You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કેવી રીતે મળશે કોરોનાની સહાય, સુપ્રીમે શા માટે પટેલ સરકારને ઝાટકી કાઢી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
"તમારા મુખ્ય મંત્રી કશું જાણતા નથી? મી. સેક્રેટરી તમે શા માટે છો? જો તમે આ રીતે મગજ વાપરતા હોય, તો તમે કશું જાણતા નથી." કોરોનાની સહાયમાં ચૂકવણી માટે ગુજરાત સરકાર દ્વારા નીમવામાં આવેલી સ્ક્રૂટિની કમિટી સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે આકરું વલણ અપનાવ્યું છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ એમ. આર. શાહ તથા બી. વી. નાગરત્ના બેઠા હતા, જેમણે સહાયની કામગીરીમાં સરકારની ઢીલાશ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઑક્ટોબર મહિનામાં પોતાના આદેશમાં સર્વોચ્ચ અદાલતે નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીની ભલામણના આધારે દરેક મૃતકના પરિવારજનોને રૂ. 50-50 હજાર આપવાનો આદેશ કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા મૃત્યુના કારણ માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી, જેનું ખાસ કમિટી દ્વારા સ્ક્રિનિંગ થવાનું હતું. અદાલતે આ કમિટી-વ્યવસ્થાને 'ઢીલ કરવા માટેનો પ્રયાસ' ગણાવ્યો હતો.
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે, રાજ્યમાં કોરોનાને કારણે (સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે) દસ હજાર 88 મૃત્યુ થયાં છે. આ અંગે વધુ સુનાવણી આગામી સોમવારે (તા. 29મી નવેમ્બરે) હાથ ધરવામાં આવશે.
મુખ્ય મંત્રીને શું ખબર છે?
જસ્ટિસ શાહે પૂછ્યું હતું કે, 'પહેલું જાહેરનામું કોણે જાહેર કર્યું હતું? કોઈકે તો જવાબદારી લેવી પડશે.' આ તબક્કે ગુજરાત સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતે જવાબદારી લઈ રહ્યાં હોવાની વાત કહી હતી. ત્યારે જસ્ટિસ શાહે ટકોર કરતા જણાવ્યું હતું, "તમે શા માટે જવાબદારી લો છો? સંબંધિત અધિકારીએ લેવી પડશે, કોણે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો?"
આ સમયે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાયા હતા તથા સૉલિસિટર જનરલ મહેતાએ આના વિશે જસ્ટિસ મુકેશકુમાર આર. શાહે પૂછ્યું હતું, "ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો તથા તેને કોણે મંજૂરી આપી?"
જેના જવાબમાં એડિશનલ ચીફ સેક્રેટરી અગ્રવાલે કહ્યું, "વિભાગ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, અનેક અધિકારીઓ તેમાં સામેલ હતા. બાદમાં સક્ષમ સત્તાધીશે તેને મંજૂરી આપી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તબક્કે જસ્ટિસ શાહે પૂછ્યું હતું, "સક્ષમ સત્તાધીશ કોણ છે?" જેના જવાબમાં અગ્રવાલે કહ્યું હતું, "સર, સક્ષમ સત્તાધીશ સૌથી ટોચ ઉપર છે." જવાબથી સંતુષ્ટ નહીં થતા જસ્ટિસ શાહે ફરી પૂછ્યું હતું, "અમને જણાવો તે કોણ છે?" આ તબક્કે અગ્રવાલે ફોડ પાડતા જણાવ્યું હતું, "સર, તે મુખ્યમંત્રી છે."
જસ્ટિસ શાહ દેખીતી રીતે નારાજ થઈ ગયા હતા. તેમણે પૂછ્યું, "તમારા મુખ્ય મંત્રી કશું જાણતા નથી? મી. સેક્રેટરી તમે શા માટે છો? જો આ તમે મગજ વાપર્યું હોય, તો તમે કશું જાણતા નથી. શું તમને અંગ્રેજી આવડે છે? શું તમે અમારા આદેશને સમજો છો ? આ (સહાય ચૂકવવામાં) ઢીલ કરવા માટેની બાબુશાહી છે."
આ તબક્કે મહેતાએ દરમિયાનગીરી કરીને જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે ખોટા દાવા ન આવી જાય તે માટે વાજબી ચિંતા રહેલી છે. તેના જવાબમાં જસ્ટિસ શાહે કહ્યું હતું કે અમે તમને સ્ક્રૂટિની કમિટીની નિમણૂક કરવા માટે કહ્યું જ નથી.
અદાલતમાં થયેલી આ કાર્યવાહી કાયદાકીય બાબતોની વેબસાઇટ livelaw.in દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
'સહાય ચૂકવો નહીંતર...'
મહેતાએ નૉટિફિકેશનમાં સુધાર કરવાની વાત કહી હતી, જેને બેન્ચે નકારી કાઢી હતી અને કહ્યું હતુ કે 'અમે સ્ક્રૂટિની કમિટી રચવા માટે કહ્યું જ નથી અને આદેશમાં ફેરફાર સ્વીકાર્ય નથી. સ્ક્રૂટિની કમિટી પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં એક વર્ષ લાગી જશે. તે કહેશે કે હૉસ્પિટલનું સર્ટિફિકેટ લઈ આવો. કઈ હૉસ્પિટલ સર્ટિફિકેટ આપે છે.'
જસ્ટિસ શાહે એવો મત વ્યક્ત કર્યો હતો કે પરિસ્થિતિને વધુ ગૂંચવી નાખવા તથા ઢીલ માટેની આ બાબુશાહી નીતિ છે. તેમણે કહ્યું હતું કે તમારા પોતાના સરકારી આંકડા પ્રમાણે, દસ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. તો શંકા ક્યાં છે?
જસ્ટિસ બીવી નાગરત્નાએ ઉમેર્યું હતું, "ખોટા દાવા આવે, એનો મતલબ એવો નથી કે ખરા લોકોએ રાહ જોવી પડે."
જસ્ટિસ શાહે પૂછ્યું હતું કે સરકારી ચોપડે મૃત્યુ પામેલા 10 હજાર લોકોમાંથી કેટલાના પરિવારજનોને સહાય મળી ચૂકી છે? સાથે જ તેમને સહાય ચૂકવવા આદેશ કર્યા હતા અને જો સરકાર તેમ કરવામાં નિષ્ફળ રહે તો આગામી સુનાવણી દરમિયાન લિગલ સર્વિસ ઑથૉરિટીના સભ્યોને લોકપાલ તરીકે નિમવાની ચેતવણી આપી હતી.
અગાઉ 2001ના ગુજરાત ભૂકંપ બાદ સહાયની ચુકવણી કરવા માટે આવી રીતે લિગલ સર્વિસ ઑથૉરિટીના સભ્યોને નીમવામાં આવ્યા હોવાનું જસ્ટિસ શાહે યાદ અપાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ શાહે ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ માર્ચ-2004માં ગુજરાત હાઈકોર્ટના ઍડિશનલ જજ બન્યા હતા.
તેઓ જૂન-2005માં હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા તથા નવેમ્બર-2018માં તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થઈ હતી.
સહાયપ્રક્રિયામાં સરકાર 'શાહી'
કોરોનાથી મૃત્યુ થયું છે, તેના વિશેનું પ્રમાણપત્ર મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેશન કૉઝ ઑફ ડૅથ (MCCD) નામનું ફૉર્મ રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવ્યું હતું. જે મહાનગર પાલિકામાં વોર્ડના સિવિક સેન્ટર તથા વૉર્ડની જન્મ-મરણ નોંધણી કચેરી, નગરપાલિકા કક્ષાએ ચીફ ઑફિસર, તલાટીકમ-મંત્રી અને રેન્જ ફૉરેસ્ટ ઑફિસર પાસે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ ફૉર્મમાં અરજદારનું, અરજદારના પિતાનું નામ, અટક, ઉંમર, વ્યવસાય, સરનામું, પીનકોડ, ઈમેઈલ, મોબાઇલ નંબર વગેરે જેવી પાયાની માહિતી માગવામાં આવી હતી.
આ સિવાય મૃત્યુ પામનારનું નામ, મૃત્યુની તારીખ, મૃત્યુનું સ્થળ, જો હૉસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો (તેનું નામ, સરનામું, શહેર), મરણ નોંધણીની તારીખ, મરણ નોંધણીક્રમાંક અને મૃતક સાથેના સંબંધ જેવી વિગતો સાથેનું ફોર્મ સક્ષમ અધિકારીને સોંપવાનું હતું. આ સાથે મરણનો દાખલો પણ જોડવાનો હતો.
અમદાવાદમાં અગાઉ કલેક્ટર કચેરીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યાલયે લોકો ફોર્મ મેળવવા તેમજ જમા કરાવવા જતા હતા. એ બાબતે લોકોમાં પણ અસંમંજસ હતી. હવે શહેરની સાત મામલતદાર કચેરીમાં અરજી આપી શકશે.
સરકાર દ્વારા કોવિડ-19 મૃતક વિષયક ખાતરી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, જે ચોક્કસ સંજોગોમાં મૃત્યુ સંદર્ભે દાવાની ચકાસણી કરવાની હતી તથા મૃત્યુનું સર્ટિફિકેટ આપવાની હતી.
ઑક્ટોબર-2020માં સુપ્રીમ કોર્ટે ગૌરવ કુમાર બંસલ વિ. સંઘ સરકારના કેસમાં નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીની ભલામણના આધારે રૂ. 50-50 હજારની સહાય મૃતકોના પરિવારજનોને ચૂકવવાનો આદેશ કર્યો હતો.
સોમવારની સુનાવણી દરમિયાન અદાલતે કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માગી હતી કે કોવિડ સંબંધિત મૃત્યુ માટે રાજ્ય સરકારોએ કેટલી સહાય ચૂકવી છે તેનો ડેટા માગ્યો હતો તથા ફરિયાદ નિવારણની વ્યવસ્થા માટેની માહિતી પણ માગી છે.
ગુજરાત સરકાર અને સહાય
કોરોનાના કારણે મૃત્યુ પામેલા નાગરિકો સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઑક્ટોબર મહિનાના અંત ભાગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ અંગે અમુક મહાનગર પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોટા ભાગની નગરપાલિકા તથા ગ્રામ્યસ્તર સુધી માહિતી પહોંચી ન હતી અને વ્યવસ્થા ઊભી થઈ શકી ન હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિતની રાજ્ય સરકારોને માર્ગદર્શિકા મોકલવામાં આવી હતી, જેમાં 95 ટકા મૃતકોના પરિવારજનોને સહાયને માટેનો માર્ગ મોકળો થયો હતો.
સરકારી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ, ઘરે સારવાર દરમિયાન મૃત્યુ, વગેરે પરિસ્થિતિમાં શું કરવું તેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના 30 દિવસમાં મૃત્યુ થાય, તો પણ તેને કોરોના સંબંધિત મૃત્યુ ગણવાનું કહેવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે 30 દિસવમાં સહાય ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ ગુજરાત સરકારે MCCDની અરજી મળ્યેથી કેટલા સમયમાં તેનો નિવેડો લાવવો, તેના વિશે કોઈ સમયમર્યાદા નક્કી કરી ન હતી.
તા. 22મી નવેમ્બરની સાંજની સ્થિતિ પ્રમાણે, મરણસંખ્યાની દૃષ્ટિએ ગુજરાતના ટોચના પાંચ જિલ્લામાં અમદાવાદ (ત્રણ હજાર 411), સુરત (એક હજાર 956), વડોદરા 788, રાજકોટ 725 અને જામનગર 478નો સમાવેશ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો