Anaemia : ગુજરાતનાં 80 ટકા બાળકો જેનાથી પીડાય છે એ ઍનિમિયા શું છે?

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે, વિશ્વમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં દર 100માંથી 42 બાળકો ઍનિમિયાથી પીડાય છે, પરંતુ ગુજરાતમાં આ આંકડો તેનાથી લગભગ બમણો છે. ગુજરાતમાં બાળકો અને મહિલાઓમાં ઍનિમિયાનું પ્રમાણે એ ગંભીર સ્વાસ્થ્યલક્ષી બાબત છે.

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ, ગુજરાતમાં 80 ટકા બાળકો ઍનિમિયાથી પીડાય છે. વર્ષ 2015-16માં કરાયેલા સર્વે કરતાં 17 ટકા વધુ છે.

ગુજરાતમાં દર 100માંથી 65 મહિલાઓ ઍનિમિયાથી પીડાય છે. જે વર્ષ 2015-16માં કરાયેલા સર્વે કરતાં 10 ટકા વધુ છે. સર્વેનાં તારણો મુજબ, ગર્ભવતી મહિલાઓમાં ઍનિમિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

શું છે ઍનિમિયા?

સાદા શબ્દોમાં કહીએ તો લોહીમાં રક્તકણો કે પછી હિમોગ્લોબિનની અછતને ઍનિમિયા કહેવામાં આવે છે; આયર્નની ઉણપ એ વિશ્વભરમાં અડધોઅડધ ઍનિમિયાના કેસ માટે જવાબદાર છે.

ઍનિમિયા થવાનાં કારણોમાં હિમોગ્લોબિન બનવા માટે જરૂરી ઘટકોની ઉણપ, રક્તકણોનું તૂટવું, ખોરાકમાં આયર્નની ઉણપ, આયર્નનું બરાબર પાચન ન થવું, વગેરે સામેલ છે.

પુખ્ત વયની સ્ત્રીઓમાં માસિક સમયે થતો રક્તસ્રાવ આ માટે જવાબદાર હોય છે.

જોકે, મૅલેરિયા, કૃમિ, પોષણની ઉણપ, વિવિધ ઇન્ફૅક્શન્સ સહિતના મુદ્દા પણ ઍનિમિયા માટે જવાબદાર છે.

હિમોગ્લોબિન એ ઑક્સિજનના વહન માટે જરૂરી છે અને જો લોહીમાં તેનું પ્રમાણ ઓછું હોય તો શરીરની વિવિધ પેશીઓ સુધી ઑક્સિજન ઓછું પહોંચે છે.

જેના કારણે ખેંચ આવવી, અશક્તિ રહેવી, ચક્કર આવવા, ગભરામણ થવી, વગેરે સમસ્યાઓ વારંવાર થાય છે.

ઍનિમિયાની સીધી અસર લોકોની રોગપ્રતિકારક શક્તિ પર થાય છે અને તેના કારણે વારંવાર થાક લાગે, ભૂખ ન લાગે અને સતત આળસ રહે છે.

ઍનિમિયાના પ્રકારો તેમજ તેના કારણે સર્જાતી અન્ય તકલીફો અંગે ફિઝિશિયન ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે, " હિમોગ્લોબિનની અછતથી ઍનિમિયા થાય છે. આ ઉપરાંત વિટામિન બી12ની ઉણપના કારણે પણ ઍનિમિયા થાય છે. આ ઉપરાંત લોહીમાં હિમોગ્લોબિનની અછતના કારણે થૅલેસેમિયા પણ થાય છે."

WHOના અંદાજ પ્રમાણે, વિશ્વમાં 40 ટકા મહિલાઓ ઍનિમિયાથી પીડિત છે. આ અંગે ડૉ. દુર્ગેશ કહે છે કે, "સામાન્ય રીતે મહિલાઓને માસિક દરમિયાન રક્તસ્રાવ થાય છે. દર મહિને તેમનાં શરીરમાં ફરી લોહી બનાવવા માટે આયર્નની જરૂર પડે છે. આયર્નની ઉણપના કારણે ઍનિમિયા થતો હોય છે. આ ઉપરાંત તેનાં વારસાગત કારણો પણ છે."

ગુજરાતમાં ઍનિમિયાની સ્થિતિ

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આંકડા પ્રમાણે, ભારતમાં વર્ષ 2015-16માં 58.6 ટકા બાળકોને ઍનિમિયા હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2019-21 દરમિયાન કરવામાં આવેલા એનએફએચએસ-5માં આ પ્રમાણ વધીને 67.1 ટકા સુધી પહોંચ્યું છે.

વર્ષ 2015-16માં ભારતમાં 53.1 મહિલાઓ ઍનિમિયાગ્રસ્ત હતી. જે 2019-21 દરમિયાન વધીને 57 ટકા થયું હતું. વર્ષ 2015-16માં 22.7 ટકા પુરુષો ઍનેમિક હોવાનું સામે આવ્યું હતું. જે પ્રમાણ વર્ષ 2019-21માં વધીને 25 ટકા થયું છે.

ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય આંકડાઓની સરખામણીએ ગુજરાતમાં ઍનેમિયાનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું છે.

ગુજરાતનાં બાળકોમાં ઍનિમિયાનું પ્રમાણ

એનએફએચએસ-5ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં 80 ટકા બાળકો ઍનિમિયાથી પીડાય છે. જે પૈકી 28 ટકા હળવી અસર ધરાવે છે, 49 ટકા બાળકો મધ્યમ અસર ધરાવે છે અને 3.1 ટકા બાળકો ગંભીર અસર ધરાવે છે.

વર્ષ 2015-16માં કરાયેલા એનએફએચએસ-4 પ્રમાણે ગુજરાતમાં 63 ટકા બાળકોને ઍનિમિયા હતો.

વર્ષ 2005-06માં કરવામાં આવેલા એનએફએચએસ-3માં ગુજરાતમાં 70 ટકા બાળકો ઍનેમિક હોવાનું સામે આવ્યું હતું.

આ અગાઉ વર્ષ 1998-99માં કરવામાં આવેલા એનએફએચએસ-2માં ગુજરાતમાં 75 ટકા બાળકોને ઍનિમિયા હોવાનું જાણવા મળ્યું હતું.

એનએફએચએસ-5ના આંકડાને અગાઉના વર્ષો સાથે સરખાવતા સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે, ગુજરાતનાં બાળકોમાં ઍનેમિયાનું પ્રમાણ વધ્યું છે.

પાંચ વર્ષમાં એટલો મોટો ઉછાળો આવ્યો છે કે જેટલો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. બાળકોમાં ઍનિમિયાનું વધતું પ્રમાણ એ ચિંતાજનક બાબત છે.

ગુજરાતની મહિલાઓમાં ઍનિમિયાનું પ્રમાણ

એનએફએચએસ-5 મુજબ ગુજરાતમાં 65 ટકા મહિલાઓને ઍનિમિયા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 26 ટકા મહિલાઓ હળવી, 35 ટકા મહિલાઓમાં મધ્યમ અને 33.9 ટકા મહિલાઓ ગંભીર અસર ધરાવે છે.

2015-16માં કરાયેલા એનએફએચએસ-4 પ્રમાણે ગુજરાતમાં 55 ટકા મહિલાઓએ ઍનિમિયા હતો.

2005-06માં કરવામાં આવેલા એનએફએચએસ-3 પ્રમાણે ગુજરાતમાં 55 ટકા મહિલાઓ ઍનેમિક હતી.

તે પહેલાં વર્ષ 1998-99માં કરવામાં આવેલા એનએફએચએસ-2 પ્રમાણે ગુજરાતમાં 46 ટકા મહિલાઓને ઍનિમિયા હતો.

આંકડાઓના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે, વર્ષ 1998થી 2021 સુધીમાં બાળકોની જેમ ગુજરાતની મહિલાઓમાં પણ ઍનિમિયાનું પ્રમાણ વધ્યું છે.

ઍનિમિયા ન થાય એ માટે શું કરવું?

બાળકો અને મહિલાઓમાં વધતા ઍનિમિયાના કેસને લઈને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે કે, "ઍનિમિયાના આ પ્રકારે વધેલા કેસ આશ્ચર્યચકિત કરે તેવા છે. આયર્ન જેવા સૌથી સસ્તાં અને સામાન્ય મિનરલની ખામીથી જો આટલા બધા લોકો પીડાતા હોય તો તે ચિંતાનો વિષય છે."

ઍનિમિયાને ટાળવા માટેના ઉપાયો દર્શાવતા ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે, "ઍનિમિયા ન થાય તે માટે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્ત્વની બાબત આહારપ્રણાલી છે."

"લોકોએ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ વિટામિન બી12 તેમજ આયર્ન જેમાં હોય એવો ખોરાક લેવો જોઈએ."

તેઓ વધુમાં કહે છે કે, "બી12 મહદંશે માંસાહારમાંથી મળતું વિટામિન છે, જે ઓછા પ્રમાણમાં દૂધમાંથી પણ મળી આવે છે."

"જે લોકો માંસાહારી છે, તેમના માટે કોઈ પ્રશ્ન નથી; પરંતુ જે લોકો માંસાહારી નથી તેમણે દૂધ પીવું જોઈએ અને ભોજનમાં લીલી શાકભાજી તેમજ ફળો લેવાં જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો