republic day : એક ગુજરાતીએ જ્યારે અંગ્રેજો સામે બાંયો ચડાવી અને બ્રિટિશરાજ સામે લડાઈનો પાયો નંખાયો

    • લેેખક, રાજ ગોસ્વામી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

મહાત્મા ગાંધીએ આ જ બિહારના ચંપારણમાંથી ખેડૂતોને અન્યાયના મુદ્દે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે દેશનું પહેલું સત્યાગ્રહ અંદોલન શરૂ કર્યું હતું, જે ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના એક મોટો વિદ્રોહમાં તબદીલ થઈ ગયું હતું.

1921માં, મહાત્માએ તેમનાં શિષ્યા મીરાંબહેનને એક પત્રમાં લખ્યું હતું, "ચંપારણે મને ભારતનો પરિચય કરાવ્યો છે."

ચંપારણ સંપૂર્ણપણે ખેડૂતઆંદોલન હતું અને તે આ લડાઈ રાજકીય બની ના જાય તેની ગાંધીજીએ દરકાર રાખી હતી.

ગાંધીજીએ આગ્રહ કર્યો હતો કે આ અંદોલનમાં 'સ્વરાજ' કે 'સ્વતંત્રતા'ના મુદ્દા આવરી ન લેવાય અને દેશના અન્ય જિલ્લાઓ કે રાજ્યો અંગ્રેજ સરકાર વિરુદ્ધ બળવો ન કરે.

ગાંધીજીને ખબર હતી કે અંદોલન જો રાજકીય બની જશે, તો અંગ્રેજ સરકાર તેને ડામી દેશે. આમ, ચંપારણે ગાંધીજીને અસલી ભારતનો ચહેરો બતાવ્યો, તો મહાત્માએ ભારતને સત્યાગ્રહનો રસ્તો બતાવ્યો.

ચંપારણ સત્યાગ્રહની સફળતા પછી ગાંધીજીએ બીજાં બે મહત્ત્વનાં આંદોલનો કર્યાં; 1917માં અમદાવાદમાં મિલમજદૂર સત્યાગ્રહ અને 1918માં ખેડા સત્યાગ્રહ.

એ વાત નોંધવા જેવી છે કે ભારતમાં ગાંધીજીની લડાઈ રાજકીય ન હતી, આર્થિક હતી અને તેના પાયામાં ખેડૂતો અને મિલના કામદારોને આર્થિક અન્યાય અને શોષણના મુદ્દા હતા. જેને ગ્રાસરૂટ પૉલિટિકસ કહે છે, તેનું ડીએનએ ગાંધીજીની આ આમ આદમી માટેની લડાઈમાં છે.

આજે ભારતીય રાજનીતિ અને મીડિયામાંથી આમ આદમી ગાયબ થઈ ગયો છે.

ચંપારણ સત્યાગ્રહ શું હતો

ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1750માં બિહારના બેરાર, ઉત્તર પ્રદેશના ઔધ તેમજ ઉત્તરાખંડ અને બંગાળમાં ગળીની ખેતી કરવામાં આવતી હતી. કંપની આ ગળીને ચીન, બ્રિટન અને યુરોપમાં નિકાસ કરતી હતી. ખેડૂતો માટે ગળીની ખેતી એ ખોટનો ધંધો હતો.

એક તો તેમાં પાણી પુષ્કળ જતું હતું અને બીજું કે તે જમીનને બગાડી નાખતી હતી, જેથી બીજા પાકને નુકસાન થતું હતું.

ખેડૂતોને આ પાક પોસાતો ન હતો, પરંતુ વિદેશી કંપનીઓ માટે એમાં લાભ હતો એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની ખેડૂતોને દેવું કરાવીને સ્થાનિક જમીનદારોના માધ્યમથી ગળીની ખેતી કરવા મજબૂર કરતી હતી.

ગળી રંગ બનાવવામાં વપરાતી હતી. 19મી સદીની શરૂઆતમાં ચીને ગળીના વ્યાપારને ગેરકાયદેસર જાહેર કર્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાંથી કૃત્રિમ રંગ મળતો બંધ થયો એટલે ગળીની માગમાં વધારો થયો. અમેરિકામાં પણ અશ્વેત લોકો પાસે બળજબરીથી ગળીનો પાક કરાવવામાં આવતો હતો.

ભારતમાં, ખાસ કરીને ચંપારણમાં, જમીનદારો વધુ નફા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઍજન્ટો સાથે મળીને ધાકધમકીથી ખેડૂતો પાસે ગળીનું ઉત્પાદન કરાવતા હતા.

એક તો આ ખેડૂતોની આર્થિક સ્થિતિ કંગાળ હતી, તેવામાં ત્યાં ભૂખમરાની સ્થિતિ ફાટી નીકળી. પડતાં પર પાટુ હોય તેમ, અંગ્રેજ સરકારે ખેડૂતો પર વધારાનો ટૅકસ નાખ્યો.

ધન અને ધાન બંને બાજુએથી માર ખાધેલા ખેડૂતોએ ગળીનો પાક લેવા સામે બળવો પોકાર્યો.

ગાંધીજી કેવી રીતે જોડાયા?

1915માં, 21 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા પછી, ગાંધીજી ભારત પરત ફર્યા હતા. તેમને ભારતનો સીધો પરિચય ન હતો. બધું સાંભળેલું કે વાંચેલું હતું.

ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમને કહ્યું હતું કે તેમણે એકવાર દેશનું ભ્રમણ કરવું જોઈએ.

તે સલાહ માનીને ગાંધીજી ટ્રેનના સેકન્ડ ક્લાસ ડબ્બામાં બેસીને એક વર્ષ માટે 'ભારતને ઓળખવા' નીકળ્યા હતા.

રાજકોટથી શરૂ થયેલા ભારતભ્રમણમાં તેમનું પહેલું રોકાણ કલકત્તામાં કવિ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં હતું. ગાંધીજી આફ્રિકામાં અંગ્રેજોના અન્યાયી કાનૂનો સામે સત્યગ્રહ કરી ચૂક્યા હતા અને ભારતમાં તેની વાતો પહોંચી હતી.

શાંતિનિકેતનમાં અંગ્રેજ પાદરી અને શિક્ષણકાર ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રુઝે ગાંધીજીને એક પ્રશ્ન પૂછ્યો, "ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે અને ક્યારે?"

ગાંધીજીનો જવાબ રસપ્રદ છે. તેમણે કહ્યું, "મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. મારી ઇચ્છા એક વર્ષ સુધી ભારતભ્રમણ કરવાની છે અને આ ગાળામાં જાહેર વિષય પર કશું ન બોલવા અંગેનું વચન ગોખલેએ મારી પાસે લીધું છે. એટલે પાંચ વર્ષ સુધી સત્યાગ્રહનો પ્રસંગ આવે એમ નથી જણાતું."

અંગ્રેજોની અપેક્ષાથી વિપરીત, માત્ર બે વર્ષમાં જ સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો. એ સત્યાગ્રહ તે ચંપારણમાં ગળીના ફરજિયાત વાવેતરની પ્રથાની નાબૂદીનો હતો.

ડિસેમ્બર 1916માં, લખનૌમાં કૉંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીની મુલાકાત એક અભણ ખેડૂત પંડિત રાજકુમાર શુક્લા સાથે થઈ, જેમણે મહાત્માના સામાજિક અને રાજકીય જીવનને નક્કર આકાર આપ્યો.

શુક્લા અને અન્ય ખેડૂત નેતાઓ શીતલ રાય, લોમરાજ સિંહ અને શેખ ગુલાબ બિહારની મોતીહારી કોર્ટમાં ગળીના ખેડૂતો વતી કેસ લડી રહ્યા હતા અને ત્યાંના અગ્રણી વકીલોએ 'બેરિસ્ટર ગાંધી'ની મદદ લેવા સૂચન કર્યું હતું.

પંડિત રાજકુમાર શુક્લાએ લખનૌમાં ગાંધીજી સમક્ષ ખેડૂતોની કથા-વ્યથા વર્ણવી અને તેમની સહાય માગી. પહેલી મુલાકાતમાં ગાંધીજી આ ગામડિયા ખેડૂતની વાતોથી પ્રભાવિત થયા ન હતા અને તેને ટાળી દીધો હતો.

શુક્લા જીદ્દી હતા અને તેઓ વારંવાર ગાંધીજીને મળીને ચંપારણના ખેડૂતોના 'કેસની સુનાવણી' કરતા રહ્યા અને અંતત: તેમણે ગાંધીજીને મનાવી લીધા.

ગળીનો ડાઘ: ગાંધીજીના શબ્દોમાં

1917ના વર્ષ દરમિયાન ગાંધીજી ચાર મહિના સુધી ચંપારણ આસપાસનાં ગામોમાં રહ્યા અને ખેડૂતોને ન્યાય અપાવ્યો. ગાંધીજીએ તેમની આત્મકથામાં 'ગળીના ડાઘ' શીર્ષક હેઠળ આ સત્યાગ્રહની વાત લખી છે:

ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને 1917માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા.

આનું નામ ‘તીનકઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.

મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યાં પહોંચ્યો તેના પહેલાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી.

રાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત હતા. તેમની ઉપર દુખ પડેલું. એ દુખ તેમને કઠતું હતું. પણ તેમને આ ગળીનો ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુખમાંથી થઈ આવી હતી.

મેં ચંપારણનો કિસ્સો તેમની પાસેથી થોડોક સાંભળ્યો. તે તો મને જાતે ચંપારણના ખેડૂતોનાં દુખ દેખાડવા માગતા હતા.

મેં કહ્યું, ‘મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ, ને એકબે દિવસ આપીશ.’ તેમણે કહ્યું: ‘એક દિન કાફી હોગા, નજરોંસે દેખિયે તો સહી.’

1917ની સાલના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા.પટણાની આ મારી પહેલી મુસાફરી હતી. પટણામાં હું કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી.

મને તેઓ રાજેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેન્દ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એક-બે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા.

પણ બિહારમાં તો છૂઆછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે હું કઈ જાત હોઈશ.

અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો.

નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજેન્દ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોથી રાજકુમાર શુક્લ વિશે જેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ મારે હાથ કરી.

...અને ગાંધીજી ચંપારણમાં ‘મહાત્મા’ બન્યા

10 એપ્રિલ 1917ના રોજ ગાંધીજી ચંપારણ પહોંચ્યા. ગાંધીજી અંદોલન કે એવા કોઈ વિચારથી આવ્યા ન હતા. તેમને કાયદાકીય રીતે લડવું હતું અને એટલે તેમની સાથે વ્રજકિશોર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ, અનુરાગ નારાયણ સિંહા, બાબુ ગયાપ્રસાદ સિંહ, રામનવમી પ્રસાદ અને જે. બી. કૃપલાણી જેવા વકીલોની ટીમ હતી.

ગાંધીજીએ ત્યાં જઈને લોકોમાં જે અજ્ઞાનતા અને અસ્વસ્છતા હતી, તેને દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું. તેમણે ત્યાં બે બુનિયાદી શાળા સ્થાપી હતી. આ સમજવા જેવું છે.

ગાંધીજીને ત્યારે સમજમાં આવી ગયું હતું કે ભારતીયો અન્યાય અને શોષણનો ભોગ બને છે, તેનું કારણ અંગ્રેજો કે ઇસ્ટ ઇન્ડિયા કંપની નથી. એ તો બીજા નંબરનું કારણ હતું. પહેલું કારણ ભારતીયોની નિરક્ષરતા હતી.

તેમણે ચંપારણ અંદોલનની શરૂઆત ખેડૂતોને અક્ષરજ્ઞાન આપીને અને તેમને જાગૃત કરીને કરી હતી.

તેમણે તેમની ટીમ સાથે મળીને સ્વચ્છતાની જાગૃતિ અને આરોગ્યની સમજણ આપવાની શરૂ કરી. તેના માટે કેન્દ્રો પણ શરૂ કર્યા. ચંપારણમાં અનેક કુરીતિઓ હતી, તેની સામે ઝુંબેશ શરૂ કરી.

વકીલોની ટુકડીએ લોકોની ફરિયાદોને સમજવાનું અને તેનાં કારણોમાં ઊંડા ઊતરવાનું શરૂ કર્યું. ગાંધીજીએ સામાજિક પરિવર્તનને હથિયાર બનાવીને ‘ગળીનો ડાઘ’ ધોવાનું અભિયાન આદર્યું હતું.

અંગ્રેજોને થયું કે લોકોને ભણાવાનું કામ એટલે લોકોને ઉશ્કેરવાનું કામ છે. પોલીસે ચંપારણ છોડી દેવાની સૂચના સાથે ગાંધીજીની ધરપકડ કરી. ત્યાં સુધીમાં તો લોકોને ગાંધીજીના નેતૃત્વમાં શ્રદ્ધા બેસી ગઈ હતી.

જાગૃતિની ચિનગારી ચંપાઈ ગઈ હતી. હજારો લોકો ધરપકડના વિરોધમાં પોલીસસ્ટેશન અને અદાલત બહાર જમા થઈ ગયા. પોલીસ તો અદાલતમાંથી જ ગાંધીજીને બહાર ધકેલી દેવાની ફિરાકમાં હતી, પણ લોકોની ભીડ અને રોષ જોઈને અદાલતે અનિચ્છાએ તેમને છોડ્યા.

હવે ગાંધીજીની આગેવાનીમાં ખેડૂતોને ચૂસતા જમીનદારો સામે આયોજનબદ્ધ વિરોધપ્રદર્શન અને હડતાળ શરૂ કરવામાં આવ્યાં.

પરિણામ એ આવ્યું કે ખેડૂતોને ગળીના પાકમાં વધુ વળતર, કયો પાક કરવો અને કયો ન કરવો તે નક્કી કરવાની છૂટ, વધારાનો જે ટૅક્સ નાખ્યો હતો તેની નાબૂદી અને ભૂખમરો દૂર ના થાય ત્યાં સુધી ટૅકસમાં કોઈ વધારો નહીં, તેવા ત્રણ મુદ્દાઓ પર સરકારે સમજૂતી કરી.

આ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જ ગાંધીજીને લોકોએ ‘બાપુ’ અને ‘મહાત્મા’ તરીકે બોલાવવાનું શરૂ કર્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો