાખેલા પોતાનાં કાગળોમાં લખ્યું, "વાઇસરૉયે ધીમા અવાજે કહ્યું, મને જહાજ સુધી લઈ જાવ. અમે તેમને નાવ ચલાવનારાઓની મદદથી તુરંત ઉપાડ્યા અને નાવ સુધી લઈ ગયા. તેમના છેલ્લા શબ્દો હતો મારા માથાને ઉપર ઉઠાવી લો. મેયોને જલદી નાવ પર નાખીને રાહ જોઈ રહેલા જહાજ સુધી પહોંચાડવામાં આવ્યા."
હંટર લખે છે, "વહાણ પર હાજર લોકો રાતના ખાવાની તૈયારી કરી રહ્યા હતા. જેવી મેયોની નાવ વહાણ સુધી પહોંચી, આખા જહાજની લાઈટ જતી રહી જેથી લોકો જોઈ ન શક્યા કે મેયોની સાથે શું થયું છે. મેયોને ઉઠાવીને તેમની કૅબિન સુધી પહોંચાડી દેવામાં આવ્યા. જયારે તેમને તેમના પલંગ પર સુવાડવામાં આવ્યા તો સૌએ જોયું મેયો મૃત્યુ પામ્યા હતા. સવાર થતા વહાણ પર લહેરાવાઈ રહેલા બ્રિટિશ ઝંડાને અડધો કાઠીએ કરી દેવામાં આવ્યો."
1869માં ઉચ્ચ હોદ્દાના અંગ્રેજ અધિકારીને મારવાનું પ્રણ
મેયોને છુરો ભોંકનાર શેર અલીને ત્યાં જ સજા આપવામાં આવી જે તે જમાનામાં આવા ગુના માટે જ તેમને સજા આપવામાં આવી હતી.
મેયોની હત્યા પછી જેના પર મેયોના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યા હતા તે વહાણ પર શેર અલીને પણ લાવવામાં આવ્યા. ત્યાં જ્યારે અંગ્રેજ અધિકારીઓએ શેર અલીને પૂછ્યું કે તેમણે આવું કેમ કર્યું તો તેનો જવાબ હતો 'ખુદાનો આદેશ હતો.'
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આ કામમાં કોઈએ તેની મદદ કરી છે તો તેણે કહ્યું, 'મર્દ શરીક કોઈ ન હતું. આમાં શરીક ખુદા છે.'
શેર અલી ઉત્તર પશ્ચિમ સીમાંત પ્રદેશમાં તીરા ઘાટીમાં રહેતા હતા અને તે પંજાબની ઘોડેસવાર પોલીસમાં નોકરી કરતા હતા. પેશાવરમાં પોતાના પિતરાઈ હૈદરની હત્યાના આરોપમાં તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી.
અપીલ કરતા તેમની સજાને આંદામાનમાં ઉંમરકેદમાં બદલી નાખવામાં આવી હતી. પછી ફાંસીથી પહેલાં આપેલા એક વ્યક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે તેમની નજરમાં પોતાના ખાનદાની દુશ્મનને મોતને ઘાટ ઉતારવો અપરાધ ન હતો અને 1869માં તેમને સજા સંભળાવવામાં આવી હતી ત્યારથી તેમણે પ્રણ લીધાં હતાં કે આનો બદલો કોઈ ઊંચા હોદ્દાના અંગ્રેજને મારીને લેશે.
શેર અલીને ફાંસીની સજા
આંદામાનમાં સજા પૂર્ણ કરતી વખતે તેમણે ત્રણ વર્ષ સુધી પોતાના શિકારની રાહ જોઈ. 8 ફેબ્રુઆરી 1872એ જ્યારે તેમણે લૉર્ડ મેયોના આવવાના સમાચાર સાંભળ્યા તો સવારથી જ પોતાના ચપ્પાની ધાર કાઢવા લાગ્યા.
શેર અલી પહાડો પર રહેતી એક બળવાન વ્યક્તિ હતી. તેમની હાઇટ 5 ફૂટ 10 ઈંચ હતી. પોતાની કાળકોઠરીમાં હથકડી અને બેડીઓથી બંધાયેલા રહ્યા છતાં તેમણે પોતાની શારીરિક તાકાતના બળે તેમણે એક અંગ્રેજ સંતરીની સંગીન છીનવી લીધી હતી.
શરૂઆતમાં અંગ્રેજોને શક હતો કે આંદામાનમાં સજા ભોગવી રહેલા મૌલવી થાનેસરી અને બીજા મુજાહિદોએ મેયોની હત્યા કરવા માટે શેર અલીનું 'બ્રેઇનવૉશ' કર્યું હતું. પરંતુ ઉંડાણથી તપાસ થતા સત્ય આ ન નીકળ્યું.
આ ઘટના અંગે ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર હેલન જેમ્સે પોતાના રિસર્ચ પેપર 'ધ અસેસિનેશન ઑફ લૉર્ડ મેયો : ધ ફર્સ્ટ જેહાદ?'માં લખે છે, "શેર અલીના સાથીઓ સાથેની વાતચીતમાં ખબર પડે છે કે તેમણે ઘણી સાવધાનીથી આ હત્યાની તૈયારી કરી હતી. મેયોની મુસાફરી પહેલાં જ તેમણે પોતાના તમામ સાથીઓ પાસેથી અંતિમ વિદાય લીધી હતી."
"તેમણે તમામ માટે ખાવાની કેટલીક વસ્તુઓ બનાવી હતી અને તેમાં પોતાના તમામ પૈસા ખર્ચી નાખ્યા હતા. પરંતુ તેમાંથી કોઈને આભાસ થયો ન હતો કે શેર અલી આ હદ સુધી જઈ શકે છે. આ પહેલાં શેર અલીએ પેશાવરમાં એક ઘોડેસવાર સૈનિક તરીકે મેજર હ્યૂઝ જેમ્સ અને રેનેલ ટેલર માટે કામ કર્યું હતું. ટેલરે શેર અલીથી પ્રભાવિત થઈને તેમને ઇનામમાં એક ઘોડો, પિસ્તોલ અને સર્ટિફિકેટ આપ્યુ હતું."
શેર અલીના મૃત્યુના આદેશને નિયમ મુજબ સમીક્ષા માટે કોલકાતા હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યો. 20 ફેબ્રુઆરી, 1872એ ટ્રિબ્યૂનલે સજાની જાહેરાત કરી અને 11 માર્ચ, 1872માં શેર અલીને વાઇપર ટાપુ પર ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.
લૉર્ડ મેયોને આયરલૅન્ડમાં દફનાવવામાં આવ્યા
આ ઘટનાએ બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી નાખ્યું. અનેક દિવસો સુધી જાણીજોઈને આ ઘટના પર બહુ ચર્ચા ન થઈ.
પ્રોફેસર હેલેન જેમ્સ પોતાના રિસર્ચ પેપર 'ધ અસેસિનેશન ઑફ લૉર્ડ મેયો : ધ ફર્સ્ટ જેહાદ?'માં લખે છે - આ સંપૂર્ણ રીતે અનપેક્ષિત હતું, પરંતુ 1857ના વિદ્રોહમાં વહાબીઓની ભૂમિકા અને 20 સપ્ટેમ્બર, 1871એ કોલકાતાના કાર્યવાહક ચીફ જસ્ટિસ જોન નૉર્મનના એક વહાબી સમર્થક અબ્દુલ્લાહે છુરાથી કરેલી હત્યા પછી બ્રિટિશ સરકારને આ પ્રકારની ઘટનાને પુનરાવૃત્તિ માટે તૈયાર રહેવું જોઈએ. આ પહેલાં 10 સપ્ટેમ્બર, 1853માં પેશાવરમાં ત્યાંના કમિશનર કર્નલ ફેડ્રિક મેક્સનની એક પઠાણે તેમના બંગલામાં છુરો મારીને હત્યા કરી હતી.
લૉર્ડ મેયોની શબયાત્રા
લૉર્ડ મેયોના પાર્થિવ શરીરને તે જ વહાણ ગ્લાસ્ગો દ્વારા કોલકાતા લાવવામાં આવ્યું જેનાથી તે પોર્ટ બ્લેયર ગયા હતા. 17 ફેબ્રુઆરી, 1872એ કલકત્તા પહોંચ્યા પછી પ્રિન્સેપ ઘાટથી તેમના શબને સરકારી હાઉસમાં લાવવામાં આવ્યું.
તેમની શબયાત્રામાં કોલકાતામાં રહેતા તમામ અંગ્રેજ હાજર રહ્યા હતા.
તેમના શબને બે દિવસ સુધી સરકારી હાઉસમાં રાજકીય સન્માનની સાથે રાખવામાં આવ્યું.
પછી તેને સૈનિક જહાજથી પહેલા મુંબઈ અને પછી ડબલિન લઈ જવામાં આવ્યું. જ્યાં 25 એપ્રિલ, 1872એ તેમને રાજકીય સમ્માન સાથે એક ચર્ચની બહાર દફનાવવામાં આવ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો