મ્યાનમારનાં નેતા આંગ સાન સૂ ચીને ચાર વર્ષ કેદની સજા ફટકારવામાં આવી - TOP NEWS

મ્યાનમારનાં નેતા આંગ સાન સૂ ચીને ચાર વર્ષની કેદની સજા ફટકારાઈ છે. તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેટલાય કેસમાં પ્રથમ વખત તેમને સજા અપાઈ છે.

તેમને લોકોને ઉશ્કેરવા અને કુદરતી આપદા કાયદા હેઠળ કોવિડના નિયમો તોડવાનાં દોષિત જાહેર કરાયાં છે.

સૂ ચી પર 11 આરોપો લગાવાયા હતા અને તેમણે તમામ આરોપોથી ઇન્કાર કર્યો હતો.

ફેબ્રુઆરીમાં દેશમાં સૈન્યે સત્તાપલટો કર્યો એ પહેલાં 76 વર્ષનાં સૂ ચી એક ચૂંટાયેલી નાગરિક સરકારનું નેતૃત્વ કરી રહ્યાં હતાં.

સેનાએ ગત વર્ષે થયેલી સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવીન સત્તા આંચકી લીધી હતી. આ ચૂંટણીમાં સૂ ચીના પક્ષને ભારે જીત મળી હતી.

સૂ ચી ત્યારથી નરજકેદ હતાં અને તેમના વિરુદ્ધ કેટલાય કેસ ચલાવાઈ રહ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર, ઑફિશિયલ સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન અને જનતાને ઉશ્કેરવા જેવા આરોપ સામેલ છે.

ગુજરાત પોલીસે કોરોનાકાળમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી 294 કરોડ વસૂલ્યા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ અનુસાર રાજ્યના 41.06 લાખ લોકોએ પોલીસને 294 કરોડ રૂપિયાની રકમ માસ્ક ન પહેરવાની 'પેનલ્ટી'ના ભાગરૂપે ચૂકવવી પડી છે.

આ આંકડા 24 જૂન 2020થી બે ડિસેમ્બર 2021 સુધી વસૂલાયેલી રકમના છે.

આ રીતે જોતાં કોરોના વાઇરસની મહામારી દરમિયાન એક વર્ષમાં માસ્ક ન પહેરવા બદલ દરરોજ લોકોએ સરેરાશ 56 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે.

અખબાર લખે છે કે આ રકમ એક ઍડવાન્સ કોવિડ હૉસ્પિટલ બનાવવાના અડધા ખર્ચ જેટલી છે અને અમદાવાદ શહેરમાં ચાર ફ્લાઇઓવર બનાવી શકાય તેટલી છે.

ડેટા મુજબ ગુજરાત પોલીસે 24 જૂન 2020થી 23 જૂન 2021 સુધી માસ્ક ન પહેરનારા 36.80 લાખ લોકો પાસેથી 247 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

જૂનથી નવેમ્બર સુધીમાં પાંચ મહિનામાં ગુજરાત પોલીસે 47 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે, ભારત પાસે શું અપેક્ષા છે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

પુતિન એક દિવસની મુલાકાતમાં વાર્ષિત સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

તેમની આ મુલાકાતમાં નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે 2+2 પદ્ધતિથી વાર્તાની શરુઆત પણ થશે.

પુતિને ગત અઠવાડિયે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે "વિશેષાધિકાર પ્રાપ્ત" રશિયા-ભારત સંબંધોના વિશેષ વિકાસ માટે પહેલ કરવા પર ચર્ચા કરશે.

ક્રૅમલિનમાં બુધવારે રાષ્ટ્રપતિ પુતિને એક સમારોહમાં કહ્યું હતું કે આ ભાગીદારી બંને રાષ્ટ્રોના લાભ માટે છે.

ઊર્જાક્ષેત્ર, સ્પેસ અને કોરોના વાઇરસ સામે રસી અને દવા વિકસાવવાના ક્ષેત્રમાં દ્વિપક્ષી વેપારમાં સારી ગતિશીલતા છે.

11 મહિનામાં ભારતની 50 ટકા વસતીને કોરોનાની રસીના બે ડોઝ મુકાયા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતમાં કોરોના વાઇરસ સામે શરૂ થયેલા રસીકરણકાર્યક્રમ હેઠળ 11 મહિનામાં ભારતની 50 ટકા વસતીને કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયા છે.

રવિવાર સુધી દેશમાં 127.93 ડોઝ આપી દેવાયા હતા અને 18 વર્ષથી વધારે ઉંમરના 85 ટકાથી વધારે લોકોને ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે.

આરોગ્યમંત્રાલય મુજબ છેલ્લા પખવાડિયામાં કોરોનાની રસીના 10 કરોડ જેટલા ડોઝ આપી દેવામાં આવ્યા હતા. શનિવારે દેશમાં 99 લાખથી વધુ ડોઝ મુકાયા હતા.

અભિનેત્રીને મુંબઈ ઍરપૉર્ટ પરથી વિદેશ જતાં રોકવામાં આવ્યાં

બોલિવૂડનાં અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડિઝને મુંબઈ ઍરપૉર્ટ પર દેશની બહાર જતાં રોકવામાં આવ્યાં હતાં.

એનડીટીવીના એક અહેવાલ મુજબ 200 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં જૅકલીન ફર્નાન્ડિઝનું નામ પણ ઈડીની ચાર્જશીટમાં સામેલ છે.

આ અહેવાલમાં લખાયું છે કે ઈડીનાં સૂત્રો અનુસાર, વસૂલાતના કેસના માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખરે (સુકેશ ચંદ્રશેખર) જૅકલીનને 10 કરોડ રૂપિયાની મોંધી ભેટ આપી હતી. જેમાં ગાડી, ઘોડા અને અન્ય મોંઘો સામાન સામેલ છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની તિહાર જેલથી 200 કરોડ રૂપિયાની વસૂલાતના મામલામાં ઈડીએ શનિવારે જ ચાર્જશીટ દાખલ કરી છે.

કસ્ટમ અધિકારીઓએ ઈડીની લુકઆઉટના આધારે 36 વર્ષીય અભિનેત્રીને ઍરપૉર્ટ પર અટકાવી હતી.

તપાસ એજન્સીના અધિકારી મુંબઈ ઍરપૉર્ટ પર પહોંચ્યાં અને તેમને યાત્રાની પરવાનગી નહોતી આપી.

જૅકલીનને દેશમાં રહેવાનું જ કહેવામાં આવ્યું કારણ કે તેમને તપાસમાં હાજર રહેવું પડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો