બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો: અડવાણીને નિર્દોષ જાહેર કરનાર જ સુરેન્દ્ર કુમાર યાદવ કોણ છે?

    • લેેખક, વિભુરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલું પૉસ્ટિંગ ફૈઝાબાદમાં એડીજે તરીકે, પહેલું પ્રમોશન ફૈઝાબાદમાં અને એ જ ફૈઝાબાદ જે હવે અયોધ્યા જિલ્લો છે એમાં ચર્ચાસ્પદ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ પર આખરી નિર્ણય.

એવું લાગે છે કે 28 વર્ષ જૂના આ ગુનાહિત કેસમાં સુનાવણી કરી રહેલા સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવની જિંદગીમાં રહી રહીને ફૈઝાબાદ એમની પાસે પાછું ફરતું રહ્યું છે.

લખનઉસ્થિત વિશેષ અદાલત (અયોધ્યા પ્રકરણ)ના પીઠાસીન જજ હોવાને નાતે તેમણે બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ચુકાદો આપ્યો છે અને અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતુંભરા સહિત 32 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.

પાંચ વર્ષ અગાઉ 5 ઑગસ્ટે એમની આ કેસમાં સ્પેશિયલ જજ તરીકે નિમણૂક થઈ હતી.

19 એપ્રિલ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે એમને દરરોજ ટ્રાયલ ચલાવી આ કેસની સુનાવણી બે વર્ષમાં પૂર્ણ કરવાનો નિદેશ આપ્યો હતો.

કોણ છે જજ સુરેન્દ્ર કુમાર યાદવ

પૂર્વ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પખાનપુર ગામમાં રામકૃષ્ણ યાદવને ઘરે જન્મેલા સુરેન્દ્ર કુમાર યાદવ 31 વર્ષની વયે રાજ્ય ન્યાયિક સેવામાં પસંદગી પામ્યા હતા.

ફૈઝાબાદમાં એડિશનલ જજની પૉસ્ટિંગ સાથે શરૂ થયેલી એમની ન્યાયિક સફર ગાઝીપુર, હરદોઈ, સુલતાનપુર, ઇટાવા, ગોરખપુરના રસ્તે થઈને રાજધાની લખનઉના જિલ્લા જજના હોદ્દા સુધી પહોંચી.

જો તેમને અયોધ્યા પ્રકરણની સ્પેશિયલ કોર્ટની જવાબદારી ન સોંપાઈ હોત તો તેઓ ગત વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્ત થઈ ગયા હોત.

એમના વિશે લોકો શું વિચારે છે?

સેન્ટ્રલ બાર એસોસિએશન, લખનઉના મહાસચિવ એડવોકેટ સંજીવ પાંડેય આ વિશે કહે છે "તેઓ ખૂબ નરમ મિજાજના સમજદાર શખ્સ છે. તેઓ ક્યારેય પોતાના પર કોઈ દબાણને ઊભું થવા દેતા નથી. એમની ગણના એક સારા અને ઇમાનદાર જજોમાં થાય છે."

ગત વર્ષે લખનઉ જિલ્લા જજના પદેથી તેઓ સેવામુક્ત થયા ત્યારે બાર એસોસિયેશને એમનો વિદાય સમારોહ યોજ્યો હતો.

જોકે, સુપ્રીમ કોર્ટે આ અગાઉ જ એમની નિવૃત્તિની તારીખ લંબાવી દીધી હતી અને એમને સ્પેશિયલ કોર્ટ અયોધ્યા પ્રકરણના પીઠાસીન જજ તરીકે કાર્યભાર જાળવી રાખી બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી પૂરી કરવાનું કહ્યું હતું.

મતલબ તેઓ જિલ્લા જજ તરીકે નિવૃત્ત થયા પરંતુ વિશેષ ન્યાયાધીશ તરીકે જળવાઈ રહ્યા.

એડવોકેટ સંજીવ પાંડેય કહે છે કે "અમે એમને એ આશાએ વિદાય આપી હતી કે તેઓ ઐતિહાસિક નિર્ણય આપશે. એમની પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ કોઈ દબાણ વિના નિર્ણય આપશે."

બંધારણનો અનુચ્છેદ 142

નિવૃત્ત થઈ રહેલા કોઈ એક જજનો કાર્યકાળ કોઈ એક કેસ માટે વધારવામાં આવે તે પોતે એક ઐતિહાસિક બાબત હતી કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાને મળેલા બંધારણનો અનુચ્છેદ 142નો ઉપયોગ કરી તેનો આદેશ આપ્યો હતો.

આ અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટને એ અધિકાર છે કે યોગ્ય ન્યાય માટે તે પોતાની સામે આવેલા વિલંબિત કેસ અંગે જરૂરી કોઈ પણ નિર્ણય લઈ શકે છે.

જોકે, સુપ્રીમ કોર્ટ જનહિતની અરજીઓમાં અનેક વાર અનુચ્છેદ 142નો ઉપયોગ કરી ચૂકી છે પરંતુ જાણકારોનું કહેવું છે કે બાબરી મસ્જિદ કેસમાં કદાચ એવું પહેલી વાર થયું કે દેશની સર્વોચ્ચ અદાલતે નિવૃત્ત થઈ રહેલા ટ્રાયલ જજને સુનાવણી પૂર્ણ થવા સુધી પદ પર રહેવાનો નિદેશ આપ્યો હોય.

જોકે, ઉત્તર પ્રદેશની સરકારે કોર્ટને એ વખતે એમ કહ્યું હતું કે રાજ્ય ન્યાયિક સેવામાં સેવાનિવૃત્તિની ઉંમર વધારવાને લઈને કોઈ જોગવાઈ નથી.

સુપ્રીમ કોર્ટે અયોધ્યા પ્રકરણમાં 'યોગ્ય ન્યાય' માટે કહ્યું હતું કે, "જ્યાં સુધી ટ્રાયલની પૂરી પ્રક્રિયા પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી કોઈ નવી સુનાવણી નહીં થાય. સુનાવણી કરી રહેલા જજની બદલી નહીં કરવામાં આવે. જ્યાં સુધી કોઈ ચોક્કસ તારીખે સુનાવણી શક્ય નથી એવું જજને ન લાગે ત્યાં સુધી કેસની સુનાવણી સ્થગિત નહીં કરી શકાય અને એ સ્થિતિમાં સુનાવણી આગળની તારીખે કે નજીકની તારીખે કરી શકાશે પરંતુ આમ કરવાનું કારણ લિખિતમાં રેકર્ડ પર લેવું પડશે."

કાંડ સંખ્યા 197 અને 198

જજ સુરેન્દ્ર કુમાર યાદવને જે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં નિર્ણય આપવાનો છે તેની પૃષ્ઠભૂમિ 6 ડિસેમ્બર, 1992ના રોજ નોંધાયેલી બે પોલીસ ફરિયાદ છે.

કાંડ સંખ્યા 197માં લાખો કારસેવકો સામે લૂંટ, ઈજા પહોંચાડવી, સાર્વજનિક ઈદગાહને નુકસાન પહોંચાડવાનો અને ધર્મને નામે બે સમુદાયો પર નફરત ઊભી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કાંડ સંખ્યા 198માં લાલકૃષ્ણ અડવાણી, અશોક સિંઘલ, વિનય કટિયાર, ઉભા ભારતી, સાધ્વી ઋતુંભરા, મુરલી મનોહર જોશી, ગિરિરાજ કિશોર અને વિષ્ણુહરિ દાલમિયા જેવા લોકોનું નામ છે. એમના પર ધાર્મિક નફરત ફેલાવવાનો અને ઉશ્કેરણીજનક ભાષણનો આરોપ છે.

જોકે, આ બે ફરિયાદ ઉપરાંત 47 અલગ મામલા પણ નોંધવામાં આવ્યા હતા. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીબીઆઈએ કુલ 49 લોકોને આરોપી બનાવ્યા હતા પરંતુ વર્ષોથી ચાલી રહેલી સુનાવણી દરમિયાન 17 આરોપીઓના મૃત્યુ થયાં.

આ કેસમાં જે 17 આરોપીઓ હવે હયાત નથી એમાં બાલ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર અને વિષ્ણુહરિ દાલમિયા જેવા નામો સામેલ છે.

કેસ સામે આવેલા પડકારો

'આરોપીએ વ્યક્તિગત રીતે હાજર છે, સાક્ષી ગેરહાજર છે કારણ કે મૅજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદનમાં એમણે જે સરનામું આપ્યું હતું ત્યાં તે રહેતા જ નથી.'

'આરોપીઓ વ્યક્તિગત રીતે હાજર નથી, કોઈ સાક્ષી પણ હાજર નથી '

'સાક્ષીને જુબાની માટે અદાલતમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ અદાલતમાં હાજર નથી રહી શક્યાં. એમના દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ કાલે ઉપસ્થિત રહેશે. '

'સાક્ષીને વીએચએસ કૅસેટ જોઈને સાબિતી આપવાની છે. સીબીઆઈ પાસે કૅસેટ બતાવવા માટે યોગ્ય સાધન જ નથી. સીબીઆઈનું કહેવું છે કે દૂરદર્શન દિલ્હી કેન્દ્રનો ટેકનિકલ સ્ટાફ આવીને આ કૅસેટ ચલાવી શકે છે.'

'સાક્ષી દ્વારા ઇમેલથી એ સૂચના આપવામાં આવી છે કે તેઓ દિલ્હીમાં છે અને 69 વર્ષના છે અને યાત્રા કરવા માટે સમર્થ નથી.'

ઉપર જે વંચાય છે એ મોટા મોટા અંશો છે જે સુનાવણીમાં જજ સુરેન્દ્ર કુમાર યાદવની અદાલતમાં રૅકર્ડ પર લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમણે હાજરી માફીની અનેક અરજીઓનો પણ નિકાલ કરવો પડ્યો.

એક ટ્રાયલ જજ માટે આ કેટલું પડકારજનક હોય છે?

નિવૃત્ત જજ એસસી પાઠક કહે છે કે "જે લોકો જુબાની નથી આપવા માગતા તેઓ મામલો ટાળે જ છે. કોઈ પણ કેસમાં આવી પરિસ્થિતિ આવતી રહે છે પરંતુ કોર્ટ પાસે એ અધિકાર હોય છે કે તેઓ સાક્ષીને હાજર રહેવા કહે. જો સાક્ષી હાજર ન રહે એના પર સખતાઈ પણ થઈ શકે છે. એમની વિરુદ્ધ વૉરંટ કાઢી શકાય છે. એમની ધરપકડ કરીને પણ અદાલત સામે રજૂ કરી શકાય છે. અદાલત પાસે આ સત્તા હોય છે."

30 સપ્ટેમ્બરની તારીખ

મુઘલ બાદશાહ બાબરના સમયમાં બનેલી જે મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવી એનાથી સંબંધિત એક ઐતિહાસિક કેસનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરી ચૂકી છે.

ગત વર્ષે નવેમ્બરમાં અયોધ્યામાં હિંદુ પક્ષને રામમંદિર નિર્માણનો અધિકાર આપતા જસ્ટિસ ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણી બેન્ચે કહ્યું કે "70 વર્ષ અગાઉ 450 વર્ષ જૂની મસ્જિદમાં મુસલમાનોને ઇબાદત કરવાથી ખોટી રીતે રોકવામાં આવ્યા હતા અને 27 વર્ષ અગાઉ બાબરી મસ્જિદ ગેરકાયદે તોડી પાડવામાં આવી હતી."

બીજા કેસમાં સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમારની અદાલતમાં નિર્ણય થવા જઈ રહ્યો છે ત્યારે શું ગેરકાયદે તોડી પાડવામાં આવેલી મસ્જિદના કેસમાં કસૂરવારો સામે નિર્ણય લેવો પોતે એક મોટી અને દબાણ ઊભું કરનારી જવાબદારી નથી?

નિવૃત્ત જજ એસસી પાઠક કહે છે કે "કોઈ જજને એ વાતે કોઈ ફરક નથી પડતો કે લોકો શું કહેશે. તે પોતાના નિર્ણયના લોકો વખાણ કરશે કે ટીકા એ પણ નથી જોતો. મુખ્ય વાત એ છે કે જજ તરીકે તમારી સામે કેવા સાક્ષી-પુરાવાઓ રજૂ થાય છે અને તેની વિશ્વસનીયતા કેટલી છે એના આધારે જ એખ જજે નિર્ણય આપવાનો હોય છે."

આ કેસમાં એક સપ્ટેમ્બરના રોજ જજ સુરેન્દ્ર કુમાર યાદવે સુનાવણી પૂરી કરી લીધી હતી અને બે તારીખે ચુકાદો લખવાની શરૂઆત કરી હતી.

સીબીઆઈ તરફથી આ કેસમાં 351 સાક્ષીઓ અને 600 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો