Wasim Rizvi : બાબરી મસ્જિદ વિધ્વંસની વરસીએ હિંદુ ધર્મ અંગીકાર કરનારા વસીમ રિઝવી કોણ છે?

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચૅરમૅન વસીમ રિઝવીએ સોમવારે ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લીધો છે, હવે તેઓ જિતેન્દ્ર નારાયણસિંહ ત્યાગીના નામે ઓળખાશે.

ગાઝિયાબાદમાં નરસિંહાનંદ સરસ્વતીએ વસીમ રિઝવીને આ નામ આપ્યું હતું. રિઝવીએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે તેઓ 'સોમવારે ઇસ્લામ છોડીને સનાતન ધર્મ અંગીકાર કરશે.'

આ અગાઉ તેમણે પોતાના મૃત્યુ બાદ તેમના દેહને દફનાવવાની જગ્યાએ હિંદુ ધર્મ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવાની ઇચ્છા પણ પ્રગટ કરી હતી.

વસીમ રિઝવી અનેક વખત ચર્ચામાં આવ્યા છે અને સાથે જ અનેક વિવાદોમાં સપડાયા છે.

કોણ છે વસીમ રિઝવી?

2020 સુધી તેઓ ઉત્તર પ્રદેશ શિયા વક્ફ કમિટીના ચૅરમૅન હતા, આ પદ પર તેઓ એક દાયકા જેટલા સમય સુધી રહ્યા હતા.

તેમના પિતા ભારતીય રેલવેમાં વર્ગ-2ના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

સ્નાતક પૂર્ણ ન કરનારા રિઝવી વર્ષ 2000માં લખનૌમાં કાશ્મીરી મહોલ્લા વૉર્ડમાં સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યા હતા.

વર્ષ 2008માં તેઓ શિયા વક્ફ બોર્ડના સભ્ય બન્યા હતા. જ્યારબાદ વર્ષ 2012માં બોર્ડના ફંડમાં ગોટાળો કરવાનો આરોપસર તેમની સમાજવાદી પાર્ટી અને વક્ફ બોર્ડમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.

વિવાદો સાથેનો જૂનો નાતો

થોડા સમય અગાઉ જ વસીમ રિઝવીએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે કુરાનની 26 આયત દૂર કરવાની માગ કરી હતી.

આ જાહેર હિતની અરજીમાં તેમણે જણાવ્યું હતું કે આ 26 આયત હિંસાને પ્રેરે છે અને તેનો પાછળથી કુરાનમાં ઉમેરો કરાયો છે.

આ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે દેશભરમાં તેમનો વિરોધ થયો હતો.

અહેવાલો પ્રમાણે તેમણે એક નિવેદન આપ્યું હતું કે, જન્મ આપવાની પ્રક્રિયા કુદરતી છે અને તેને ખલેલ ન પહોંચાડવી જોઈએ; પરંતુ કેટલાક લોકો જાનવરોની જેમ બાળકો પેદા કરે છે. જે દેશ માટે હાનિકારક છે.

વર્ષ 2019માં રિઝવીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને દેશના તમામ મદરેસાઓ બંધ કરવા માટે અરજી કરી હતી.

તેમણે અરજીમાં જણાવ્યું હતું કે મદરેસાઓને ઉગ્રવાદી સંગઠનો દ્વારા ફન્ડિંગ પૂરું પાડવામાં આવે છે.

જ્યારે મસ્જિદો દૂર કરવાની માગ કરી

ગયા વર્ષે તેમણે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં ધાર્મિક સ્થળો અંગેના કાયદાને રદ કરીને પૌરાણિક મંદિરોને તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોને દૂર કરવાની માગ કરી હતી.

પોતાની આ માગ સાથે તેમણે ઉત્તર પ્રદેશનાં મથુરા, જૌનપુર તેમજ ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને નવી દિલ્હીમાં આવેલી જગ્યાઓની યાદી પણ સોંપી હતી.

અયોધ્યાના રામમંદિરનો કેસ જ્યારે કોર્ટમાં હતો, તે સમયે વસીમ રિઝવીએ કહ્યું હતું કે મંદિર અયોધ્યામાં બનવું જોઈએ અને મસ્જિદ લખનૌમાં બનવી જોઈએ. તેમના આ નિવેદનને લઈને પણ વિવાદ થયો હતો.

આ સિવાય ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયા બાદ તેમણે 3 વર્ષની સજાનો વિરોધ કરીને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવા માટે માગ કરી હતી.

નવેમ્બર 2020માં વક્ફ બોર્ડની સંપત્તિને સગેવગે કરવાના આરોપસર તેમના વિરૂદ્ધ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં અગાઉ ઉત્તર પ્રદેશના એક પોલીસમથકમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, રિઝવીએ પોલીસ તેમજ સીબીઆઈ કાર્યવાહીને એક 'કાવતરું' ગણાવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો