HIV અને કૅન્સર જેવી બબ્બે બીમારીનો ભોગ બનેલા એ ગુજરાતી, જે હવે 'બીજાને બચાવે છે'

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

"મેં જ્યારે મારી પત્નીને વાત કરી કે મને એઇડ્સ છે તો તે મને છોડીને ચાલી ગઈ. તેનાથી હતાશ થયા બાદ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. તેમાં પણ નિષ્ફળ ગયા બાદ એઇડ્સને લગતી એક સંસ્થા સાથે જોડાયો. જ્યાં મારા જેવા અન્ય લોકોને મળ્યા પછી મને લાગ્યું કે આ લોકોની સમસ્યા સામે મારી સમસ્યા તો કંઈ છે જ નહીં. "

આ શબ્દો છે વડોદરામાં રહેતા 48 વર્ષીય મહેશભાઈના. ગોપનિયતા જાળવવા માટે તેમનું નામ બદલવામાં આવ્યું છે.

વર્ષ 2004માં એઇડ્સના નિદાન બાદ પોતાની નોકરી, પત્ની અને હિંમત ગુમાવનારા મહેશભાઈ હાલમાં પોતાના બીજા પત્ની અને 2 બાળકો સાથે સ્વસ્થ જીવન જીવે છે.

તેઓ કહે છે, "એઇડ્સના દર્દીઓ માટે દવાઓ અને સારવાર કરતાં વધારે અસર કરતી કોઈ વસ્તુ હોય તો એ છે પરિવારનો સાથ. મારા પરિવારે મારો સાથ આપ્યો, તેના કારણે જ હાલમાં 48 વર્ષની ઉંમરે પણ હું બીમારી સામે અડીખમ છું અને માનભેર જીવન જીવી રહ્યો છું."

વિશ્વભરમાં 1 ડિસૅમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ એ છે કે લોકોમાં આ બીમારીને લઈને જાગૃતતા આવે અને લોકો તેના વિશે વધારેથી વધારે જાણકારી મેળવે.

ગુજરાતમાં એઇડ્સની પરિસ્થિતિ, જાગૃતતા અને જાણકારી અંગે સામાજિક સંસ્થા 'ક્રિપા ફાઉન્ડેશન'નાં સ્ટેટ ડિરેક્ટર પ્રોગ્રામ સુઝેન સેમસન કહે છે, "ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં એઇડ્સના કેસમાં સરેરાશ 30 ટકા ઘટાડો જોવા મળ્યો છે."

તેમનું માનવું છે કે, લોકોમાં જાગૃતતા અને જાણકારી પણ વધી છે. જેના કારણે લોકોનો એઇડ્સના દર્દીઓ સાથેનો વ્યવહાર પણ સુધર્યો છે. જે દર્દીઓ માટે મદદરૂપ સાબિત થયો છે.

શું કહે છે આંકડાઓ?

નેશનલ એઇડ્સ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2019માં એઇડ્સના નવા કેસ નોંધાવાની દૃષ્ટિએ ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે હતું. એ વર્ષે ગુજરાતમાં એઇડ્સના નવા 3.37 લાખ નવા દર્દીઓ નોંધાયા હતા.

આ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં પુખ્ત વયના 0.20 ટકા લોકો એચઆઇવીગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું.

રિપોર્ટ મુજબ, વર્ષ 2019માં દેશમાં સૌથી વધારે એઇડ્સના કેસ મહારાષ્ટ્રમાં (8.54 લાખ) નોંધાયા હતા. જે બાદ બીજા ક્રમાંકે રહેલા બિહારમાં 8.04 લાખ, ત્રીજા નંબરે રહેલા ઉત્તર પ્રદેશમાં 6.72 લાખ અને ચોથા નંબરે રહેલા પશ્ચિમ બંગાળમાં 3.97 લાખ નવા કેસ નોંધાયા હતા.

નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વે-5ના આંકડાઓ મુજબ, ગુજરાતમાં 76 ટકા મહિલાઓ એઇડ્સ અંગે માહિતી ધરાવે છે. જે સૂચવે છે કે હજુ પણ દર 100માંથી 26 મહિલાઓ એઇડ્સ અંગે માહિતી ધરાવતી નથી.

કુલ 76 ટકા મહિલાઓમાંથી 87 ટકા મહિલાઓ શહેરી વિસ્તારોમાંથી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોની 68 ટકા મહિલાઓ એઇડ્સ અંગે જાગૃતિ ધરાવે છે.

નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વે-5 પ્રમાણે, રાજ્યમાં 15થી 49 વર્ષની વયજૂથની માત્ર 12 ટકા મહિલાઓ અને 4 ટકા પુરૂષોએ સામે ચાલીને એચઆઇવી માટેનો ટેસ્ટ કરાવવા ગયાં હતાં.

જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે, હાલમાં પણ લોકો સામે ચાલીને એચઆઇવી માટેનો ટેસ્ટ કરાવવા જતા ખચકાય છે.

'મારા જેવા લોકોએ જ મારો ઉત્સાહ વધાર્યો'

મહેશભાઈ કહે છે કે, "જ્યારે કોઈને ખબર પડે કે આને તો એઇડ્સ છે. તો સૌથી પહેલાં તેના ચારિત્ર્ય પર શંકાઓ થવાની શરૂ થાય છે. "

તેમના જણાવ્યા પ્રમાણે, "મને 2004માં ખબર પડી હતી કે મને એઇડ્સ છે. એ વિશે જ્યારે મેં મારી પત્નીને વાત કરી તો તે તેના ઘરે ચાલી ગઈ હતી. જેના થોડા દિવસો બાદ મારા છૂટાછેડા થઈ ગયા હતા."

છૂટાછેડા થયા બાદ થોડા સમયમાં જ નોકરી પણ છૂટી જતાં હતાશ થયેલા મહેશભાઈએ આત્મહત્યા કરવા સુધીનું વિચારી લીધું હતું. જોકે, સારવાર દરમિયાન એક સામાજિક સંસ્થાનો સંપર્ક થતાં એમનું જીવન બદલાઈ ગયું.

સામાજિક સંસ્થા સાથેના અનુભવ અંગે તેઓ કહે છે કે, "ત્યાં મેં મારા જેવા લોકોને જોયા અને અનુભવ્યું કે હું એકલો નથી. તેમની સાથે બેસીને તેમની કહાણી સાંભળી, તેમની સાથે વાતો કરી"

"તેમની તકલીફો જાણ્યા બાદ મને લાગ્યું કે હું જેને તકલીફો માનું છું તે ખરેખર કંઈ છે જ નહીં. અહીં આવેલા લોકો તેનાથી પણ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હતા અને છતાં ખુશીથી જીવન જીવતા હતા."

તેઓ વધુમાં કહે છે કે, "મારી જેમ જ એચઆઇવીથી પીડાતા લોકોએ મારો ઉત્સાહ વધાર્યો અને હું એ સંસ્થા સાથે જોડાયો. સંસ્થા સાથે કામ કરતાંકરતાં હું મારા જેવા જ અન્ય દર્દીઓને, સામાન્ય લોકોને એઇડ્સ વિશે જાગૃત કરૂં છું."

તેમના કહેવા પ્રમાણે,"એઇડ્સની દવાઓ અને સારવારની સાથેસાથે જો કંઈ વધારે મહત્ત્વપૂર્ણ બાબત હોય તો તે છે પરિવારનો સાથ."

પરિવાર તરફથી મળેલા સહકાર અંગે તેઓ કહે છે કે,"શરૂઆતમાં નારાજ થયા બાદ મારા પરિવારે મને પૂરતો સહકાર આપ્યો. કદાચ તેમના અને મારા જેવા અન્ય લોકોના કારણે જ મને પ્રોત્સાહન મળ્યું છે."

બીજા લગ્ન, કૅન્સરને માત અને હાલમાં રાજીખુશીનું જીવન

મહેશભાઈએ સામાજિક સંસ્થા સાથે જોડાયા બાદ ફરીથી કામ કરવાનું શરૂ કર્યું અને એઇડ્સના નિદાનનાં છ વર્ષ બાદ ફરી લગ્ન કર્યાં.

આ વિશે તેઓ કહે છે, "વર્ષ 2010ના મઘ્યમાં મેં ફરી વખત લગ્ન કર્યાં. મારી પત્નીને પણ એચઆઇવી છે. અમે બન્ને હાલમાં સાથે મળીને લોકોમાં એઇડ્સ અંગે જાગૃતિ લાવવાનું કામ કરીએ છીએ."

લગ્નજીવન વિશે વાત કરતાં તેઓ કહે છે કે,"મારા પત્નીને 2 બાળકીઓ હતી. તેમનામાં આનુવંશિક એચઆઇવી આવ્યો નહોતો. અમે બન્ને હાલમાં સારવાર મેળવીને સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે."

પરંતુ એઇડ્સની ચાલી રહેલી સારવાર વચ્ચે મહેશભાઈને વર્ષ 2020માં જ કૅન્સરનું નિદાન થયું હતું.

આ અંગે તેઓ કહે છે કે, "અચાનક ગળામાં શરૂ થયેલી તકલીફના કારણે હું તપાસ કરાવવા ગયો હતો અને પ્રારંભિક તબક્કામાં જ ગળામાં કૅન્સર હોવાનું નિદાન થઈ ગયું હતું."

કૅન્સર શરૂઆતી તબક્કામાં હોવાથી તેઓ માર્ચ 2021 સુધીમાં સ્વસ્થ થઈ ગયા હતા.

હાલમાં મહેશભાઈ વડોદરામાં પોતાના પરિવાર સાથે રહે છે. પોતે કામ કરવાની સાથેસાથે વિવિધ સ્થળોએ એઇડ્સ અંગેના જાગૃતિકાર્યક્રમોમાં ભાગ લે છે અને એઇડ્સના દર્દીઓને પણ યોગ્ય સારવાર લેવા માટે પ્રેરિત કરે છે.

મીડિયા કરતાં વૈજ્ઞાનિક ઢબની સમજ જરૂરી

સુઝેન સેમસન કહે છે કે, "હાલમાં તમામ વયજૂથના લોકોમાં એઇડ્સ અંગેની જાણકારીમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ જાણકારી યુવાનોને સૌથી વધારે સોશિયલ મીડિયા પરથી મળતી હોવાનું જાણવામાં આવ્યું છે."

તેઓ કહે છે કે, "સોશિયલ મીડિયા પરથી મળતી તમામ માહિતી સાચી હોતી નથી. તેથી જ યુવાનોને વૈજ્ઞાનિક ઢબે સમજ મળી રહે તે દિશામાં કામ કરવું જરૂરી છે."

સુઝેનનું માનવું છે કે, છેલ્લાં 10 વર્ષમાં એઇડ્સના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે અને લોકોના તેમની સાથેના વ્યવહારમાં પણ સુધારો જોવા મળ્યો છે. જે વર્ષ 2030 સુધીમાં એઇડ્સની નાબૂદીના અભિયાન માટે હકારાત્મક બાબત હોઈ શકે છે.

એઇડ્સ નાબૂદી વિશે તેઓ કહે છે કે,"એઇડ્સ મુખ્યત્વે ચાર પ્રકારે ફેલાય છે. પહેલું છે, ઈન્જેક્શન મારફતે. બીજું છે, માતા દ્વારા પોતાના બાળકને, ત્રીજું છે, બ્લડ ટ્રાન્ફ્યુઝન અને ચોથું છે, અસુરક્ષિત રીતે જાતીય સંબંધો બાંધવાથી."

"વર્ષોથી ચલાવવામાં આવતા વિવિધ જાગૃતિઅભિયાનો અને કેટલાક દૃઢ નિર્ણયોને કારણે આ ચાર પૈકી ત્રણ પ્રકારે એઇડ્સનો ફેલાવો લગભગ નાબૂદીના આરે છે."

"જ્યારે માત્ર અસુરક્ષિત રીતે જાતીય સંબંધો બાંધવા વિશે યુવાનો, સેક્સ વર્કર્સ તેમજ સમાજના તમામ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે."

વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કેમ કરાય છે?

પહેલીવાર વર્ષ 1988માં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે બાદથી દર વર્ષે 1 ડિસૅમ્બરના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે.

ઉજવણી પાછળનો હેતુ એ છે કે વિશ્વમાં વધારે લોકો એઇડ્સ અંગે જાગૃત થાય અને તેના વિશે પ્રસરાતી ગેરમાન્યતાઓ દૂર થાય.

દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની વિવિધ થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે.

અગાઉ આ થીમ વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવતી હતી.

જોકે, વર્ષ 1996થી યુનાઇટેડ નેશન્સના એઇડ્સ પ્રોગ્રામ દ્વારા થીમ નક્કી કરવામાં આવે છે.

વર્ષ 2021ની થીમ છે 'અસમાનતાનો અંત, એઇડ્સનો અંત અને મહામારીનો અંત'

આ થીમ રાખવા પાછળનો હેતુ એ છે કે, એઇડ્સને વર્ષ 2030 સુધીમાં નાબૂદ કરવાના ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પહેલાં એવી ઘણી બધી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને કાનૂની અસમાનતાઓ છે, જેને પૂર્ણ કરવી પડશે.

એઇડ્સ અને તેને લગતી કેટલીક માહિતી

આજથી લગભગ 40 વર્ષ પહેલાં વિશ્વમાં એઇડ્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી રોગ અને તેના સંક્રમણ અંગે ઘણી ભ્રામક માહિતીઓ ફેલાયેલી છે. જે પૈકીની કેટલીક ગેરમાન્યતાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

  • એચઆઇવી ધરાવતા લોકો સાથે રહેવાથી સંક્રમિત થવાય છે.
  • શારીરિક સંબંધ બાંધ્યા બાદ નાહવાથી એચઆઇવી દૂર થાય છે.
  • મચ્છરોથી એચઆઇવી પ્રસરે છે.
  • મુખમૈથુનથી એચઆઇવી પ્રસરતો નથી.
  • લક્ષણો ન હોય તો એચઆઇવીનું સંક્રમણ નથી.
  • એચઆઇવીગ્રસ્ત વ્યક્તિનું વહેલું મૃત્યુ થાય છે.
  • એચઆઇવીગ્રસ્ત માતાના બાળકને પણ સંક્રમણ લાગે છે.

આ પ્રકારે એચઆઇવી ક્યારેય પ્રસરતો નથી

  • એક સમાન હવાનું શ્વસન કરવાથી
  • આલિંગન કે ચુંબન કે હસ્તધૂનનથી
  • એક જ વાસણમાં જમવાથી
  • એક જ બૉટલમાંથી પાણી પીવાથી
  • વ્યક્તિગત ચીજોના ઉપયોગથી
  • કસરતના સામાનનો સરખો ઉપયોગ કરવાથી
  • ટૉઇલેટની બેઠક, દરવાજો કે હૅન્ડલ અડકવાથી

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો