You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતે કહ્યું 'બધી બાબતોનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય' - TOP NEWS
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને લઈને કેટલીક આશંકાઓ છે.
તેમણે કહ્યું કે બુધવારના બે વાગ્યે બેઠકમાં બધા વિષયો પર ચર્ચા થશે.
તેમણે કહ્યું કે સરકારે પ્રસ્તાવ મોકલ્યો હતો કે તેઓ અમારી માગ પર સહમત છે અને અમારે અમારું આંદોલન પાછું લઈ લેવું જોઈએ. પરંતુ સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી.
તેમણે કહ્યું કે બધી બાબતોનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ ઘરે નહીં જાય. રાકેશ ટિકૈતે કહ્યું કે અમારું આંદોલન ક્યાંય નહીં જાય. અમે અહીં જ રહીશું. બીજી તરફ બેઠક પછી સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે તેમણએ સરકારના પ્રસ્તાવ પર સ્પષ્ટીકરણ માગ્યું છે અને બુધવારના ફરી આ મુદ્દા પર બેઠક થશે.
છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું છે કે તેને સરકારના પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટીકરણની જરૂર છે.
સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે આ સંબંધમાં સરકારને પત્ર મોકલ્યો છે અને પછી તેમના જવાબ પર બુધવારે ચર્ચા થશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે પ્રથમ વખત સરાકરે લેખિત પ્રસ્તાવ મોકલ્યો છે.
સંયુક્ત કિસાન મોર્ચાના નેતા યુદ્ધવીર સિંહે જણાવ્યું કે પાંચ સભ્યોની કમિટીની એક અગત્યની બેઠક થઈ. તેમાં સરકાર તરફથી આવેલા પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો. તે પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોર્ચાના સાથીઓની સાથે બેઠક થઈ, ચર્ચા થઈ. કેટલાક સભ્યોને સ્પષ્ટીકરણ જોઈએ છે."
કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમની માગને લઈને લેખિત આશ્વાસન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આશ્વાસનમાં એમએસપી (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) માટે કાયદાકીય ગૅરન્ટી પણ સામેલ છે.
ગુજરાત : સુરતમાં અઢી વર્ષની બાળકીના રેપ અને હત્યા મામલે દોષિતને 29 દિવસમાં ફાંસી
સુરતના પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં બનેલ અઢી વર્ષની બાળકીના રેપ અને હત્યાના મામલામાં સુરત સેશન્સ કોર્ટે 35 વર્ષીય દોષિત ગુડ્ડુ યાદવને ફાંસીની સજા સંભળાવી છે.
તેમજ પીડિત બાળકીના પરિવારજનોને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, "આ ઘટનામાં ગુડ્ડુ યાદવને માત્ર ચાર દિવસમાં પકડી લેવાયો હતો. જેમાં 100 પોલીસજવાનોની ટીમ કામે લાગી હતી. કોર્ટે પણ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી દોષિતને ફાંસીની સજા આપી છે. તેમજ 20 લાખ વળતર આપવાનો આદેશ કર્યો છે."
નોંધનીય છે કે દોષિત ગુડ્ડુ યાદવ અઢી વર્ષની બાળકીને ઉઠાવી લઈ જતા કૅમેરામાં ઝડપાયા હતા. તેમજ બાળકીનો રેપ અને હત્યા કરી તેને અવાવરું જગ્યાએ નાખી આવ્યા હતા.
NIAને આંચકો, સુપ્રીમ કોર્ટે સુધા ભારદ્વાજની જામીન સામેની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢનાં જાણીતા સામાજિક કાર્યકર્તા અને વકીલ સુધા ભારદ્વાજની જામીનને પડકારતી એનઆઈએની અરજીને ફગાવી દીધી છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટે 2018 ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં સુધા ભારદ્વાજને જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની ખંડપીઠે બૉમ્બે હાઈકોર્ટમાંથી સુધા ભારદ્વાજને આપવામાં આવેલા ડિફોલ્ટ જામીનને રદ કરવાનો ઇનકાર કરતાં કહ્યું, "ભારદ્વાજને જામીન આપવાના હાઈકોર્ટના આદેશમાં કોઈ ગરબડ નથી."
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે એનઆઈએ તેની જામીનની શરતો 8 ડિસેમ્બરે નક્કી કરશે, ત્યારબાદ જ તે જેલમાંથી બહાર આવી શકશે.
સુધા ભારદ્વાજને ગયા અઠવાડિયે ડિફોલ્ટ જામીન મળ્યા હતા, જેનો અર્થ છે કે એનઆઈએ કાયદા દ્વારા નિર્ધારિત સમયની અંદર સુધા ભારદ્વાજ સામે આરોપનામું દાખલ ન કરી શકી એટલે તેમને કોર્ટે જામીન આપી દીધા.
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં 28 ઑગસ્ટ 2018ના રોજ સુધા ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી હતી.
તેમના પર માઓવાદીઓને મદદ કરવાનો આરોપ હતો.
તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં છે.
2018ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં, સુધા ભારદ્વાજ ઉપરાંત, વરવરા રાવ, સોમા સેન, સુધીર ધાવલે, રૉના વિલ્સન, ઍડવોકેટ સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, વરનોન ગૉન્સાલ્વિસ અને અરુણ ફરેરા દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
પરંતુ કોર્ટે સુધા ભારદ્વાજ સિવાયના અન્ય લોકોની જામીન ફગાવી દીધી હતી.
ત્રણ મિનિટનો ઝૂમ કૉલ અને બૉસે એક સાથે 900 કર્મચારીઓને કાઢી મૂક્યા
એક કર્મચારીએ ટ્વિટર પર એક ટૂંકી વિડિયો ક્લિપ અપલૉડ કરી છે અને આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં Better.comના સીઈઓ વિશાલ ગર્ગને ટૂંકા સંદેશ સાથે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતા જોઈ શકાય છે.
સંદેશમાં બૉસે કર્મચારીઓને કહ્યું, "આ એવા સમાચાર નથી કે જેને તમે સાંભળવા માગો છો...જો તમને આ કૉલ પર બોલાવવામાં આવ્યા હોય તો તમે એ કમનસીબ ગ્રૂપનો ભાગ છો જેને છૂટા કરવામાં આવી રહ્યા છે. તમને તાત્કાલિક અસરથી નોકરીમાં છૂટા કરવામાં આવે છે."
DailyMail.co.ukના અહેવાલ પ્રમાણે, વિશાલે કહ્યુ હતું કે "મારી કારકિર્દીમાં આવું બીજી વખત કર્યુ છે અને હું આ કરવા માંગતો નહોતો. છેલ્લી વખત જ્યારે મેં આમ કર્યું, ત્યારે હું રડ્યો હતો.''
નિષ્ણાતોની પેનલમાં મતમતાંતર, વધારાનો ડોઝ હાલ નહી
કોરોનાને કારણે ગંભીર બીમારી અથવા ચેપના ભારે જોખમવાળા લોકોને 'બૂસ્ટર' આપવાની જરૂર છે કે નહી તે અંગે કોવિડ ઇમ્યુનાઇઝેશન પરના વૈજ્ઞાનિક સલાહકાર જૂથમાં "વધારાના ડોઝ અંગે સર્વસંમતિ ન સધાતાં" બુસ્ટર ડોઝનો નિર્ણય હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' એ એક અહેવાલમાં આ વાત કરી છે.
એક વરિષ્ઠ અધિકારીએ અખબારને જણાવ્યું કે, "રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ-એનટીએજીઆઈ દ્વારા હજુ સુધી કોઈ ભલામણ કરવામાં આવી નથી."
નિષ્ણાતો બાળકોને રસીકરણને લઈને વધુ ઉત્સુક છે, જેના માટે માર્ગદર્શિકા આ અઠવાડિયાના અંત સુધીમાં રજુ કરવામાં આવે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં વિદેશમાંથી આવેલા 100 લોકો ટ્રેસ નથી થતા
દેશમાં ઓમિક્રૉન ચેપના વધતા કેસોની વચ્ચે મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા 295 લોકોમાંથી 100ને ટ્રેસ કરી શકાયા નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કલ્યાણ-ડોંબિવલી નગરપાલિકા પ્રમુખ વિજય સૂર્યવંશીએ સોમવારે જણાવ્યુ હતું કે થાણે જિલ્લાની ટાઉનશિપમાં તાજેતરમાં પરત ફરેલા 295 વિદેશીઓમાંથી 109નો પત્તો લાગ્યો નથી અને તેમને હજુ સુધી ટ્રેસ કરી શકાયા નથી.
તેમણે કહ્યુ કે આમાંથી કેટલાક લોકોના મોબાઇલ ફોન બંધ આવે છે જ્યારે કેટલાકે આપેલાં સરનામે તાળા લાગેલા છે.
સૂર્યવંશીએ જણાવ્યું હતું કે કેડીએમસી નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહી છે અને 'જોખમી' દેશોમાંથી આવતા તમામ લોકોને સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે અને આઠમાં દિવસે કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવે તો જ તેમને જવા દેવામાં આવે છે.
તાજેતરમાં ડોમ્બિવલી વિસ્તારમાં ઓમિક્રૉનનો એક કેસ સામે આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો