NFHS 5 : ભારતમાં ખરેખર પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે?

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત સરકારે હાલમાં જ મહિલા અને બાળ સ્વાસ્થ્ય અંગે કરવામાં આવેલા સર્વેક્ષણ નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે (NFHS 5)ના આંકડા જાહેર કર્યા છે, જે આંકડા આશ્ચર્ય સર્જી રહ્યા છે.

આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 1,000 પુરુષોની સામે હવે સ્ત્રીઓની સંખ્યા 1,020 થઈ ગઈ છે. અગાઉ 2011માં વસતીગણતરી વખતે 1,000 પુરુષો સામે 943 સ્ત્રીઓની સંખ્યા નોંધાઈ હતી.

સ્ત્રીઓની સંખ્યા વધી છે તેના આ આંકડા બાબતે એ ખાસ યાદ રાખવું જોઈએ કે નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે એક 'સૅમ્પલ સર્વે' છે. તેમાં થોડી સંખ્યાના આધારે અનુમાન હોય છે, જ્યારે વસતીગણતરી બધા જ નાગરિકોની કરવામાં આવે છે અને તે 'પાકી ગણતરી' હોય છે.

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે (NFHS 5)માં લગભગ છ લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે વસતીગણતરીમાં સવાસો કરોડ લોકોને આવરી લેવાયા હતા.

મુંબઈમાં સ્વાસ્થ્ય અંગેના મુદ્દા પર કામ કરતી એનજીઓ 'સેહત' (CEHAT)નાં સંયોજક સંગીતા રેગે માને છે કે એક અન્ય કારણસર પણ આ આંકડા ધ્યાન ખેંચી રહ્યા છે.

સંગીતા રેગે જણાવે છે, "નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેનાં તારણોમાં માઇગ્રેશનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઘરે જઈને સર્વેક્ષણ કરવામાં આવે ત્યારે પુરુષો બીજા ગામે રોજગારી માટે ગયેલા હોય એટલે તેની સામે સ્ત્રીઓની સંખ્યા વધારે નીકળી શકે છે."

તો શું તેનો અર્થ એવો થયો કે આ સર્વેક્ષણના આંકડા ખોટા છે?

સરકાર વતી આ સર્વેક્ષણનું કામ 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સ'એ કર્યું હતું.

આ સંસ્થા સાથે જોડાયેલા 'માઇગ્રેશન ઍન્ડ અર્બનાઇઝેશન સ્ટડીઝ'ના પ્રોફેસર આર. બી. ભગત પણ માને છે કે સ્ત્રી અને પુરુષની સંખ્યાનું પ્રમાણ જાણવા માટે વસતીગણતરી વધારે પ્રમાણભૂત છે.

તેઓ કહે છે, "સૅમ્પલ સર્વેમાં હંમેશાં સૅમ્પલિંગની ભૂલ આવી શકે છે, જે ભૂલ વસતીગણતરીમાં થતી નથી. આગામી વસતીણતરી થશે ત્યારે સ્ત્રીઓનું પ્રમાણ વધેલું નીકળશે ખરું, પરંતુ આટલું બધું નહીં હોય."

સામાજિક બાબતોમાં સંશોધન કરતી સંસ્થા 'સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ'ના ભૂતપૂર્વ ડિરેક્ટર સંજયકુમાર પણ આ તારણથી વિમાસણમાં પડ્યા છે. જોકે તેઓ સૅમ્પલ સર્વેની પદ્ધતિ પર વિશ્વાસ ધરાવે છે.

સંજયકુમાર કહે છે, "એક ચોક્કસ પદ્ધતિથી સૅમ્પલ સર્વે કરવામાં આવે છે અને યોગ્ય રીતે સેમ્પલ પસંદ કરવામાં આવે તો નાનાં સૅમ્પલ સર્વે છતાં સાચું તારણ નીકળતું હોય છે."

તેમના જણાવ્યા અનુસાર 1020:1000 એવું પ્રમાણ ચોંકાવનારું છે અને તેને સમજવા માટે જુદાંજુદાં રાજ્યો અને ગ્રામીણ તથા શહેરી આંકડાઓનો પણ અભ્યાસ કરવો જોઈએ.

સર્વેમાં કેમ સ્ત્રીઓની સંખ્યા પુરુષો સામે વધેલી દેખાણી?

સંગીતા રેગેના જણાવ્યા અનુસાર 'જન્મસમયે જીવી જવાની શક્યતા' (સરેરાશ આયુષ્ય) બાળકીમાં વધારે હોય છે તે પણ કારણ હોઈ શકે છે.

ભારતના વસતીગણતરી વિભાગના 2013-17ના અનુમાન અનુસાર ભારતમાં સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય 70.4 વર્ષ છે, જ્યારે પુરુષોનું 67.8 વર્ષ છે.

એ જ રીતે ગર્ભાવસ્થા વખતે અને પ્રસૂતિ વખતે સ્ત્રીઓનું મૃત્યુ થતું હતું તેમાં પણ હવે ઘટાડો થયો છે.

આરોગ્ય મંત્રાલયે લોકસભામાં આપેલી માહિતી અનુસાર તેમના સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે 2014થી 2016 દરમિયાન દર વર્ષે એક લાખ બાળકોના જન્મ સામે 130 માતાઓનું અવસાન થતું હતું, જે 2016-18માં ઘટીને 113નું થયું હતું.

પ્રોફેસર ભગતના જણાવ્યા અનુસાર આ વખતે સ્ત્રીઓએ વધારે માહિતી આપી તે પણ આનું કારણ હોઈ શકે છે.

તેઓ કહે છે, "પહેલાં પરિવારમાં સ્ત્રીઓને મહત્ત્વ આપવામાં નહોતું આવતું. પરંતુ છેલ્લા દાયકાઓમાં ઘણી બધી સરકારી યોજનાઓમાં સ્ત્રીઓનું નામ લખાવવાનું ચલણ વધ્યું છે. તેના કારણે સ્ત્રીઓની ગણતરી ઓછી થતી હતી તે હવે યોગ્ય રીતે થવા લાગી હોઈ શકે છે."

શું લિંગની તપાસ અને ભ્રૂણહત્યા ઓછી થઈ હશે?

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે (5)માં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ 1020:1000 અપાયું છે, તેની સાથે જન્મસમયે (સેક્સ રેશિયો એટ બર્થ) લિંગ પ્રમાણ કેટલું હોય છે તે પણ અપાયું છે - તે છે 929:1000 છે.

આ રેશિયોમાં છેલ્લાં પાંચ વર્ષેમાં બાળકો પેદા થયાં હોય તેમાં બાળક કેટલાં અને બાળકી કેટલી તે ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્રોફેસર ભગતના જણાવ્યા અનુસાર ગર્ભના લિંગની તપાસ અને ભ્રૂણહત્યાની અસરને સમજવા માટે આ રેશિયો વધારે સારો માપદંડ છે. તેમાં હજીય ઓછી બાળકીઓનો જન્મ થઈ રહ્યો છે તે ખ્યાલ આવે છે અને તેથી તેના પર વધુ કામ કરવાનું હજી બાકી છે.

જન્મવખતે જ છોકરા સામે છોકરીની સંખ્યા ઓછી હોય છે તેના માટે કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ હોવાનું સંગીતા રેગે જણાવે છે.

તેઓ કહે છે, "ઘણા સંશોધનમાં જોવા મળ્યું કે ઐતિહાસિક રીતે પણ પ્રથમ પ્રસૂતિમાં છોકરાનો જન્મ થવાની શક્યતા વધારે હોય છે. તેમ જ છોકરાની પ્રસૂતિ વખતે કસૂવાવડ થવાની શક્યતા વધારે હોય છે. સારવારની બાબતમાં સુધારો થવા લાગ્યો તે સાથે નાનો પરિવાર રાખવાનું વલણ વધ્યું છે અને ગર્ભનિરોધકોનો ઉપયોગ પણ વધ્યો છે. તે બધાને કારણે છોકરાઓનું પ્રમાણ વધ્યું છે."

આંકડાની આ જાળમાં એ પણ યાદ રાખવું જોઈએ કે 2011ની વસતીગણતરી વખતે છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા સૌથી ઓછી થઈ ગયેલી હતી - 1000 સામે માત્ર 919 હતી.

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આ આંકડાથી સૌ કોઈ નવાઈમાં પડ્યા છે, પરંતુ આગળના સમય માટે તેમને સારી આશા બંધાઈ છે.

આરોગ્ય અને વસતીના મુદ્દા પર કામ કરતી એનજીઓ 'પૉપ્યુલેશન ફર્સ્ટ'ના ડિરેક્ટર એ. એલ. શારદા પણ આ આંકડાંને 'માની ના શકાય એટલા સારા' ગણાવે છે. જોકે તેઓ ઉમેરે છે કે સામાજિક વલણમાં પરિવર્તન પણ આવી રહ્યું છે.

તેઓ કહે છે, "હું 2031ની વસતીગણતરી માટે ખૂબ આશા રાખીને બેઠી છું. અત્યારે જે પેઢી સ્કૂલોમાં છે તેમણે ત્યારે લગ્ન કર્યાં હશે, માતા-પિતા બન્યાં હશે અને તેઓ ત્યાં સુધી જે પણ સમાનતાની ભાવનાની ઝુંબેશને અને યોજનાઓને જાણતા આવ્યા હશે તેના પર આગળ વધશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો