You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ વિમાનદુર્ઘટના : બે પાઇલટ સહિત 18નાં મૃત્યુ, 160 ઈજાગ્રસ્ત હૉસ્પિટલમાં દાખલ
કેરળના કાલીકટમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસનું બૉઇંગ-737 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.
આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં બે પાઇલટનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કૅબિન ક્રૂના તમામ ચાર સભ્યો સુરક્ષિત છે.
વિમાન દુબઈથી આવી રહ્યું હતું અને તેમાં દસ બાળકો સહિત 190 લોકો સવાર હતા.
વિમાનદુર્ઘટનાનો ભોગ બનેલા 18માંથી એક કોરોના પૉઝિટિવ
કોઝિકોટ વિમાનદુર્ઘટનાનો ભોગ બનેલા 18 લોકોમાંથી એક કોરોના પૉઝિટિવ આવ્યા છે, જ્યારે મૃતકોમાંથી એક પણ કોરોના પૉઝિટિવ હોવાની આશંકા છે.
કેરળ સરકારના મંત્રી કે.ટી. જલીલે બીબીસીને જણાવ્યું, "18 લોકોનાં કોરોના પરીક્ષણ કરાયાં હતાં. જેમાંથી આઠનાં પરિણામ આવી ગયાં છે. આમાંથી એક વ્યક્તિ કોરોના પૉઝિટિવ છે અને એક પૉઝિટિવ હોવાની શંકા છે. બાકીનાં પરીક્ષણોની અમે રાહ જોઈ રહ્યા છીએ. પોલીસતપાસ પૂરી થયા બાદ અમે બાકીના બીજા લોકોનાં કોરોના પરીક્ષણો કરાવીશું."
આ વચ્ચે કેરળનાં આરોગ્યમંત્રી કે.કે. શૈલજાએ એ રાહતકર્મીઓને ક્વૉરેન્ટીન થવા કહ્યું છે, જે કોરોના મહામારી સંબંધિત પ્રૉટોકોલને તોડીને લોકોનો જીવ બચાવવામાં જોતારાયા હતા.
કોઝિકોડમાં વિમાનદુર્ઘટના થયા બાદ મોટી સંખ્યાં સ્થાનિક લોકો, ઍરપૉર્ટ સ્ટાફ, સ્વયંસેવકો, આરોગ્યકર્મી, ફાયર-ફાઇટર, સુરક્ષાકર્મી, અધિકારી અને મીડિયાકર્મી એકઠા થઈ ગયા હતા.
શૈલજાએ એક નિવેદનમાં કહ્યું છે, "ખોટા પ્રૉપેગૅન્ડા ન ફેલાવો. તમામ બચાવકર્મીઓએ સાવચેતીના ભાગરૂપે સેલ્ફ ક્વોરૅન્ટીનમાં જતું રહેવું જોઈએ. તમામની તપાસ થશે. કોઈને પણ ગૅરંટી માનીને છોડી દેવામાં નહીં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍર ઇન્ડિયાએ જણાવ્યું છે કે એએઆઈબી, ડીજીસીએ અને ફ્લાઇટ સેફ્ટીવિભાગ દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ દિલ્હી-મુંબઈ, દુબઈ તથા કાલીકટ વચ્ચે સંયોજનનું કામ કરી રહી છે.
મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને શનિવારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 લોકોમાંથી સાત મહિલા અને ચાર બાળકો પણ સામેલ છે.
વિમાનમાં મોટા ભાગના એવા મુસાફરો સવાર હતા જેમના વિઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હતી અને નોકરી જતી રહી હતી.
વિમાનમાં સવાર 26 મુસાફરો એવા હતા જેઓ નોકરી ગુમાવી ચૂક્યા હતા અને અંદાજે 28 મુસાફરો એવા હતા કે જેમના વિઝા ઍક્સ્પાયર્ડ થઈ ચૂક્યા હતા.
આ પહેલાં શુક્રવારે રાતે કેન્દ્રીય વિદેશમંત્રી વી. મુરલીધરને બીબીસીના સહયોગી ઇમરાન કુરૈશીને જણાવ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ દુર્ઘટનામાં 11 મુસાફરોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં ચાલકદળના એક સભ્યનો પણ સમાવેશ થાય છે.
કેટલાક એવા મુસાફરો પણ હતા કે જે રજા ગાળવા દુબઈ ગયા હતા પણ કોવિડને પગલે ત્યાં જ ફસાઈ ગયા હતા.
આ વિમાન કાલીકટ ઍરપૉર્ટ પર લૅન્ડિંગ કરતી વખતે રનવેથી આગળ નીકળી ગયું.
વિમાનના બે ટુકડા થઈ ગયા હતા
શુક્રવાર સાંજે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ઍર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ કાલીકટ પહોંચ્યા છે.
ઍર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ઍરલાઇન્સના મૅનેજિંગ ડિરેક્ટર, સીઈઓ, સીઓઓ અને અન્ય અધિકારીઓ દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરો અને તેમના પરિવારની મદદ માટે મુંબઈ અને દિલ્હીથી બે વિશેષ રાહતવિમાન મોકલવામાં આવ્યાં છે.
નાગરિક ઉડ્ડયનમંત્રાલયના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના સાંજે સાત વાગ્યે અને 41 મિનિટ પર ઘટી.
ઍર ઇન્ડિયા એક્સપ્રેસે ટ્વીટ કરીને દુર્ઘટના પર અફસોસ જાહેર કર્યો છે અને સંબંધિત જાણકારી જાહેર કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ ડીજીસીએ(નાગરિક વિમાનન) મહાનિદેશાલયને ટાંકીને જણાવ્યું છે કે વિમાન લૅન્ડિંગ દરમિયાન ખીણમાં પડી ગયું અને તેના બે ટુકડા થઈ ગયા.
ડીજીસીએનું કહેવું હતું કે લૅન્ડિંગ વખતે વિઝિબિલિટી 2000 મીટર હતી.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનને જણાવ્યું, "પોલીસ અને ઍરફૉર્સને આ મામલે કોઝિકોડ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તત્કાલ પગલાં ભરવા કહ્યું છે."
"અધિકારીઓને રાહત કામગીરી અને મેડિકલ મદદ માટે તત્કાલ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપ્યા છે."
મળી રહેલી જાણકારી અનુસાર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે પણ તેમાં આગ નથી લાગી.
તમામ મુસાફરોને બચાવવા માટેનું અભિયાન ચાલુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
શાહે ટ્વિટર પર લખ્યું, "કેરળના કોઝિકટમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસની દુર્ઘટના અંગે જાણીને દુઃખી છું."
"એનડીઆરએફને ઘટનાસ્થળે તત્કાલ પહોંચવાના અને રાહતકામમાં મદદ કરવાના આદેશ આપ્યા છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "કોઝિકોડમાં ઘટેલી ભયાનક વિમાનદુર્ઘટના આઘાત લાગ્યો."
"અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિવારજનો અને મિત્રો માટે ઊંડી સંવેદના. ઈજાગ્રસ્તો વહેલા સાજા થઈ જાય એ માટે પાર્થના."
દુર્ઘટનાને પગલે યુએઈના શારજાહ, દુબઈમાં હેલ્પસેન્ટર ઊભા કરાયાં છે.
આ દુર્ઘટનાને લઈને કોઝિકોડના કલેક્ટરના નંબર 0495 - 2376901ને હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો