ઓમિક્રૉનના ભયથી વિશ્વના કેટલાય દેશોમાં ફરીથી પ્રતિબંધો લગાવાયા, ગંભીર પરિણામોની WHOની ચેતવણી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે કહ્યું છે કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનથી વિશ્વને ભારે ખતરો છે. સમાચાર સંસ્થા એએફપી અનુસાર WHOએ એ વાત પર ભાર આપ્યો છે કે આ વૅરિયન્ટના ફેલાવાની ક્ષમતા અને જોખમની ગંભીરતાને લઈ હજુ પણ અનિશ્ચિતતા છે.

WHOએ પોતાની એક નોંધમાં કહ્યું છે, "જો ઓમિક્રૉનને પગલે કોવિડ-19ના કેસોમાં એક મોટો ઉછાળો આવ્યો તો આનાં પરિણામો ગંભીર આવી શકે છે. જોકે, ઓમિક્રૉન વૅરિયન્ટથી હજુ કોઈનું મૃત્યુ નથી થયું."

આ પહેલાં WHOએ શુક્રવારે કોવિડ-19ના હાલમાં જ મળેલા 'બી.1.1.529' સ્ટ્રેનને ચિંતાવાળો વૅરિયન્ટ' (વૅરિયન્ટ ઑફ કન્સર્ન/VoC) જાહેર કરતાં આનું નામ ઑમિક્રૉન રાખ્યું હતું.

VOCની યાદીમાં સમાવેશ કરવાનો અર્થ એ છે કે હવે ઓમિક્રૉન પણ ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામા વૅરિયન્ટની જેમ કોરોનાનો સૌથી વધુ હેરાન કરનારા વૅરિયન્ટ છે. જોકે, વિશ્વમાં હજુ સુધી સૌથી વધુ વિનાશ ડેલ્ટા વૅરિયન્ટે વેર્યો છે.

આ વૅરિયન્ટ અંગે WHOને જાણકારી ગત 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં મળી હતી. આ ઉપરાંત બોત્સાવા, બેલ્જિયમ, હૉંગકૉંગ અને ઇઝરાયલમાં પણ આ વૅરિયન્ટની ઓળખ થઈ છે.

WHOએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું, "આ વૅરિયન્ટ ભારે ઝડપથી મ્યુટેન્ટ થઈ રહ્યો છે અને કેટલાક મ્યુટેશન ચિંતાનો વિષય છે "

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સંક્રમણના આઠ હજાર 774 નવા કેસ જોવા મળ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાં માંડ સ્થિતિ સામાન્ય થઈ રહી હતી, ત્યાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉને દેખા દીધી, જેણે ફરી ચિંતા વધારી દીધી છે.

ઇઝરાયલથી લઈને યુરોપિયન દેશો અને અમેરિકા, ઑસ્ટ્રેલિયામાં પણ નવા વૅરિયન્ટને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઇઝરાયલે વિદેશીઓના આગમન પર બે સપ્તાહનો પ્રતિબંધ લાદી દીધો છે, જ્યારે યુરોપના ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા અને તેના પાડોશી દેશો પર પ્રવાસના પ્રતિબંધો લાદી દીધા છે.

વિદેશથી આવતા ઇઝરાયલના નાગરિકોને ક્વોરૅન્ટીન કરવામાં આવશે. કોરોનાના કેસ પર નજર રાખવા માટે ઇઝરાયલ સરકારે ફોન ટ્રૅકિંગનો નિર્ણય લીધો છે. આ પદ્ધતિને લઈને વિવાદ સર્જાયો છે.

ન્યૂયૉર્કમાં ઇમર્જન્સી

અહેવાલો પ્રમાણે, ન્યૂયોર્કના ગવર્નરે વિશ્વભરમાં ફેલાઈ રહેલા નવા ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે કટોકટીની જાહેરાત કરી છે. ઓમિક્રૉન વૅરિયન્ટની સામે કટોકટીની સ્થિતિ જાહેર કરનાર ન્યૂયૉર્ક પ્રથમ છે.

ન્યૂયૉર્કના ગવર્નર કેથી હોચુલે શુક્રવારે 15 જાન્યુઆરી સુધીની કટોકટીની જાહેરાતના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.

ઓમિક્રૉન વેરિયન્ટ કે જે અગાઉ 'B.1.1.529' તરીકે ઓળખાતો હતો, તેના પગલે યુએસમાં આરોગ્ય અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. આ વૅરિયન્ટ દક્ષિણ આફ્રિકા, યુરોપ અને એશિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને અન્ય છ આફ્રિકન દેશો પર નવા પ્રવાસ સંલગ્ન પ્રતિબંધો લાદ્યા છે અને સાથે જ અમેરિકનોને રસીના બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે.

ગયા વર્ષે માર્ચ અને એપ્રિલમાં ન્યૂયૉર્કમાં દરરોજ 1,000ની આસપાસ મૃત્યુ થઈ રહ્યાં હતાં અને શબગૃહોમાં જગ્યા ન હોવાથી રેફ્રિજરેટેડ ટ્રૅલરમાં મૃતદેહોને રાખવાની નોબત આવી હતી.

ડઝનબંધ મુસાફરોના કોરોના ટેસ્ટ પૉઝિટિવ

ડચ અધિકારીના કહેવા પ્રમાણે, દક્ષિણ આફ્રિકાથી બે ફ્લાઇટમાં એમસ્ટડૅમ પહોંચેલા 61 લોકોના કોવિડ-19ના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

જેમાંથી કેટલાક સંક્રમિતોમાં નવો ઓમિક્રૉન વૅરિયન્ટ મળવાની સંભાવના છે. તેમને શિફોલ ઍરપૉર્ટ નજીકની એક હોટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ફ્લાઇટમાં આવેલા 600 મુસાફરોનું કોરોના પરીક્ષણ ધરવામાં આવ્યું હતું.

જર્મની, યુકે સહિતના કેટલાક અન્ય યુરોપિયન દેશોએ પણ ઓમિક્રૉન વેરિયન્ટના કેસની પુષ્ટિ કરી છે.

જેમના રિપોર્ટ નૅગેટિવ છે, તેમને પાંચ દિવસ માટે ઘરમાં આઇસોલેટ રાખવામાં આવશે અને આગળના પરીક્ષણો કરવામાં આવશે.

ઇઝરાયલના વડા પ્રધાને શું કહ્યું?

ઇઝરાયલમાં અત્યાર સુધીમાં નવા વૅરિયન્ટના ચેપના એક કેસની પુષ્ટિ થઈ છે.

ઇઝરાયલના વડા પ્રધાન નેફ્તાલી બેનેટે જણાવ્યું છે કે જ્યાં સુધી નવા વૅરિયન્ટ વિશે પૂરતી વિગતો ન મળે ત્યાં સુધી સાવચેતી જરૂરી છે.

તેમણે કહ્યું કે, "આપણે અત્યારે અનિશ્ચિતતાભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં રહેવું સરળ નથી."

"જ્યાં સુધી આપણને વધુ માહિતી ન મળે, ત્યાં સુધી સાવચેતી રાખવી એ આપણી મુખ્ય અગત્યતા રહેશે."

"ઇઝરાયલે ડેલ્ટા વૅરિયન્ટ સામે જે સફળતા મેળવી છે, તેને જાળવી રાખવી જરૂરી છે."

"આ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, આ માટે આપણે સરહદે ચાંપતી નજર રાખવી પડશે."

ઓમિક્રૉન વૅરિયન્ટ વિશે આપણે શું જાણીએ છીએ?

આ વૅરિયન્ટને હાલ B.1.1.529ના નામથી ઓળખાય છે. પરંતુ શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે તે ખૂબ જ વધુ પ્રમાણમાં મ્યુટેટ થયેલો વૅરિયન્ટ છે. સાઉથ આફ્રિકામાં સેન્ટર ફૉર એપિડૅમિક રિસ્પૉન્સ ઍન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાએ આ વિશે કહ્યું હતું કે, આ વૅરિયન્ટમાં "મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું" અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વૅરિયન્ટ કરતાં 'ખૂબ જ અલગ' છે.

તેમણે કહ્યું કે, "આ વૅરિયન્ટથી અમે આશ્ચર્યચકિત છીએ, ઉત્ક્રાંતિમાં આ વૅરિયન્ટે મોટી છલાંગ લગાવી છે અને તેનું મ્યુટેશન અમારી અપેક્ષા કરતાં ઘણું વધારે છે."

મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રો. ડી ઓલિવિએરાએ કહ્યું કે આ નવા વૅરિયન્ટમાં કુલ 50 મ્યુટેશન હતાં અને 30 કરતાં વધુ સ્પાઇક પ્રોટિન હતા.જે આપણા દ્વારા વિકસિત મોટા ભાગની રસીઓનું લક્ષ્ય છે. સાથે જ આ જ એ ચાવી છે જેના થકી વાઇરસ આપણા શરીરમાં પ્રવેશે છે.

થોડી વધુ નિકટથી તપાસ કરતાં આ વાઇરસના રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇન (વાઇરસનો એ ભાગ જે આપણા શરીરના સંપર્કમાં સૌપ્રથમ આવે છે.),માં દસ મ્યુટેશન છે. નોંધનીય છે કે ડેલ્ટા વાઇરસમાં આ મ્યુટેશન માત્ર બે જ હતાં. જે ઘણા દેશોને પોતાની બાનમાં લઈ ચૂક્યો છે.

આટલું વધુ મ્યુટેશન કોઈક એક દર્દી કે જેઓ આ વાઇરસને હરાવવામાં અસફળ રહ્યા હોય તેમના કારણે થયું હોઈ શકે.

જોકે હાલ ચિંતાની બાબત એ છે કે આ વાઇરસ ચીનના વુહાનમાં સામે આવેલા વાઇરસની તુલનામાં ઘણો અલગ છે.

તેનો અર્થ એ થયો કે ઑરિજિનલ વાઇરસના સ્ટ્રેઇનના ઉપયોગથી તૈયાર કરાયેલી રસી આ વાઇરસ માટે અસરકારક ન નીવડે, એવી શક્યતા પણ રહેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો