You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Noida Airport : ગુજરાતથી લઈને ચીન સુધી, ભાજપે જ્યારે વિકાસના નામે ખોટા દાવા કર્યા
ઉત્તર પ્રદેશના નોઇડાના નામે રજૂ કરાયેલી એક તસવીરે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. બે દિવસ અગાઉ કેન્દ્રની ભાજપ સરકારના ઘણા મંત્રીઓ અને નેતાઓએ આ તસવીરને ગ્રેટર નોઇડાના જેવર ઍરપૉર્ટ તરીકે દર્શાવીને ટ્વીટ કરી હતી.
આટલું જ નહીં, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે.
જેવર ઍરપૉર્ટ બનીને તૈયાર થશે ત્યારે એશિયાનું સૌથી મોટું ઍરપૉર્ટ હશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ દાવા સાથે જ કેન્દ્રીય મંત્રીઓથી લઈને સત્તાધારી ભાજપના વિવિધ નેતાઓએ તેની એક તસવીર પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર શૅર કરી હતી. જે ગણતરીના કલાકોમાં વાઇરલ થઈ ગઈ હતી.
આ તસવીરો વાઇરલ થવાનું કારણ હતું 'શેન શિવેઈ' નામક વ્યક્તિનું ટ્વીટ.
વૅરિફાઇડ ટ્વિટર ઍકાઉન્ટ ધરાવતા શેનને ચીનના મામલાના જાણકાર બતાવવામાં આવી રહ્યા છે અને તેમની પ્રોફાઇલ પર ચીનના સરકારી મીડિયાનું લેબલ પણ લાગેલું છે.
શેનનો દાવો છે કે ભારતના મંત્રીઓ અને નેતાઓ જેને જેવર ઍરપૉર્ટ ગણાવી રહ્યા છે તે ખરેખર બીજિંગમાં 2 વર્ષ પહેલાં શરૂ થયેલું ઍરપૉર્ટ છે.
જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું કે ભાજપના નેતાઓએ વિકાસ બતાવવા માટે ખોટી તસવીરો રજૂ કરી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂતકાળમાં એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં ભાજપના નેતાઓએ ખોટી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હોય અને બાદમાં તેના કારણે ટ્રોલ થયા હોય તથા અંતે એ તસવીરને હઠાવવી પણ પડી હોય.
ભાજપે જ્યારે આંધ્ર પ્રદેશના ડૅમને ઉત્તર પ્રદેશના ડૅમ તરીકે દર્શાવ્યો
ત્રણ દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ બુંદેલખંડ ક્ષેત્રમાં રૂપિયા 6 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ઉદ્ધાટન કર્યું હતું.
આ અગાઉ 19 નવૅમ્બરના રોજ ભાજપના ધારાસભ્ય ડૉ. અવધેશસિંહે ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી હતી અને દાવો કર્યો હતો કે બુંદેલખંડને પણ આ પ્રકારની સિંચાઈ-યોજનાઓ મળશે. પોસ્ટમાં જે તસવીર હતી, તેને 'ભાવની બાંધ પરિયોજના' તરીકે દર્શાવવામાં આવી હતી.
ડૉ. અવધેશસિંહ સહિત ઉત્તર પ્રદેશ ભાજપના કેટલાય નેતાઓ દ્વારા આ જ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટો પર પણ શૅર કરવામાં આવી હતી.
'ઑલ્ટ ન્યૂઝ'ના ફૅક્ટ ચૅકમાં જાણવા મળ્યું કે પોસ્ટમાં જે તસવીરને 'ભાવની બાંધ પરિયોજના' તરીકે દર્શાવવામાં આવી છે. તે ખરેખર આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીસૈલમ ડૅમની તસવીર હતી.
આ ડૅમ તેલંગણાના નાગરકૂર્નુલ અને આંધ્રપ્રદેશના કૂર્નુલ જિલ્લામાંથી પસાર થતી કૃષ્ણા નદી પર બાંધવામાં આવ્યો છે.
ભાજપે જ્યારે લૉસ ઍન્જલસના સ્કાયસ્ક્રૅપર્સને વડા પ્રધાન મોદીની ઉપલબ્ધિ ગણાવી
વડા પ્રધાન મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર તેમને શુભેચ્છા પાઠવતો એક વીડિયો અપલૉડ કરવામાં આવ્યો હતો.
બીજેપીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી શૅર કરવામાં આવેલા 2.43 મિનિટના વીડિયોમાં મોદીની વડા પ્રધાન તરીકેની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે, 'ભારતના પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદીને સમગ્ર દેશ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ.'
'બૂમ લાઇવ'ના ફૅક્ટ ચૅકમાં જાણવા મળ્યું કે બીજેપી દ્વારા શૅર કરવામાં આવેલા વીડિયોમાં રાત્રિના સમયનો જે ટાઇમલૅપ્સ વીડિયો બતાવવામાં આવ્યો હતો. તે ખરેખર અમેરિકાના લૉસ ઍન્જલસનો હતો.
બીજેપી દ્વારા અપલૉડ કરવામાં આવેલા વીડિયોમાં જે સ્કાયસ્ક્રૅપર્સ બતાવવામાં આવી હતી, તે યુટ્યૂબ પર "ધ ઍન્જલ્સ - લૉસ ઍન્જલસ ટાઇમલૅપ્સ બાય મૅથ્યૂ ગિવૉટ" નામક વીડિયોમાંથી લેવામાં આવી હતી.
બીજેપીના વીડિયોમાં વડા પ્રધાન મોદીની ઉપલબ્ધિઓ તરીકે દર્શાવવામાં આવેલી સ્કાયસ્ક્રૅપર્સ આ વીડિયોમાં 3.58 મીનિટે જોવા મળી શકે છે.
પોરબંદરના સાંસદે ન્યૂઝીલૅન્ડના હાઈવેને ગોંડલ પાસેથી પસાર થતો હાઈવે ગણાવ્યો
ભાજપ તરફથી ચૂંટાયેલા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે 30 સપ્ટેમ્બરના રોજ એક ઇન્ફોગ્રાફિક ટ્વિટ કર્યું હતું.
આ ટ્વિટમાં અગાઉના અને હાલના એમ બન્ને ફોટોગ્રાફ સાથે તેમણે લખ્યું હતું :
'ગોંડલ ખાતે નેશનલ હાઈવે-27 પર ઉમવાડા ચોકડી, રામનાથધામ પાસે રાત્રિના સમયે અંધારાને કારણે વારંવાર અકસ્માત થતાં હોવાથી હાઈ માસ્ટ ટાવર ઊભો કરવા માટે પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને નેશનલ હાઈવે ઑથોરિટી દ્વારા હાઈ માસ્ટ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતાં હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં આનંદની લાગણી ઉદ્ભવેલ છે.'
'ઑલ્ટ ન્યૂઝ'ના ફૅક્ટ ચૅકમાં જાણવા મળ્યું હતું કે રમેશ ધડુક દ્વારા લાઇટોથી ઝળહળતા હાઈવેની જે તસવીર શૅર કરવામાં આવી, તે ખરેખર ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરનો છે અને ઓરિજિનલ ફોટો 'ગૅટી ઇમેજીસ' પરથી લેવામાં આવ્યો હતો.
જોકે, હાલમાં રમેશ ધડુકના ટ્વિટર એકાઉન્ટ પર આ ટ્વીટ જોવા નથી મળતું.
જ્યારે છત્તીસગઢ ભાજપે ગુજરાતના હાઈવેને છત્તીસગઢનો વિકાસ ગણાવ્યો
બીજેપી છત્તીસગઢે 30 સપ્ટૅમ્બર 2018ના રોજ એક ઇન્ફોગ્રાફિક તસવીર ટ્વિટર પર શૅર કરી હતી.
'વિશ્વાસ સે વિકાસ તક' કૅપ્શન સાથે શૅર કરવામાં આવેલી આ પોસ્ટમાં ત્રણ ફોટોગ્રાફ સાથે છત્તીસગઢમાં તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી.
'ઑલ્ટ ન્યૂઝ' દ્વારા કરવામાં આવેલા ફૅક્ટ ચૅકમાં તેમણે ઇન્ફોગ્રાફિક્સમાંના ત્રણેય ફોટોને રિવર્સ સર્ચ કર્યા હતા.
જેમાં પ્રથમ ફોટો વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વૅનો હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે બીજો ફોટો કેટલાંક સ્થળોએ ચંબા નામક જગ્યાનો હોવાનો જણાયું હતું. જે છત્તીસગઢનો ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે છેલ્લી તસવીર કૅનેડાની હોવાનું જાણવા મળ્યું હતું.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો