અયોધ્યા-બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: લાંબા કાનૂની દાવપેચમાં ક્યારે શું થયું?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે, લખનૌથી

6 ડિસેમ્બર, 1992ના રોજ સોળમી સદીમાં બનેલી બાબરી મસ્જિદને કારસેવકોની એક ભીડે તોડી પાડી. આ ઘટનાને લઈને દેશમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો અને હજારો લોકો આ હિંસાનો ભોગ બન્યાં.

બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ પછી તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવે મસ્જિદ ફરી બનાવવાની ઘોષણા કરી અને દસ દિવસ પછી મસ્જિદ તોડી પાડવાના કથિત ષડ્યંત્રની તપાસ માટે જસ્ટિસ એમએસ લિબ્રહાનના વડપણ હેઠળ પંચનું ગઠન કર્યું.

તપાસપંચે 17 વર્ષ પછી પોતાનો અહેવાલ રજૂ કર્યો પરંતુ અદાલતમાં આ કેસનો નિર્ણય આવવામાં એટલી વાર લાગી કે સુપ્રીમ કોર્ટે એ સ્થળે મંદિર બનાવવાનો આદેશ પણ આપી દીધો છે અને મંદિરનિર્માણની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે.

6 ડિસેમ્બર, 1992ના રોજ અનેક દિવસથી અયોધ્યામાં કારસેવા માટે રોકાયેલા કરસેવકોએએ મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડ્યું અને ત્યાં એક અસ્થાયી મંદિરની સ્થાપના કરી દીધી. એ જ દિવસે આ કેસમાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ.

પહેલી ફરિયાદ 197/1992 તમામ કરસેવકો સામે હતી. આ ફરિયાદમાં એમના પર ચોરી, લૂંટ, ઈજા પહોંચાડવી, સાવજનિક ઇબાદતની જગ્યાને નુકસાન કરવું, ધર્મને આધારે નફરત ફેલાવવી જેવા આરોપ મૂકવામાં આવ્યા હતા.

બીજી ફરિયાદ 198/1992 ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસ સાથે સંકળાયેલા એ આઠ લોકો સામે હતી જેમણે રામ કથા પાર્કમાં મંચ પરથી કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું.

આ પોલીસ ફરિયાદમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, વીએચપીના એ સમયના અધ્યક્ષ અશોક સિંઘલ, બજરંગ દળના નેતા વિનય કટિયાર, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા, મુરલી મનોહર જોશી, ગિરિરાજ કિશોર અને વિષ્ણુ હરિ દાલમિયાનું નામ હતું.

પ્રથમ પોલીસ ફરિયાદના કેસની તપાસ પાછળથી સીબીઆઈને સોંપી દેવામાં આવી જ્યારે બીજી પોલીસ ફરિયાદમાં નોંધાયેલા ગુનાની તપાસ ઉત્તર પ્રદેશ સીઆઈડીને સોંપવામાં આવી.

વર્ષ 1993માં બેઉ પોલીસ ફરિયાદને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી. કારસેવકો સામેની પોલીસ ફરિયાદ ક્રમાંક 197ની સુનાવણી માટે લલિતપુરમાં ખાસ અદાલતનું ગઠન કરવામાં આવ્યું. અડવાણી સમેત અન્ય સામેની પોલીસ ફરિયાદ ક્રમાંક 198/1992ને સુનાવણી માટે રાયબરેલીની ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવી.

આ દરમિયાન પીવી નરસિમ્હા રાવની કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા રામલલાની સુરક્ષાના નામે અંદાજે 67 એકર જમીનનું અધિગ્રહણ કરી લીધું. 7 જાન્યુઆરી, 1993ના એ વટહુકમને સંસદમાં મંજૂરી પછી કાનૂનમાં તબદિલ કરવામાં આવ્યો.

બાબરી વિધ્વંસ કેસ પછી નિમાયેલ લિબ્રહાન તપાસપંચને અહેવાલ રજૂ કરવા માટે મહત્તમ ત્રણ માસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેની અવધિ સમયે સમયે વધતી રહી.

17 વર્ષમાં તપાસપંચનો કાર્યકાળ 48 વાર વધારવામાં આવ્યો. જસ્ટિસ લિબ્રહાન તપાસપંચે 30 જૂન, 2009ના રોજ એમનો અહેવાલ ગૃહમંત્રાલયને સોંપ્યો. આ દરમિયાન તપાસપંચના કામકાજ પર અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

બાબરી મસ્જિદ વિધ્વંસ તપાસ અહેવાલમાં લિબ્રહાન તપાસપંચે કહ્યું કે મસ્જિદને એક મોટી સાજિશના ભાગરૂપે તોડી પાડવામાં આવી હતી. તપાસપંચે સાજિશમાં સામેલ લોકો સામે કેસ ચલાવવાની ભલામણ કરી.

બાબરી વિધ્વંસ કેસમાં એ જ દિવસે દાખલ કરાયેલી બે મહત્ત્વની પોલીસ ફરિયાદ ઉપરાંત 47 અન્ય ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પત્રકારો સાથે મારપીટ, લૂંટ વગેરે આરોપ હતા. પાછળથી આની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી.

આને માટે અલાહાબાદ હાઈકોર્ટની સલાહ પર લખનઉમાં અયોધ્યા કેસોને માટે એક વિશેષ અદાલતનું ગઠન થયું. જોકે, એની કાર્યસૂચિમાં બીજી પોલીસ ફરિયાદનો ઉલ્લેખ ન હતો.

મતલબ, અડવાણી સમેત નેતાઓ જેમાં આરોપી છે એ પોલીસ ફરિયાદ ક્રમાંક 198/1992નો કેસ રાયબરેલીમાં જ ચાલતો રહ્યો. સાથે જ કેસને ટ્રાન્સફર કરતાં અગાઉ એમાં કલમ 120-બી એટલે કે અપરાધિક સાજિશને પણ જોડવામાં આવી હતી. મૂળ પોલીસ ફરિયાદમાં એ કલમ ન હતી.

5 ઑક્ટોબર, 1993માં સીબીઆઈએ પોલીસ ફરિયાદ ક્રમાંક 198ને પણ સામેલ કરી એક સંયુક્ત આરોપનામું દાખલ કર્યું, કેમ કે બેઉ કેસ એકમેક સાથે સંબંધિત હતા.

આ આરોપનામામાં બાલ ઠાકરે, કલ્યાણ સિંહ, ચંપત રાય, ધરમદાસ, મહંત નૃત્ય ગોપાલ દાસ અને અન્ય કેટલાક આરોપીઓનું નામ જોડવામાં આવ્યું.

8 ઑક્ટોબર, 1993ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે કેસોના ટ્રાન્સફર માટે નવી અધિસૂચના જાહેર કરી, જેમાં બાકી કેસો સાથે 8 નેતાઓ સામેની પોલીસ ફરિયાદ ક્રમાંક 198/1992ને પણ જોડી દેવામાં આવી.

આનો અર્થ એ હતો કે મસ્જિદ વિધ્વંસ સાથે સંબંધિત તમામ કેસોની સુનાવણી લખનઉની સ્પેશિયલ કોર્ટમાં થશે.

વર્ષ 1996માં લખનઉની વિશેષ અદાલતે તમામ કેસોમાં ગુનાહિત સાજિશની કલમ જોડવાનો આદેશ આપ્યો. આ મામલાઓમાં સીબીઆઈએ એક પૂરક ચાર્જશીટ ફાઇલ કરી અને એ નિર્ણય પર પહોંચી તે લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ નેતાઓ પર ગુનાહિત સાજિશના આરોપો નિયત કરવા માટે પહેલી નજરે પર્યાપ્ત પુરાવાઓ છે.

વિશેષ અદાલતે આરોપ નિર્ધારણના પોતાના આદેશમાં કહ્યું કે, તમામ કેસો એક કૃત્ય સંબંધિત છે એટલે તમામ કેસોનો સંયુક્ત કેસ ચલાવાવનો પૂરતો આધાર છે. જોકે, લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓએ આને હાઈકોર્ટમાં પડકાર્યો.

હાઈકોર્ટે તમામ કેસોની સંયુક્ત ચાર્જશીટને તો યોગ્ય માની પરંતુ એ પણ કહ્યું કે લખનઉની વિશેષ અદાલતને આઠ નામજદ આરોપીઓવાળો બીજો કેસ સાંભળવાનો અધિકાર નથી કેમ કે અધિસૂચનામાં એ કેસ નંબર સામેલ ન હતો. સરળ શબ્દોમાં કહીએ તો અડવાણી અને અન્ય હિંદુ નેતાઓ સામેનો કેસ કાનૂની દાવપેચ અને ટૅકનિકલ કારણોમાં અટવાઈ ગયો.

આરોપીઓના વકીલ એ સાબિત કરવામાં કામિયાબ રહ્યા કે ઉત્તર પ્રદેશ સરકારની ચૂકને કારણે એમની સામે ખોટી રીતે આરોપ મૂકવામાં આવ્યા છે.

આ કથિત તંત્રની ચૂકનો ઉપયોગ અડવાણી અને અન્ય આરોપીઓએ કેસમાં ગુનાહિત સાજિશનો જે આરોપ હતો તેને હઠાવવા માટે કર્યો, કેમ કે ગુનાહિત સાજિશની વાત પોલીસ ફરિયાદ ક્રમાંક 197/1992ના કેસોમાં કરવામાં આવી હતી.

હાઈકોર્ટે સીબીઆઈને કહ્યું કે જો એમની પાસે અડવાણી અને અન્ય લોકો સામે ગુનાહિત સાજિશ અંગે પૂરતા પુરાવા હોય તો રાયબરેલી કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરે.

વર્ષ 2003માં સીબીઆઈએ પોલીસ ફરિયાદ ક્રમાંક 198માં આઠ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી. જોકે, બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ગુનાહિત સાજિશના આરોપને સીબીઆઈ આમાં ન જોડી શકી, કારણ કે બાબરી મસ્જિદ તોડી પાડવાની સાજિશવાળી ફરિયાદ 197 અને ઉશ્કરેણીજનક ભાષણની ફરિયાદ 198 બેઉ અલગ-અલગ હતી.

આ દરમિયાન રાયબરેલી કોર્ટે લાલકૃષ્ણ અડવાણી એક અરજી સુનાવણી માટે સ્વીકારી અને એમની સામેના આરોપને રદ કરતાં કહ્યું કે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવાઓ નથી.

એ પછી વર્ષ 2005માં અલાહાબાદ હાઈકોર્ટે રાયબરેલી કોર્ટનો આદેશ રદ કરી દીધો અને કહ્યું કે અડવાણી અને અન્ય સામેનો કેસ ચાલશે.

આ કેસ અદાલતમાં આગળ જરૂર વધ્ચો પરંતુ એમાં ગુનાહિત સાજિશનો આરોપ ન હતો. વર્ષ 2005માં રાયબરેલી અદાલતે આ મામલે આરોપ નક્કી કર્યા અને 2007માં આ કેસમાં પહેલી જુબાની થઈ.

આના બે વર્ષ પછી લિબ્રહાન તપાસપંચે પોતાની 900 પાનાની રિપોર્ટ સોંપ્યો જેને પાછળથી સાર્વજનિક કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં બાબરી મસ્જિદ વિધ્વંસ માટે સંઘ પરિવાર, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ભાજપના એ નેતાઓને જવાબદાર માનવામાં આવ્યા.

વર્ષ 2010માં બેઉ કેસોને અલગ કરવાનો નીચલી અદાલતનો નિર્ણય અલાહાબાદ હાઈકોર્ટે બરકરાર રાખ્યો. વર્ષ 2011માં આ મામલામાં હાઈકોર્ટના નિર્ણય સામે સીબીઆઈએ ફેરવિચારણા અરજી દાખલ કરી.

હાઈકોર્ટે કહ્યું કે મામલામાં બે પ્રકારના આરોપીઓ હતા. એક, એ નેતાઓ જે મસ્જિદથી 200 મીટર દૂર મંચ પરથી કરસેવકોને ભડકાવી રહ્યા હતા અને બીજા કરસેવકો પોતે. મતલબ, એલ. કે. અડવાણી અને અન્ય નેતાઓના નામ ગુનાહિત સાજિશમાં જોડી ન શકાય.

આ નિર્ણયની સામે સીબીઆઈએ 2011માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 20 માર્ચ 2012ના રોજ એક સોગંદનામું દાખલ કર્યું જેમાં બેઉ કેસોની એક સાથે સુનાવણીની દલીલ કરી. આ કેસમાં 2015માં સુપ્રીમ કોર્ટે અડવાણી સમેત નેતાઓને નોટિસ પાઠવી સીબીઆઈની અરજી પર જવાબ રજૂ કરવા કહ્યું.

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય રદ કરી દીધો અને સાજિશનો આરોપ ફરી લગાવવાની અને બેઉ કેસોની એક સાથે સુનાવણી કરવાની પરવાનગી આપી. સુપ્રીમ કોર્ટે આ ગતિરોધને કાયમ માટે ખતમ કરતા અડવાણી સમેત 20 અન્ય લોકો સામે ગુનાહિત સાજિશનો આરોપ ફરીથી લગાવવાનું ઠેરવ્યું.

સુપ્રીમ કોર્ટના એ આદેશની એક ખાસ વાત એ હતી કે કોર્ટે સુનાવણી પૂર્ણ કરવા માટે એક ચોક્કસ ડેડલાઇન નિયત કરી દીધી.

એ ડેડલાઇન બે વર્ષની હતી જે ગત વર્ષે એપ્રિલમાં પૂર્ણ થઈ હતી જેને પાછળથી નવ મહિના માટે વધારવામાં આવી. કોરોના સંકટને જોઈ સુપ્રીમ કોર્ટે તેને ફરી વધારી અને દરરોજ સુનાવણી કરીને 31 ઑગસ્ટ સુધી કાર્યવાહી પૂર્ણ કરવા નિદેશ આપ્યો.

આ રીતે બાબરી મસ્જિદ વિધ્વંસ કાંડમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા જેમાંથી 17 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. બાકી બચેલા લોકોની સીબીઆઈએ તપાસ પૂર્ણ કરી લીધી છે અને એમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, રામવિલાસ વેદાંતી, સાધ્વી ઋતુંભરા, ચંપત રાય, નૃત્યગોપાલ દાસ વગેરે લોકોનાં નામ સામેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો