You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાગાલૅન્ડ હિંસા : તપાસ માટે SITની રચના, શું છે સમગ્ર મામલો?
શનિવારે રાત્રે નાગાલૅન્ડમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં અનેક નાગરિકોનાં મોત થયાના સમાચાર સામે આવ્યા બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે.
તેમણે કહ્યું છે કે સરકારે એ વાતનો સાચો જવાબ આપવો જોઈએ કે જ્યારે સામાન્ય લોકો અને સુરક્ષાકર્મીઓ પોતાની જ જમીન પર સુરક્ષિત નથી, તો ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?
રાહુલ ગાંધી ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસનાં મમતા બેનરજી અને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ સવાલો ઉઠાવ્યા છે.
ભાજપના નાગાલૅન્ડના પ્રદેશાધ્યક્ષ અને રાજ્યકક્ષાના મંત્રી તેમજેન ઇમના એલોન્ગે આ દુર્ઘટનાને વખોડી કાઢી છે.
આ સાથે તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મૃતકોના પરિવારજનોને સહાય કરવા માટે અપીલ કરી હતી.
નાગાલૅન્ડ મુખ્ય મંત્રી નેફિયુ રિયોએ ટ્વીટ કરીને જણાવ્યું કે મોન જિલ્લાના 'ઓટિંગમાં સામાન્ય લોકોનું માર્યા જવું બહુ દુખદ છે અને તેઓ આ ઘટનાની નિંદા કરે છે.'
નાગાલૅન્ડના મોન જિલ્લામાં સુરક્ષાદળોએ એનએસસીએન (કે) ઉગ્રવાદીઓ સામે અભિયાન છેડ્યું હતું, જેમાં અનેક સામાન્ય લોકોનાં મોત થયાં છે. આ મામલે ડિફેન્સ વિંગ કોહિમા તરફથી એક પ્રેસ-રિલીઝ જાહેર કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રેસ-રિલીઝમાં લખાયું, "ઉગ્રવાદીઓની સંભવિત ગતિવિધિઓ અંગે ભરોસાપાત્ર ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે નાગાલૅન્ડના મોન જિલ્લાના તિરુ વિસ્તારમાં એક ઑપરેશનની યોજના બનાવી હતી. જે ઘટના ઘટી, તેને લઈને બહુ દુખ છે. સામાન્ય લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરાઈ રહી છે. કાયદાનુસાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરાશે."
તપાસ માટે બનાવવામાં આવી સમિતિ
બીબીસી હિન્દીના સહયોગી પિનાકી દાસના જણાવ્યા પ્રમાણે, આ મામલાની તપાસ માટે પાંચ સભ્યોની એક ખાસ તપાસસમિતિની રચના કરવામાં આવી છે.
નાગાલૅન્ડના ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે કે એડીજીપી સંદીપ તામગાડગેની અધ્યક્ષતાવાળી આ સમિતિ એક મહિનામાં તપાસ પૂર્ણ કરશે.
આ સમિતિમાં આઈપીએસ એલ. જમીર, આઈપીએસ રૂપા એમ., આઈપીએસ મનોજકુમાર, એનપીએસ કિલાંગ વાલિંગ અને એનપીએસ રેલો આર. સામેલ છે.
અનેક લોકોનાં મૃત્યુ
સમાચાર એજન્સી પીટીઆઈએ માહિતી આપી છે કે આ ઘટનામાં કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે.
મુખ્ય મંત્રી રિયોએ કહ્યું કે તેઓ માર્યા ગયેલા લોકોના શોકાતુર પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરે છે. તપાસ માટે ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરાઈ છે અને કાયદા અનુસાર ન્યાય કરાશે અને બધા પક્ષોને શાંતિ રાખવાની અપીલ કરી છે.
આ ઘટના પર દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
તેમણે કહ્યું કે આ મામલે તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરી દેવાઈ છે, જે શોકાતુર પરિવારો માટે ન્યાય સુનિશ્ચિત કરશે.
એવા મીડિયા રિપોર્ટ્સ છે કે ઉગ્રવાદી સંગઠન એનએસસીએન (કે)ના સંદિગ્ધ લડાકુઓ સામે મોન જિલ્લાના ઓટિંગ ગામમાં સુરક્ષાદળોએ અભિયાન ચલાવ્યું હતું, જેમાં કમસે કમ એક ડઝન ગામલોકો માર્યા ગયા છે.
આ ઘટનામાં એક જવાને પણ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ લખ્યું કે સેનાએ આ ઘટનાને દુર્ભાગ્ય ગણાવીને દુખ વ્યક્ત કર્યું છે. સેના તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું કે આખા મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે. આર્મીએ કોર્ટ ઑફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.
'ઘટનાસ્થળે ઇન્ટરનેટ અને SMS સેવા બંધ'
નાગા પીપલ્સ ફ્રન્ટ પાર્ટીના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ટી. આર. ઝેલિયાંગ અનુસાર, 13 લોકોનાં મોત થયાં છે.
નાગા પીપલ્સ ફ્રન્ટના ટી. આર. ઝેલિયાંગે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે અને મામલાની તપાસ માટે આયોગની રચનાની માગ કરી છે.
તેમણે લખ્યું, "હું ઓટિંગ, મોનમાં થયેલી નિર્દોષ હત્યાઓની સખત નિંદા કરું છું. આ નરસંહાર માટે કોઈ બહાનું ન હોઈ શકે. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક આયોગની તત્કાળ રચના કરવી જોઈએ અને એમાં સામેલ સુરક્ષાકર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ."
તેમણે અન્ય ટ્વીટમાં કહ્યું કે, "એક સભ્ય સમાજ, જ્યાં અમે બધા શાંતિ અને અમનથી રહેવા માગીએ છીએ, ત્યાં સુરક્ષાદળો તરફથી થયેલી આ ક્રૂરતા દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોના શોકાતુર પરિવારો પ્રત્યે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને મારી પ્રાર્થના છે કે ઘાયલોના સ્વાસ્થ્યમાં જલદી સુધારો થાય."
ઈસ્ટર્ન નાગાલૅન્ડ પીપલ્સ ઑર્ગેનાઇઝેશનના અધ્યક્ષ કેકોંગચિમ યિમયુંગરે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "હાલમાં અમને આ ઘટનામાં 14 લોકોના માર્યા જવાની માહિતી મળી છે અને ઘણા લોકો ઘાયલ છે. અનેક લોકો ગુમ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. અમે સાચી માહિતીનો રાહ જોઈ રહ્યા છીએ."
કેકોંગચિમ અનુસાર, ઘટનાસ્થળનો કોઈ સંર્પક થઈ નથી રહ્યો. ત્યાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ કરાઈ છે. ઈએનપીઓએ આ ઘટનાની નિંદા કરી છે.
બીબીસી સાથે વાત કરતા કેકોંગચિમે કહ્યું કે સંપૂર્ણ જાણકારી મળ્યા બાદ જ અમે નક્કી કરીશું કે આગળ શું કરવું છે.
મોન ક્ષેત્ર એનએસસીએન (કે) જૂથનો ગઢ
નાગાલૅન્ડના મોન ક્ષેત્રને નાગા સમૂહ એનએસસીએન (કે) અને ઉલ્ફાનો ગઢ માનવામાં આવે છે.
આ ઘટના રાજ્યમાં ઉજવાતા લોકપ્રિય પર્વ "હૉર્નબિલ ફેસ્ટિવલ" પહેલાં ઘટી છે.
આ પર્વમાં ભાગ લેવા માટે અનેક કૂટનીતિજ્ઞ પહેલેથી રાજ્યમાં હાજર છે.
તો સમાચાર એજન્સી એએનઆઈએ આસામ રાઇફલ્સના એક અધિકારીના હવાલાથી કહ્યું કે આ ઘટનામાં એક સુરક્ષાકર્મીનું પણ મૃત્યુ થયું છે અને અનેક જવાનો ઘાયલ થયા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ આસામ રાઇફલ્સના અધિકારીઓને ટાંકતાં જણાવ્યું કે મોન જિલ્લાના તિરુમાં ઉગ્રવાદીઓ હોવાની તેમને પાક્કી ખુફિયા જાણકારી મળી હતી, બાદમાં અભિયાન શરૂ કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો