રામ ભારતની રાજનીતિનું કેન્દ્રબિંદુ કઈ રીતે બની ગયા?

    • લેેખક, રાજ ગોસ્વામી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના અયોધ્યા ચુકાદા પરના પુસ્તક બાદ વિવાદ વકર્યો છે; ભાજપે આ પુસ્તક સંદર્ભે કૉંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે તો કૉંગ્રેસના નેતાઓ ભાજપ પર પલટવાર કરી રહ્યા છે.

આ ક્રમમાં કૉંગ્રેસના નેતા રાશીદ અલવીનું નિવેદન તાજું છે, તેમણે કહ્યું છે કે 'જય શ્રી રામ બોલનારા તમામ લોકો સંત નથી, કેટલાક રાક્ષસો પણ હોય છે.'

અગાઉ પણ ચૂંટણીઓ ટાણે આ પ્રકારનાં નિવેદનો અને ભાષણો સાંભળવા મળ્યાં છે. આમાં અન્ય રાજકીય પક્ષો ભાજપ કરતાં વધારે પાછળ નથી.

જૂની કહેવત છે કે 'દિલ્હી હજુ દૂર છે', કોઈ મંજિલ અથવા લક્ષ્યના અર્થમાં આ કહેવત વપરાય છે. દિલ્હી એક શહેર પણ છે અને સત્તાનું પ્રતીક પણ છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પણ તેની પર ભારતીય જનતા પાર્ટી નામના હાથીનો પડછાયો ઝળૂંબે છે. કેન્દ્રમાં ભાજપની મજબૂત સરકાર છે અને તેને વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ સામે મળેલી હારનો ઘણો રંજ છે. એટલા માટે જ લેફ્ટનન્ટ ગવર્નરને મુખ્ય મંત્રી કરતાં વધુ તાકાત આપી રાખી છે.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તેમનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે બને એટલા પ્રયાસો કરી રહ્યા છે.

તેઓ દિલ્હીમાં અને દિલ્હી બહાર મતદારોને રીઝવી રહ્યા છે, જેથી તેમનું રાજકીય અસ્તિત્વ ભુસાઈ ન જાય. તેમના માટે આ કહેવતનો અર્થ બદલાઈ ગયો છે. તેઓ સત્તામાં તો છે, પણ સલામત નથી. એ અર્થમાં તેમની માટે 'દિલ્હી હજુ દૂર છે.'

કેજરીવાલનું 'અયોધ્યા ચાલો'નું સૂત્ર

કેજરીવાલે 'ચાલો અયોધ્યા'નું સૂત્ર અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીમાં 403 બેઠકો પર ઉમેદવારીની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટીની સરકારે હિંદુ મતોને આકર્ષવા માટે રાજધાનીના ત્યાગરાજ સ્ટેડિયમમાં અયોધ્યામાં બની રહેલા રામમંદિરની પ્રતિકૃતિ ઊભી કરી હતી.

કેજરીવાલે તાજેતરમાં અયોધ્યાની મુલાકાત લઈને મંદિરસ્થળે પૂજા કરી હતી. કેજરીવાલે દિલ્હી સરકારનાં યાત્રાધામોની યાદીમાં અયોધ્યાને પણ સામેલ કર્યું છે. સરકાર સિનિયર સિટિઝન્સને પોતાના ખર્ચે અયોધ્યાની યાત્રાએ લઈ જશે.

ભાજપે રામના નામે જે ચોપડી લખી છે, કેજરીવાલ તેમાંથી ઉઠાંતરી કરીને પરીક્ષા આપી રહ્યા છે.

2024 સુધીમાં ઘણાં રાજ્યોમાં ચૂંટણી થવાની છે. કેજરીવાલ તેમાં ભાજપની ચોપડીના પાઠ રટવા માગે છે.

આમ આદમી પાર્ટી ભાજપના હિંદુત્વનો ગમછો ઓઢી રહી છે. ભાજપ માટે તો આ સારા સમાચાર છે.

ભાજપ એક તરફ સત્તા પર તેનું એકહથ્થુ નિયંત્રણ રાખવા માગે છે અને બીજી તરફ તે પૂરા ભારતીય રાજકારણનું હિંદુત્વકરણ થઈ જાય તેવું ઇચ્છે છે.

ભાજપ ઇચ્છે છે કે નવા ભારતના ઇતિહાસની કટ-ઑફ તારીખ જે 2014માં લખાઈ, તેના દરેક પાનાં પર પ્રમુખ રીતે 'જય શ્રી રામ' લખેલું હોય.

તેના જ ભાગરૂપે ગુજરાત સરકારે અયોધ્યાની યાત્રાએ જવા માંગતા આદિવાસી શ્રદ્ધાળુઓ માટે રૂપિયા પાંચ હજારની સહાયની ઘોષણા કરી છે.

સરકારની એક પ્રેસનોટમાં જણાવ્યું કે આદિવાસી લોકો શબરી માતાના વંશજ છે; જે રામ, લક્ષ્મણ અને સીતાનાં 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામને જંગલમાં મળ્યાં હતાં.

હિંદુત્વ એ ધર્મનું રાજકારણ કે આઇડેન્ટિટી પૉલિટિક્સ

બંગાળમાં ભાજપને ધોબીપછાડ આપનારાં મમતા બેનરજી ગોવા વિધાનસભામાં પોતાની હાજરી બતાવવા માટે ત્રણ મંદિરોની મુલાકાતે જઈ આવ્યાં છે.

ધર્મને રાજકારણથી આઘો રાખવો જોઈએ, એ યુરોપિયન વિચાર છે. યુરોપના રાજકારણમાં ચર્ચના પ્રભુત્વને ઓછું કરીને લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયાસ ચાલતા હતા, ત્યારે ધર્મ અને રાજકારણ છેટાં રહેવા જોઈએ તેવો વિચાર પ્રચલિત થયો હતો.

ભારતમાં પશ્ચિમની તર્જ પર લોકતાંત્રિક માળખું રચાયું, ત્યારે આ જ વિચારનું અનુકરણ કરવામાં આવ્યું હતું.

ભાજપે તેનું શીર્ષાસન કરી નાખ્યું છે. તેણે ધર્મને રાજકારણમાં ઍન્ટ્રી આપી, એટલું જ નહીં, ધર્મને જ રાજકારણનો આધાર બનાવી નાખ્યો છે. આ આઇડેન્ટિટીનું રાજકારણ છે.

ભાજપે હિન્દુત્વને ભારતના સમાજ અને રાજકારણની આઇડેન્ટિટી બનાવી દીધી છે.

2016માં, તત્કાલીન ગૃહમંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદના એક કાર્યક્રમમાં, ધર્મ અને રાજકારણની ચર્ચાને એક નવો જ આયામ આપતાં કહ્યું હતું કે ભારતમાં બહુ પહેલાંથી ધર્મ રાજકારણનો હિસ્સો રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, "કૃષ્ણએ ધર્મની રક્ષા માટે રાજકારણ કર્યું હતું અને રામે રામરાજ્યની સ્થાપના માટે રાજકારણનો સહારો લીધો હતો."

"રામના હાથમાં રાજકારણ ભક્તિના રૂપે હતું, કૃષ્ણના હાથમાં બુદ્ધિ અને વ્યૂહરચનાના રૂપે હતું, ગાંધી અને સુભાષ બોઝના હાથમાં તે તાકાત હતું."

જે લોકો હિંદુત્વ અને ભગવાન રામના રાજકારણને ધર્મ સાથે જોડીને જુએ છે, તે વાસ્તવમાં ભૂલ કરે છે. પહેલી નજરે એવું જરૂર લાગે કે ભાજપ હિંદુઓની ધાર્મિક ઓળખને આગળ કરે છે, પરંતુ તેની પાછળ એક સાંસ્કૃતિક ચળવળ છે.

ભાજપે હિંદુ ધર્મને સાંસ્કૃતિક શક્તિના રૂપે હિંદુત્વ તરીકે પ્રસ્તુત કર્યું છે. એ હિંદુત્વને આસ્થા સાથે સંબંધ નથી, સાંસ્કૃતિક આઇડેન્ટિટી સાથે છે.

હિંદુવાદનો સંબંધ વ્યક્તિની અંગત જીવનશૈલી અને નૈતિકતા સાથે છે, હિંદુત્વનો સંબંધ સમાજકારણ અને રાજકારણ સાથે છે. સાદા ઉદાહરણથી સમજવું હોય તો, કોઈ વ્યક્તિ એમ કહે કે હું નાસ્તિક છું, પરંતુ હું હિંદુ છું, તો હિંદુત્વને તેની સામે વાંધો ન પડે.

હિંદુત્વ કહે છે કે અંગત જીવનમાં તમારી શ્રદ્ધા જે પણ હોય, સાર્વજનિક રીતે તમારી ઓળખ હિંદુની છે. ભાજપનું આ આઇડેન્ટિટી પૉલિટિક્સ તેનું અમોઘ શસ્ત્ર છે, જેને બીજા પક્ષો પણ ધીમે-ધીમે અપનાવી રહ્યા છે.

હિંદુ સંસ્કૃતિના ગૌરવને પુનર્સ્થાપિત કરવાનું બીડું

ટ્વિટર પર સોનાલી રાનડે નામનું એક હૅન્ડલ છે, તે અમેરિકાથી ઑપરેટ થાય છે. સોનાલી રાનાડે સાચું નામ છે કે નહીં તે કોઈને ખબર નથી. એ સ્ત્રી છે કે પુરુષ તે ખબર નથી, પરંતુ તે વ્યક્તિ ભારતના સાર્વજનિક પ્રશ્નો પર જેટલી કુનેહથી, તર્કથી અને ડેટા સાથે છણાવટ કરે છે, તે અત્યંત અસરકારક હોય છે.

તાજેતરમાં, સોનાલીએ મોદીઝ હિંદુ સિવિલાઇઝેશન પ્રૉજેક્ટ (Modi's Hindu Civilizational Project) નામથી એક લેખ લખ્યો હતો.

આ લેખમાં તેણે લખ્યું હતું કે, "ભારતના એક વિશાળ વર્ગમાં મોદીની લોકપ્રિયતાનું કારણ એ છે કે તેમણે ભારતના જૂના ગૌરવને પુનર્સ્થાપિત કરવાનું બીડું ઉઠાવ્યું છે. સોમનાથ મંદિરને લૂંટવામાં આવ્યું, ત્યારથી ભારતનું ગૌરવ હણાયું છે."

"મોદીએ એ આક્રમણખોરોથી શરૂ કરીને 200 વર્ષના બ્રિટિશરાજ સુધીના સમયના અન્યાયનો બદલો લેવા માટે હિંદુ સંસ્કૃતિને પાછી તેના મૂળ ગૌરવસ્થાને બેસાડવાનું નક્કી કર્યું છે."

"જનમાનસમાં આ અન્યાય એટલો સજ્જડ બેઠેલો છે કે મોદીમાં લોકોને એ ભવ્ય ભૂતકાળ દેખાય છે."

સોનાલી કહે છે કે "હિંદુત્વનો નારો આ હિંદુ સંસ્કૃતિના ગૌરવને પાછું લાવવાનો નારો છે. રામમંદિરનું નિર્માણ એમાં અગત્યની ભૂમિકા ભજવે છે."

"પ્રભાસ કે. દત્તા નામના સિનિયર પત્રકાર લખે છે કે જય શ્રી રામ સામાન્ય લોકોમાં એકબીજાને આવકારવા માટે વપરાતું હતું, પણ ભાજપે તેને સફળતાપૂર્વક રાજકીય સ્લોગન બનાવી દીધું છે."

80ના દાયકામાં, રામાનંદ સાગરની 'રામાયણ' ટીવી સિરિયલમાં હનુમાન અને બીજા પાત્રો રાવણવધ વખતે 'જય શ્રી રામ'નો નારો લગાવતા હતા. એ પછી 1990-92માં, લાલકૃષ્ણ અડવાણી અને તેમના શિષ્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામમંદિરનું આંદોલન થયું અને રથયાત્રામાં 'જય શ્રી રામ' મુખ્ય નારો બની ગયો હતો.

રામજન્મભૂમિ અંદોલન પછી જેટલી પણ ચૂંટણીઓ થઈ, એમાં ભાજપ અને સંબંધિત અન્ય સંગઠનોએ 'જય શ્રી રામ'ના નારાનો રાજકીય સ્લોગન તરીકે ઉપયોગ કર્યો હતો. એ માત્ર સ્લોગન ન હતું.

આ સ્લોગનના આધારે જ ભાજપે તેની રાજકીય સત્તા માટેની યાત્રા શરૂ કરી હતી. 1984માં, લોકસભામાં ભાજપની માત્ર બે બેઠકો હતી. આજે તે સંખ્યા 303ની છે. આજે ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે દેશની સત્તામાં છે, એટલું જ નહીં, સંગઠન તરીકે તે દુનિયાની સૌથી મોટી પાર્ટી પણ છે.

રામ માત્ર ધર્મ નહીં સંસ્કૃતિના પ્રતીક

રથયાત્રાના સમયને યાદ કરીને લાલકૃષ્ણ અડવાણી તેમની આત્મકથામાં લખે છે કે તે વખતે તેમનાં ભાષણોનો કેન્દ્રીય સૂર એક જ રહેતો હતો; 'રામભક્તિ સે લોકશક્તિ જાગૃત હો સકતી હૈ'.

અડવાણીના એ રાજકીય અંદોલને રામને એક લડવૈયા ભગવાન તરીકે સ્થાપિત કર્યા હતા. બે વર્ષ પછી, હિંદુત્વના સમર્થકોએ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી. આજે ત્યાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે, જે 2024ની લોકસભા ચૂંટણી વખતે તૈયાર થઈ જશે.

ભારતમાં રામ માત્ર ધર્મ નહીં, સંસ્કૃતિનું પ્રતીક રહ્યા છે, તેનો બીજો પુરાવો એ છે કે મહાત્મા ગાંધી અને તામિલનાડુમાં દ્રવિડી ચળવળના પ્રણેતા પેરિયાર રામાસ્વામીએ પણ તેમના વિચારોની પ્રેરણા રામમાંથી લીધી હતી.

ગાંધીએ જે રામરાજ્યની કલ્પના કરી હતી, તે રામના આદર્શો આધારિત હતી.

પેરિયાર દ્રવિડ પ્રજા પર આર્ય પ્રજાના પ્રભુત્વને સમજવવા માટે રામાયણનો આધાર લેતા હતા. અડવાણીએ એ જ રામમાં હિંદુત્વની વિચારધારા જોઈ હતી.

માર્ચ 2021માં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહક (સંયુક્ત સચિવ) મનમોહન વૈદ્યે બેંગલુરુમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "ભગવાન રામ ભારતીય સંસ્કૃતિની એકતાના પ્રતીકરૂપ છે. તમને એમાં આસ્થા હોય કે ન હોય."

વૈદ્યે કહ્યું હતું, "ભગવાન રામ દેશની સંસ્કૃતિ અને એકતાની ઓળખ છે. રામમંદિર એ માત્ર મંદિર નથી, પરંતુ દેશના સાંસ્કૃતિક ચરિત્રનું પ્રતિનિધિ છે."

રામાયણની જનમાનસ પર ઊંડી છાપ

રાજકરણથી સ્વતંત્ર રીતે વિચારીએ તો પણ, ભારતીય જનમાનસમાં રામ અને તેમની કથા 'રામાયણ'ની બહુ ઊંડી છાપ છે. રામાયણ સાર્વજનિક નાટક-કળાનો વિષય છે અને તે પરિવારોમાં પઠનનો વિષય પણ છે.

તમામ ભારતીય ગ્રંથોમાંથી માત્ર રામાયણ જ એક એવો ગ્રંથ છે, જેનું દરેક પ્રદેશ, દરેક ભાષા, દરેક સમૂહમાં આગવું સ્વરૂપ છે.

એક અંદાજ પ્રમાણે, ભારત અને ભારત બહાર અલગ-અલગ પ્રકારનાં ત્રણસોથી એક હજાર રામાયણ છે. માત્ર હિન્દીમાં ઓછામાં ઓછાં 11, મરાઠીમાં આઠ, બાંગ્લામાં 25, તામિલ ભાષામાં 12 અને ઉડિયામાં છ રામાયણ છે.

વિદેશોમાં તિબેટ, પૂર્વ તુર્કસ્તાન, ઇન્ડોનેશિયા, જાવા, બર્મા અને થાઈલૅન્ડમાં આગવી રામકથાઓ છે. અભ્યાસુઓનું કહેવું છે કે ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ઇલિયડનું કથાવસ્તુ રામાયણ સાથે મળતું આવે છે.

ભારતમાં, જેટલાં મોઢાં એટલી રામાયણ છે. એ રીતે રામ સમગ્ર જનમાનસમાં છે. એ કળામાં છે, પ્રતિમાઓમાં છે, સંગીતમાં છે, પુસ્તકોમાં છે, મંદિરોમાં છે, રીતરિવાજમાં છે, ટેલિવિઝનમાં છે, સિનેમામાં છે અને રાજકારણમાં છે.

રામ એ મૂલ્યો અને વિચારધારાના પ્રતીક છે. એ દરેકની જીભ પર છે. ભારતમાં બે લોકો મળે તો એકબીજાને 'જય શ્રી રામ' કહે છે, અને રામ ગાંધીની અંતિમ અલવિદામાં પણ છે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો