You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યામાં રામમંદિરની સફળતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ક્યાં લઈ જશે?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
અયોધ્યામાં રામમંદિરથી આરએસએસને શું મળ્યું? આ એક એવો સવાલ છે જેનો જવાબ તે એક તસવીરમાં મળે છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરતાં જોવા મળે છે.
આ એક તસવીરમાં એક તરફ પાંડિત્યકર્મ કરતા આચાર્ય છે, મધ્યમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે અને તેમના ડાબા હાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત છે.
ભારતના ઇતિહાસમાં સંભવત: આ પહેલી વખત હશે જ્યારે ધર્મ, સરકાર અને સંઘની વચ્ચેની નિકટતા આટલી સ્પષ્ટ રીતે જોવા મળી હોય.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાયકાઓના લાંબા ઇતિહાસમાં એ સૌથી સ્વર્ણિમ પળ રહી હશે.
સર સંઘચાલક મોહન ભાગવતે પણ ભૂમિપૂજન પછી કહ્યું, "આનંદની ક્ષણ છે, ઘણી રીતે આનંદ છે. એક સંકલ્પ લીધો હતો અને મને સ્મરણ છે કે જ્યારે અમારા સરસંઘચાલક બાલા સાહેબ દેવરસજીએ પગલું આગળ ભરતા પહેલાં એ વાત યાદ કરાવી હતી કે બધું લાગીને વીસથી ત્રીસ વર્ષ કામ કરવું પડશે. ત્યારે ક્યારેક આ કામ થશે.
"વીસ ત્રીસ વર્ષ અમે કર્યું અને ત્રીસમા વર્ષના પ્રારંભમાં અમને સંકલ્પપૂર્તિનો આનંદ મળી રહ્યો છે."
ભાગવતે પોતાના નવ મિનિટ લાંબા ભાષણમાં જે કંઈ કહ્યું છે, તેમાં એક વાત સ્પષ્ટ છે - સંઘે પાંચ ઑગસ્ટ, 2020ના દિવસે યોજેલા પોતાના આ કાર્યક્રમમાં રામમંદિરના નિર્માણનો સંપૂર્ણ શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો હતો.
સત્તાની નજીક પહોંચ્યો સંઘ પરિવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પુસ્તક 'આરએસએસ-ધ આઇકન્સ ઑફ ઇન્ડિયન રાઇટ' લખનાર વરિષ્ઠ પત્રકાર અને લેખક નીલાંજન મુખોપાધ્યાય માને છે કે સંઘ આ આયોજનમાં જે પ્રકારે સામેલ થયુ છે, એ પછી સંઘ પરિવારને સરકારના કાર્યક્રમમાં એક કાયદેસરતા મળી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખોપાધ્યાય કહે છે, "ભારતમાં સત્તા અને ધર્મની વચ્ચે જે લાઇન હંમેશાંથી રહી છે, તે ધૂંધળી રહી છે. પરંતુ આટલી વધારે ધૂંધળી ક્યારેય નથી થઈ."
"સંઘ પરિવાર હવે સરકારના કાર્યક્રમનો એક ભાગ બની જાય છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને મેં ક્યારેય પણ સરકારની આટલો નજીક, અધિકૃત રીતે નથી જોયો."
"એવામાં ભારતના રાજકીય ભવિષ્યની દૃષ્ટિએ ઘણો મોટો ફેરફાર છે."
"પ્રતીકોની વાત કરીએ તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મોહન ભાગવતની હાજરીથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે સંઘ પરિવાર મંદિર આંદોલનની સફળતા પર પોતાનો હક જતાવવા દાવો કરી રહ્યું છે."
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય રાજકારણમાં આ કદ કેવી રીતે મેળવ્યું?
રામના સહારે?
કોઈ સમુદાયના ધાર્મિક, રાજકીય અને સામુદાયિક ઇતિહાસનું અધ્યયન કરનારા હંમેશાં આ સવાલ સામે લડે છે કે ધાર્મિક આંદોલન ધાર્મિક સંસ્થાઓને વ્યાપક્તા આપે છે અથવા ધાર્મિક સંસ્થાઓના કારણે ધાર્મિક આંદોલન અસ્તિત્વમાં આવે છે.
અયોધ્યા અને સંઘની બાબતમાં એ પ્રશ્ન સામે આવતો દેખાય છે કે રામમંદિર-આંદોલને સંઘને વ્યાપક્તા આપી અથવા સંઘ અને તેનાં સહયોગી સંગઠનોના કારણે રામમંદિર-આંદોલન ઊભું થઈ શક્યું.
વરિષ્ઠ પત્રકાર સુનીત ઍરૉન રામમંદિરનિર્માણને આરએસએસની સૌથી મોટી સફળતા માને છે.
તેઓ કહે છે, "રામમંદિર-આંદોલન આરએસએસના અનેક મુદ્દાઓમાંથી એક હતું. તેમણે દલિતોને સાથે લઈને આવવા માટે એક આંદોલન ચલાવ્યું. દલિતભોજ કરાવ્યા. અશોક સિંઘલ એક દલિતભોજમાં સામેલ થયા. એવામાં મારો વિચાર છે કે આરએસએસના નેટવર્કે આ આંદલોનની સફળતામાં એક ભૂમિકા નિભાવી."
"આ પહેલાં આરએસએસે ગૌવંશની હત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો પરંતુ રામમંદિર-આંદોલન એક ધાર્મિક મુદ્દો હોવાના કારણે બહુ મોટી સખ્યામાં લોકો આ આંદોલન સાથે જોડાયા. કારણ કે રામની સ્વીકાર્યતા ઘણી વ્યાપક હતી."
રામનામે આપી વ્યાપકતા ?
રામનામનો રાજકીય મહિમા કંઈક એવો છે કે અયોધ્યાથી સેકડો કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં રાજનીતિ કરતો ઠાકરે પરિવાર પણ આ આંદોલનમાં પોતે ભૂમિકા અદા કરી હોવાનો દાવો કરે છે.
એવામાં સવાલ ઉભો થાય છે કે રામના નામે આરએસએસને શું મળ્યું અને શું ન મળ્યું. મોહન ભાગવત જે સંકલ્પપૂર્તિના આનંદની વાત કરે છે, તેમાં આરએસએસની ભૂમિકા કેવી રહી?
ગત કેટલાક દાયકાઓથી આ આંદોલનને કવર કરનારા વરિષ્ઠ પત્રકાર રામબહાદુર રાય માને છે કે આ આંદોલનમાં આરએસએસે સહયોગ અને સમર્થન આપ્યાં. પરંતુ નેતૃત્વ રામજન્મભૂમિન્યાસનું હતું.
તેઓ કહે છે, "આ આંદોલનમાં સંઘ પરિવાર જે કાંઈ મદદ કરી શકતો હતો, તેણે કરી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદે સંતો અને સમાજની વચ્ચે એક સંયોજકની ભાવના નિભાવી."
"વિશ્વ હિંદુ પરિષદ એક પ્રકારે આ આખા આંદોલનની નૉડલ એજન્સી હતી અને ઘણા લાંબા સમય સુધી ચાલેલા આંદોલન દરમિયાન સંઘ પરિવાર અને વીએચપી નેતાઓની વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું."
પરંતુ રામબહાદુર રાય માને છે કે રામમંદિરનો ટેસ્ટ કેસ રથયાત્રા હતી જેને લોકોનું અપાર સમર્થન મળ્યું અને જ્યારે કોઈ સંસ્થાની પાસે આવો મુદ્દો હોય છે અને તે આવા કોઈ સામુદાયિક મુદ્દા પ્રત્યે ઇમાનદાર નજર આવે છે ત્યારે તેને લોકોનું સમર્થન પણ મળે છે.
રાય વર્ષ 1980માં સામે આવેલી મીનાક્ષીપુરમની ઘટનાનું ઉદ્દાહરણ આપતા કહે છે :
"મીનાક્ષીપુરમની ઘટનામાં આરએસએસએ જે ભૂમિકા અદા કરી, બાલાસાહેબ દેવરસે જે પહેલ કરી, તેનાથી તમામ વસ્તુઓ તૈયાર થઈ. 1980માં આરએસએસનું બેંગલુરુમાં એક પ્રતિનિધિસંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં હિંદુ એકતાનો પ્રશ્ન આરએસએસની સામે મુખ્ય હતો."
"બાલા સાહેબ દેવરસે પહેલ કરી, જેના હેઠળ ગાંધીવાદી સમાજવાદની વાત કરનાર ભાજપને પોતાની નજીક લાવ્યા. એવામાં આરએસએસ અને તેનાં સંગઠનોનો સમન્વય થયો તો તેનાથી આરએસએસને પણ ફાયદો થયો અને ભાજપ પણ મુખ્યધારાની પાર્ટી બનીને તૈયાર થયો."
અહીંથી ક્યાં જશે આરએસએસ?
કહેવામાં આવે છે કે જ્યાં સુધી એક વિચારધારા કોઈ સમુદાયની સાથે થયેલાં અન્યાય પર મલમ લગાવતી નથી દેખાતી ત્યાં સુધી તે કોરા પુસ્તકથી વધારે કંઈ હોતી નથી.
પરંતુ જ્યારે આ જ વિચારધારા કોઈ સમુદાયની ફરિયાદો, સમસ્યાઓ, ડર અને ચિંતાઓને એક મંચ આપવાનું શરૂ કરે છે અને સમુદાયને એવા ભવિષ્યનું સપનું આપે છે, જેમાં તે વિચારધારાના રસ્તા પર ચાલીને પોતાની સાથે થયેલાં તમામ અન્યાયોનો બદલો લઈ શકે છે ત્યારે વિચારધારા વિક્સિત થવા લાગે છે.
આ વાત સમાજવાદથી લઈને મૂડીવાદ સુધીની વિચારધારા પર લાગૂ થાય છે. એ વાત રામમંદિરથી લઈને હાગિયા સોફિયા પર લાગૂ થતી જોવા મળે છે.
આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા પર પણ લાગૂ પડતી જોવા મળે છે.
નીલાંજન મુખોપાધ્યાય માને છે કે આમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ પગલા પછી આગળ વધશે જ.
તેઓ કહે છે, "આરએસએસએ આ કાર્યક્રમની સાથે સાર્વજનિક રીતે રામજન્મભૂમિ-આંદોલનનું નેતૃત્વ કરવાની વાતને સ્વીકારી લીધી છે. પરંતુ ભવિષ્યમાં રામ સાથે જોડાયેલું રાજકારણનું સ્વરૂપ કેવું હશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર અલગઅલગ રામાયણોનો ઉલ્લેખ કર્યો."
"જયશ્રી રામની જગ્યાએ સિયાવર રામચંદ્રનો નારો લગાવ્યો. એવામાં હાલ એ કહેવું મુશ્કેલ છે કે આવનારા સમયમાં આ રાજકારણ કંઈ તરફ આગળ વધશે..."
જોકે, મુખોપાધ્યાય એક વાતને લઈને સ્પષ્ટ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમથી પોતાને આ યુગના રામના રૂપમાં રજૂ કરી રહ્યા છે.
હાલમાં સવાલ એ નથી કે મંદિરમુદ્દો જેણે એક વ્યાપક હિંદુ સમાજના યુવાઓને આરએસએસની સાથે જોડ્યા, તેમનું ભવિષ્ય શું થશે. હવે સવાલ એ છે કે એ ઘા ક્યો હશે જેની પર મલમ લગાવતા આ વિચારધારાને લાંબી ઉંમર મળશે.