You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની 'સૌને મફત કોરોના રસી'ની જાહેરાત, વિપક્ષે કહ્યું અમે શરૂથી માગ કરતા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વર્તમાન સ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે રાષ્ટ્રજોગ સંબોધનમાં વાત કરી હતી, જે બાદ વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારની કોરોના સામેની કામગીરી અને સફળતાઓ અંગે ચર્ચા કરી, તો સામે પક્ષે વિરોધી પક્ષ કૉંગ્રેસે મોદી સરકારની કોરોના કામગીરીમાં ક્ષતિઓ અંગે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત સરકારે કોરોનાના સંકટ સામે લડવા માટે પોતાની તમામ મશીનરી કામે લગાડી અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે.
તેમણે સંબોધનની શરૂઆતમાં જ કોરોનાકાળમાં પરિવારજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
જ્યારે આની સામે કૉંગ્રેસે ટ્વીટ કરતાં લખ્યું, "દેશમાં કોરોનાની બીજી લહેરનો કેર છે, દેશવાસીઓએ સ્વજનોને ગુમાવ્યા છે."
"આવા સમયમાં દેશવાસીઓને ભાષણની નહીં પણ વડા પ્રધાન માફી માગે એની જરૂર છે, વડા પ્રધાન તેમની નિષ્ફળતાઓ માટે દેશવાસીઓની માફી માગે."
કોરોના રસી દેશભરમાં મફત મળશે - મોદીની જાહેરાત
વડા પ્રધાને જાહેરાત કરી કે હવે ભારત સરકાર દ્વારા જ જાતે તમામ રાજ્ય સરકારોને વિનામૂલ્યે વૅક્સિન પૂરી પાડવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિન આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ખાનગી હૉસ્પિટલ દ્વારા વૅક્સિન મેળવવા માગતા લોકો તે રસ્તો અપનાવી શકશે.
આ અભિયાનની શરૂઆત બે અઠવાડિયાં બાદ, 21 જૂનના રોજ કરાશે.
જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાત પર વિપક્ષની આકરી પ્રતિક્રિયા આવી રહી છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરતાં લખ્યું, "પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે સૂચન આપ્યું હતું કે વૅક્સિનના ડોઝ કેન્દ્ર સરકાર ખરીદે અને રાજ્યોને વિતરણ કરે."
"વડા પ્રધાનને આટલી સામાન્ય વાત સમજતાં દોઢ મહિનો લાગી ગયો."
મોદી સરકારે રસીકરણની વ્યવસ્થા કેમ બદલવી પડી?
વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે દેશમાં ઘણાં રાજ્યો અને ઘણા રાજકીય પક્ષો દ્વારા સતત એવી માગ કરાઈ રહી હતી કે વૅક્સિનેશનનું તમામ કારભાર કેન્દ્ર સરકાર પોતે કેમ સંભાળી રહી છે?
તેમણે કહ્યું, "ઘણા પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારને પત્ર લખીને વૅક્સિનેશનનું કામ રાજ્યોને સોંપવાની માગ કરી હતી."
"તેમાં દલીલ કરી હતી કે બંધારણમાં આરોગ્ય માટેની જવાબદારી મુખ્યપણે રાજ્યને શીરે હોઈ રાજ્ય સરકારોને વૅક્સિનેશન માટેના અધિકાર અપાવવા જોઈએ."
વડા પ્રધાને પોતાના સંબોધનમાં આગળ જણાવ્યું કે થોડા દિવસો સુધી ચાલેલી વ્યવસ્થા બાદ ઘણાં રાજ્યોને ખ્યાલ આવ્યો કે પ્રક્રિયા કેટલી જટીલ હોઈ શકે અને મુશ્કેલીઓ સમજાતાં ઘણાં રાજ્યોએ પહેલાંની જેમ વ્યવસ્થા ફરી લાગુ કરવાની માગ ઉઠાવી હતી.
વડા પ્રધાને કહ્યું કે, "નવી વ્યવસ્થા અનુસાર ભારત સરકાર વૅક્સિનનિર્માતાઓ પાસેથી 75 ટકા રસી જાતે ખરીને મફતમાં રાજ્યોને આપશે. તેમજ 25 ટકા ઉત્પાદન ખાનગી હૉસ્પિટલો ખાનગી રસીકરણ કાર્યક્રમ ચલાવવા માટે ખરીદી શકશે."
તેમણે કહ્યું કે તમામ હૉસ્પિટલો ખાનગી ધોરણે વૅક્સિન મૂકવા માટે અમુક નિર્ધારિત રકમ કરતાં વધુ પૈસા નહીં વસૂલી શકે.
વડા પ્રધાનની જાહેરાત પ્રમાણે બે સપ્તાહ બાદ 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસથી પહેલાંની માફક 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવશે.
ગરીબ કલ્યાણ યોજના દિવાળી સુધી ચાલુ રહેશે
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના કપરા કાળમાં મુશ્કેલી અનુભવી રહેલા ગરીબોની સહાય માટે કેન્દ્ર સરકારે વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
માધ્યમોમાં જારી થયેલ માહિતી અનુસાર વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે રાશન કાર્ડધારકો માટે પ્રતિ વ્યક્તિ પાંચ કિલોગ્રામ અતિરિક્ત અન્ન (ઘઉં અથવા ચોખા) મફત આપશે.
આ યોજના પહેલાં મે અને જૂન માસ સુધી જ સીમિત હતી. પરંતુ પરિસ્થિતિઓનો તાગ મેળવ્યા બાદ વડા પ્રધાને આ યોજના દિવાળી સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
વર્ષ અગાઉ નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?
નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી હતી, RBI અને કેન્દ્ર સરકારના અગાઉનું પૅકેજને સંયુક્ત રીતે ગણતા નવું પૅકેજ કુલ રૂ. 20 લાખ કરોડનું હતું. આ છે એ સંબોધનના મુખ્ય મુદ્દાઓ.
- કોરોનાને કારણે દેશ વિદેશમાં મૃત્યુ પામેલાંઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
- કોરોના જેવું સંકટ આપણે અગાઉ ક્યારેય જોયું સાંભળ્યું નથી, માનવજાતા માટે આ સંકટ અકલ્પનીય છે.
- કોરોના સામે થાકવું હારવું કે તૂટવું માનવજાતને મંજૂર નથી, એટલે હવે આપણે આ નિયમોનું પાલન કરીને બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે.
- કોરોના પહેલાં અને પછીની સ્થિતિને ભારતની નજરથી જોઈએ, તો 21મી સદી ભારતની હશે તે આપણું સપનું જ નહીં, જવાબદારી પણ.
- કોરોના પૂર્વે ભારતમા PPE કિટ્સ બનતી ન હતી અને એન 95 માસ્ક નામમાત્રના બનતા, આજે બંને દૈનિક બે બે લાખની સંખ્યામાં નિર્માણ થાય છે.
- આત્મનિર્ભર ભારત એટલે આત્મકેન્દ્રિત ભારત નહીં, પરંતુ તેમાં સમગ્ર વિશ્વની સુખ શાંતિની ચિંતા અભિપ્રેત.
- ટીબી, પોલિયો, ઇન્ટરનેશનલ સૉલર અલાયન્સ, ઇન્ટરનેશનલ યોગ દિવસ અને સ્વચ્છ ભારત જેવાં ભારતનાં અભિયાનોથી વિશ્વને પણ ફેર પડ્યો.
- જરૂરિયાના સમયે વિશ્વભરમાં દવાની નિકાસ થવાથી દેશની પ્રશંસા થઈ રહી છે, જે દેશવાસીને ગદગદ કરી દે છે.
- 130 કરોડ દેશવાસીઓ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લે, દેશ પાસે સાધન સામર્થ્ય અને ટેલેન્ટ છે. આત્મનિર્ભર ભારતની ઇમારત પાંચ સ્તંભ ઉપર ઊભી હશે; ઇકૉનૉમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સિસ્ટમ, ડેમૉગ્રાફી અને ડિમાન્ડ હશે.
- લૅન્ડ, લેબર, લિક્વિડિટી તથા લૉ એમ તમામ બાબત ઉપર પૅકેજ દ્વારા ભાર મૂકાશે, જે લઘુ અને કુટિર ઉદ્યોગોને આધાર આપશે, જે સૌથી વધુ રોજગાર આપશે.
- જનધન-આધાર-મોબાઇલની મદદથી ગરીબોના ખાતાંમાં સીધા નાણાં પહોંચ્યાં, કૃષિઉત્પાદન અને વિતરણમાં સુધાર આવશે, ટૅક્સ નિયમોને સરળ બનાવાશે.
- ગરીબ, પરપ્રાંતીય શ્રમિક, માછીમાર, પશુપાલક, શ્રમિક તથા ઘરઘાટી એમ તમામ માટે આર્થિક પૅકેજમાં જોગવાઈ હશે.
- કોરોનાએ ભારતને લોકલ માર્કેટ, લોકલ ડિમાન્ડ અને લોકલ સપ્લાયનું મહત્ત્વ સમજાવ્યું અને તેણે દેશને બચાવ્યો.
- આજથી દરેક ભારતવાસીએ લોકલ બ્રાન્ડ્સનો સામાન ખરીદે તથા તેનો પ્રચાર પણ કરે, દેશ આવું બધું કરી શકવા માટે સક્ષમ.
- કોરોના લાંબા સમય સુધી જીવનનો ભાગરૂપ બની રહેશે, જિંદગીને તેની આજુબાજુ કેન્દ્રિત ન રાખી શકાય ; માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી બની રહેશે.
- લૉકડાઉન 4.0 લાગુ થશે, તે સંપૂર્ણપણે નવીન હશે, તેના માટેની માહિતી તા. 18મી મે પહેલાં અપાશે.
કોરોનાકાળમાં મોદીના રાષ્ટ્રજોગ સંબોધનો
તા. 14મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંબંધે અંતિમ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સાત મુદ્દે દેશવાસીઓનો સાથ માગ્યો હતો.
કોરોના મુદ્દે સૌ પહેલાં 19મી માર્ચે કોરોના વાઇરસના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.
24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.
ત્રીજી એપ્રિલે સવારે નવ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે 5મી એપ્રિલના રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે 'દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશલાઇટ' દ્વારા એકજૂટ હોવાની તથા પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
વડા પ્રધાન મોદીના પ્રતિમાસિક રાષ્ટ્રજોગ સંવાદ 'મન કી બાત'ના માર્ચ (29મી) તથા એપ્રિલ (26મી)ના કાર્યક્રમ મહદંશે કોરોના પર જ કેન્દ્રિત રહ્યા હતા, જેમાં તેમનો સંવાદ કોરોના-કેન્દ્રિત જ રહ્યો હતો.
અન્ય નોંધપાત્ર રાષ્ટ્રજોગ સંબોધન
ઑગસ્ટ-2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન તથા તેના વિશેષ રાજ્યના દરજ્જાને નાબૂદ કરવા પાછળ કેન્દ્ર સરકારના તર્ક અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને કેવી રીતે લાભકારક થશે તે જણાવવા માટે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
કોરોના સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી (તા. આઠમી નવેમ્બર 2016) તથા 'મિશન શક્તિ'ની (જેમાં ભારતે જમીન પરથી અવકાશમાં સેટેલાઇટને ધ્વસ્ત કરવાની ક્ષમતા હાંસલ કરી) સફળતાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા કરી હતી.
વિપક્ષ સહિત કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે નોટબંધીને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોની કમર તૂટી ગઈ. 'મિશન શક્તિ'ની જાહેરાત વખતે સામાન્ય ચૂંટણી ચાલી રહી હતી, જેથી વિપક્ષે તેની સામે ચૂંટણીપંચનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો