બાબરી મસ્જિદનું તાળું રાજીવ ગાંધીએ કોઈ ડીલ હેઠળ ખોલાવ્યું હતું?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

"બાબરી મસ્જિદનું તાળું રાજીવ ગાંધીના કહેવા પર ખોલાવવા અને તેનો ઉપયોગ શાહબાનો કેસ( મુસ્લિમ તુષ્ટીકરણ) વિરુદ્ધ રામમંદિર' કરવાની વાત બિલકુલ ખોટી છે. સાચું તો એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાનને 1 ફેબ્રુઆરી 1986ના દિવસે અયોધ્યામાં જે થયું એ વિશે કંઈ જ ખબર ન હતી અને અરુણ નહેરુને મંત્રીપદેથી હઠાવવાનું પણ આ જ કારણ હતું."

આ વાત રાજીવ ગાંધીના વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)માં તે સમયના સંયુક્ત સચિવ અને દૂન સ્કૂલમાં એમના જુનિયર રહેલા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાહે બીબીસી સાથેની એક ખાસ વાતચીતમાં કહી.

તારીખ એક ફેબ્રુઆરી 1986ના દિવસે જિલ્લા ન્યાયાધીશ કે. એમ. પાંડેયે હજુ એક દિવસ પહેલાં એટલે કે 31 જાન્યુઆરી 1986એ દાખલ કરાયેલી એક અપીલ પર સુનાવણી કરતાં લગભગ 37 વર્ષથી બંધ પડેલી બાબરી મસ્જિદના દરવાજા ખોલાવી દીધા હતા.

ધારણા છે કે રાજીવ ગાંધીની સરકારે (ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસની સરકાર હતી) બાબરી મસ્જિદનું તાળું એટલા માટે ખોલાવ્યું હતું કારણકે એણે મુસ્લિમ તલાક મેળવેલ મહિલા શાહબાનોના કેસને સંસદમાં કાયદો લાવી સુપ્રીમ કોર્ટે ગુજરાન ભથ્થાના મામલે આપવામાં આવેલા નિર્ણયને પલટાવી નાખ્યો હતો.

આ સમગ્ર મામલાને કૉંગ્રેસની રાજકીય સોદેબાજી ગણાવાય છે.

જોકે વજાહત હબીબુલ્લાહ કહે છે કે શાહબાનો કેસમાં કાયદા (મુસ્લિમ તુષ્ટીકરણ)ના બદલામાં હિંદુઓને ખુશ કરવા માટે વિવાદિત બાબરી મસ્જિદનું તાળું ખોલાવ્યાની વાત બિલકુલ ખોટી છે.

તેઓ કહે છે, "પહેલી ફેબ્રુઆરી 1986એ અરુણ નહેરુ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી વીર બહાદુર સિંહ સાથે લખનૌમાં હાજર હતા."

એમ. જે. અકબરની ભૂમિકા?

રાજીવ ગાંધી સરકારે મે 1986માં મુસ્લિમ મહિલા (વિવાહ વિચ્છેદ પર અધિકાર સંરક્ષણ) કાયદો લાગુ કર્યો હતો.

માનવામાં આવ્યું હતું કે કાયદો 30 એપ્રિલ 1985એ શાહબાનો કેસમા આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયને નિરસ્ત કરવા માટે લાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની ધારા-125 હેઠળ તલાક મળ્યો હોય એવી પત્ની પતિ પાસે ભરણપોષણ માટે પૈસા માગી શકે છે, જે મુસલમાનો પર પણ લાગુ થાય છે.

કોર્ટે કહ્યું હતું કે સૅક્શન-125 અને મુસ્લિમ પર્સનલ લૉ વચ્ચે કોઈ પણ પ્રકારનો ટકરાવ નથી.

વજાહત હબીબુલ્લાહે બીબીસી સમક્ષ પોતાની એ વાતને પણ દોહરાવી જેમાં તેમણે દાવો કર્યો હતો કે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને કાયદો લાવીને બદલવાની સલાહ તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીને નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્વ વિદેશ રાજ્યમંત્રી અને વર્તમાન રાજ્યસભા સાંસદ એમ. જે. અકબરે આપી હતી.

એમ. જે. અકબર ત્યારે બિહારના કિસનગંજથી કૉંગ્રેસ પાર્ટીના સાંસદ હતા.

ભારતમાં અનેક મોટા સમાચારપત્રોમાં છપાયેલા વજાહત હબીબુલ્લાહના આ દાવાનું પૂર્વ વિદેશ રાજ્યમંત્રીએ આજ સુધી ખંડન નથી કર્યું.

નહેરુ-ગાંધી પરિવારના અન્ય સભ્યોને નજીકથી જાણનારા વજાહત હબીબુલ્લાહનું રાજીવ ગાંધી સાથે વિતાવેલા સમયનું સંસ્મરણ જલદી જ પ્રકાશિત થવાનું છે.

અયોધ્યા મામલે વજાહત હબીબુલ્લા કહે છે, "ગુજરાતની મુલાકાતે જતી વખતે મેં વડા પ્રધાન સામે બાબરી મસ્જિદનું તાળું ખોલાવવાની વાત ઉઠાવી જેના પર એમણે કહ્યું કે એમને આ મામલાની જાણકારી કોર્ટનો આદેશ આવી ગયા પછી થઈ અને અરુણ નહેરુએ એમની સાથે કોઈ પણ પ્રકારના કોઈ વિચાર-વિમર્શ કર્યો નહોતો."

અરુણ નહેરુ રાજીવ ગાંધી સરકારમાં ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હતા.હબીબુલ્લાહ યાદ કરે છે, "નહેરુ-ગાંધી પરિવારના સભ્ય અને 'હેવી વેઇટ મંત્રી' ગણાતાં અરુણ નેહરુનું ખાતું છીનવાઈ જવાનું આ જ કારણ હતું. લોકો એનો અર્થ રક્ષા સોદા અને અન્ય મામલાઓ સાથે જોડીને કરી શકે છે."

જો કે હબીબુલ્લાહ માને છે કે શાહબાનો ભરણપોષણ ભથ્થાનો મામલો હિંદુ-મુસ્લિમ મુદ્દામાં પરિવર્તિત થઈ ગયો હતો.

અંગ્રેજી સમાચારપત્ર 'ધ સ્ટેટ્સમૅન'માં સમગ્ર મામલાને રિપોર્ટ કરતાં નીરજા ચૌધરીએ તે સમય લખ્યું હતું, "ચૂંટણીલક્ષી ફાયદા માટે સરકાર જે રીતે બંને સમુદાયોના તુષ્ટીકરણની નીતિને અપનાવવાની કોશિશ કરી રહી છે તેની બરાબરી શોધવી ખૂબ જ મુશ્કેલ હશે."

નીરજા ચૌધરીએ આ મામલે સતત રિપોર્ટિંગ કર્યું હતું.

1984માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસને 49 ટકા વોટ મળ્યા હતા અને 404 બેઠકો મળી હતી, જ્યારે કે ભાજપ માત્ર આઠ ટકા વોટમાં સમેટાઈ ગયો હતો.

'સ્ક્રોલ' નામની વેબસાઇટને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં કેરળના વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીને નવો કાયદો લાવવા માટે કૉંગ્રેસના નેતા નઝમા હેપતુલ્લાહે રાજી કર્યા હતા.

નઝમા હેપતુલ્લાહ પછીથી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. આરિફ મોહમ્મદ ખાને પણ પછીથી ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ગાંધી-નહેરુ પરિવારના નિકટના રહેલા કૉંગ્રેસ નેતા કમલનાથે થોડા દિવસો પહેલાં જ નિવેદન આપ્યું છે કે બાબરી મસ્જિદનું તાળું ખોલાવવામાં રાજીવ ગાંધીની ભૂમિકા હતી.

બીબીસીના ભૂતપૂર્વ સંવાદદાતા અને અયોધ્યા સાથે જોડાયેલા મામલાઓને ખૂબ જ નજીકથી જોનારા રામદત્ત ત્રિપાઠી માને છે કે મુસ્લિમ તુષ્ટીકરણ થઈ રહ્યું છે, એવી ભાવના હિંદુ સમાજના એક મોટા વર્ગનાં મનમાં ઉત્પન્ન થઈ ગઈ હતી.

તેઓ કહે છે કે બાબરી મસ્જિદ મામલામાં રાજીવ ગાંધી સરકાર પર અનેકતરફી દબાણ હતું.

તેમના અનુસાર શંકરાચાર્ય સ્વરૂપાનંદ રામમંદિર મામલા પર કોઈ પ્રકારના નિર્ણય માટે દબાણ કરી રહ્યા હતા અને રામચંદ્ર પરમહંસની આત્મહત્યાની ધમકી માથા પર તલવારની જેમ લટકી રહી હતી.

રામચંદ્ર પરમહંસે ધમકી આપી હતી કે જો આવતા વર્ષની રામનવમી સુધી 'જન્મસ્થાન'નું તાળું ન ખોલવામાં આવ્યું તો તેઓ આત્મદાહ કરી લેશે.

બુધવાર 5 ઑગસ્ટ 2020ના દિવસે અયોધ્યામાં થયેલા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામચંદ્ર પરમહંસને પોતાના ભાષણ દરમિયાન યાદ પણ કર્યા હતા.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ 1984માં બનેલી રામરાજ્ય પરિષદના અધ્યક્ષ રહ્યા છે.

1952 પછીના કેટલીક ચૂંટણીઓમાં મામૂલી સફળતા મેળવનારા તેમના રાજકીય સંગઠને સ્થાપના પછી રામજન્મભૂમિના મુદ્દે કાર્યક્રમ પણ કર્યા હતા.

જોકે તેમના પક્ષનો પછીથી જનસંઘમાં વિલય થઈ ગયો હતો, પરંતુ સ્વામી સ્વરૂપાનંદ કૉંગ્રેસના નિકટના માનવામાં આવે છે.

રાજીવ ગાંધી પર દબાણ?

રામદત્ત ત્રિપાઠી કહે છે કે એ સમયે ફૈઝાબાદના એક સ્થાનિક વકીલ ઉમેશચંદ્રે જાન્યુઆરી 1986ના દિવસે અદાલતમાં ગેટ ખોલવાની માગ લઈને અરજી દાખલ કરી દીધી.

જેને જજે એમ કહીને રદ કરી દીધી કે કેસથી જોડાયેલા બધાં કાગળો હાઈકોર્ટમાં પડ્યાં છે, જેને જોયા વગર એની ઉપર કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો મુશ્કેલ છે.

ઉમેશચંદ્રે આના વિરુદ્ધ 31 જાન્યુઆરી 1986એ જિલ્લા ન્યાયાધીશ સામે અપીલ કરી દીધી અને જજ કે. એમ. પાંડેયે પછીના દિવસે જ નિર્ણય સંભળાવી દીધો.

ફૈઝાબાદના નિવાસી અને બાબરી મસ્જિદ મામલાના એક પક્ષકારના સાથે જોડાયેલા નામજોગ વ્યક્તિ ખાલિદ અહમદ ખાનનું કહેવું છે કે ઉમેશચંદ્ર વિશ્વ હિંદુ પરિષદના નિકટ હતા.

રામદત્ત ત્રિપાઠી પ્રમાણે અરજીનું ડ્રાફ્ટિંગ સુધ્ધા એક એવા વકીલ પાસે કરાવવામાં આવ્યું હતું, જેઓ લાંબા સમયથી વિવાદિત સ્થળના કેસ હિંદુ પક્ષ તરફથી જોતા હતા.

1984ની ચૂંટણીમાં આરએસએસના રાજકીય સંગઠન ભારતીય જનતા પાર્ટીને માત્ર બે બેઠકો મળી હતી અને અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ ચૂંટણી હારી ગયા હતા.

અનેક જગ્યાએ છપાયેલા લેખમાં પૂર્વ જજ પાંડેયના હવાલાથી કહેવાયું છે કે નિર્ણયને લઈને એમની સામે અનેક સંકેત ઊભર્યાં હતાં.

જેમાં એમણે એ દિવસે કોર્ટ પરિસરમાં હાજર એક વાંદરાનો પણ ઉલ્લેખ કર્યો છે. પરંતુ એ પણ રેકર્ડમાં નોંધાયું છે કે જિલ્લા જજે સ્થાનિક વહીવટી તંત્રને કાયદો-વ્યવસ્થાને લઈને મત પૂછ્યો હતો, જેના પર એમને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે તાળું ખોલતા એમાં કોઈ પ્રકારની ગરબડ નહીં થાય.

વિશ્લેષકો માને છે કે દાયકાઓ સુધી અદાલતમાં પડતર આટલા વિસ્ફોટક મામલામાં ફૈઝાબાદ વહીવટીતંત્ર પોતાના બળ પર આટલો મોટો નિર્ણય લઈ શકતું ન હતું જ્યાં સુધી ઉપરથી ઑર્ડર ન મળે.

30 ડિસેમ્બર 1949માં મસ્જિદમાં ગેરકાયદેસર મૂર્તિ મૂકી દેવાયા પછી તેનું તાળું બંધ હતું અને મામલો હાઈકોર્ટમાં પડતર હતો.

ફૈઝાબાદ જિલ્લા જજના નિર્ણય પર લખનૌ હાઈકોર્ટેની સ્પેશિયલ બૅન્ચે વર્ષ 2010ના પોતાના નિર્ણયમાં કડક આપત્તિ દર્શાવી હતી અને એને ન માત્ર ગેરકાયદે ગણાવ્યો, પણ સાથે ત્યાં સુધી કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી 1986એ લેવાયેલો નિર્ણય 6 ડિસેમ્બર 1992ના દિવસે થયેલા મસ્જિદ વિધ્વંસની શરૂઆત હતી.

એ સમયે રાજીવ ગાંધીના મંત્રીમંડળના સભ્ય રહેલા અને શાહબાનો બિલનો વિરોધ કરવાને કારણે એ સમયે પાર્ટીનો પ્રગતિશીલ મુસ્લિમ ચહેરો બનીને ઊભરેલા આરિફ મોહમ્મદ ખાને મુસ્લિમ મહિલા (વિવાહ પર અધિકાર સંરક્ષણ) બિલને 25 ફેબ્રુઆરી 1986ના દિવસે સંસદમાં રજૂ કરવાના સમયનો ઉલ્લેખ કરતાં પોતાના લેખમાં આ મામલે 'ડીલની વાત'નો દાવો કર્યો છે.અંગ્રેજી અખબાર 'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'માં છપાયેલ આ લેખમાં કહેવાયું છે, "પીએમએ જાન્યુઆરી 1986ના બીજા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે પર્સનલ લૉ બોર્ડ (મુસ્લિમ) સાથે એ વાત પર સહમતિ બની ગઈ છે કે શિયાળુ સત્રમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટતો એક ખરડો રજૂ કરાશે."

"આ સૅશન પાંચ ફેબ્રુઆરી, 1986ના દિવસે શરૂ થઈ રહ્યું હતું. આ ઘોષણાને લઈને એટલો બધો વિરોધ થયો કે સરકાર શાહબાનો કેસથી લોકોનું ધ્યાન હઠાવવા માટે કોઈ બૅલેન્સિંગ ઍક્ટને લઈને વિચારવા લાગી અને આ પરિપ્રેક્ષ્યમાં અયોધ્યા સામે હતું, જ્યાં કેન્દ્ર સરકારના આદેશ પર ઉત્તર પ્રદેશ સરકારે વિવાદિત સ્થળનું તાળું ખોલવાની વ્યવસ્થા કરી."

એ સમયે એક માત્ર ટૅલિવિઝન ચેનલ દૂરદર્શન પર તેને દેખાડવાને લઈને પણ મોટા સવાલ ઊઠ્યા હતા અને કહેવાયું હતું કે તાળું ખોલવાની ઘટનાને તાત્કાલિક સરકારી માધ્યમ પરથી પ્રસારિત કરવાનો અર્થ છે, કેન્દ્ર સરકારને સમગ્ર ઘટનાની જાણ પહેલાંથી જ હતી.

નિર્ણયના 40 મિનિટ પછી જ એના પર અમલ

ફૈઝાબાદ જિલ્લા જજે સાંજે 4:20 મિનિટે પોતાનો નિર્ણય સંભળાવ્યો અને બરાબર 24 મિનિટ પછી સાંજે 5:01 વાગ્યે તાળું ખોલી દેવાયું અને દૂરદર્શનની સમગ્ર ટીમ પહેલેથી હાજર હતી એ ઘટનાને ફિલ્માવવા માટે જેને સાંજે સમાચારમાં દેખાડવામાં આવ્યું.

જિલ્લા જજે પણ તમામ પક્ષોને પોતાના નિર્ણયની કૉપી પણ નહોતી આપી અને જજની કચેરીથી બાબરી મસ્જિદનું અંતર લગભગ સાત કિલોમિટર છે.

ત્યાં સુધી કે તાળાની ચાવી જે સરકારી અધિકારી પાસે હતી, ના તો એને ખબર આપવામાં આવી અને ના તો એના આવવાની રાહ જોવામાં આવી અને તાળું તોડી નાખવામાં આવ્યું હતું.

પછીથી કૉંગ્રેસની સરકારે જિલ્લા જજના નિર્ણયને ઉપલી અદાલતમાં પડકાર્યો નહીં એનાથી પણ લોકોને કૉંગ્રેસની નિયત પર શંકા જાય છે.

લેખક અને રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈ કહે છે કે આ મુદ્દે તે સમયના કેન્દ્રીય સૂચના અને પ્રસારણમંત્રીને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

એ સમયે સંસદની સમગ્ર કાર્યવાહીને યાદ કરતાં રશીદ કિદવઈ કહે છે કે ત્યારે કૉંગ્રેસના જ આરિફ મોહમ્મદ ખાન અને ઝિયા ઉર રહેમાન અંસારી સમગ્ર મામલે બે અલગ-અલગ પક્ષે ઊભા હતા.

ઝિયા ઉર રહેમાન અંસારીના પુત્ર ફઝીઉર રહેમાને પોતાના પુસ્તક 'વિંગ્ઝ ઑફ ડૅસ્ટિની : ઝિયા ઉર રહેમાન અંસારી - અ લાઇફ'માં ઉલ્લેખ કર્યો છે કે તેમના પિતાએ રાજીવ ગાંધી પર દબાણ બનાવ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને પલટવાવાળો કાયદો લાવે.

ફઝીઉર રહેમાનનો દાવો છે કે એમના ધર્મની ભાવનાથી ઓતપ્રોત ઝિયા ઉર રહેમાન અંસારી આ મામલે રાજીનામું આપવા સુધી તૈયાર હતા. તેઓ રાજીવ ગાંધીને કાયદો લાવવા માટે રાજી કરવામાં સફળ રહ્યા હતા.

કૉંગ્રેસમાં તમામ વિચારધારાના લોકો

જોકે 'સ્ક્રોલ' ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં આરિફ મોહમ્મદ ખાન કહે છે કે એમ વિચારવું યોગ્ય નથી કે રાજીવ ગાંધીના વિચારને બદલવામાં ઝિયા ઉર રહેમાન અંસારીનો હાથ હતો.

નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2017માં જ્યારે નવું મુસ્લિમ મહિલા (વિવાહ વિચ્છેદ પર અધિકાર સંરક્ષણ) બિલ લાવી તો એના પક્ષમાં ભાષણ આપનારાઓમાં રાજીવ ગાંધીના નજીકના રહેલા અને ભાજપના સાંસદ એમ. જે. અકબર સામેલ હતા.

રશીદ કિદવઈ કહે છે કે કૉંગ્રેસમાં આઝાદીની લડાઈથી અત્યાર સુધીમાં સામ્યવાદીથી માંડીને જમણેરી વિચારધારાવાળા લોકો રહ્યા છે અને હજી સુધી હાજર છે.

જ્યાં કાશ્મીરમાં ધારા 370 હઠાવવાને લઈને માધવરાવ સિંધિયા (ત્યારે તેઓ કૉંગ્રેસમાં હતા)થી લઈને રાહુલ ગાંધીના વિચારો અલગ-અલગ હોઈ શકે છે, તો 1986માં જે થયું એને પણ એ જ પ્રકાશમાં જોઈ શકાય છે.

તેઓ કહે છે, "જો રાજકીય સોદાબાજીની વાતને સાચી પણ માની લઈએ તો કૉંગ્રેસના હાથમાંથી ત્યારથી લઈને અત્યાર સુધી ઉત્તર પ્રદેશથી લઈને બિહાર અને બીજા અનેક રાજ્યો નીકળી ગયાં છે અને બીજું કંઈ નહીં તો મુસ્લિમ તો તેનાથી ખૂબ દૂર થઈ ચૂક્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો