You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડ્રગ વિવાદ : શું ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગના એક મોટા નેટવર્કનો નાનકડો ભાગ છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણે એક પછી એક ડ્રગના વેપારનાં વિવિધ નેટવર્ક ખૂલી રહ્યાં છે.
એક તરફ પોલીસને આંતરરાષ્ટ્રીય જળસીમાઓ પર ડ્રગની હેરફેરની શંકા છે, તો બીજી બાજુ ડ્રગના નેટવર્કનો છેડો અમદાવાદ જેવા શહેરથી માંડીને દરિયાકાંઠાના સલાયા જેવા નાનકડા ગામ સુધી જોડાયેલો છે.
છેલ્લા અમુક મહિનાઓથી ગુજરાત ડ્રગ પેડલર્સ માટે એક મોટા નેટવર્કનો મહત્ત્વનો ભાગ બનીને સામે આવી રહ્યું છે.
જો પોલીસ ખાતાના વિવિધ અધિકારીઓની વાત માનવામાં આવે તો હજી સુધી કોઈ પણ ડ્રગ કન્સાઇન્મેન્ટ તેમની નજરથી બચી નથી શક્યું, પરંતુ ઘણા લોકો માને છે કે આ નેટવર્ક ખૂબ મોટું હોવાને કારણે ઘણાં કન્સાઇન્મેન્ટ પોલીસથી નજરથી બચી ચૂક્યાં હોય તો નવાઈ નહીં.
એક તરફ પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે તો બીજી બાજુ કૉંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓ રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગુજરાતમાં ડ્રગનું નેટવર્ક જોર પકડી રહ્યું છે અને તપાસમાં કોઈ નક્કર કામ નથી થઈ રહ્યું તેવો આક્ષેપ લગાવ્યો છે.
ગુજરાતમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસે 30 કિલો ડ્રગ પકડ્યું હતું, ત્યારબાદ એપ્રિલ મહિનામાં ફરીથી દરિયાકાંઠા વિસ્તારમાંથી 30 કિલો ડ્રગ પકડાયું હતું.
મુદ્રા પોર્ટ પર 3000 કિલો ડ્રગ પકડાયા બાદ ગુજરત ડ્રગ નેટવર્કની એક મહત્ત્વની કડી છે તેવી ચર્ચાઓ અને આક્ષેપો થવાં લાગ્યાં.
નવેમ્બર મહિનામાં સ્થાનિક પોલીસે સલાયા બંદરથી 66 કિલો ડ્રગ જપ્ત કર્યું હતું. તેમજ નવેમ્બર મહિનામાં જ 120 કિલો ડ્રગ મોરબીમાંથી ગુજરાત પોલીસ દ્રારા જપ્ત કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડ્રાર્ક વેબનો ઉપયોગ કરીને ડ્રગનો વેપાર કરતા લોકો પાસેથી નવેમ્બર 18ના રોજ 1.29 કિલો જેટલું ડ્રગ પકડી પાડ્યું હતું, જેમાં અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતા બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
એટીએસે હજી સુધી કુલ 11 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.
પોલીસ માહિતી પ્રમાણે આ બન્ને નેટવર્ક એકબીજાથી સંકળાયેલા નથી, પરંતુ ઘણા લોકો માને છે કે આ તમામ કેસો પરથી કહી શકાય કે ગુજરાતમાં ડ્રગનો વ્યાપ વધી રહ્યો છે.
શું ગુજરાતનો દરિયાકાંઠો એક મોટા નેટવર્કનો નાનો ભાગ છે?
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ થોડા દિવસો પહેલાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે "ગુજરાતનો દરિયાકાંઠાનો મુખ્યત્વે ડ્રગના જથ્થાને અફઘાનિસ્તાનથી યુરોપ કે અન્ય દેશો સુધી પહોંચાડવામાં ઉપયોગ થાય છે."
તેમણે કહ્યું કે યુરોપીય દેશો સુધી ડ્રગ ગુજરાતના દરિયાકિનારેથી પહોંચાડવાનો ઘણા ડ્રગ પેડલર્સ પ્રયાસ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ અગાઉ એક રિપોર્ટમાં લખ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં જુલાઈ 2021 સુધી આઠ ટકાનો વધારો નોંધાયો છે, જેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠા પર પડી રહી છે.
એટીએસમાં કાર્યરત એક ઉચ્ચ અધિકારીએ આ નેટવર્ક વિશે બીબીસી ગુજરાતી સાથે વિસ્તારથી વાત કરી.
તેમણે કહ્યું કે "આ નેટવર્કમાં મુખ્યત્વે માછીમારોનો સમાવેશ છે અને આ એવા માછીમારો છે કે જેઓ વિદેશી વહાણોમાં કામ કરીને અહીં પાછા આવ્યા હોય."
તેમણે કહ્યું કે આ લોકોનો ડ્રગ પેડલર આવાં વહાણોમાં જ સંપર્ક કરે છે અને તેમના થકી દરિયાકાંઠાનાં ગામોમાં લોકોને શોધવામાં આવે છે, જે ડિલિવરી લઈ શકે છે, અને તેને એકાદ-બે દિવસ સુધી સાચવી શકે.
આ સાચવેલું ડ્રગનું કન્સાઇન્મેન્ટ પછી મુખ્યત્વે દિલ્હી, પંજાબ તરફથી આવેલા લોકો ગુજરાતમાં આવીને લઈ જતા હોય છે અને જે દિલ્હી કે પંજાબ તરફ ન જાય તે તામિલનાડુ અને શ્રીલંકા તરફ જાય છે અને ત્યાંથી તે કન્સાઇન્મેન્ટ બીજા દેશોમાં મોકલવામાં આવે છે.
આ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે એ પણ જણાવ્યું હતું કે "ડ્રગનું મોટા ભાગનું સેવન ઉત્તર ભારતમાં થતું હોય છે."
કેવી રીતે ગુજરાતનો ઉપયોગ થઈ રહ્યો છે?
આ તરફ ગુજરાતથી અને પેલી તરફ પાકિસ્તાનથી કોઈ બોટમાં 100 નોટિકલ માઇલ્સ જેટલું અંતર કાપવાથી દરિયાઈ સીમા આવી જાય છે અને આ દરિયાઈ સીમાની આસપાસ બન્ને દેશોની અનેક બોટ માછીમારી માટે મુકાયેલી હોય છે.
કન્સાઇન્મેન્ટનું આપ-લે કેવી રીતે થાય છે એ સંદર્ભે બીબીસી ગુજરાતીએ એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "આવી હજારો બોટ વચ્ચે રાતના સમયે બે બોટ એકબીજા સાથે મળીને અમુક કિલોના કન્સાઇન્મેન્ટ ખૂબ જ સહેલાઈથી ટ્રાન્સફર કરી લેતી હોય છે."
"ભારતીય સીમા તરફના માછીમારને તો માત્ર તે કન્સાઇન્મેન્ટ થોડા દિવસો સુધી સંભાળીને જ રાખવાનું હોય છે અને પહેલાંથી જ નક્કી કરેલી એક વ્યક્તિ એની પાસેથી આ કન્સાઇન્મેન્ટ લેવા આવે ત્યારે તેને આ કન્સાઇન્મેન્ટ આપી દેવાનું હોય છે."
અધિકારી અનુસાર, આ મૉડસ ઑપરેન્ડી લગભગ દરેક કન્સાઇન્મેન્ટમાં ફૉલો થાય છે. અફઘાનિસ્તાન, ઈરાન કે પાકિસ્તાનથી આવતા આ કન્સાઇન્મેન્ટમાં ગુજરાત થકી ભારતીય જળસીમા જ એક એવો માર્ગ છે, જે આ ડ્રગ પેડલર્સ માટે સૌથી નજીક અને સરળ છે.
શું કહેવું છે પોલીસ અધિકારીનું?
આ વિશે ડીજીપી ગુજરાત આશિષ ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે "ગુજરાતના દરિયાઈમાર્ગનો ઉપયોગ દાણચોરી માટે ઘણા સમયથી થઇ રહ્યો છે, પરંતુ છેલ્લા અમુક સમયથી ગુજરાત પોલીસે દરિયાઈમાર્ગ પર સતર્કતા વધારી દીધી હોવાથી આ કન્સાઇન્મેન્ટ પોલીસનાં હાથે ચઢ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો