You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsNZ : એઝાઝ પટેલ ભારતની દસ વિકેટ લઈને આ બે મહાન ખેલાડીઓની સમકક્ષ પહોંચી ગયા
એઝાઝ પટેલ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક ઇનિંગમાં તમામ દસ વિકેટ લેનારા ત્રીજા બૉલર બન્યા છે, અને તેઓ અનિલ કુંબલે અને જિમ લેકરની સમકક્ષ પહોંચી ગયા છે.
ભારતની સમગ્ર ટીમ 325 રનમાં આઉટ થઈ, એ માટે સૌથી મોટી ભૂમિકા ન્યૂઝીલૅન્ડના સ્પિનર એઝાઝ પટેલની રહી હતી. જોકે એ બાદ ન્યૂઝીલૅન્ડની આખી ટીમ 62 રનમાં ઑલ-આઉટ થઈ ગઈ હતી.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમૅચમાં ભારતની તમામ દસ વિકેટ લઈને એઝાઝ પટેલે રેકર્ડ બનાવ્યો છે.
અનિલ કુંબલેએ ફેબ્રુઆરી 1999માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં પાકિસ્તાનની એક ઇનિંગની તમામ દસ વિકેટો ખેરવી હતી.
આ પ્રકારે વિકેટ લેનારા સૌપ્રથમ બૉલર જિમ લેકર હતા, જેમણે વર્ષ 1956માં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ તમામ દસ વિકેટો લીધી હતી.
ભારતીય ટીમને કઈ રીતે આઉટ કરી?
મુંબઈમાં જન્મેલા 33 વર્ષીય સ્પિનર એઝાઝ પટેલે બે ભારતીય બૅટરોને બોલ્ડ, ત્રણ બૅટરોને LBW અને પાંચ બૅટરોને કૅચ-આઉટ કરાવ્યા હતા.
એઝાઝે મૅચ દરમિયાન 47.5 ઓવર નાખી હતી અને 119 રન આપીને દસ વિકેટ લીધી હતી.
3 ડિસેમ્બરથી શરૂ થયેલી બીજી ટેસ્ટમૅચની પહેલી ઇનિંગની 28મી ઓવરમાં એઝાઝે એસ. ગિલની પહેલી વિકેટ મેળવી હતી. જ્યારે અંતિમ વિકેટ સિરાજની મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી ટેસ્ટમૅચના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમનો સ્કોર ચાર વિકેટના નુકસાન સાથે 221 રન હતો અને ચારેય વિકેટ એઝાઝ પટેલે લીધી હતી.
મૅચના બીજા દિવસે લંચ સુધીમાં ભારતીય ટીમ 285 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી.
મયંક અગ્રવાલ 146 રન ફટકારીને બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ લંચ બાદની માત્ર દસ ઓવરમાં જ ભારતીય ટીમ ઑલ-આઉટ થઈ ગઈ હતી.
કાનપુરમાં યોજાયેલી પ્રથમ ટેસ્ટમાં એઝાઝ પટેલે પ્રથમ ઇનિંગમાં બે અને બીજી ઇનિંગમાં એક વિકેટ મેળવી હતી. કાનપુર ટેસ્ટ મેચ ડ્રૉમાં પરિણમી હતી.
એ મૅચમાં પણ એઝાઝ પટેલે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ભારતીય ટીમે જીતવા માટે ન્યૂઝીલૅન્ડની અંતિમ વિકેટ લેવાની હતી, પરંતુ ક્રિઝ પર રચીન રવીન્દ્ર અને એઝાઝ પટેલ ટકી ગયા હતા, જેથી મૅચ ડ્રૉ થઈ હતી.
જ્યારે ટીમમાં જગ્યા બનાવવા માટે કર્યો સંઘર્ષ
ન્યૂઝીલૅન્ડ માટે રમી રહેલા સ્પિનર એઝાઝ પટેલનો જન્મ મુંબઈમાં થયો, પરંતુ તેઓ જલદી જ ન્યૂઝીલૅન્ડ સ્થાયી થઈ ગયા અને કારકિર્દીની શરૂઆત ઑકલૅન્ડની ટીમ સાથે કરી હતી. જોકે, લૅફ્ટ આર્મ સ્પિનર તરીકેની પોતાની પ્રતિભા દર્શાવવાની તક એઝાઝને સૅન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ ટીમ તરફથી રમતી વખતે મળી હતી.
તેઓ જલદી જ પ્રથમ શ્રેણીના ક્રિકેટર બની ગયા. વર્ષ 2012માં તેમણે ટી20 ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યો, પરંતુ 50 ઓવરના વન-ડે ફૉર્મેટમાં રમવા માટે તેમને ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી.
રેડ બૉલ ક્રિકેટના મામલામાં એઝાઝે પોતાના પ્રદર્શનથી લોકોનાં મન મોહી લીધાં છે. જોકે, આ સિવાય પણ ન્યૂઝીલૅન્ડની ટીમમાં જગ્યા બનાવવાનું કામ તેમની માટે મુશ્કેલ રહ્યું હતું.
આ રૅન્કમાં ન્યૂઝીલૅન્ડની ટીમ પાસે પહેલાંથી મિશેલ સૅન્ટનર અને ઈશ સોઢી જેવા ખેલાડીઓ હતા, જે બેટિંગમાં એઝાઝની તુલનાએ વધુ સારા હતા. આમ છતાં હતાશ થયા વિના એઝાઝ સૅન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે સારું પર્ફૉમન્સ આપતા રહ્યા હતા.
જેના કારણે વર્ષ 2018 તેમના માટે ખૂબ સારું વર્ષ સાબિત થયું હતું. આ વર્ષે તેઓ પ્લન્કેટ શિલ્ડમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બન્યા હતા. તેમણે નવ મૅચમાં 48 વિકેટ મેળવી હતી.
એઝાઝને તેના માટે 'મૅન્સ ડૉમેસ્ટિક પ્લેયર ઑફ ધ યર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો