You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇંગ્લિશ ચેનલ : બોટ ડૂબતી હતી ત્યારે યુવતીએ મંગેતરને મૅસેજ કર્યો કે 'આપણે હંમેશાં સાથે રહીશું'
આ અઠવાડિયે ઇંગ્લિશ ચેનલમાં સર્જાયેલી કરુણાંતિકામાં ઇરાકની 24 વર્ષીય કુર્દ મહિલાની પ્રથમ મૃતક તરીકે ઓળખ થઈ છે.
મરિયમ નૂરી મોહમ્મદ અમીન એ 27 લોકોમાંથી એક છે, જેમનું દરિયો ઓળંગીને બ્રિટન આવતી વખતે મોત નીપજ્યું હતું.
યુકેમાં રહેતા તેમના મંગેતરે બીબીસીને કહ્યું કે જ્યારે તેમની બોટમાંથી હવા નીકળી રહી હતી, તે સમયે મરિયમ તેમને મૅસેજ કરી રહ્યાં હતાં.
મરિયમ તેમને આશ્વાસન આપી રહ્યાં હતાં કે તેમને બચાવી લેવામાં આવશે.
જોકે તેમને મદદ મળી, ત્યારે મોડું થઈ ગયું હતું અને મરિયમ, એક ગર્ભવતી સહિત અન્ય લોકોનું ફ્રાન્સના દરિયાકાંઠા નજીક ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
'મરિયમ સરપ્રાઇઝ આપવા માગતાં હતાં'
આ દુર્ઘટનામાં માત્ર બે જ લોકો બચી શક્યા હતા, જેઓ ઇરાક અને સોમાલિયાના નાગરિક છે. આ દુર્ઘટના ઇંગ્લિશ ચેનલમાં સર્જાયેલી સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે.
મરિયમને 'બરાન'ના હુલામણા નામે બોલાવતાં તેમના મંગેતરે કહ્યું કે 'બોટમાં તે પોતાના એક મહિલા સંબંધી સાથે આવી રહી હતી.'
તેમણે વધુમાં કહ્યું કે, "ઇંગ્લિશ ચેનલ પાર કરવાના પ્રયાસ અંગે મરિયમે તેને અગાઉથી જાણ કરી ન હતી. મરિયમ અચાનકથી યુકે આવીને તેને સરપ્રાઇઝ આપવા માગતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરિયામાં જ્યારે બોટ ડૂબવા લાગી ત્યારે મરિયમે તેને સ્નેપચૅટ પર મૅસેજ કર્યો હતો. મૅસેજમાં મરિયમે લખ્યું હતું કે, 'બોટમાંથી હવા નીકળી રહી છે. અમે લોકો બોટમાંથી પાણી બહાર કાઢી રહ્યા છીએ.'
મરિયમના મંગેતર કહે છે કે, "અંતિમ મૅસેજમાં મરિયમ આશ્વાસન આપી રહી હતી અને આશા વ્યક્ત કરી રહી હતી કે બચાવકર્મીઓ તેમને બચાવવા માટે આવી જ રહ્યા છે."
અહેવાલો મુજબ, દુર્ઘટનામાં બચી ગયેલા બે લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હવે તેમની પૂછપરછ બાદ બોટમાં કુલ કેટલા લોકો હતા તે જાણી શકાશે.
મરિયમના કાકાએ બીબીસી સમક્ષ પુષ્ટિ કરી હતી કે મરિયમ ઇંગ્લિશ ચેનલમાં ડૂબેલાં 27 લોકોમાંથી એક છે.
તેમણે કહ્યું કે પરિવારને મરિયમ સાથેના બે લોકો પાસેથી આ સમાચાર મળ્યા હતા. હાલમાં પરિવાર તેમનો મૃતદેહ ઇરાક પરત આવે તેની રાહ જોઈ રહ્યા છે.
શુક્રવારે રાત્રે તેમના પરિવાર અને મિત્રો ઘરે એકત્ર થયા હતા અને શોક પાળ્યો હતો.
મરિયમનાં ખાસ મિત્ર ઇમાન હસન બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "તેઓ ખૂબ જ વિનમ્ર અને ઉદાર હતાં. જ્યારે તેમણે કુર્દિસ્તાન છોડ્યું, ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતાં. તેઓ માની જ નહોતો શકતાં કે તેઓ પોતાના પતિને મળવા જઈ રહ્યાં છે."
તેઓ વધુમાં કહે છે કે, "સગાઈની પાર્ટીમાં મરિયમે મને કહ્યું હતું કે હું તારી નજીકમાં જ ઘર ખરીદીશ અને આપણે હંમેશાં સાથે રહીશું."
મરિયમને યાદ કરતાં રડમશ અવાજે તેઓ કહે છે કે, "તે એક સંદેશો આપવા માગતી હતી કે આ રીતે મરવાને કોઈ લાયક નથી. તેણે સારી રીતે જીવવા માટે યુકેની પસંદગી કરી અને તે મૃત્યુ પામી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો