અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : 'મારી સામે એક દરદીના વાળ અને મારા સાથીની પીપીઈ કિટ સળગી'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"રાત્રે લગભગ ત્રણ વાગ્યા હશે. હું આઈસીયુ વૉર્ડની અંદર દાખલ થયો ત્યારે એક દર્દીના વાળ પર તણખા પડ્યા. મેં એને બચાવ્યો અને બૂમ પાડી કે પાણી લાવો. "

"હું દર્દીને બચાવી રહ્યો હતો, ત્યાં સુધીમાં ડૉક્ટર પાણી ભરવા ગયા અને એ પાછા આવે ત્યાં સુધીમાં મારા બ્રધર નર્સની પીપીઈ કિટ સળગી ગઈ. "

"ડૉક્ટરે બ્રધર નર્સ પર પાણી નાખ્યું , ત્યાં મોટો ધડાકો થયો. હું એક માજી જે ચાલી શકે એમ નહોતાં એમને બીજા માળે લઈ ગયો. "

"પરત આવ્યો અને જોયું તો આગ ફેલાવા લાગી હતી. મેં જોયું કે નવ નંબરના ખાટલાનો દરદી હાલી શકે એમ નહતો. એનો ખાટલો આગથી દૂર ખસેડ્યો અને આગને રોકવાનાં સાધન લેવા દોડી ગયો."

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી ત્યારે ત્યાં હાજર વૉર્ડબોય ચિરાગ પટેલના આ શબ્દો છે.

ચિરાગએ કેવા પ્રયાસો કર્યા?

ચિરાગ જણાવે છે, "હું દોડીને અંદર ગયો. તો એક 51 વર્ષના દર્દીના વાળ બળી રહ્યા હતા. મેં તરત જ એના વાળ વધુ સળગતા અટકાવ્યા. ત્યાં સુધી માત્ર તણખા દેખાતા હતા. પણ થોડી વારમાં જ ધડાકો થયો."

"નવ નંબરના ખાટલાના દર્દીને અસર થાય એવું હતું. મેં એનો ખાટલો ખસેડીને વચ્ચે લાવી દીધો."

"એક માજી હતા જેઓ પલંગ પરથી હાલી શકતા નહતા. મેં એમને ઉંચક્યા અને એમને બીજા માળે લઈ ગયો."

"હું પરત ચોથા માળે આવતો હતો ત્યાં મારી નજર આગ ઓલવવાના લાલ સિલિન્ડર પર પડી. હું અંદર જાઉં એ પહેલાં આગ ફેલાઈ ચુકી હતી. કશું દેખાતું નહતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. અંદર જઈ શકાય એવું હતું નહીં એટલે હું દોડતો નીચે ગયો."

"હૉસ્પિટલની પાછળના ભાગમાંથી પાઇપના આધારે ચઢીને ચોથા માળે ગયો. એક હાથમાં આગ ઓલવવાનું સિલિન્ડર હતું અને એક હાથે પાઇપ પરથી ચઢીને હું ઉપર ગયો. પણ કાચ બંધ હતા એટલે મેં સિલિન્ડરની મદદથી કાચ તોડવાનો પ્રયાસ કર્યો જેથી મારા હાથમાં ઇજા થઈ ગઈ. એટલી વારમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ આવી ગયા"

ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર ફાયર-બ્રિગેડના કર્મીઓએ તેમને અંદર જતાં રોકયા હતા પણ તેમની હઠને પગલે ઓક્સિજન માસ્કવાળી કિટ પહેરાવાની તેમને અંદર જવા દેવાયા હતા.

આગ કઈ રીતે ઓલવવામાં આવી?

આગ ઓલવવાની જવાબદારી જેમના માથે હતી એ અમદાવાદ ફાયર-બ્રિગેડના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટ જણાવે છે, "પહેલાં અમારા પર રાત્રે 3.10 વાગ્યે કૉલ આવ્યો કે શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી છે. એટલે એક ફાયર ફાઇટર અને સ્નૉરસ્કેલ લઈ ટીમ સાથે હું નીકળ્યો. "

"અમારા ફાયર-સ્ટેશનથી આ હૉસ્પિટલ સુધીનું અંતર ઝાઝું નથી. અમને સામાન્ય આગનો કૉલ હતો પણ ગાડીમાં બેસતાની સાથે જ મેં તરત બીજા ફાયર ફાઇટર અને ઍમ્બ્યુલન્સને મેં હૉસ્પિટલ પહોંચવાના આદેશ આપ્યા હતા. "

"આ દરમિયાન જાણવા મળ્યું કે ચોથા માળે આગ લાગી છે. અમારી ગાડીમાં ચાર ઑક્સિજન-માસ્ક સાથેની કિટ હતી. મેં બીજી કિટ સાથે વધુ ટીમ મગાવી લીધી અને દરદીઓને ખસેડવા માટે વધુ ઍમ્બ્યુલન્સ મગાવી લીધી. "

"મારું મગજ ઝડપથી એ દિશામાં કામ કરવા લાગ્યું કે આગને ચોથા માળેથી નીચે ન પ્રસરવા દેવી. નહીં તો જાનહાની વધી જાય."

"હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે અફરાતફરીનો માહોલ હતો. હૉસ્પિટલના કર્મચારીઓ દરદીઓને નીચે ઉતારી રહ્યા હતા. મેં સ્નૉરસ્કેલ ઉપર કરી. જે રીતે ધુમાડો નીકળતો હતો એમાં મને મારા કર્મચારીને પહેલાં ઉપર ચઢાવવા યોગ્ય ન લાગ્યા એટલે હું હૅમર અને બ્લૉઅર સાથે પહેલાં ઉપર ચઢ્યો. "

"મારી પાછળ મારી ટીમના સભ્યો પણ આવી રહ્યા હતા. મેં ચોથા માળે ચઢી પહેલાં તો કાચ તોડી નાખ્યા અને અંદર ઘુસ્યો. ઘુમાડો એટલો હતો કે કશું દેખાતું ન હતું એટલે મેં બ્લૉઅર શરૂ કર્યું અને બીજા કાચમાંથી ધુમાડો બહાર કાઢવાની શરૂઆત કરી. "

"મારી ટીમના સભ્યો મારી પાછળ આવી ગયા હતા. એમણે ક્રૉસ વૅન્ટિલેશન માટે બીજા કાચ તોડ્યા અને બ્લૉઅર ચાલુ કર્યું , ધુમાડો બહાર કાઢવાની સાથોસાથ અમે જ્યાં આગ હતી એને ઓલવવાના પ્રયાસ શરુ કરી દીધા. "

હૉસ્પિટલમાં ફાયર-સેફટી હતી?

"આગ પર અમે કાબૂ મેળવી લીધો પણ દુર્ભાગ્યે ત્યાં સુધીમાં કોરોનાના આઠ દર્દીઓનાં ગુંગળામણ અને દાઝી જવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. પણ અમે આગ ને ચોથા માળેથી પ્રસરતા અટકાવી દીધી. મને ડર હતો કે જો આગ નીચેના માળે પ્રસરી ગઈ હોત તો વધુ જાનહાનિ થઈ હોત."

જોકે શ્રેય હૉસ્પિટલની ફાયર-સેફટી યોગ્ય હતી કે નહીં એ અંગે પૂછતાં ઍડિશનલ ચીફ ફાયર ઑફિસરે પોતે એનાથી અજાણ હોવાની વાત કરે છે.

આ બાદ અમે ચીફ ફાયર ઑફિસર એમ.એફ.દસ્તુરનો સંપર્ક કર્યો તો એમણે વ્યસ્ત હોવાથી કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો.

આ દરમિયાન પોલીસે અટકમાં લીધેલા શ્રેય હૉસ્પિટલના ટ્રસ્ટી અને કૉંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ આગેવાન વિજયદાસ મહંતના પુત્ર ભરત મહંતનો સંપર્ક કર્યો પણ એમણે ફોન પર માત્ર એટલું જ કહ્યું કે 'આ અંગેની કાર્યવાહી કરાયેલી છે.'

આગની આ ગંભીર દુર્ઘટનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આઠ દર્દીઓના જીવ ગયા છે ત્યારે આ હૉસ્પિટલમાં ફાયર સેફ્ટીની કેટલી સુવિધા હતી એ તપાસનો વિષય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો