You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એઝાઝ પટેલ : ન્યૂઝીલૅન્ડના એ ગુજરાતી ક્રિકેટર, જેમણે અનિલ કુંબલેના રેકર્ડની બરાબરી કરી
ન્યૂઝીલૅન્ડ તરફથી રમી રહેલા ભારતીય મૂળના ખેલાડી એઝાઝ પટેલે ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચમાં તમામ 10 વિકેટો લઈને વિક્રમ સર્જ્યો છે.
આ પહેલા ટેસ્ટ મૅચમાં એક જ ઇનિંગમાં સમગ્ર ટીમની વિકેટ લેનારા અનિલ કુંબલે અને જિમ લેકરની તેમણે બરાબરી કરી છે.
ત્યારે ભારતીય મૂળના ગુજરાતી પરિવારમાં જન્મ લેનારા ન્યૂઝીલૅન્ડ ટીમના સ્લો લૅફ્ટ આર્મ સ્પિનર એઝાઝ પટેલ કોણ છે?
કોણ છે એઝાઝ પટેલ?
ન્યૂઝીલૅન્ડ માટે રમી રહેલા સ્પિનર એઝાઝ પટેલનો જન્મ મુંબઈમાં થયો, પરંતુ તેમનો પરિવાર જલદી જ ન્યૂઝીલૅન્ડ સ્થાયી થયા અને પોતાના કૅરિયરની શરૂઆત ઑકલૅન્ડની ટીમ સાથે કરી.
જોકે, લૅફ્ટ આર્મ સ્પિનર તરીકેની પોતાની પ્રતિભા દર્શાવવાની તક એઝાઝને સૅન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ ટીમ તરફથી રમતી વખતે મળી.
તે જલદી જ પ્રથમ શ્રેણીના ક્રિકેટર બની ગયા. વર્ષ 2012માં તેમણે ટી20 ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યું, પરંતુ 50 ઓવરના વન ડે ફૉર્મેટમાં રમવા માટે તેમને 3 વર્ષ રાહ જોવી પડી હતી.
રૅડ બૉલ ક્રિકેટના મામલામાં એઝાઝે પોતાના પ્રદર્શનથી લોકોના મન મોહી લીધાં છે. જોકે, આ સિવાય પણ ન્યૂઝીલૅન્ડની ટીમમાં જગ્યા બનાવવું તેમના માટે મુશ્કેલ સાબિત થયું.
આ રૅન્કમાં ન્યૂઝીલૅન્ડની ટીમ પાસે પહેલેથી મિચૅલ સૅંટનર અને ઈશ સોઢી જેવા ખેલાડીઓ હતા. જે બૅટિંગમાં એઝાઝની તુલનાએ વધુ સારા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમ છતાં હતાશ થયા વિના એઝાઝ સૅન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે વધુ સારું પર્ફોર્મન્સ આપતા રહ્યા.
જેના કારણે વર્ષ 2018 તેમના માટે ખૂબ સારું વર્ષ સાબિત થયું. આ વર્ષે તેઓ પ્લંકેટ શીલ્ડમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બન્યા.
તેમણે 9 મૅચોમાં 48 વિકેટ મેળવી. એઝાઝને તેના માટે 'મૅન્સ ડૉમેસ્ટિક પ્લેયર ઑફ ધ યર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એઝાઝ પટેલની ક્રિકેટની કારકિર્દી
એઝાઝ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 30 વર્ષની ઉંમરે વર્ષ 2018માં ઝંપલાવ્યું હતું. દુબઈ ખાતે યોજાયેલી પાકિસ્તાન સામેની સિરીઝ માટે ટી20 અને ટેસ્ટ મૅચમાં એઝાઝની પસંદગી થઈ હતી.
ક્રિકબઝ પ્રમાણે, અત્યાર સુધી 11 ટેસ્ટ મૅચ રમેલા એઝાઝે કુલ 39 વિકેટ લીધી છે. જ્યારે 7 ટી20 મૅચમાં તેમણે 11 વિકેટો પોતાના નામે કરી છે.
ટેસ્ટ મૅચમાં અત્યાર સુધી એઝાઝે કુલ ત્રણ વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. જ્યારે આજની મૅચમાં એકસાથે 10 વિકેટ મેળવનારા તેઓ ત્રીજા બૉલર બન્યા છે.
જોકે, પોતાની બૉલિંગથી બધાને અચંબિત કરનારા એઝાઝ બૅટિંગમાં એટલા નિપુણ નથી. તેમણે અત્યાર સુધી રમેલી કુલ 18 મૅચોમાં 87 રન બનાવ્યા છે.
ભારત તરફથી અભિનંદનની વર્ષા
એઝાઝ પટેલના આ પ્રદર્શન બાદ દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
પોતાના સમયમાં ટોચના બૉલર રહેલા અને એઝાઝ પટેલ અગાઉ પોતે એક જ ઇનિંગમાં 10 વિકેટ મેળવનારા અનિલ કુંબલેએ તેમને શુભેચ્છાઓ પાઠવતા ટ્વીટ કર્યું હતું કે, "#Perfect10 ક્લબમાં આપનું સ્વાગત છે #AjazPatel. ખુબ જ સુંદર બૉલિંગ"
ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને તાજેતરમાં કોચ પદેથી તાજેતરમાં હઠેલા રવિ શાસ્ત્રીએ પણ એઝાઝને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે લખ્યું કે, ક્રિકેટની રમતમાં આવું કંઈક હાંસલ કરવું ખૂબ જ મુશ્કેલ છે. એક જ ઇનિંગમાં સમગ્ર પ્રતિદ્વંદ્વી ટીમને આઉટ કરવી એ અસામાન્ય બાબત છે.
બીસીસીઆઈએ પણ ટ્વીટ કરીને એઝાઝ પટેલને શુભેચ્છાઓ પાઠવી છે.
બીસીસીઆઈએ તેને અવિશ્વસનીય ઉપલબ્ધિ ગણાવી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓપનિંગ બૅટ્સમૅન વિરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરીને એઝાઝને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે લખ્યું કે,"આ કંઈક એવું છે, જેને આ રમતમાં પ્રાપ્ત થવું એ ખૂબ જ અઘરું છે. એક જ ઇનિંગમાં 10 વિકેટ મેળવવી. આ એવો દિવસ છે. જેને જિંદગીભર યાદ રાખવામાં આવશે. મુંબઈમાં જન્મેલા એઝાઝે મુંબઈમાં જ ઈતિહાસ સર્જ્યો. ઐતિહાસિક ઉપલબ્ધી માટે શુભકામનાઓ.."
પૂર્વ ભારતીય બૉલર ઇરફાન પઠાણે કહ્યું કે, "કૃપા કરીને કોઈ પણ ભારતીયને અન્ય દેશમાં ન જવા દઈએ. સારું રહેશે કે તેમને પૂછવામાં પણ ન આવે. 'દસ કા દમ'"
પૂર્વ ભારતીય બૉલર વૅંકટેશ પ્રસાદે પણ ટ્વીટ કરીને એઝાઝને શુભેચ્છા પાઠવી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પણ એઝાઝના આ પર્ફોર્મન્સને લઈને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે લખ્યું કે, "ખરેખર અભૂતપૂર્વ પ્રદર્શન #AjazPatel"
તેમણે લખ્યું કે, 10માંથી 10. #AjazPatel એ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું. આ ઉપલબ્ધિ મેળવનારા તેઓ ઇતિહાસની ત્રીજી વ્યક્તિ બન્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો