અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : આઠનાં મોત, રૂપાણી સરકાર અને AMC સામે સવાલો કેમ?

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 8 કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં છે.

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે ઘટનાની પુષ્ટિ કરી છે.

હાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.

જોકે આ મામલામાં વિપક્ષ દ્વારા વિજય રૂપાણી સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

આગની ઘટનાને પગલે લોકોએ હૉસ્પિટલ પર બેદરકારીનો પણ આરોપ મૂક્યો છે. હાલ પોલીસે શ્રેય હૉસ્પિટલના એક ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરી છે.

ભરત મહંતે સ્થાનિક મીડિયા સામે દાવો કર્યો છે કે ફેબ્રુઆરીમાં ફાયર સેફ્ટીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં મૃકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ હોવાનું ડીડી ન્યૂઝ જણાવે છે.

મુખ્ય મંત્રી રાહતનીધિમાંથી મૃતકોના પરિવારજનોને આર્થિક રાહત આપવામાં આવશે, આ સાથે જ ઈજાગ્રસ્તોને પણ 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરાઈ છે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

અમદાવાદ હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટના અંગે રાષ્ટ્રપતિના કાર્યાલયે નોંધ લીધી છે.

આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતી ભાષમાં ટ્વીટ કરતાં લખ્યું :

"ગુજરાતના અમદાવાદ ખાતે હૉસ્પિટલમાં કરુણ આગના અકસ્માત વિશે સાંભળીને દુખ થયું. સદ્ગત આત્માઓ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ."

"આ ઘટનાના ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના."

'અમદાવાદ મૉડલ નિષ્ફળ'

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ઘટના ઘટી છે ત્યાં શ્રેય હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ ઘટના અંગે સવાલો ઉઠાવ્યા છે.

તેમણે શ્રેય હૉસ્પિટલને સર્ટિફિકેટ આપનાર કોવિડ-19 હૉસ્પિટલની મંજૂરી આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી છે.

તેમણે સુરતની ઘટના બાદ બીજી વખત ગંભીર નિષ્કાળજી સામે આવી હોવાનો આક્ષેપ કર્યો છે.

મોઢવાડિયાએ કહ્યું, "ભાજપની સરકાર આવી ઘટના બાદ એકાદ-બે બલીના બકરાને અંદર લઈજઈને લીપાપોથી કરે છે."

"સુરતની ઘટનામાં પણ લીપાપોથી કરાઈ, હજી જરૂરી કાર્યવાહી થઈ નથી."

તેમણે અમદાવાદ ઘટના સંદર્ભે સવાલ ઉઠાવતાં કહ્યું, "જેમણે હૉસ્પિટલને બિલ્ડિંગ, ફાયર-સેફ્ટી, ઇલેક્ટ્રિક-સેફ્ટીના સર્ટિફિકેટ આપ્યા એ અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી. આ ગંભીર નિષ્કાળજીનો મામલો છે."

તેમણે કહ્યું, "સિવિલ હૉસ્પિટલમાં બહાર આવેલી નિષ્કાળજીઓ અને એ પછી ઘટેલી આ ઘટના બાદ એક વાત ચોક્કસ છે કે જે 'અમદાવાદ મૉડલ'ની વાતો સત્તા પક્ષ કરે છે એ સદંતર નિષ્ફળ છે."

તેમણે એવું પણ કહ્યું હતું કે આ મામલામાં જવાબદાર અધિકારીઓની સૌથી પહેલાં ધરપકડ થવી જોઈએ.

દેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું, "અમદાવાદની હૉસ્પિટલમાં આગની શોકાન્તિક દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા, એનાતી હું વેદના અનુભવું છું."

"અસરગ્રસ્તો માટે મારી સાંત્વના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના."

'અફરાતફરીમાં મૃત્યુ થયાં'

રાજેશ ભટ્ટે બીબીસીને કહ્યું કે રાત્રે ત્રણ વાગે પીપીઈ કિટમાં સ્ટાફ કામ કરી રહ્યો એ સમયે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગ તો કલાકમાં કાબૂમાં લેવામાં આવી પરંતુ ભારે અફરાતફરીને કારણે 8 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ઉલ્લેખનીય છે કે આ હૉસ્પિટલના છેલ્લા માળે આઈસીયુ વોર્ડ આવેલો છે અને ત્યાં આગની ઘટના બની છે.

મોડી રાત્રે આ આગને કાબૂમાં લેવા 1 ફાયર ફાઇટર અને ત્રણ ટૅન્કર કામે લાગ્યા હતા.

મૃત્યુ પામનારાઓમાં 5 પુરૂષ દરદીઓ અને 3 મહિલા દરદીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગની ઘટના પછી 40 દરદીઓને એસપીવી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતીને કહ્યું કે, એ તમામ દરદીઓ કોરોના પૉઝિટિવ હતા. આગ તો કલાકમાં કાબૂમાં લઈ લેવાઈ હતી હતી પરંતુ અફરાતફરીને લીધે 8 લોકોનાં મૃત્યુ થયાં છે.

તેમણે એવું પણ જણાવ્યું કે કામગીરીમાં સામેલ મારા સહિત તમામ ફાયર સ્ટાફ ક્વોરૅન્ટીન થયો છે કેમ કે અમારે ખૂબ નજીકથી એમના સંર્પકમાં આવવાનું થયું.

હાલ પોલીસે આ ઘટનામાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હૉસ્પિટલની બહારથી એક દરદીના સગાએ બીબીસીને કહ્યું કે હૉસ્પિટલવાળા કોઈ જવાબ જ નથી આપતા. એમણે પરિવારજનોને પણ જાણ કરી નથી. કેવી રીતે આગ લાગી અને શું થયું તે અંગે કોઈ કહી નથી રહ્યું.

અમદાવાદના સેક્ટર-1ના જેસીપી રાજેન્દ્ર અસારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તમામ તથ્યો અમે તપાસમાં આવરી લઈશું અને એના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.

તેમણે કહ્યું કે "હાલ કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. અત્યારે એડી રજિસ્ટ્રર કરવામાં આવી છે. બાકી ગાઇડલાઇન પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે."

તેમના કહેવા પ્રમાણે, હાલ હૉસ્પિટલના માલિકની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. પણ થોડા સમયમાં એમની પણ પૂછપરછ કરાશે.

'AMCની બિનકાર્યક્ષમતાથી વધતી આગની ઘટના'

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતીના અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કરીને રૂપાણી સરકાર અને એએમસી તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે.

ચાવડાએ ટ્વીટ કર્યું, "કોવિડ19 હૉસ્પિટલમાં આગમાં આઠ લોકોનાં મૃત્યુની ઘટના ખૂબ જ દુખદ છે, ઈજાગ્રસ્ત દર્દીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવે."

રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધતાં લખ્યું, "વિજય રૂપાણી સરકાર અને એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન)ની નાકામી અને ભ્રષ્ટાચારના કારણે આગની ઘટનાઓ વારંવાર ઘટી રહી છે."

"કોવિડથી લોકો મરી જ રહ્યા છે, પણ તંત્રની લાપરવાહીથી પણ લોકો મર્યા જે દુર્ભાગ્યપૂર્ણ છે."

દલિતનેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વી કરતાં લખ્યું, "અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટના ખૂબ જ ગંભીર છે."

"હૉસ્પિટલ પાસે ફાયર-સેફ્ટીની NOC સુદ્ધાં નથી. મૃતકોના પરિવારજનોનું દર્દ અસહ્ય અને વાજબી છે. મને આશા છે કે વિજય રૂપાણી સરકાર જલદી જ બેદરકાર દોષિતો સામે કાર્યવાહી કરશે."

સત્તા પક્ષ ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે ટ્વીટ કરતાં લખ્યું, "અમદાવાદની હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટના અત્યંત દુખદ છે."

"આગમાં જેમનાં નિધન થયાં છે એમના પરિવારજનોને આ દુખ સહન કરવા ઇશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના. જે લોકો આગમાં દાઝી ગયા છે એ સૌ જલદી સાજા થઈ સ્વસ્થ થઈ જાય એવી પ્રભુને અભ્યર્થના."

આ મામલે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ટ્વીટ કરતાં લખ્યું, "આઠ દર્દીઓનાં મૃત્યુના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો, ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે."

"મારી ગુજરાત સરકારને અપીલ છે કે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય કરે. દુખ સાથે કહી રહ્યો છું કે રાજ્યમાં સ્થિતિ ખરાબ છે."

ત્રણ દિવસમાં તપાસનો આદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ આગની ઘટના વિશે ટ્વીટ કરીને કહ્યું કે "અમદાવાદની કોવિડ હૉસ્પિટલમાં આગની ઘટનાથી વ્યથિત છું."

"ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી શુભેચ્છા આપું છું અને પરિવારજનોને સાંત્વના. મેં આ મુદ્દે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને મેયર બિજલ પટેલ સાથે વાત કરી. તંત્ર અસરગ્રસ્તોને તમામ પ્રકારનો સહયોગ કરી રહ્યું છે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હૉસ્પિટલની આગની દુર્ઘટનામાં તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે.

આ બનાવની તપાસ રાજ્યના વરિષ્ઠ આઈ.એ.એસ અધિકારી અને ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીને સોંપવામાં આવી છે.

આ ઘટનામાં કોણ જવાબદાર તે નિયત કરવા ત્રણ દિવસમાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો