ઓમિક્રૉન વૅરિયન્ટ સામે કોરોનાની રસી કામ કરશે કે નવી રસીની જરૂર છે?

    • લેેખક, મિશેલ રોબર્ટ્સ
    • પદ, હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ ઓનલાઇન

કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન મળી આવ્યો છે, જેને વૈજ્ઞાનિકો 'ખૂબ ચિંતા'નો વિષય ગણાવી રહ્યા છે.

આ વૅરિયન્ટ અગાઉના ડેલ્ટા વૅરિયન્ટ કરતાં પણ ખતરનાક હોવાનું નિષ્ણાતો માને છે.

જોકે આ સ્થિતિમાં માસ્ક પહેરવા, રસીકરણ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા પર ભારત સહિત અનેક દેશોમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જોકે આમાં સૌથી ચિંતા ઉપજાવે તેવો પ્રશ્ન એ છે કે શું રસીઓ હજુ પણ કામ કરશે?

નવો ઓમિક્રૉન વૅરિયન્ટ શું છે?

વિશ્વભરમાં કોવિડના હજારો વૅરિયન્ટ અથવા પ્રકારો સંક્રમણ ફેલાવી રહ્યા છે, આ અપેક્ષિત છે કારણ કે આ વાઇરસ સતત સ્વરૂપ બદલતો રહે છે.

B.1.1.529 અથવા ઓમિક્રૉન નામના આ નવા વૅરિયન્ટને લઈને નિષ્ણાતો ચિંતામાં પડ્યા છે. એનું કારણ એવું છે કે જે વૅરિયન્ટને ધ્યાને રાખીને રસીઓ વિકસાવવામાં આવી છે, તેના કરતાં આ નવો વૅરિયન્ટ એકદમ અલગ છે.

નવા વૅરિયન્ટમાં 50 જેટલા ફેરફારોની લાંબી યાદી છે. નવા વૅરિયન્ટમાં 32 સ્પાઇક પ્રોટીન રહેલા છે. રસીઓ આ સ્પાઇક પ્રોટીનના હિસ્સા પર પ્રહાર કરે છે.

આ નવો વૅરિયન્ટ કેટલું મોટું જોખમ ઊભું કરે છે, તેના વિશે જણાવવું વહેલું ગણાશે.

ઓમિક્રૉન વૅરિયન્ટ પર રસીઓ અસરકારક?

નિષ્ણાતો કહે છે કે વર્તમાન રસીઓ આદર્શ રીતે મેળ ખાતી નથી, તેથી તે જોઈએ એટલું કામ ન પણ આપે. જોકે તેનો અર્થ એ નથી કે આ રસીઓનું સુરક્ષાકવચ ઝીરો થઈ ગયું છે.

યાદ રહે કે ડેલ્ટા, આલ્ફા અને ગામા સહિતના અન્ય કોવિડ વૅરિયન્ટના જોખમને ઘટાડીને જીવ બચાવવા માટે રસીઓ હજુ પણ ઘણી અસરકારક છે.

ડૉક્ટરો કહે છે કે કોરોનાના પ્રવર્તમાન અને નવા આવી રહેલા વૅરિયન્ટો સામે મહત્તમ રક્ષણ મેળવવા માટે લોકોએ નિયત માત્રામાં રસીનો ડોઝ લેવો જરૂરી છે.

બૂસ્ટર ડોઝ ઉપાય હોઈ શકે?

યુકેમાં, નીચેની પરિસ્થિતિમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે:

  • 40થી વધુ વયના લોકોને
  • ફ્રન્ટલાઇન આરોગ્યકર્મીઓ અને સામાજિક સંભાળનું કામ કરતા કર્મચારીઓ
  • વૃદ્ધાશ્રમોમાં રહેતા મોટી ઉંમરના લોકો
  • ખરાબ આરોગ્ય ધરાવતા લોકો
  • ખરાબ આરોગ્ય ધરાવતા લોકો સાથે રહેતા પુખ્ત વયના લોકો

યુકેમાં અત્યાર સુધીમાં 1.6 કરોડ કરતાં વધારે લોકોને બૂસ્ટર અથવા ત્રીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોનું પરીક્ષણ

આ નવા વૅરિયન્ટ સામે રસીઓ ટકી રહેશે કે કેમ તે ચકાસવા માટે વૈજ્ઞાનિકો ઘણાં પરીક્ષણો હાથ ધરશે.

કહેવું ઘણું વહેલું ગણાશે, પરંતુ નિષ્ણાતો ચેપને વ્યાપક બનાવતા કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટનો અભ્યાસ કરશે અને તેઓ મૂલ્યાંકન કરશે કે શું તે અન્ય વૅરિયન્ટ કરતાં વધુ ગંભીર બની રહ્યો છે.

વૅરિયન્ટ સામે આપણને નવી રસી મળી શકે?

સંભાવનાઓને ધ્યાને રાખીને કોવિડ વૅરિયન્ટ સામેની રસીઓના અપડેટેડ વર્ઝન પહેલાંથી જ ડિઝાઇન અને પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે.

જો તેમાંથી કોઈ રસી અનુરૂપ હશે તો તે થોડાં જ અઠવાડિયાંમાં તૈયાર કરી શકાશે. ઉત્પાદકો ઝડપથી ઉત્પાદન પણ વધારી શકશે અને રસીની મંજૂરીની પ્રક્રિયાને કેવી રીતે ઝડપી કરવી તે અંગે પણ નિયમનકારોએ પહેલાંથી જ ચર્ચા કરી લીધી છે.

કોઈ ટૂંકો રસ્તો અપનાવવામાં આવશે નહીં, પરંતુ ડિઝાઇનથી લઈને મંજૂરી સુધીની સમગ્ર પ્રક્રિયા અગાઉ કરતાં ઘણી ઝડપી હશે.

અન્ય વૅરિયન્ટનું શું?

કેટલાક વૅરિયન્ટ પર અધિકારીઓની ચાંપતી નજર છે.

તેમાં સૌથી વધુ ખતરાની સંભાવના ધરાવતા વૅરિયન્ટને વૅરિયન્ટ ઑફ કન્સર્ન એટલે કે ચિંતાનો વૅરિયન્ટ કહેવામાં આવે છે અને તેમાં નીચેના વૅરિયન્ટને સમાવવામાં આવ્યા છે:

  • ડેલ્ટા (B.1.617.2) પ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો અને અત્યારે યુકેમાં જોવા મળતો સૌથી સામાન્ય વૅરિયન્ટ છે.
  • આલ્ફા (B.1.1.7) સૌપ્રથમ યુકેમાં જોવા મળ્યો હતો, પરંતુ આજે તે 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે
  • બીટા (B.1.351) સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, પરંતુ તે યુકે સહિત ઓછામાં ઓછા 20 અન્ય દેશોમાં મળ્યો છે.
  • ગામા (P.1) સૌપ્રથમ બ્રાઝિલમાં જોવા મળ્યો, પરંતુ તે યુકે સહિત 10થી વધુ અન્ય દેશોમાં ફેલાઈ ગયો છે.

યુકેના અધિકારીઓ ડેલ્ટા વૅરિયન્ટના તાજેતરના બદલાયેલા સ્વરૂપો AY.4.2 અથવા 'ડેલ્ટા પ્લસ' પર પણ નજર રાખી રહ્યા છે.

વૅરિયન્ટ કેટલો જોખમી?

એવા કોઈ પુરાવા નથી કે આમાનો કોઈ વૅરિયન્ટ મોટા જનસમૂહ માટે ગંભીર બીમારીનું કારણ બની રહ્યો હોય.

મૂળે કોવિડની જેમ જ વૃદ્ધો અથવા એકદમ ખરાબ આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકો માટે વૅરિયન્ટનું જોખમ સૌથી વધુ રહે છે.

તેમ છતાં એવું માનવામાં આવે છે કે વધારે ચેપી વૅરિયન્ટ રસી ન લેનારા લોકોનાં મૃત્યુનું કારણ બની શકે છે.

રસી કોવિડ-19 સામે સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં વૅરિયન્ટ ઑફ કન્સર્નના ચેપનો પણ સમાવેશ થાય છે. રસી ચેપનું જોખમ પણ ઘટાડે છે.

કોરોનાના સંક્રમણથી બચવા માટેની સલાહ તમામ વૅરિયન્ટ માટે સરખી છે - વારંવાર હાથ ધોવા, સુરક્ષિત અંતર જાળવવું, ભીડવાળી જગ્યાએ ચહેરો ઢાંકવો અને વૅન્ટિલેશન વિશે જાગ્રત રહેવું.

નવા વૅરિયન્ટ કેમ પેદા થાય છે?

વાઇરસ પોતાની કાર્બન કૉપીઓ બનાવે છે, પરંતુ આ નકલો અદ્દલોઅદ્દલ સરખી નથી હોતી. નાની અમથી ભૂલ જનીની બંધારણમાં બદલાવ લાવે છે. જેના પરિણામે વૅરિયન્ટનું નવું રૂપ અસ્તિત્વમાં આવે છે.

જો આનાથી વાઇરસને અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદ મળે તો નવું સંસ્કરણ પ્રસાર પામશે.

સંક્રમિતના શરીરની અંદર કોરોના વાઇરસને પોતાની નકલો બનાવવામાં અને સ્વરૂપો બદલવામાં વધુ અનુકૂળતા રહે છે.

તેથી ચેપને દાબી રાખવો મહત્ત્વપૂર્ણ છે. રસીઓ ટ્રાન્સમિશનને ઘટાડવામાં તેમજ કોવિડ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો